Varasdaar - 6 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 6

વારસદાર પ્રકરણ 6

મંથનને પોતાને પણ કલ્પના ન હતી કે બે લાખનો પગાર સવિતામાસીને કહેવાથી આખી પોળમાં એની આટલી ઈજ્જત વધી જશે !! એણે તો જસ્ટ મજાકમાં જ આવી વાત કરી હતી પરંતુ પોળના લોકોએ તો એ વાતને સાચી માની લીધી. તમામ લોકોનો દ્રષ્ટિકોણ જ જાણે કે બદલાઈ ગયો !

માણસ ગમે તેવો સારો હોય તો પણ એની સારપની કોઈ જ કિંમત હોતી નથી. એના પૈસાને જ લોકો સલામ કરતા હોય છે ! હવે એ બે લાખનો પગારદાર પ્રતિષ્ઠાવાન યુવાન બની ગયો !!

સવારે એ ચા પીવા માટે અંબિકા હોટલ ગયો તો ત્યાં જયેશ પણ એને જોઈને બોલી ઉઠ્યો.

" શું વાત છે મંથન ! તેં તો મને કાલે કહ્યું પણ નહીં !! બે લાખ રૂપિયા પગારની નોકરી તને મળી ગઈ ! " જયેશ પણ એની પુનિત પોળમાં જ રહેતો હતો.

" કેટલો સંઘર્ષ કર્યો છે મેં ? તું તો બધું જાણે જ છે. મહાદેવની કૃપા થઈ અને મારા દિવસો બદલાયા. " મંથન બોલ્યો.

" તારી વાત સાવ સાચી છે. સમયનું ચક્કર ફરતું જ રહે છે. તારી આ ખુશીમાં આજની ચા મારા તરફથી. " જયેશ બોલ્યો અને એણે એના હોટલ કામદાર બાલુને મંથનને ચા આપવા માટે ઓર્ડર કર્યો.

સવારે ૧૧ વાગ્યે મંથન દરિયાપુરની બેંક ઓફ બરોડામાં ગયો અને એણે એક લોકર ખોલાવ્યું. એનું ખાતું પણ આ જ બેંકમાં ચાલતું હતું.

લોકર ખોલાવ્યા પછી એ ઘરે ગયો અને દાગીના ભરેલી વજનદાર પ્લાસ્ટિકની બેગ એક કપડાની થેલીમાં મૂકી દીધી. ઉપર બે કપડાં મૂક્યાં જેથી બહારથી કોઇને ખ્યાલ ના આવે. થેલી સાયકલમાં ભરાવી ફરી એ બેંકમાં પહોંચી ગયો.

લોકરમાં એણે પ્લાસ્ટિકની બેગ મુકી દીધી. રોકડ કેશના રૂપિયા આવતીકાલે મૂકવાનું નક્કી કર્યું.

ઘરે આવીને એણે ૪૨ લાખ કેશમાંથી ૪૦ લાખ એક પ્લાસ્ટિકની બેગમાં પેક કરી દીધા. બે લાખ રૂપિયા જેટલી કેશ એણે ઘરમાં જ રાખવાનું નક્કી કર્યું.

એ પછી એ જમવા ગયો. જમીને ઘરે આવ્યા પછી એ આરામ કરવા મેડી ઉપર ગયો અને પલંગ પર આડો પડ્યો.

કરોડો રૂપિયા મારી પાસે આવ્યા છે ત્યારે આ રીતે હવે હું આળસુની જેમ ઘરમાં પડ્યો રહું એ બરાબર નથી. પોળનું વાતાવરણ પણ મારા માટે યોગ્ય નથી લાગતું. મારે જો અમદાવાદમાં જ સ્થાયી થવું હોય તો સેટેલાઈટ વસ્ત્રાપુર કે બોપલ બાજુ કોઈ સરસ બંગલો કે ફ્લેટ ખરીદી લેવો જોઈએ. અને કાં તો વહેલી તકે મારે મુંબઈ શિફ્ટ થઈ જવું જોઈએ. મારે એક નવી બાઇક પણ હવે લઈ લેવી જોઈએ. અત્યારે હાલ ગાડી લેવાનો કોઈ મતલબ નથી. - મંથન વિચારી રહ્યો.

એ દિવસે સાંજે જમીને આવ્યા પછી મંથનને એક વિચાર આવ્યો અને એ રાત્રે સાડા આઠ વાગે સીધો તોરલના ઘરે એના પપ્પા કાંતિલાલને મળવા માટે ગયો.

" જય જિનેન્દ્ર અંકલ ! " મંથન બોલ્યો. કાંતિલાલ પોતે જૈન વાણિયા હતા.

" આવ આવ મંથન... ઘણા દિવસે ભૂલો પડ્યો. " કાંતિલાલ બોલ્યા.

" હા અંકલ. કામ વગર થોડું અવાય છે ? " મંથન બોલ્યો. એની નજર ચારે તરફ તોરલને શોધી રહી હતી પરંતુ તોરલ ક્યાંય દેખાઈ નહીં.

" મંથનભાઈ ચા પીશો ને ? " કિચનમાં થી બહાર આવીને રંજનબેન બોલ્યાં. એ મંથનને હંમેશા માનથી બોલાવતાં. યુવાન છોકરાને તું તારી કહેવું એમને સારું નહોતું લાગતું.

" ના માસી હમણાં જમીને જ સીધો આવું છું. " મંથન બોલ્યો.

" માથે કેમ મુંડન કરાવ્યું છે ? સગામાં કોઈ ગુજરી ગયું છે કે શું ?" રંજનબેને પૂછ્યું.

" ના માસી. તિરુપતિ બાલાજી દર્શન કરવા ગયો હતો. તો ત્યાં મુંડન કરાવ્યું." મંથન બોલ્યો. એ આજકાલ માથે કેપ પહેરીને ફરતો હતો.

ત્યાં તો તોરલ બહારથી આવી. એ કરિયાણાની દુકાને ખાંડ લેવા ગઈ હતી. મંથનને બેઠેલો જોઈને થોડીક ખમચાઈ ગઈ. મંથનને એ ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ એની સગાઈ બીજે થઈ ગઈ હતી. એ મંથન સામે આંખ મિલાવી શકી નહીં. નીચું જોઈને સીધી કિચનમાં ચાલી ગઈ.

" અંકલ સેટેલાઈટ વસ્ત્રાપુર કે બોપલ બાજુ ફ્લેટ કે બંગલાના શું ભાવ ચાલતા હશે ? " મંથન જરા મોટેથી બોલ્યો જેથી તોરલ પણ સાંભળી શકે.

" કોના માટે ખરીદવો છે ? " કાંતિલાલે આશ્ચર્યથી પૂછ્યું.

" મારા પોતાના માટે અંકલ. હવે પોળમાંથી મન ઊઠી ગયું છે. " મંથન બોલ્યો.

" મંથન આજકાલ પ્રોપર્ટીના ભાવ શું ચાલે છે એ તને કંઈ ભાન છે ? તું તો એન્જિનિયર છે. તને તો ખબર હોવી જોઈએ ને ? બંગલો ખરીદવાની તું શું જોઇને વાત કરે છે !! હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં એક રૂમ રસોડાનો ફ્લેટ પણ ૧૦ ૧૫ લાખમાં મળતો નથી. તારું બજેટ કેટલુ છે એ બોલ ને ? " કાંતિલાલ અકળાઈને બોલ્યા.

હવે મંથનનો પિત્તો ગયો. આ માણસ પોતાની જાતને શું સમજતો હશે ? હું જ્યારે ફ્લેટ અને બંગલાના ભાવ પૂછવા આવ્યો છું તો શું એ મને બુધ્ધુ સમજે છે ?

" હવે બીજા દલાલને જ હું વાત કરીશ. પડોશીના સંબંધે હું અહીં આવ્યો હતો જેથી બે પૈસા કમિશન તમને મળે. " મંથન બોલતાં સહેજ ઉશ્કેરાઈ ગયો અને ઉભો થઇ ગયો.

કિચનમાં તોરલ કાન સરવા કરીને મંથનની બધી વાત સાંભળી રહી હતી.

" અરે પણ આમ ઉભો શું થઈ ગયો ? મને સાચી વાત કર ને ! કોના માટે તારે બંગલો કે ફ્લેટ જોઈએ છે ? કોઈ મોટી પાર્ટી તારી પાસે હોય તો તારું પણ થોડું સમજીશું." હવે કાંતિલાલ થોડા નરમ પડ્યા. છતાં એ સાચી વાત સમજી શક્યા નહીં.

" મારે મારા માટે જ ત્રણ બેડરૂમ નો મોટો ફ્લેટ અથવા તો બંગલો પોશ એરિયામાં જોઈએ છે. કિંમત ગમે એટલી હોય !! અત્યારે માત્ર ભાવ જાણવા આવ્યો છું. લેવો કે ન લેવો એ પછી નક્કી કરીશ. " મંથન બોલ્યો.

" પણ તારી પાસે એટલા પૈસા ક્યાં છે ? આ બધા એરિયામાં ખાલી બે બેડરૂમનો ફ્લેટ લેવા માટે પણ ૫૦ લાખનું બજેટ જોઈએ " કાંતિલાલ બોલ્યા.

" મારા બજેટની ચિંતા કરવાની તમારે જરૂર નથી અને મારી હેસિયત બતાવવાની પણ જરૂર નથી. મારું બજેટ બે કરોડનું છે. " મંથન બોલ્યો અને આ વખતે એ સાચે જ ઊભો થઈને ઘરની બહાર નીકળી ગયો.

એના ગયા પછી રંજનબેન કિચનમાંથી બહાર આવ્યાં.

" તમે પણ શું કારણ વગર મંથનને આટલા બધા સવાલો કરો છો ? એ બિચારો ભાવ પૂછવા આવ્યો હતો ત્યારે તમે એને ઉતારી પાડ્યો. એની હેસિયત હવે પહેલાં જેવી નથી. એને કોઈ વિદેશી કંપનીની નોકરી મળી છે. મહિને બે લાખ રૂપિયા પગાર મળે છે. ત્રણ મહિનાના છ લાખ રૂપિયા એને એડવાન્સમાં મળ્યા છે. એની કંપની એને કદાચ મકાનની લોન આપતી હોય કે એના કોઇ બોસ માટે એને લેવો હોય ! તમને ધંધો કરતાં પણ નથી આવડતું. બિચારાને નારાજ કરી દીધો." રંજનબેન બોલ્યાં.

" બે લાખ રૂપિયા પગારની નોકરી મળી ? અને છ લાખ એડવાન્સ !! મને તો આ કંઈ ખબર જ નથી." કાંતિલાલ આશ્ચર્યથી બોલ્યા.

" તમે તમારા ધંધામાંથી ઉંચા આવો ત્યારે ખબર પડે ને ? આખો દિવસ ફોન ઉપર મંડ્યા રહો છો !! આખી પોળ જાણે છે એક તમારા સિવાય ! " રંજનબેન બોલ્યાં.

રંજનબેનને પણ મંથન ગમતો હતો. મંથન એન્જિનિયર હતો પરંતુ એની કોઈ ચોક્કસ આવક ન હતી એટલે એ પોતાના પતિને સમજાવી શકતાં ન હતાં. તોરલનું દિલ મંથનમાં હતું એ પણ એ જાણતાં હતાં છતાં કાંતિલાલનો સ્વભાવ એટલો જિદ્દી અને ગુસ્સાવાળો હતો કે રંજનબેન કંઈ બોલી શકતાં ન હતાં.

જે છોકરા સાથે તોરલનું સગપણ કર્યું હતું એ તોરલ કરતાં ચાર-પાંચ વર્ષ મોટો હતો. માથે પણ ટાલ પડવાની શરુઆત થઈ ગઈ હતી. કાંતિલાલે માત્ર પૈસો જોયો હતો. અને એ કંઈ બહુ શ્રીમંત પણ ન હતો. રતનપોળમાં સાડીની દુકાન હતી અને પિતા સાથે એ ધંધામાં હતો.

એના કરતાં આ મંથન માટે એ માની ગયા હોત તો કેટલું સારું ? તોરલ કરતા માત્ર બે વર્ષ મોટો છે. દેખાવે પણ એકદમ હેન્ડસમ છે અને હવે તો બે લાખ રૂપિયાનો પગાર એનો ચાલુ થઈ ગયો છે. ઘરકામ પણ હવે મંજુબેન પાસે બંધાવી દીધું છે. આજે એ બંગલો કે ફ્લેટ ખરીદવાની વાત કરવા આવ્યો હતો. તોરલનું તો સગપણ પણ ઉતાવળ કરીને કરી નાખ્યું. હવે શું ? - રંજનબેન મનોમન અફસોસ વ્યક્ત કરી રહ્યાં હતાં.

તોરલે પણ કિચનમાં મંથને કરેલી બધી જ વાત સાંભળી હતી. જો કે એને તો પોળમાંથી પણ સમાચાર મળી ગયા હતા કે મંથનને બે લાખ રૂપિયાના પગારની નોકરી મળી છે. અને એણે ઘરે કામ પણ બંધાવી લીધું છે. આજે એણે પપ્પા સાથે કોઈ પોશ એરિયામા સારો ફ્લેટ કે બંગલો લેવાની વાત કરી. જો મારી સગાઈ બે દિવસ પહેલાં ના થઇ હોત તો હવે મંથન સાથે એનાં લગ્ન કરવામાં કોઈ વિઘ્ન ન હતું. માત્ર બે દિવસ માટે કિસ્મતે મારી સાથે મજાક કરી નાખી !!

બીજા દિવસે સવારે મંથન રીક્ષા કરીને બેંક ઓફ બરોડા માં ગયો અને ૪૦ લાખ રોકડા લોકરમાં મૂકી આવ્યો. બેંક નજીક જ હતી છતાં જોખમ હતું એટલે એણે રિક્ષા કરેલી.

ત્યાંથી ફરી રીક્ષા કરીને એ નજીકમાં આવેલા બાઈકના શો રૂમમાં ગયો. ત્યાં જઈને એણે હીરો સ્પ્લેન્ડર બાઈક પસંદ કર્યું. ચેક લઈને જ ગયેલો એટલે એણે પેમેન્ટ પણ કરી દીધું. ફોર્માલિટી પતાવીને એણે બાઈક છોડાવી દીધું અને ત્યાંથી એ દર્શન કરવા સીધો માધુપુરાના અંબાજી મંદિરે ગયો.

દર્શન કરીને એ સીધો જમવા માટે રૂપાપરી ની પોળમાં ગયો. આજે તો ઉર્મિલામાસીએ પૂરણપોળી બનાવી હતી. ઘી થી લથપથ પૂરણપોળી માસીએ એને પીરસી.

જમી કરીને નવી બાઇક ઉપર મંથન ઘરે પહોંચ્યો ત્યારે બપોરના ૧૨:૩૦ થઈ ગયા હતા. મંથનની નવી બાઈકે બધાનું ધ્યાન ખેંચ્યું. બધાંને હવે વિશ્વાસ આવી ગયો કે ખરેખર મંથન પાસે છ લાખ રૂપિયા આવી ગયા છે.

મંથન બાઇક લઇને પોળમાં આવ્યો ત્યારે તોરલ પણ ઓટલા ઉપર જ ઉભી હતી. મંથન હવે આત્મવિશ્વાસ થી ભરેલો સુંદર યુવાન દેખાતો હતો. તોરલે નિઃસાસો નાખ્યો.

મંથને ઘરે જઈને બાઇકને પાર્ક કરી અને ત્યાં પડેલી પોતાની જૂની સાયકલને પોતાના ઘરેથી ત્રીજા ઘર આગળ મૂકી અને એ ઘરની જાળી ખખડાવી.

" જયા માસી. આ સાયકલ મૂકી જાઉં છું. આજથી આ સાઈકલ તમારો હર્ષદ વાપરશે. એ આવે તો એને કહી દેજો. મેં નવી બાઈક લઈ લીધી છે એટલે સાઈકલની મારે જરૂર નથી.ભલે એ વાપરતો. " મંથન બોલ્યો.

" ભલે ભાઈ કહી દઈશ. એ આવતો જ હશે. આ બહુ સારું કામ કર્યું . મારો હર્ષદ તો રાજીના રેડ થઈ જશે. " જયાબેન બોલ્યાં.

હર્ષદ એચ.બી. કાપડિયા હાઇસ્કુલમાં દસમા ધોરણમાં ભણતો હતો. નાનપણથી એને સાયકલનો શોખ હતો. નાનો હતો ત્યારે ઘણીવાર એ મંથનની સાયકલ શીખવા માટે લઈ જતો. એના પિતા છૂટક મિસ્ત્રીકામ કરતા. હર્ષદ રોજ બસમાં બેસીને સ્કૂલે જતો હતો. સ્કૂલ માત્ર બે કિલોમીટર દૂર હતી. સાયકલ ગિફ્ટ આપવા માટે હર્ષદથી વધુ યોગ્ય પાત્ર પોળમાં બીજું કોઈ ન હતું.

એ પછી બીજા ત્રણ-ચાર દિવસ પસાર થઈ ગયા. મંથનની ઈચ્છા મુંબઈ જઈને ત્રણે બેંકોમાં પપ્પાના જે પણ એકાઉન્ટ હતા એ પોતાના નામે એક્ટિવેટ કરાવવાની હતી કારણકે એ હવે કાયદેસરનો વારસદાર હતો. બેંકમાં જઈને નિયત ફોર્મમાં સહી કરવી જરૂરી હતી.

એ સિવાય પોતાનો મલાડમાં આવેલો સુંદરનગરનો ફ્લેટ જોવાની પણ એની ઈચ્છા હતી. ઝાલા અંકલને પણ એક વાર મળી લેવું હતું. એમણે કોઈ છોકરીની પણ વાત કરી હતી. એટલે લગ્ન માટે પણ હવે બીજાં પાત્રો જોવાં પડશે. તોરલની તો હવે સગાઈ થઇ ગઇ હતી.

ત્રીજના દિવસે પોળમાં નવચંડી હવન હતો એટલે હવન પતી જાય પછી જ મુંબઈ જવાનો એણે નિર્ણય લીધો.

પ્રારબ્ધ જ્યારે સાથ આપે છે ત્યારે ચારે બાજુથી યશ પ્રતિષ્ઠા મળતાં હોય છે. શિવરાત્રીની આગલી રાત્રે લગભગ દોઢ વાગે મંથનના મોબાઈલ ઉપર તોરલનો ફોન આવ્યો.

" પપ્પાને છાતીમાં દુખાવો ઉપડયો છે. બહુ જ ગભરામણ થાય છે. આખા શરીરે પરસેવો વળી ગયો છે. તમે જલ્દી ઘરે આવો ને ! તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડશે. " તોરલ રડમસ અવાજે વાત કરતી હતી.

મંથન ઉભો થઇ ગયો. નાઈટ ડ્રેસ કાઢીને નોર્મલ કપડાં પહેરી લીધાં. એણે કબાટમાંથી દસેક હજાર રૂપિયા પોતાના ખિસ્સામાં મૂકયા અને લગભગ દોડતો જ કાંતિલાલના ઘરે પહોંચી ગયો. કાંતિલાલની હાલત જોઈ એણે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી. એમ્બ્યુલન્સ આવી એટલે આજુબાજુના ત્રણ ચાર ઘરના પડોશીઓ પણ બહાર આવ્યા.

મંથન એમ્બ્યુલન્સમાં જ કાંતિલાલની સાથે વી.એસ હોસ્પિટલમાં ગયો. ઇમર્જન્સીમાં ચેકઅપ કરાવી એમને વોર્ડમાં લઈ લીધા. જરૂરી ટ્રીટમેન્ટ ચાલુ પણ થઈ ગઈ.

ત્યાં સુધીમાં રિક્ષામાં બેસીને તોરલ એની મમ્મી અને એમના નજીકના એક પાડોશી મહેન્દ્રભાઈ પણ હોસ્પિટલમાં આવી ગયા. મંથને વોર્ડ નંબર કહી દીધો હતો એટલે એ લોકો સીધા વોર્ડમાં જ આવ્યા.

હોસ્પિટલમાં ડીપોઝીટ ભરવાની હતી એટલે એણે નીચે જઈને દશ હજાર ડિપોઝિટના પણ ભરી દીધા.

" ડોક્ટર સાથે મારે વાતચીત થઈ ગઈ છે. ચિંતા કરવા જેવું નથી. માઈલ્ડ એટેક આવેલો છે પરંતુ ડોક્ટરે ઇન્જેક્શન આપી દીધું છે. અત્યારે તબિયત એકદમ સ્ટેબલ છે. મેં ડિપોઝિટ પણ નીચે જઇને ભરી દીધી છે. " મંથને રંજનબેનને કહ્યું.

" તમે અમને ઘણી મદદ કરી છે મંથન ભાઈ. ડિપોઝિટના પૈસા હું તમને ઘરે આવીને આપી દઈશ. " રંજનબેન બોલ્યાં.

" માસી મેં તો મારી ફરજ બજાવી છે. મારે પૈસાની કોઈ ઉતાવળ નથી. મને ખબર જ હતી એટલે ઘરેથી જ લેતો આવેલો. હવે હું ઘરે જાઉં છું. કંઈપણ કામકાજ હોય તો મને ફોન કરી દેજો. પૈસાની જરૂર હોય તો પણ મને કહેજો. એમને સારું થઈ જાય પછી આપણે સમજી લઈશું. " મંથન બોલ્યો અને તોરલ સામે એક નજર મિલાવીને ત્યાંથી નીકળી ગયો.

"લાખ રૂપિયાનો માણસ છે આ મંથન. એકદમ પારકી છઠ્ઠીનો જાગતલ. અડધી રાતે આવા માણસો જ કામમાં આવે. " કાંતિલાલની બિલકુલ બાજુમાં રહેતા પડોશી મહેન્દ્રભાઈ બોલ્યા.

" તમારી વાત બિલકુલ સાચી છે પરંતુ તમારા ભાઈ એને ઓળખી ના શક્યા. હંમેશાં એને રખડુ અને કામચોર જ માનતા રહ્યા." રંજનબેન નિસાસો નાખીને બોલ્યાં.

લાગણીઓના આવેશમાં તોરલનું હૈયું ભરાઈ આવ્યું. પપ્પાએ શું કામ મારી સગાઈ કરી દીધી ?
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED