Varasdaar - 4 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 4

વારસદાર પ્રકરણ 4

વિજયભાઈ મહેતાનો જન્મ મુંબઈના ભુલેશ્વરમાં થયેલો. મૂળ એમનો પરિવાર ઉત્તર ગુજરાતના વિસનગરનો વતની હતો. નોકરી અર્થે એમના પિતા રેવાશંકર મહેતા મુંબઈ આવેલા. એ જમાનામાં ઉત્તર ગુજરાતના ઘણા બ્રાહ્મણો મુંબઈમાં રસોઈયા તરીકે આવતા. કોઈ પેઢીઓમાં તો કોઈ શેઠના બંગલાઓમાં રસોઈયા તરીકે જોડાઈ જતા. રેવાશંકર મહેતા કાલબાદેવી રોડ ઉપર ચંપાગલીમાં કાપડની એક મોટી પેઢીમાં રસોઈયા હતા.

મિલોના એ જમાનામાં મુંબઈમાં ખૂબ જ જાહોજલાલી હતી. કાલબાદેવીની એ ગલીઓ કાપડ માર્કેટનું હબ ગણાતી. આખા દેશમાંથી વેપારીઓ કાલબાદેવીના ક્લોથ માર્કેટમાં આવતા. આખુ માર્કેટ કાપડના અને યાર્નના દલાલોથી ઉભરાતું હતું.

વિજય એક કિશોર તરીકે ખૂબ મહેનતુ અને મહત્વકાંક્ષી હતો. એને રસોઈ કરવામાં કે કાપડની દલાલી કરવામાં કોઈ રસ ન હતો. ભણવામાં હોશિયાર હતો એટલે એ જમાનામાં પણ સિવિલ એન્જિનિયર થયેલો. જેને મહેનત કરવી છે એને મુંબઈમાં તક મળી જ રહે છે. કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે એના એક મિત્ર દ્વારા એક બિલ્ડરના પરિચયમાં એ આવ્યો.

ધોબી તળાવ મેટ્રો સિનેમા પાસે એ બિલ્ડરની ઓફિસ હતી. એ બિલ્ડરનું નામ રવિન્દ્રભાઈ ગાલા હતું. એ કચ્છી જૈન હતા. ગાલા બિલ્ડર્સના નામે એમની તમામ સ્કીમો ચાલતી. રવિભાઈ સાચા હીરાપારખુ હતા. એમણે વિજયને એક જ મુલાકાતમાં માપી લીધો. યુવાન પાણીદાર લાગ્યો. એમણે પોતાની ઓફિસમાં એને નોકરીમાં રાખી લીધો અને પોતાની નાની મોટી સાઈટોમાં સુપરવાઇઝરનું કામ સોંપી દીધું.

વિજય ખૂબ જ બુદ્ધિશાળી હતો. એણે ગાલા બિલ્ડર્સની નવી સ્કીમો માટે પોતાની રીતે ફલેટોની નવી ડિઝાઇન બનાવી. રવિભાઈને વિજયની લેટેસ્ટ ડીઝાઈનો ખૂબ જ પસંદ આવી ગઈ. જો વિજય આટલી સરસ ડિઝાઇનો અને પ્લાન બનાવી શકતો હોય તો આર્કિટેક્ટની પણ કોઈ જરૂર ન હતી !!

અને એ સમયે અંધેરીના વિકસતા વિસ્તારમાં રવિભાઈએ વિજયે ડિઝાઈન કરેલી બે સ્કીમો મૂકી. બહારની ડિઝાઇન બીજી બધી સ્કીમો ને ટક્કર મારે એવી આકર્ષક બનાવી. કિંમત થોડી વધારે રાખી છતાં લોકોને એટલી બધી પસંદ આવી કે થોડા સમયમાં જ તમામ ફ્લેટો બુક થઈ ગયા અને ગાલા બિલ્ડર્સનું અંધેરીમાં એક નામ થઈ ગયું.

રવિભાઈએ વિજયને પોતાનો ૨૫% નો ભાગીદાર બનાવ્યો. એ પછીનાં દશ વર્ષ વિજયનાં હતાં. રવિભાઈએ એને છૂટો દોર આપેલો. નવાં નવાં વિકાસ પામતાં લોકેશન વિજય શોધી લાવતો અને એ જમીન ખરીદીને ત્યાં સ્કીમો મુકતો. ફ્લેટો ફટાફટ બુક થઈ જતા. ગાલા બિલ્ડર્સને લોકો વિજયની જ કંપની સમજવા લાગ્યા.

રવિભાઈને કોઈ દીકરો ન હતો. માત્ર બે દીકરીઓ હતી. વિજય એટલો આગળ આવી ગયો કે રવિભાઈને પોતાની એક દીકરી વિજય સાથે પરણાવવાની ઈચ્છા થઈ. એમણે વિજયના પિતા રેવાશંકરભાઈને વાત કરી. આમ તો રેવાશંકરભાઈ જૂના જમાનાના હતા પરંતુ એમનું એક સામાન્ય રસોઈયાનું જ લેવલ હતું. અને સામે એક શ્રીમંત જૈનની છોકરી આવતી હતી એટલે એમણે ઝાઝો વિરોધ ના કર્યો. એમણે લગ્ન માટે સંમતિ આપી દીધી.

કોમલ સાથે લગ્ન થઈ ગયા પછી વિજય ભૂલેશ્વર છોડી મલાડ રહેવા આવી ગયો. મલાડમાં એ વખતે સુંદરનગરની સ્કીમ બની રહી હતી. વિજયે એમાં નવો ફ્લેટ લઈ લીધો અને સ્વતંત્ર ઓફિસ અંધેરી ઈસ્ટમાં ઓલ્ડ નાગરદાસ રોડ ઉપર કરી. એ પછી દોઢ વર્ષમાં રવિભાઈનું અચાનક હાર્ટ એટેકમાં અવસાન થઈ ગયું. ગાલા બિલ્ડર્સ નામની કંપની સંપૂર્ણપણે વિજયની માલિકીની થઈ ગઈ.

રવિભાઈનો બીજો જમાઈ કૌશિક થાણામાં રહેતો હતો અને એની થાણામાં અનાજની મોટી દુકાન હતી. કૌશિકને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં કોઈ જ રસ ન હતો. વિજયે એને એક મોટી રકમ આપી અને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી ગાલા બિલ્ડર્સમાંથી એના અને એની પત્નીના તમામ હક રદ કર્યા.

સ્કીમો ચાલતી ગઈ વિજય મહેતા કરોડોપતિ બનતો ગયો. આર્થિક રીતે વિજય ખૂબ જ શ્રીમંત હતો. નોકર ચાકર રસોઈયો ગાડી બધું જ હતું પરંતુ એનો સંસાર એટલો બધો સુખી ન હતો. એની પત્ની કોમલ સાથે રોજ ઝઘડા થતા. લગ્નને પાંચ વર્ષ વીતી ગયા પછી પણ એને કોઈ સંતાન ન હતું.

ગૌરી ત્રિવેદી વિજયની અંધેરીની ઓફિસમાં જોબ કરતી હતી. ગૌરીની માતાનું મૃત્યુ થયું હતું અને એના પિતાએ બીજાં લગ્ન કર્યાં હતાં. ઓરમાન માના ત્રાસથી ગૌરી ઘરેથી ખૂબ જ દુઃખી હતી. ગૌરી ખૂબ જ દેખાવડી હતી. વિજયને એના માટે લાગણીઓ જન્મી અને ધીમે ધીમે એ પ્રેમમાં પરિણમી.

વિજય સર પરણેલા હતા એ ગૌરી જાણતી હતી. એ પણ વિજય સરને ખૂબ જ પ્રેમ કરતી હતી પણ વિજય સર પરિણીત હોવાથી એ બહુ આગળ વધતી ન હતી.

વિજય એને સાચા હૃદયથી પ્રેમ કરતો હતો. એક દિવસ સાંજના ટાઇમે ગૌરી વિજયની ચેમ્બરમાં બેઠી હતી ત્યારે વિજયે એને કહ્યું કે .....

" જો ગૌરી તું મારાથી દુર ને દુર રહે છે એટલે મારે આજે તારી સાથે કેટલીક સ્પષ્ટતા કરવી છે. તને કદાચ જાણ નથી પરંતુ મારો કોમલ સાથે ડિવોર્સનો કેસ ચાલે છે. છ બાર મહિનામાં મને છૂટા-છેડા મળી જાય પછી હું તારી સાથે કાયદેસર લગ્ન કરી શકીશ. ત્યાં સુધી તું મારા ભુલેશ્વરના મકાનમાં રહેવા આવી જા. એ રૂમ અત્યારે પણ બંધ પડેલો છે. અને હવે ત્યાં રહેવા ગયા પછી તારે અહીં નોકરી કરવાની કોઈ જરૂર નથી. એક પતિ તરીકે તારી બધી જ જવાબદારી મારી છે. તને કેટલીક રકમ પણ હું આપી રાખીશ. "

ગૌરી આમ પણ ઓરમાન માતાના ત્રાસથી કંટાળેલી તો હતી જ એટલે એ વિજય સરની વાતથી એકદમ ખુશ થઈ ગઈ. એ ભૂલેશ્વર રહેવા માટે તૈયાર થઈ ગઈ.

એણે પિતાના નામે એક ચિઠ્ઠી લખીને પહેરેલા કપડે ઘર કાયમ માટે છોડી દીધું. ચિઠ્ઠીમાં એવું લખ્યું કે એ કોઈ યુવાનના પ્રેમમાં છે અને એની સાથે લગ્ન કરીને કાયમ માટે ઘર છોડી રહી છે. એ ખૂબ સમજદાર હતી. એણે વિજય સરનું નામ ના લીધું.

ભૂલેશ્વરની દાદી શેઠ અગિયારી લેનની અંદર આવેલા એક માળામાં વિજયનો જૂનો રૂમ હતો. માતા પિતા ગુજરી ગયા પછી એ રૂમ બંધ જ પડેલો હતો. રૂમ ઘણો મોટો હતો અને અંદર રસોડું પણ હતું. એ રૂમમાં વિજય ગૌરીને લઈ ગયો.

ગૌરીના પિતા તપાસ કરવા માટે વિજયની ઓફિસે પણ આવેલા પરંતુ વિજયે કહ્યું કે કેટલાક દિવસથી ગૌરી આવતી નથી અને એણે નોકરી છોડી દીધી છે. એ પછી બે વર્ષ સુધી ગૌરી સાથે વિજય એક પતિની જેમ સંસાર ભોગવતો રહ્યો. ગૌરી ગર્ભવતી બની. વિજય માટે આ ખુશીનો અવસર હતો. એણે ગૌરી માટે કેટલાક દાગીના બનાવ્યા અને સારી એવી રકમ એને રોકડમાં આપી રાખી.

અચાનક એક દિવસ કોમલને ગૌરી વિશેની જાણ થઈ. વિજયના જ એક સ્ટાફ મેમ્બરે કોમલને છાની રીતે આ વાત કરી. કોમલ એના થાણાવાળા બનેવી કૌશિકને લઈને ભૂલેશ્વર દાદી શેઠ અગિયારી લાઇનમાં આવેલા રૂમ ઉપર ગઈ. ગૌરીને એ લોકોએ ખૂબ જ ટોર્ચર કરી અને પોલીસકેસ કરવાની પણ ધમકી આપી. ગૌરીને એ સમયે પાંચમો મહિનો ચાલતો હતો.

ગૌરીને બધી સત્ય હકીકતની તે દિવસે જ જાણ થઈ કે છૂટાછેડાનો કોઈ જ કેસ ચાલતો નથી. જેને પોતે પતિ માની રહી હતી એણે વિશ્વાસઘાત કર્યો છે અને પોતાને રખાત તરીકે રાખી છે. ગૌરી એ જ દિવસે પોતાની પાસે જે દાગીના હતા અને જે પણ રકમ વિજયે આપી રાખી હતી તે લઈને મુંબઈ છોડીને અમદાવાદ જતી રહી.

ગૌરીની એક સ્કૂલ ફ્રેન્ડ વીણા અમદાવાદ રહેતી હતી અને એની સાથે ક્યારેક ક્યારેક પત્ર વ્યવહાર પણ થતો. વીણાનું સરનામું એની પાસે હતું. વીણા અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં આવેલી પુનિત પોળમાં રહેતી હતી અને ખાધેપીધે ખૂબ જ સુખી હતી. ગૌરી વિણાનું ઘર શોધતી શોધતી એના ઘરે પહોંચી ગઈ. એ ગર્ભવતી હતી એટલે વીણાએ એને આશરો આપ્યો.

વિજયને આ બધી વાતની ખબર પડી ત્યારે એ સાવ ગાંડા જેવો થઈ ગયો. કારણ કે એનું એકનું એક સંતાન એની પત્ની ગૌરીના ઉદરમાં આકાર લઈ રહ્યું હતું. એ તો એને સાચી પત્ની જ માનતો હતો. એના મનમાં કોઈ ખોટ ન હતી. કાયદાની ચુંગાલના કારણે એ ગૌરી આગળ ખોટું બોલ્યો હતો.

એનો કોમલ સાથે બહુ જ મોટો ઝઘડો થયો. કોમલે કોર્ટ કેસ કર્યો. બન્ને વચ્ચે બોલવાના પણ સંબંધ ના રહ્યા. છેવટે વિજયને કોમલ માટે થાણામાં એક ફ્લેટ લઈ આપવો પડ્યો અને એક કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા. કોમલ કાયમ માટે એનું ઘર છોડીને જતી રહી. જો કે બે વર્ષ પછી કોમલનું અચાનક અવસાન થઈ ગયું.

વર્ષો વીતતાં ગયાં. વિજયભાઈની ઉંમર વધવા લાગી. એ હવે ખૂબ જ એકલા પડી ગયા. ગૌરીની યાદમાં એ ખૂબ જ દુઃખી હતા. એ શ્રીમંત હતા. ધંધામાં કરોડો રૂપિયા બનાવ્યા હતા. ઘણા મિત્રોએ એમને બીજી વાર લગ્ન માટે સમજાવ્યા પણ એ ન માન્યા.

વર્ષોથી વફાદાર નોકર હતો. રસોઈયો હતો. ખાસ બહાર જતા ન હતા એટલે ડ્રાઈવરને છૂટો કર્યો હતો અને જરૂર પડે ગાડી પોતે જ ચલાવતા. અંગત જીવનમાં સાવ એકલા પડી ગયા હતા.

ગૌરીના ગયા પછી લગભગ ૨૭ વર્ષ બાદ વિજયભાઈને સમાચાર મળ્યા કે ગૌરી અમદાવાદમાં છે અને એને એક પુત્ર પણ છે જેનું નામ મંથન છે. આ સમાચાર સાંભળીને વિજયભાઈ ખૂબ જ આનંદમાં આવી ગયા.

પત્ની અને પુત્રને મુંબઈ બોલાવી લેવાની એમની તીવ્ર ઈચ્છા હતી પરંતુ ગૌરીના સ્વભાવને એ જાણતા હતા. એ ગમે એટલું સમજાવે તો પણ ગૌરી માનવાની નથી એ એમને પાક્કી ખાતરી હતી. ભલે એમણે ગૌરીને સાચો પ્રેમ કર્યો હતો અને એને પત્નીની જેમ જ રાખી હતી તેમ છતાં આમ તો એ એક વિશ્વાસઘાત જ હતો !

છતાં એક વાર ગૌરીને મળવાની અને પોતાના એકના એક સંતાનને જોવાની એમની તીવ્ર ઈચ્છા હતી. એ અમદાવાદ જવાનો નિર્ણય લે તે પહેલાં જ એમને ખબર પડી કે ગૌરી હાર્ટ એટેકથી દેવલોક પામી ગઈ છે. ફરી નિયતિએ એમને હાથતાળી આપી હતી.

ગૌરીના મૃત્યુનો એમને ખૂબ જ આઘાત લાગ્યો. ગૌરીની સામે પોતાની નિર્દોષતા સિદ્ધ ના કરી શક્યા એનો એમને ખૂબ વસવસો હતો. એમને પણ પોતાના જીવનમાંથી રસ ઉડી ગયો. છેલ્લા ત્રણેક વર્ષથી ધંધામાં પણ રસ ઓછો થઈ ગયો હતો. કરોડો રૂપિયા કમાઈ લીધા હતા. પોતાનું અંગત હવે કોઈ જ ન હતું. તમામ સંપત્તિ દીકરાના નામે કરી દેવાનો એમણે નિર્ણય લીધો. એ માટે એમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી.

એક દિવસ અચાનક જ એ સવારના પહોરમાં પોતાના અંગત એડવોકેટ મિત્ર અનિરુદ્ધસિંહ ઝાલાને ઘરે પહોંચી ગયા. એમણે પોતાનું વસિયતનામું બનાવવાની ઇચ્છા પ્રગટ કરી.

પોતાની તમામ મિલકતની વિગતો, તમામ ફિક્સ ડિપોઝીટની રસીદો, તમામ બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ અને પોતાના મકાનના દસ્તાવેજ વગેરે ઝાલાને આપ્યાં. એમણે પોતાના બેંક લોકરમાંથી તમામ કેશ અને દાગીના ઉપાડી લીધેલા. એ દાગીના ભરેલી પ્લાસ્ટિકની બેગ અને કેશ પણ આપી. અને સાંજ સુધીમાં વીલ તૈયાર કરી રાખવાનું કહ્યું.

વીલમાં પોતાના એકમાત્ર વારસદાર મંથન મહેતાને તમામ હક્કો, તમામ ઝવેરાત અને કેશ વગેરે આપવાની અને તમામ પ્રોપર્ટી એના નામે કરી દેવાની સૂચના પણ આપી. મંથનના નામે પાવર ઓફ એટર્ની બનાવવાની પણ સૂચના આપી.

વિજયભાઈએ ઝાલાને એમ પણ કહ્યું કે મારા તમામ ત્રણ એકાઉન્ટમાં નોમિની તરીકે મંથન મહેતાનું નામ મેં લખાવી દીધું છે. એણે બેંકમાં જઈને સહી કરવાની રહેશે. કઈ બેંકમાં કેટલું બેલેન્સ છે એ બધી વિગતો પણ ઝાલાને લખાવી.

ઝાલાએ આખો દિવસ મહેનત કરીને વીલ તૈયાર કર્યું. પાવર ઓફ એટર્ની મંથન મહેતાના નામની બનાવી. સાંજે ફરી ઝાલાના ઘરે આવીને જ્યાં જ્યાં સહી કરવાની હતી ત્યાં વિજયભાઈએ સહી કરી દીધી. ઝાલા સાહેબે વીલને નોટરાઇઝ કરી દીધું.

" ઝાલા...કાલ ઊઠીને મને કંઈ થઈ જાય તો મારા દીકરાને તમે શોધી કાઢજો. એનું નામ મંથન છે. એ દરિયાપુરની કોઈ પોળમાં રહે છે અને મારી જેમ સિવિલ એન્જિનિયર થયેલો છે એટલા સમાચાર મળ્યા છે. એને મારું આ વીલ પાવર ઓફ એટર્ની, મારા ફ્લેટનો દસ્તાવેજ વગેરે પહોંચાડી દેજો. એને કહેજો કે મને માફ કરી દે કારણ કે હું એની માનો ગુનેગાર છું. " વિજયભાઈ બોલ્યા.

" તમને એમ કંઈ થઈ જવાનું નથી વિજયભાઈ. હજુ તો તમને ૬૫ થયા છે. ઓછામાં ઓછા બીજાં ૧૫ વર્ષ તમે જીવશો. અને આ બધી વસ્તુઓ વીલમાં લખાઈ ગઈ છે એટલે હવે તમે ઘરે લઈ જઈ શકો છો. " ઝાલા સાહેબે કહ્યું.

" હમણાં આ બધું બે દિવસ તમારી પાસે જ રાખો. મારે એક બહુ મોટું કામ અરજન્ટ પતાવવાનું છે. એ પછી હું તમને મળું છું. "

એ સાંજે જ વિજયભાઈ બોરીવલીની જ એક હોટલમાં ગયા અને રૂમ રાખી લીધો. સાંજે હોટલમાં જમી પણ લીધું. અને એ જ રાત્રે હોટલના જ પેડ ઉપર એક ચિઠ્ઠી લખીને બેડ ઉપર પાથરેલી ચાદરનો જ ઉપયોગ કરી પંખે લટકી ગયા અને આત્મહત્યા કરી લીધી.

ચિઠ્ઠીમાં લખી દીધું કે જીવનમાં કોઈ રસ રહ્યો નથી. ડિપ્રેશનમાં છું એટલે મારા જીવનનો અંત આણું છું. એના માટે કોઈ જવાબદાર નથી.

સવારે હોટલના સ્ટાફને ખબર પડી એટલે પોલીસ બોલાવી અને પંચનામુ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી.

મલાડ સુંદરનગરના એમના ફ્લેટના નોકરચાકરનાં સ્ટેટમેન્ટ લીધાં પરંતુ તમામ લોકો અજાણ હતાં. છેવટે કેસ ફાઈલ થઈ ગયો.
********************
ઝાલા સાહેબે અમદાવાદની હોટલમાં બેસીને મંથનને વિજયભાઈની આખી જીવન યાત્રા સંભળાવી.

" વિજયભાઈ આત્મહત્યા કરી લેશે એ તો મને કલ્પના પણ ન હતી. તમારી બધી અમાનત મને સોંપીને એ જ રાત્રે એમણે મહાપ્રયાણ કરી દીધું. એ પછી છેલ્લા ૧૫ દિવસથી હું તમને શોધતો હતો. મારો કઝિન અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર છે. મેં એને વાત કરી અને એને તપાસ સોંપી કે દરિયાપુરની કોઈ પોળમાં મંથન મહેતા નામનો કોઈ વ્યક્તિ રહે છે. સિવિલ એન્જિનિયર થયેલો છે. એને શોધી આપ અથવા તો એનો મોબાઈલ નંબર લાવી આપ. " ઝાલા અંકલ બોલ્યા.

" એણે ચાર દિવસ પહેલાં જ તમારો નંબર મને લાવી આપ્યો. મારી પાસે નંબર આવ્યો કે તરત બીજા દિવસે જ મેં તમને ફોન કર્યો. તમારી અમાનત તમને સોંપીને આજે હું ખૂબ જ ખુશ છું. " ઝાલા અંકલ બોલ્યા.

" તમારે અમદાવાદ માં રહેવું છે કે મુંબઈમાં એ હવે તમે જ નક્કી કરી લો. મારી અંગત સલાહ મુંબઈમાં સ્થાયી થવાની છે જેથી આટલી રકમમાં તમે તમારું ઉજ્વળ ભવિષ્ય ત્યાં બનાવી શકો. કિસ્મત સાથ આપે તો પચીસ કરોડના પચાસ કરોડ મુંબઈમાં થઈ શકે. ત્યાં કમાવાની તકો બહુ જ છે. તમારા અમદાવાદમાં નહીં. અહીંનું જીવન થોડું સંતોષી છે જ્યારે મુંબઈની ધરતીમાં મહત્વાકાંક્ષા છે. ત્યાં પગ મૂકીને તમને દોડવાનુ મન થશે. બાકી તમારી ઈચ્છા !! "

મંથન ઝાલા અંકલની સોનેરી સલાહ સાંભળી રહ્યો. ઝાલા અંકલની વાતમાં દમ હતો. એના હિત માટે જ એ કહી રહ્યા હતા.

" ભલે અંકલ... તમારી વાત ઉપર હું ગંભીરતાથી વિચાર કરીશ. એકાદ મહિનામાં હું નિર્ણય લઈ લઈશ. અને તમે મારા માટે જે પણ કર્યું છે એ બદલ હું તમારો ખુબ જ આભારી છું. તમે તો મારી જિંદગી બદલી નાખી છે." મંથન બોલ્યો.

" તમારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી. મેં તો માત્ર મારી ફરજ બજાવી છે. તમારું જ છે અને તમને સોંપ્યું છે. મારે તમને એક બીજી વાત પણ કરવાની છે. મારા ધ્યાનમાં એક પાત્ર છે. અલબત્ત બ્રાહ્મણ નથી પણ સંસ્કારી કન્યા છે. તમારા પપ્પા વિજયભાઈને પણ એ પસંદ હતી છતાં આ બાબતમાં કોઈ જાતનું દબાણ નથી. " ઝાલા અંકલ બોલ્યા.

" જી એ બાબતમાં હું ચોક્કસ વિચારીશ. " મંથન બોલ્યો.

" હવે આપણે કોઈ સારા ડાઇનિંગ હોલમાં જમવા જઈએ. સાડા અગિયાર વાગી ગયા છે અને મારે અઢી વાગ્યાની શતાબ્દી પણ પકડવાની છે." ઝાલા અંકલ બોલ્યા.

" હા ચાલો આપણે રીલીફ રોડ ઉપર ચેતનામાં જઈએ." મંથન બોલ્યો અને બંને જણા હોટલમાંથી બહાર નીકળી રીક્ષા કરી ચેતના ડાઇનિંગ હોલ પહોંચી ગયા.

મંથન ઝાલા સાહેબ સાથે ચેતનામાં જમવાનો આનંદ માણી રહ્યો હતો. આજે એ ખૂબ જ ખુશ હતો. હવે પોતે કરોડોપતિ બની ગયો છે ત્યારે પોતાના પડોશી કાંતિલાલના ઘરે જઈને વટથી તોરલનો હાથ માગી શકશે -- મંથન મનોમન વિચારી રહ્યો હતો.

પરંતુ એને ખબર ન હતી કે એ જ સમયે એની તોરલના ઘરે મહેમાનો આવ્યા હતા અને તોરલનું એની જૈન જ્ઞાતિમાં વેવિશાળ થઈ ગયું હતું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED