Varasdaar - 9 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 9

વારસદાર પ્રકરણ 9

" આઈ એમ સોરી. તમારા ઇરાદાનો હવે મને ખ્યાલ આવી ગયો. હું તમારી સાથે હોટલમાં નહીં આવું. " કેતા છણકો કરીને બોલી.

" અરે તમે મને સમજવાનો પ્રયત્ન કરો. તમને રૂમ અપાવીને હું તો અંકલના ઘરે જવા નીકળી જાઉં છું. મને તમારી સાથે હોટલમાં રહેવાનો કોઈ શોખ નથી. સવારે છ વાગે મારા અંકલના ત્યાં હું તમને લઈ જાઉં તો તમારો પરિચય શું આપુ ? તમારી આખી સ્ટોરી મારે એમને કહેવી પડે. એટલે જ મેં રાત્રે વિચાર બદલી નાખ્યો. તમને ઉતારીને હું અંકલ ના ઘરે જઈશ. તમે આરામ કરો. સમય કાઢીને હું પાછો આવીશ અને તમને મુલુંડ લઈ જઈશ. " મંથન બોલ્યો.

મંથનની વાતમાં સચ્ચાઈનો રણકો હતો અને એની આંખો નિર્મલ હતી. કેતાને થયું કે પોતે મંથનને ખોટો સમજી રહી છે. બધા યુવાનો નીલેશ જેવા ના હોય.

" ઠીક છે. હું તમારા ઉપર વિશ્વાસ મુકું છું. " કેતા બોલી.

મંથન એને લઈને હોટલમાં રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો. રજીસ્ટર માં બંનેના નામ લખાવ્યાં. પોતાનું આઇ.ડી આપ્યું. ૨૦૪ નંબરની ચાવી લઈને લિફ્ટ તરફ ગયો. કેતા પણ પાછળ પાછળ ગઈ.

" હવે તમને વાંધો ના હોય તો હું બ્રશ કરીને ફ્રેશ થઈ જાઉં અને નાહી લઉં. કારણકે અત્યારે સવારે છ વાગે અંકલ ની ફેમિલીને ડિસ્ટર્બ કરવું મને યોગ્ય નથી લાગતું. એક તો પહેલી વાર એમના ઘરે જાઉં છું " મંથન બોલ્યો.

" અંકલ ના ઘરે પહેલીવાર ? " કેતા ને સમજાયું નહીં.

"હા પહેલીવાર. મારા પપ્પાના એ મિત્ર છે . નવો જ પરિચય થયો છે. કોઈ કામથી એમને મારે આજે મળવાનું છે. એમનું ફેમિલી તો મને ઓળખતું પણ નથી પછી સવાર સવારમાં એમના ઘરે ધામા નાખું એ બરાબર નથી. " મંથન બોલ્યો.

" હા એ વાત પણ સાચી છે. નો પ્રોબ્લેમ. તમે નાહી ધોઇને ફ્રેશ થઈ જાઓ. હું ત્યાં સુધી થોડો આરામ કરી લઉં. " કેતા બોલી.

મંથને બેગમાંથી બ્રશ ટૂથપેસ્ટ દાઢીનો સામાન બહાર કાઢ્યાં. નાહવા માટે ટુવાલ અને અન્ડરવેર પણ સાથે લઈ લીધાં અને બાથરૂમમાં ગયો.

પહેલાં બ્રશ દાઢી વગેરે પતાવી એ ફ્રેશ થઈ ગયો. એ પછી એણે શાવર નીચે નાહી લીધું.

લગભગ ૪૦ મિનિટમાં એ બહાર આવી ગયો.

મંથને બહાર આવીને જીન્સનું પેન્ટ અને બ્લુ ચેક્સ વાળું શર્ટ પહેરી લીધું. શરીરે ગોરો હોવાથી આ કલરમાં એ વધારે હેન્ડસમ લાગતો હતો. કેતા એને જોઈ રહી હતી.

" તમે ચા તો પીઓ છો ને ? " મંથને તૈયાર થઈને એને પૂછ્યું.

" હા પણ મને દસ મિનિટ આપો. હું પણ બ્રશ કરી લઉં. " કેતા બોલી.

" અરે ચા આવતાં આવતાં જ ૧૦ મિનિટ થઈ જશે. તમે આરામથી બ્રશ કરી લો. " મંથન હસીને બોલ્યો.

જો કે કેતા બ્રશ કરીને બહાર આવી એ પછી જ મંથને રૂમ સર્વિસમાં ચાનો ઓર્ડર આપ્યો.

" તમને નાસ્તો કરવાની ટેવ છે ? તો એ પણ મંગાવી લઉં. " ચાનો ઓર્ડર આપ્યા પછી યાદ આવ્યું એટલે મંથન બોલ્યો.

" ના. અત્યારે ચાની જ ટેવ છે. " કેતા હસીને બોલી.

ચા આવી એટલે મંથને પેમેન્ટ કરી દીધું. ચા પીને એ તરત ઊભો થઈ ગયો.

" લો આ બે હજાર તમે હમણાં તમારી પાસે રાખો. અહીંયા રૂમમાં જ જમવાનું મળે છે એટલે તમે જમી લેજો. રૂમ સર્વિસનો નંબર ૯ છે. એ દબાવી દેજો અને જે જોઈએ એનો ઓર્ડર આપી દેજો. સામે ટેબલ ઉપર મેનુ પડ્યું છે. મારી રસોઈ અંકલના ત્યાં બનવાની છે એટલે મારી રાહ જોશો નહીં. " કહીને મંથને ૨૦૦૦ રૂપિયા કેતાના હાથમાં મુક્યા.

" અરે પણ મારે પૈસાની ક્યાં જરૂર છે ? મારી પાસે ૧૦૦૦ જેટલા છે. " કેતા બોલી.

" તમે અત્યારે રાખોને ! મુંબઈમાં ડગલેને પગલે પૈસાની જરૂર પડે છે. હું કેટલા વાગે આવીશ એ નક્કી નથી પરંતુ ત્રણ વાગ્યા પછી ગમે ત્યારે આવી જઈશ. " કહીને મંથન બહાર નીકળી ગયો.

કેટલો કાળજી વાળો યુવાન છે આ મંથન !! કોઈ જ પરિચય નથી છતાં મુલુંડ જવામાં મને તકલીફ ના પડે એટલા માટે થઈને એણે મને કંપની આપી અને હોટલમાં ઉતારો આપ્યો. પોતે જ રૂમ રાખી છે છતાં નાહવા ધોવા માટે મારી પરમિશન માગી !! રૂમમાં પણ નાની-નાની બાબતોની મને સમજ આપી.

મંથન હોટલમાંથી બહાર નીકળ્યો ત્યારે સવારના સાડા સાત વાગી ગયા હતા.
હવે અંકલ ના ઘરે જવામાં કોઈ પ્રોબ્લેમ નથી.

મંથને રિક્ષા કરી અને ચંદાવરકર રોડ થઇને બાભઈ નાકા ચાર રસ્તા પાસે મયુર ટાવર પહોંચી ગયો. એણે રીક્ષા છોડી દીધી અને લિફ્ટ માં બેસીને પાંચમામાળે ઝાલા સાહેબના ફ્લેટ સુધી પહોંચી ગયો.

ડોરબેલ માર્યો ત્યાં ૨૩ ૨૪ ની ઉંમરની એક ખૂબસૂરત યુવતીએ દરવાજો ખોલ્યો. મંથન તો એને જોઈ જ રહ્યો. આજ સુધી આટલું અદ્ભુત સૌંદર્ય એણે ક્યારેય પણ જોયું ન હતું. એ ઝાલા સાહેબની દીકરી અદિતિ હતી. એને ખબર જ હતી એટલે એણે મંથનને હસીને આવકાર આપ્યો.

એટલામાં ત્યાં ઝાલા અંકલ પણ આવી ગયા. મંથન એમની સાથે ડ્રોઈંગ રૂમમાં ગયો અને સોફા ઉપર બેઠો. ઝાલા અંકલ પણ સામે બેઠા.

" તમે તો ગુજરાત મેલમાં આવવાના હતા ને ? એ તો છ વાગે આવી જાય છે. " ઝાલા અંકલે પૂછ્યું.

" હા અંકલ પરંતુ સવારે છ વાગે બધાને ડિસ્ટર્બ કરવાનું મને યોગ્ય ન લાગ્યું. એટલે સ્ટેશન પાસેની એક હોટલમાં ગયો. ત્યાં ફ્રેશ થઈ નાહી ધોઈને પછી હું અહીં આવ્યો. " મંથન નિખાલસતાથી બોલ્યો.

" અરે ભલા માણસ તમે મને પારકો સમજ્યા. આ તમારું જ ઘર છે. આવો સંકોચ રાખવાનો હોય જ નહીં. અડધી રાત્રે પણ તમને મારા ઘરે આવકાર મળે. મારા અને વિજયભાઈના સંબંધો એવા હતા. " ઝાલા અંકલ બોલ્યા.

થોડીવારમાં જ એમનાં પત્ની સરયૂબા ડ્રોઈંગરૂમ માં આવ્યાં. મંથને ઊભા થઈ એમના ચરણસ્પર્શ કર્યા.

" અરે અરે... તમે તો બ્રાહ્મણના દીકરા છો. તમારે અમને પગે લાગવાનું ના હોય ! તમારા સંસ્કાર જોઈને મને ખૂબ જ આનંદ થયો. વિજયભાઈ આજે હયાત હોત તો એ કેટલા ખુશ થાત. તમને બહુ જ યાદ કરતા હતા. " સરયૂબા બોલ્યાં. એમની આંખો ભીની થઈ ગઈ.

" હું પણ એમને કદી જોઈ ના શક્યો એનું મને બહુ દુઃખ છે. મમ્મી અને પપ્પા વચ્ચે બહુ મોટી ગેરસમજ થઈ હતી એ જાણ્યા પછી તો મને વધારે દુઃખ થયું. હવે તો ઝાલા અંકલ જ મારા પિતાની જગ્યાએ છે. " મંથન બોલ્યો.

મંથનની વાતો ઝાલા અંકલ અને એમનાં પત્ની સરયૂબાને સ્પર્શી ગઈ. છોકરો ખરેખર ખૂબ જ સંસ્કારી છે !

દસેક મિનિટમાં અદિતિ ટ્રે માં ચા લઈને આવી. મંથનની સામેની ટીપોઈ પર ચાનો કપ મુક્યો અને પાછી રસોડામાં જઈને બટેટાપૌંઆની ડીશ લઈ આવી.

" અરે પણ મારાથી આટલું બધું ખવાશે નહીં. તમે એક કામ કરો. એક બીજી ડીશ લઇ આવો અને મને કંપની આપો." મંથને હસીને અદિતિને કહ્યું.

અદિતિ ખમચાઈને ઊભી રહી એટલે ઝાલા અંકલ બોલ્યા.

" જા બેટા બીજી ડીશ લઇ આવ. મંથન ઘરનો જ છે. સંકોચ રાખવાની જરૂર નથી. " અંકલ બોલ્યા.

અદિતિ કિચનમાં જઈને બીજી ડીશ લઈ આવી. મંથને પોતાના હાથે થોડાક બટેટાપૌંઆ અદિતિની ડીશમાં ઠલવ્યા.
અદિતિ એ ડીશ લઈને કિચનમાં જતી રહી.

" એ બહુ શરમાળ છે તમારી સામે નહીં ખાય. " સરયૂબા બોલ્યાં.

" તમારો ફ્લેટ ગઈકાલે સાફસુફ કરાવી દીધો છે. હવે તમારો શું પ્રોગ્રામ છે ? " ઝાલા અંકલ બોલ્યા.

" આજે તો બપોરે મારા એક મિત્રને મારે મળવાનું છે એટલે સાંજ સુધી તો હું એની સાથે બીઝી છું. રાત્રે હું અહીં આવી જઈશ. કાલે સવારે તમે જ મારી સાથે મલાડ આવો કારણ કે મલાડનો મને કોઈ આઈડિયા નથી. " મંથન બોલ્યો.

" તમે જેમ કહો તેમ. મને કંઈ પ્રોબ્લેમ નથી. કાલે સવારે આપણે સાથે જ મલાડ જઈ આવીએ. તમને કાલે તમારા પપ્પાની અંધેરીની ઓફિસ પણ બતાવી દઉં. બે વર્ષથી તો ઓફિસ બંધ છે પરંતુ એક જમાનામાં આ ઓફિસ ધમધમતી હતી. વિજયભાઈએ ઘણી બધી સ્કીમો આ ઓફિસમાં બેસીને કરેલી. " ઝાલા અંકલ બોલ્યા.

" મારે પણ હવે કંસ્ટ્રકશન બિઝનેસ વિશે જ વિચારવું પડશે. સિવિલ એન્જિનિયર થયેલો છું અને ટોપ રેન્કર છું. પપ્પાનું જ લોહી મારામાં છે. " મંથન બોલ્યો.

" તમારા વિચારો જાણીને મને ખૂબ જ આનંદ થયો. તમારા જ્ઞાનનો શ્રેષ્ઠ ઉપયોગ તમે મુંબઈમાં જ કરી શકો. તમારા જેવા સ્માર્ટ વ્યક્તિ માટે અમદાવાદ બહુ નાનું પડે. તમે જો આ દિશામાં ગંભીરતાથી નિર્ણય લો તો તમારી ઓફિસ હું ફરી વ્યવસ્થિત કરાવી દઉં અને જરૂરી સ્ટાફની ભરતી પણ કરી દઈએ. " ઝાલા અંકલ ઉત્સાહથી બોલ્યા.

" હું ચોક્કસ તમને કહીશ. મુંબઈ શિફ્ટ થવાનો હજુ મેં ફાઇનલ નિર્ણય નથી લીધો છતાં તમારી વાત ઉપર ચોક્કસ વિચાર કરીશ. એટલા માટે તો હું મુંબઈ આવ્યો છું. ઘર અને ઓફિસ બંને એક વાર જોઈ લઈએ. " મંથન બોલ્યો. એ સ્પષ્ટવક્તા હતો.

" રાત્રે ટ્રેનમાં બરાબર ઉંઘ ન આવી હોય અને તમારે થોડી વાર આરામ કરવો હોય તો બેડરૂમમાં આરામ કરો. વાતો તો પછી પણ થતી રહેશે." ઝાલા અંકલ બોલ્યા.

" ઊંઘ તો નહીં આવે છતાં થોડો આરામ કરી લઉં. " મંથન બોલ્યો. એને સતત વાતો કરવી ગમતી ન હતી.

ઝાલા અંકલે એને બેડરૂમ બતાવી દીધો અને ત્યાં એસી ચાલુ કરી દીધું. મંથન બેડમાં આડો પડ્યો. અંકલે ધીમેથી બેડરૂમનો દરવાજો બંધ કર્યો.

લગભગ પોણા બાર વાગે ઝાલા અંકલ દરવાજો ખટખટાવીને અંદર આવ્યા.

" ઊંઘ આવી બરાબર ? ચાલો જમવાનું તૈયાર છે. " અંકલ બોલ્યા.

" હા... થોડો આરામ મળી ગયો. " કહીને મંથન ઉભો થઇ ગયો. બહાર આવી વોશબેસિન પાસે જઈ હાથ ધોઈ નાખ્યા અને ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયો.

જમવામાં ઘણી વેરાઈટીઝ બનાવી હતી. ફ્રુટસલાડ, પૂરી, ફ્લાવર બટેટાનું મિક્સ શાક, ખમણ, કઢી અને ભાત.

" ભોજનનું આ તમામ મેનેજમેન્ટ અમારી આ અદિતિનું છે. માત્ર પૂરી મેં બનાવી છે અને ખમણ બહારથી મંગાવ્યાં છે. સવારથી જ એ કિચનમાં લાગી પડી છે. " સરયૂબા બોલ્યાં.

" રસોઈ અદિતિએ દિલથી બનાવી છે. ફ્રુટ સલાડ પણ ખરેખર સરસ બન્યો છે " મંથન બોલ્યો એટલે ફ્રુટ સલાડ પીરસવા આવેલી અદિતિ શરમાઈ ગઈ. એણે જબરદસ્તી મંથનની વાડકી ફ્રુટ સલાડથી ભરી દીધી.

" અરે તમે આ શું કર્યું ? મારાથી આટલું બધું નહીં ખવાય હવે. " મંથન બોલ્યો.

" ભાવતી વસ્તુનો વિરોધ ના કરાય." અદિતિ મંથનની સામે જોઈને બોલી.

ઝાલા અંકલ અને સરયૂબા હસી પડ્યાં.

જમ્યા પછી ફરી પાછા ઝાલા અંકલ અને મંથન ડ્રોઈંગ રૂમમાં આવ્યા.

" હવે તમે આરામ કરો. તમારે બપોર પછી પાછું કયાંક બહાર પણ જવાનું છે ને ? " અંકલ બોલ્યા.

" જી અંકલ. હું ત્રણ વાગે નીકળી જઈશ. ચા પાણીની કોઈ ધમાલ કરાવશો નહી હવે. એ લોકોને પણ આરામ કરવા દો. " મંથન બોલ્યો અને ઉભો થઈને બેડરૂમ માં ગયો.

એસી માં કદાચ ઊંઘ આવી જાય તો પાછું મોડું થઈ જાય એટલે એ મોબાઈલમાં એલાર્મ મૂકીને સૂઈ ગયો.

પોણા ત્રણ વાગે એ ઉઠી ગયો. એટેચડ
બાથરૂમમાં જઈને મોં ધોઈ નાખ્યું. એ બહાર નીકળ્યો તો ડ્રોઇંગરૂમમાં અદિતિ સોફા ઉપર આરામ કરી રહી હતી.

અવાજ સાંભળીને એ તરત જ જાગી ગઈ.

"તમારો બેડરૂમ આજે મેં પચાવી પાડ્યો. તમારે મારા કારણે આજે બહાર સૂવું પડ્યું. " મંથન બોલ્યો.

" તમે પણ શું ? તમે અમારા મહેમાન છો. એક વાત કહું ? " અદિતિ બોલી.

" તમને ના થોડી પડાશે ? " મંથન હસીને બોલ્યો.

"તમે વાતો બહુ સરસ કરો છો. તમારા વિશે પપ્પા પાસેથી સાંભળ્યું હતું એટલે તમને જોવાનું બહુ મન હતું. " અદિતિ ફરી શરમાઈને બોલી.

" અને હું તમને એક વાત કહું ? " મંથન હસીને બોલ્યો. " તમે બહુ જ ખૂબસૂરત છો. હું જલ્દી કોઈના વખાણ નથી કરતો. દિલથી કહી રહ્યો છું. " મંથનને નહોતું કહેવું તો ય કહેવાઇ ગયું.

" શું વાત કરો છો ? મને તો આજે જ ખબર પડી. તમે પહેલા છો જેણે મારી આટલી પ્રશંસા કરી. " અદિતિ હસીને બોલી.

" હું તમને ખુશ કરવા આ નથી કહી રહ્યો. કહેવા જેવું લાગે ત્યાં કહી જ દઉં છું. " મંથન બોલ્યો.

" તમે પણ ભારે મજાક કરો છો. આઈ લાઈક યોર નેચર !! દિલથી કહું છું. " અદિતિએ મંથનના શબ્દો દોહરાવ્યા.

" મારાથી વધારે પડતું બોલાઈ ગયું હોય તો માફ કરજો. ઝાલા સાહેબના મારા ઉપર ખૂબ જ ઉપકાર છે. મારે તમને આવું કહેવું જોઈએ કે નહીં એ મને ખબર નથી. " મંથન બોલ્યો.

" તમે આવી બધી ચિંતા નહીં કરો. આપણે મોડર્ન જમાનામાં જીવી રહ્યા છીએ. અને આ તો મુંબઈનું કલ્ચર છે. અહીં બોલવાની બધી આઝાદી છે. મને તો ઉપરથી સારું લાગ્યું. " અદિતિ બોલી.

" થેન્ક્સ. હવે હું રજા લઉં. મારા એક મિત્રને મળવાનું છે. મોડું વહેલું થાય તો પણ રાત્રે આવી જઈશ." મંથન બોલ્યો.

એ પછી મંથન બહાર નીકળી ગયો. રોડ ઉપર આવીને એણે રિક્ષા કરી અને બોરીવલી ઈસ્ટમાં હોટલ નાઈસ સ્ટે માં રીક્ષાને લઈ લેવાનું કહ્યું.

હોટલના રૂમમાં પહોંચ્યો ત્યારે બપોરના સવા ત્રણ વાગ્યા હતા. એણે દરવાજે ટકોરા માર્યા. કેતાએ થોડી વાર પછી બારણું ખોલ્યું.

" ઊંઘમાંથી ઊઠીને આવ્યાં લાગો છો." મંથન હસીને બોલ્યો અને રૂમમાં દાખલ થયો.

" હા જમ્યા પછી એસી માં આંખ મળી ગઈ હતી. " કેતા બોલી.

" કેવું હતું જમવાનું ? રૂમમાં બીજી કોઈ તકલીફ તો નથી પડી ને ? " મંથન બોલ્યો.

" સારું હતું જમવાનું. પંજાબી ડીશ હતી. તમે જઈ આવ્યા અંકલના ત્યાં ? પતી ગયું તમારું કામ ? " કેતા બોલી.

" કામ તો મારું આવતીકાલે પતશે. બે-ત્રણ દિવસ રોકાવું પડશે. આપણે અત્યારે સૌથી પહેલાં મુલુંડ જઈ આવીએ. એ પહેલા થોડી થોડી ચા પી લઈએ. " કહીને મંથને રૂમ સર્વિસમાં ચા માટે કોલ આપ્યો.

ચા આવી એટલે પીને મંથન કેતાને લઈને નીચે ઊતર્યો. રિસેપ્શનમાં ચાવી આપી દીધી.

બહાર આવીને રીક્ષા કરી અને ૧૦ મિનિટમાં બોરીવલી સ્ટેશને પહોંચી ગયાં. ત્યાંથી ફાસ્ટ પકડીને સવા ચાર વાગે બંને જણાં દાદર પહોંચી ગયાં. દાદરથી સાડા ચાર વાગ્યાની થાણે લોકલ પકડીને ચાલીસ મિનિટમાં મુલુંડ પણ પહોંચી ગયાં.

" હવે તમારા એડ્રેસની ચીઠ્ઠી બહાર કાઢો" મંથને સ્ટેશનની બહાર નીકળીને કેતાને કહ્યું.

કેતાએ પર્સમાંથી ચિઠ્ઠી કાઢી અને મંથન ને આપી. વીણાનગરના કોઈ ફ્લેટનું એડ્રેસ હતું. મંથન કેતા સાથે રિક્ષામાં બેઠો અને રીક્ષાવાળાને લાલ બહાદુર શાસ્ત્રી રોડ લઈ જવાનું કહ્યું. વીણાનગરના ગેટ ઉપર રીક્ષાને ઊભી રાખી.

ગેટ પરના સિક્યુરિટીને પૂછીને બંને જણાં એડ્રેસમાં બતાવેલા ફ્લેટ સુધી પહોંચી ગયાં. ફ્લેટના દરવાજા પાસે ઉભા રહીને મંથને કેતા સામે જોયું. કેતા એકદમ ગંભીર હતી. મંથને ડોરબેલ વગાડી.

કેતાનું દિલ ધડક ધડક થતું હતું. નીલેશ હમણાં દરવાજો ખોલશે અને મને જોઈને ખબર નહીં શું રીએક્શન આપશે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED