વારસદાર - 7 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસદાર - 7

વારસદાર પ્રકરણ 7

બીજા દિવસે શિવરાત્રી હતી એટલે મંથન સવારે જ પોતાની નવી બાઇક લઇને કર્ણમુક્તેશ્વર મહાદેવ દર્શન કરવા માટે ગયો. આ મંદિર એને ખૂબ જ પ્રિય હતું.

મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ પાસે બેસીને બે ત્રણ પંડિતો રુદ્રાભિષેક કરી રહ્યા હતા. મંથને પણ એક પંડિતજીને પકડીને ૨૧૦૦ રૂપિયા આપ્યા અને પોતાના તરફથી રુદ્રાભિષેક કરવાનું કહ્યું. પંડિતજીએ એને ગર્ભગૃહમાં લઈ જઈને સંકલ્પ કરાવ્યો અને અભિષેક ચાલુ કર્યો. લગભગ ૪૫ મિનિટ રુદ્રીના પાઠ સાથે અભિષેક ચાલ્યો. આખું ગર્ભગૃહ વેદની ઋચાઓથી ગુંજતું હતું !!

મંથન શિવજીની પૂજા કરીને ગર્ભગૃહ ની બહાર આવ્યો ત્યાં એણે એક સન્યાસીને મંદિરના પ્રાંગણમાં ઉભેલા જોયા. મંથન તમામ સાધુ સંતોનો ખૂબ જ આદર કરતો હતો. એણે એ સાધુ પાસે જઈને નમસ્કાર કર્યા.

બનારસમાં મળેલા સન્યાસી કરતાં આ સન્યાસી અલગ હતા. બનારસના સન્યાસી માથે ટાલવાળા હતા જ્યારે આ સંન્યાસી લાંબી જટાવાળા !

" જય ભોલેનાથ !! બાબા કી તુમ પર બહોત કૃપા હે બચ્ચા. જો મિલા હૈ ઉસમેંસે લોગોં કા ભલા કરના. તેરા કલ્યાણ હોગા " સન્યાસી બોલ્યા અને ગર્ભગૃહ તરફ ચાલવા લાગ્યા.

મંથન એમને જોઈ રહ્યો. જ્યારે જ્યારે શિવજીના મંદિરમાંથી પૂજા કરીને બહાર આવું છું ત્યારે ત્યારે સન્યાસીનાં દર્શન કેમ થાય છે ? મને જે પણ મળ્યું છે એમાંથી લોકોનું ભલું કરવાનો ઉપદેશ પણ આપ્યો. એનો મતલબ આ સંન્યાસી મારા વિશે બધું જ જાણે છે !

આજે શિવરાત્રિ છે મારે એમને ફળાહાર કરાવવો જોઈએ ! મંથન ફરી ગર્ભગૃહમાં ગયો પરંતુ સન્યાસી અંદર ક્યાંય દેખાયા નહીં. એ આખા મંદિર પરિસરમાં ફર્યો. મંદિરની બહાર આવીને પણ એણે જોયું. સન્યાસી ક્યાંય પણ ન હતા.

બે ત્રણ મિનિટમાં સન્યાસી અદ્રશ્ય કેવી રીતે થઈ જાય ? એણે ફરી ગર્ભગૃહમાં ચક્કર લગાવ્યું. પરંતુ સન્યાસી ના દેખાયા.

એના જીવનનો આ બીજો ચમત્કાર હતો. તે દિવસે પણ બનારસમાં એ સન્યાસી ' તકદીર ખુલને વાલા હૈ ' કહીને અદ્રશ્ય થઇ ગયા હતા. આજે આ સંન્યાસી પણ અદ્રશ્ય થઈ ગયા.

મંથન ત્યાંથી ઘરે આવી ગયો. એણે આજે નકોરડો ઉપવાસ રાખવાનું નક્કી કર્યું. આખો દિવસ એણે કંઈ પણ લીધું નહીં. સાંજે દૂધની એક કોથળી લઈ આવ્યો અને દૂધને ગરમ કરી પી લીધું.

બીજા દિવસ વહેલી સવારે એને એક સપનું આવ્યું. સપનામાં એને એક ટાલ વાળા સંન્યાસી દેખાયા.

" બચ્ચા આજ સુબહ સે તુ ગાયત્રીમંત્ર કી ૧૧ માલા જપના ચાલુ કરી દે. તેરે સબ રાસ્તે ખૂલ જાયેંગે " સન્યાસી બોલ્યા. મંથને જોયું તો આ તો કાશીમાં વિશ્વનાથ મહાદેવના મંદિર પાસે મળ્યા હતા એ જ સન્યાસી હતા.

ફરી પાછો સન્યાસીનો અવાજ આવ્યો. એ જ શબ્દો ફરી સંભળાયા. પરંતુ આ વખતે ગઈકાલે કર્ણમુક્તેશ્વર મહાદેવમાં મળેલા જટાધારી સંન્યાસી ઊભા હતા.

ત્રીજી વાર પણ ગાયત્રી મંત્ર કરવાનો એ જ આદેશ મળ્યો. શબ્દો એના એ જ હતા પરંતુ આ વખતે ભભૂતિ લગાવેલા કોઈ નાગા બાવા હતા !!

મંથન ઝબકીને જાગી ગયો અને ઉભો થઇ ગયો સપનું એટલું બધું પ્રત્યક્ષ હતું કે એને સપનું પણ ના કહી શકાય !! ત્રણેય સંન્યાસીઓનો અવાજ હજુ પણ કાનમાં ગૂંજતો હતો. એણે પોતાના મોબાઈલમાં ટાઈમ જોયો તો સવારના પાંચ વાગ્યા હતા.

એણે મનોમન નિશ્ચય કરી જ લીધો. બ્રશ કરી એણે નાહી લીધુ. ઘરમાં પૂજાના નાનકડા કબાટમાં માળા તો પડેલી જ હતી. બ્રાહ્મણનો દીકરો હતો એટલે ગાયત્રી મંત્ર તો એને આવડતો જ હતો. ક્યારેક એ એકાદ માળા કરતો પણ હતો. એણે શાંતિથી ૧૧ માળા કરી. લગભગ સવા કલાકનો સમય એને લાગ્યો.

માળા કરીને ઊભો થયો ત્યારે એના શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થયાનો એને અનુભવ થયો. ત્રણે ય સંન્યાસીનો આદેશ એણે શિવજીનો આદેશ માની લીધો.

સવારે અગિયાર વાગ્યે જ એ જમવા ગયો. કાલનો નકોરડો ઉપવાસ હતો એટલે ભૂખ પણ લાગી હતી.

જમીને એ અંબિકા હોટલ જયેશને મળવા માટે ગયો.

" જયેશ કોઈ મંડપવાળો તારો ઓળખીતો છે ? ચાર દિવસ પછી આપણી પોળમાં નવચંડી હવનનો મોટો પ્રોગ્રામ રાખ્યો છે તો આખી પોળમાં મંડપ બંધાવવો છે. કારણ કે સાંજે જમણવાર પણ છે. "

" શું વાત કરે છે ? તું નવચંડી હવન કરાવે છે ? " જયેશે નવાઈથી પૂછ્યું.

" હા મારા તરફથી નવચંડી અને જમણવાર પણ છે. આખી પોળને એ દિવસે સાંજે જમાડવી છે. હવે ઘરે ઘરે જઈને જમવાનું આમંત્રણ કેવી રીતે આપવું એ પણ એક સવાલ છે. " મંથન બોલ્યો.

" અરે એમાં મુંઝાય છે શું કામ ? જા તારુ કામ થઈ ગયું. સાંજે બધા જમવા આવી જશે. જમવા માટે પતરાળાં અને પડિયાની વ્યવસ્થા પણ થઈ જશે. " જયેશ બોલ્યો.

" થેન્ક્યુ જયેશ. હવે મંડપવાળા ને પોળમાં નીચે પાથરવા માટે મોદ કે પાથરણાનું પણ કહેવું પડશે. " મંથન બોલ્યો.

" તું આ બધું ટેન્શન છોડી દે. બધી જ વ્યવસ્થા હું કરી દઈશ. રસોઈયા નું શું કર્યું છે ? " જયેશ બોલ્યો.

" મારો વિચાર આમ તો શાહપુર હલીમ ની ખડકીમાં રહેતા ચંદુકાકા ને રસોઈ માટે કહેવાનો હતો. એ મોટાં મોટાં રસોડાં કરતા હોય છે. તારા ધ્યાનમાં બીજું કોઈ હોય તો મને વાંધો નથી. " મંથને કહ્યું.

" ચંદુકાકા ની રસોઈમાં કંઈ કહેવું જ ના પડે પરંતુ તેં એમને વાત કરી છે ? ત્રણ ચાર દિવસ બાકી છે અને હજુ તેં વાત પણ નથી કરી ? " જયેશ બોલ્યો.

" તું અત્યારે જ જઈને મળી આવ. જો એમનું બીજે ક્યાંય બુકિંગ થઇ ગયું હોય તો એક મારવાડી રસોઈયો મારા ધ્યાનમાં છે. ખુબ જ સરસ રસોઈ બનાવે છે. " જયેશ બોલ્યો.

" તો પછી તું મારવાડીને જ કહી દે ને ? ચંદુકાકા ક્યાં મારા સગા છે ? મારે તો રસોઈથી મતલબ છે. " મંથન બોલ્યો.

" સારું તું મને મેનુ કહી દે. એ દિવસે આપણે જમણવારમાં શું બનાવવું છે ?"

" નવચંડીના માતાજીના થાળમાં લાડુ દાળ ભાત શાક ફરજિયાત હોય. એ સિવાય મેથીના ગોટા અને રાયતું આપણે ઉમેરી દઈએ. " મંથન બોલ્યો.

" બસ તો પછી ફાઈનલ. હું મારી રીતે પોળના માણસોનું લિસ્ટ બનાવી દઉં છું અને રસોઈ માટે રૂપાજીને કહી દઉં છું." જયેશ બોલ્યો.

હોટલ ના કારણે જયેશને ઘણી બધી ઓળખાણ હતી. અને પોળમાં પણ એ થોડો આગળ પડતો હતો. ગમે તેવું કામ હોય તો પણ એ કરાવી શકતો.

જયેશને મળ્યા પછી મંથન ઘણો રિલેક્સ થઇ ગયો. એ ઘરે પહોંચ્યો ત્યારે તોરલ ના પપ્પા કાંતિલાલ ઘરે આવી ગયા હતા. દવા લખી આપીને એમને ડિસ્ચાર્જ કરી દીધા હતા.

મંથન નું બાઈક જતું જોયું એટલે તરત જ રંજનબેને મંથનને ફોન કર્યો. મંથને બાઈક પાર્ક કર્યું ત્યાં જ રંજનબેન નો ફોન આવ્યો.

" મંથનભાઈ જરા ઘરે આવી જજો ને" રંજનબેને એટલું બોલીને ફોન કટ કર્યો.

ઘર નજીક જ હતું એટલે મંથન ચાલતો તોરલના ઘરે ગયો.

" આવ મંથન. અમે તારી જ રાહ જોતા હતા. પરમ દિવસે મારી તબિયત બગડી અને અડધી રાત્રે તું દોડતો આવ્યો. એટલું જ નહીં એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં પણ આવ્યો. ડિપોઝીટ પણ ભરી. તને હું ઓળખી ના શક્યો. તે દિવસે મેં તારું જે અપમાન કર્યું એ બદલ મને માફ કરી દેજે ભાઈ. " કાંતિલાલ બોલ્યા.

" તમારે મારી માફી માગવાની ના હોય વડીલ. પાડોશી તરીકે મારી એટલી તો ફરજ છે. તમારી તબિયત હવે કેમ છે ? " મંથન બોલ્યો.

" હવે સારું છે. દવાઓ લખી આપી છે. ૧ મહિના પછી ફરી બ્લડ ટેસ્ટ કરાવીને ડોક્ટર ને મળવાનું છે."

એ વાત ચાલતી હતી ત્યાં રંજનબેન અંદરના ઓરડામાંથી ૧૦૦૦૦ લઈને આવ્યાં અને મંથનના હાથમાં આપ્યા.

" માસી તમારે જરૂર હોય તો રાખો. મારે પૈસાની કોઈ જ ઉતાવળ નથી." મંથન બોલ્યો.

" પૈસા તો છે મંથનભાઈ. સવારે જ બેંકમાં જઈને તોરલ ઉપાડી લાવી." રંજનબેન બોલ્યાં.

" ઠીક છે. મારે લાયક કંઈ પણ કામકાજ હોય તો મને કહેજો. અને જુઓ ચાર દિવસ પછી ફાગણ સુદ ત્રીજના દિવસે આપણી પોળમાં મેં નવચંડી હવનનું આયોજન કર્યું છે અને આખી પોળને જમાડું છું. તમને અત્યારથી આમંત્રણ આપી દઉં છું કે તમારે સહકુટુંબ સાંજે જમવા આવવાનું છે. " મંથન બોલ્યો.

" શું વાત કરો છો મંથનભાઈ ? આખી પોળને તમે જમાડો છો ? " રંજનબેન આશ્ચર્યથી બોલ્યાં.

"હા માસી. ઈશ્વરે હવે મને સારા દિવસો દેખાડ્યા છે તો મારો આ આનંદ બધાને વહેંચવો છે. " મંથન બોલ્યો.

" તને શાની નોકરી મળી છે મંથન ? પોળમાં લોકો વાતો કરે છે કે બે લાખ રૂપિયાનો પગાર છે !!" કાંતિલાલે પૂછ્યું.

" હા અંકલ. દર મહિને બે લાખ પગાર ચાલુ થઇ ગયો છે. ત્રણ મહિનાના એડવાન્સ છ લાખ રૂપિયા પણ મને મળી ગયા છે. અમેરિકાની પાર્ટી છે. મારે મકાનની ડિઝાઇન બનાવીને ઓનલાઈન મોકલવાની હોય છે. ત્યાંના ત્રણ ચાર મોટા ઇન્વેસ્ટર્સનું એક ગ્રુપ છે. લાખો ડોલર રોકાણ કરવા તૈયાર છે. મારે સર્વે કરીને એમને રોકાણ કરવા માટે ઇન્ડિયાની સારામાં સારી સ્કીમો બતાવવાની જેથી સારામાં સારું વળતર એમને મળે. બંને પાર્ટીઓ આખીને આખી સ્કીમો લેવા તૈયાર છે. મને પણ દરેક સ્કીમમાં લાખોનું કમીશન મળશે." જાણીજોઈને કાંતિલાલને પેટમાં તેલ રેડાય એવી વાત મંથને કરી.

" શું વાત કરે છે તું મંથન !! આમાં તો તું લાખોની દલાલી કમાઇ શકે. આપણા અમદાવાદમાં બોપલ અને સિંધુભવન રોડ ઉપર આવી ઘણી લક્ઝુરિયસ સ્કીમો બની રહી છે. " કાંતિલાલ ઉત્સાહથી બોલ્યા.

" એટલા માટે તો હું ફ્લેટો અને બંગલાઓના ભાવ પૂછવા ત્રણ દિવસ પહેલાં તમારી પાસે આવ્યો હતો જેથી તમને બે પૈસા મળે પરંતુ તમે તો મારું મોં તોડી લીધું. નાછૂટકે મેં ગઈકાલે જ એક એસ.જી હાઈવે ઉપર રહેતા મોટા એસ્ટેટ બ્રોકરનો સંપર્ક કરી દીધો છે. મજાના માણસ છે. ઘણા બધા બિલ્ડરો સાથે એમના ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. " મંથન બોલ્યો.

હવે કાંતિલાલને માથું કૂટવાનું મન થયું. એમને મંથનની ઈર્ષા થઈ. જો વિદેશના ઇન્વેસ્ટર્સ મળશે તો આ છોકરો ભવિષ્યમાં કરોડપતિ બની જવાનો. મકાનોની દલાલીમાં એમને આખા મહિનામાં માંડ ત્રીસ ચાલીસ હજાર મળતા. આ છોકરો તો ધાર્યા કરતા ઘણો પાણીદાર નીકળ્યો. દિલદાર પણ કેટલો છે આખી પોળને જમાડી રહ્યો છે !!

તોરલ એને પસંદ કરતી હતી એટલે રંજને તોરલ માટે મંથનની વાત બે ત્રણ વાર કરી હતી પરંતુ પોતે જ ગુસ્સે થઈને વાતને નકારી કાઢી હતી. ઉપરથી મંથનને મુફલિસ અને કામચોર કહ્યો હતો. પોતે માણસ ઓળખવામાં થાપ ખાઈ ગયા. જમાઈ શોધ્યો છે એ ભલે જૈન છે પણ અત્યારે તો એ બાપની કમાણી ઉપર છે.

કાંતિલાલને કંઇ બોલવા જેવું રહ્યું ન હતું. લાખો કમાવાની તક હાથમાંથી જતી રહી હતી. હજુ પણ મંથનને વિનંતી કરે તો કદાચ આ દલાલી એમને મળી શકે તેમ હતી પરંતુ એમ કરવામાં એમને પોતાનું અભિમાન નડતું હતું.

મંથન ઊભો થયો. એણે તોરલ સામે જોયું અને બહાર નીકળી ગયો. તોરલે મંથનની બધી જ વાતો સાંભળી લીધી હતી. જો એની સગાઈ ના થઈ હોત તો ગમે તેમ કરીને એ એના પપ્પાને મનાવી લેત પણ હવે સગપણ તોડવાનું ઘણું અઘરું હતું !!

મંથન ઘરે આવ્યો. એ આજે ખૂબ જ ખુશ હતો. કાંતિલાલને બરાબરનો તમાચો માર્યો હતો. અત્યાર સુધી એમણે મારી સાથે હંમેશા તોછડો વ્યવહાર જ કર્યો હતો જાણે કે મારામાં કોઈ અક્કલ જ નથી ! મારા અને તોરલના સંબંધોમાં એ જ વિલન બન્યો હતો.

ફાગણ સુદ ત્રીજ આવી પણ ગઈ. જયેશે આખી પોળમાં મંડપનું સુંદર આયોજન કર્યું હતું. નવ બ્રાહ્મણો માટે નવ પાટલા પણ ડેકોરેશનવાળા એ પૂરા પાડ્યા હતા.

સવારે ૯ વાગ્યાથી પૂજા ચાલુ થઈ ગઈ. યજમાન તરીકે મંથન મહેતા પોતે જ બેઠો હતો. સાથે પોળમાં જ રહેતું એક નવપરિણીત કપલ પણ યજમાન તરીકે બેઠું હતું. નવચંડીમાં દર્શન કરવા માટેનું આમંત્રણ આખીય પોળમાં આપ્યું હતું. સાંજે જમણવારનું નોતરું પણ દેવાઈ ગયું હતું.

બ્રાહ્મણો માટે બપોરે ફળાહારની વ્યવસ્થા પણ રાખી હતી. બે કલાક વિશ્રામ કર્યા પછી ચાર વાગે હવન ચાલુ થયો અને પાંચ વાગ્યે પૂર્ણાહુતિ થઈ. એ પછી માતાજીનો થાળ ધરાવીને આખી પોળના રહેવાસીઓએ સમૂહમાં ભવ્ય આરતી કરી.

સાંજે છ વાગ્યે જમવા માટે આખી પોળમાં પંગત ગોઠવાઈ ગઈ. પોળના યુવાન સ્વયંસેવકો પીરસવા માટે તૈયાર જ હતા. ચુરમાના લાડુ દાળ ભાત શાક મેથીના ગોટા અને રાયતું પીરસવા માટે એક પછી એક છોકરાઓ કામે લાગી ગયા. રૂપાજી મારવાડીએ દિલથી રસોઈ બનાવી હતી.

જમ્યા પછી પોળના તમામ રહીશોએ મંથનને દિલથી અભિનંદન આપ્યા અને જમાડવા માટે આભારની લાગણી પણ વ્યક્ત કરી.

મંથને તમામ ૯ બ્રાહ્મણોને ૧૦૦૦ દક્ષિણા અને મુખ્ય શાસ્ત્રીજીને બીજા ૫૦૦૦ રૂપિયા આપ્યા. તમામ પંડિતો ખુશ થઈ ગયા.

નવચંડી અને જમણવારમાં મંથને દિલથી પૈસા ખર્ચ્યા હતા. આ પ્રસંગ બન્યા પછી પોળના દરેક ઘરમાં મંથનનું માનપાન વધી ગયું. હવે એ ' બિચારો ' રહ્યો ન હતો. લોકોની નજર હવે બદલાઈ ગઈ હતી !!

પોળમાં મંથનની વાહવાહ થતી જોઈ તોરલ અંદરથી પોરસાતી હતી પરંતુ કાંતિલાલ દિલથી પસ્તાઈ રહ્યા હતા. તોરલની સગાઇ કરવામાં થોડીક ઉતાવળ થઇ ગઈ. ક્યાં રતનપોળમાં સાડીની દુકાન ધરાવતો પાંચ વર્ષ મોટો જમાઈ અને ક્યાં આ મંથન !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)