Varasdaar - 10 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 10

વારસદાર પ્રકરણ 10

ડોરબેલ દબાવતાં જ થોડીવારમાં પચાસેક વર્ષની ઉંમરનાં એક બહેને દરવાજો ખોલ્યો.

" મારે નીલેશભાઈ નું કામ હતું. અમે લોકો નડિયાદથી આવ્યાં છીએ." મંથને કહ્યું.

" ભાઈ તમને કયા ફ્લેટનું એડ્રેસ આપેલું છે ? કારણકે આ ફ્લેટમાં તો કોઈ નીલેશ નામની વ્યક્તિ રહેતી જ નથી. " બહેન બોલ્યાં.

મંથને ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢીને બહેન ને બતાવી. " જુઓ બહેન આજ ફ્લેટ નું એડ્રેસ લખેલું છે."

" હા એડ્રેસ તો બરાબર મારા ફ્લેટ નું જ છે પણ અહીં કોઈ નીલેશ નથી..... હું, મારા હસબન્ડ અને મારી દીકરી.... અમે ત્રણ જણાં રહીએ છીએ..... અને અમારા આખા બ્લોકમાં પણ કોઈ નીલેશ નથી.... .સરનામું લખવામાં કંઈક ભૂલ થઈ લાગે છે. " બહેન બોલ્યાં.

" બેન... તમારા સગામાં કે ઓળખીતા માં નીલેશ નામની કોઈ વ્યક્તિ છે કે જેણે તમારા એડ્રેસનો ઉપયોગ કર્યો હોય ? " મંથને છેલ્લે છેલ્લે પૂછી લીધું.

" મારા ધ્યાનમાં તો કોઈ જ નથી પણ ઉભા રહો મારી દીકરી જલ્પાને હું પૂછી લઉં. કદાચ એનો કોઈ ફ્રેન્ડ હોય તો " કહીને એ બહેન અંદર ગયાં.

થોડીવારમાં ચોવીસેક વર્ષની એમની દીકરી જલ્પા આવી.

" મમ્મીએ મને વાત કરી પણ મારા સર્કલમાં કોઈ નીલેશ નામની વ્યક્તિ નથી. એડ્રેસ લખવામાં કે સાંભળવામાં કંઈક ભૂલ થઇ હોય એમ લાગે છે. એનું આખું નામ શું છે ? " જલ્પાએ દરવાજા પાસે આવીને વાત કરી.

" નીલેશ જશવંતલાલ સોની." કેતાએ જવાબ આપ્યો.

" તમે લોકો અંદર આવો ને..... પાંચ મિનિટ બેસો..... ત્યાં સુધી હું સોસાયટીના ચેરમેનને ફોન કરીને પૂછી જોઉં. " જલ્પા બોલી.

બંને જણા ડ્રોઈંગ રૂમમાં બેઠા. કેટલા બધા સંસ્કારી અને કો-ઓપરેટીવ આ લોકો હતા ? મંથન વિચારી રહ્યો. કેતાના તો હોશ જ ઉડી ગયા હતા !! એ લગભગ રડવા જેવી થઈ ગઈ હતી.

" અરે રાજેશ અંકલ...હું નીલકંઠભાઈ ની ડોટર જલ્પા બોલું છું.... આપણી વીણાનગર સોસાયટી માં કોઈ જશવંતલાલ સોની નામની વ્યક્તિ છે ? એમનો નીલેશ નામનો દીકરો પણ છે..... મારા ઘરે નડિયાદથી કોઈ આવેલું છે અને એ લોકો એડ્રેસ શોધી રહ્યા છે " જલ્પાએ સોફામાં બેસીને ચેરમેન ને ફોન કર્યો અને મોબાઈલને સ્પીકર ઉપર રાખ્યો જેથી મંથન અને કેતા પણ જવાબ સાંભળી શકે.

" ના બેટા.... આપણી સોસાયટીમાં ત્રણ સોની ફેમિલી છે પણ એમાં કોઈ જશવંતલાલ સોની નથી... છેલ્લા આઠ વર્ષથી હું ચેરમેન છું અને લગભગ બધાને ઓળખું છું.... અને જશવંતલાલ નામની તો કોઈ વ્યક્તિ જ વીણાનગર માં નથી. હા, નીલેશભાઈ મહેતા નામના એક વડીલ છે પણ એ પોતે જ પાંસઠ વર્ષના છે " ચેરમેને જવાબ આપ્યો. અને જલ્પાએ ફોન કટ કર્યો.

" તમને લોકોને કોઈએ ખોટું જ એડ્રેસ આપ્યું છે. પણ થયું છે શું ? અને આ બેન કેમ આટલા બધા ટેન્શનમાં દેખાય છે ? " જલ્પાએ પ્રશ્ન કર્યો.

એટલામાં જલ્પાનાં મમ્મી પણ રસોડામાંથી બહાર આવ્યાં.

" તમે બંને જણાં ચા તો પીઓ છો ને ભાઇ ?" એ બહેને આવીને તરત મંથનને પૂછ્યું.

" ના માસી ચા ની કોઈ તકલીફ ના લેશો. અમે લોકો હવે જઈએ જ છીએ. તમે લોકોએ અંગત રસ લઈને અમારા માટે ખરેખર દિલથી મહેનત કરી છે " મંથને બે હાથ જોડી આભાર માનતાં કહ્યું.

" તમે લોકો આટલે દૂરથી આવો છો તો અમારાથી જે પણ મદદ થઈ શકે એ અમે કરી. હવે તમે લોકો ચા પીને જ જાઓ. ઠંડુ કહો તો ઠંડુ. કોકાકોલા પણ ફ્રીઝમાં છે. અને તમે કોને શોધી રહ્યાં છો એ તો જરા વાત કરો !!" જલ્પાએ મંથનને કહ્યું.

મંથને જલ્પાને કોલ્ડ્રિંક્સ માટે હા પાડી અને ગઈકાલ રાતથી શરૂ કરીને અત્યાર સુધીની તમામ વાત વિગતવાર એને કરી. કેતા સાથે શું બન્યું છે એ પણ જલ્પાને કહ્યું.

" હું તો આ મેડમને ઓળખતો પણ નથી. કાલે ટ્રેનમાં જ અચાનક અમારી મુલાકાત થઈ ગઈ. પહેલીવાર મુંબઈ આવે છે એટલે માનવતાની દ્રષ્ટિએ મેં એમને સપોર્ટ કર્યો છે. ફેસબુકની મિત્રતા એમને ખૂબ ભારે પડી છે. ફેક એકાઉન્ટ ખોલીને એમને કોઈએ ફસાવી દીધાં છે. અત્યારે એમને પ્રેગ્નન્સી પણ શરૂ થઈ ગઈ છે. એ હરામીએ તમારા ફ્લેટનું એડ્રેસ કેમ આપ્યું એ જ સમજાતું નથી !! " મંથન બોલ્યો.

આ બધી વાતો સાંભળતાં સાંભળતાં કેતાનું હૈયું ભરાઈ આવ્યું અને અત્યાર સુધી રોકી રાખેલાં આંસુ હવે ધારા બનીને વહેવા લાગ્યાં. કેતા મન મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

જલ્પા ઉભી થઈને કેતાની બાજુમાં બેઠી અને એને છાની રાખવા એને બાથમાં લીધી. બંને લગભગ સરખી જ ઉંમરની હતી. જલ્પાનાં મમ્મી પણ રડવાનો અવાજ સાંભળીને બહાર દોડી આવ્યાં.

" કેતા તું રડીશ નહીં. જે થવાનું હતું તે થઈ ગયું. હવે આગળનું તારે વિચારવાનું છે. ત્યાં વોશબેસિન છે. તું ફ્રેશ થઈ જા " કહીને જલ્પા કેતાને વોશબેસિન પાસે લઈ ગઈ.

કેતાએ મોં ધોઈ નાખ્યું. વોશરૂમમાં જઈ આવી અને સોફા ઉપર આવીને બેઠી. ત્યાં સુધીમાં કોલ્ડ્રિંક્સ પણ આવી ગયું હતું.

" કેતા તું ખરેખર નસીબદાર છે કે ટ્રેનમાં તને આ ભાઈ મળી ગયા..... બાકી મુંબઈમાં પહેલીવાર આવીને લોકલ ટ્રેનો બદલીને વીણાનગર સુધી પહોંચવું તારા જેવી અજાણી છોકરી માટે બહુ જ અઘરું કામ છે... એમનો તારે આભાર માનવો જોઈએ. " જલ્પા બોલી.

" ના....ના... જલ્પાબેન એમાં આભાર માનવા જેવું કંઈ છે જ નહીં. કાલે રાત્રે જ હું સમજી ગયો હતો કે પેલાએ જે એડ્રેસ આપ્યું છે તે સો ટકા ખોટું જ હશે !! અને મેડમ પ્રેગ્નન્ટ છે એ જાણ્યા પછી હું એમને એકલા કેવી રીતે છોડી શકું ? મારા એ સંસ્કાર નથી. હું બ્રાહ્મણનો દીકરો છું. " મંથન બોલ્યો.

મંથનની વાત સાંભળી કેતાના મનમાં મંથન માટે અનેક ઘણું માન વધી ગયું. આજના યુગમાં કોઈને કોઈના માટે સમય જ ક્યાં હોય છે !!

ચા પાણી પીને બંને જણાં ઉભાં થયાં. ફરી જલ્પાનો અને એની મમ્મીનો આભાર માન્યો.

ત્યાંથી નીકળીને મંથન દોઢેક કલાક માં બોરીવલી હોટેલ પહોંચી ગયો.

" હવે આગળ શું વિચાર્યું છે ? કારણકે નીલેશ તો હવે આ જિંદગીમાં તમને મળવાનો જ નથી. એણે નંબર પણ બદલી નાખ્યો છે. આપણે પોલીસ કમ્પલેન પણ સાયબર સેલમાં કરી શકીએ પણ એનાથી તમારો કોઇ રસ્તો નહીં નીકળે. " મંથન બોલ્યો.

" એબોર્શન કરાવવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી હવે. હું ખૂબ જ મુંઝાઈ ગઈ છું. ડોક્ટરને પણ એબોર્શન નું મારે શું કારણ આપવું ? મારે બધો ઇતિહાસ કહેવો પડે. અને નડિયાદમાં તો એબોર્શન કરાવી જ ના શકું" કેતા બોલી.

" હા એ વાત તમારી સાચી છે. નડિયાદ તો તમારું વતન છે..... ત્યાં કોઈકને કોઈક ઓળખીતું મળી જ જાય ! .. અને હવે ડોક્ટરો પણ ગર્ભપાત કરતા નથી. " મંથને કહ્યું.

" મંથન... તમે મને એક ફેવર કરી શકો પ્લીઝ ?.... અહીં મુંબઈમાં તમારો કોઈ ફ્રેન્ડ કે તમારું કોઈ ઓળખીતું છે ? જે કોઇ ડોક્ટરને ઓળખતું હોય..... હું હવે તત્કાલ આનો નિકાલ કરવા માગું છું..... સોરી હું તમને બહુ તકલીફ આપી રહી છું." કેતા બોલી. એ ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી.

" મુંબઈમાં મારો કોઈ જ અંગત મિત્ર કે સંબંધી નથી. જે અંકલના ત્યાં હું આવ્યો છું એમને પણ આ વાત કરી શકું નહીં. મારો હજુ નવો નવો પરિચય છે. આપણે એક જ કામ કરવું પડશે કોઈ ગાયનીક ડોક્ટરને ગુગલ દ્વારા શોધી કાઢવો પડશે. એને રીક્વેસ્ટ કરીશું ભલે થોડા પૈસા વધારે લે. પરંતુ રસ્તો કાઢવો જ પડશે ને ? " મંથન બોલ્યો.

એણે ગુગલમાં 'ગાયનીક સર્જન બોરીવલી' સર્ચ કરીને ચંદાવરકર લેન ઉપર ડૉ. ચિતલે નું એક ક્લિનિક શોધી કાઢ્યું.

" આપણે અત્યારે જ નીકળવું પડશે આઠ વાગ્યે તો ક્લિનિક બંધ થઈ જશે." મંથન બોલ્યો.

મંથન અને કેતા રીક્ષા કરીને ૧૫ મિનિટમાં ડૉ. ચિતલેના ક્લિનિકમાં પહોંચી ગયાં.

" ડોક્ટર સાહેબ હું અમદાવાદ થી આવું છું. મારી સાથે ટ્રેનમાં આ મેડમ ની મુલાકાત થયેલી. એમની આખી સ્ટોરી મેં સાંભળી. ફેસબુકથી થયેલા પ્રેમમાં આ મેડમ ફસાઈ ગયાં છે. એમની પાસે જે એડ્રેસ હતું ત્યાં પણ અમે જઈ આવ્યાં. પરંતુ એના બોયફ્રેન્ડે એડ્રેસ પણ ખોટું આપેલું. સારા ઘરની છોકરી છે. કોઈપણ હિસાબે નિકાલ તો કરવો જ પડશે સાહેબ. " મંથન બોલતો હતો.

" હું જાણું છું કે કાયદો હવે પરમિશન નથી આપતો. પરંતુ કેટલાક વિશિષ્ટ સંજોગોમાં માનવતાના ધોરણે આ કામ કરવું પડતું હોય છે. હું એમને ઓળખતો નથી તો પણ આજે એમની સાથે છેક મુલુંડ સુધી જઈ આવ્યો. એમને મેં હોટલમાં ઉતારો આપ્યો છે. આપને જે પણ ફીઝ લેવી હોય તે લો પણ આ એબોર્શન કરી આપો. પ્લીઝ"

ડોક્ટર થોડીવાર તો કંઈ બોલ્યા નહીં પણ પછી પરિસ્થિતિની ગંભીરતા સમજીને એમણે સપોર્ટ આપવાનું નક્કી કર્યું.

" ઠીક છે. તમે બેસો. હું જરા એની સોનોગ્રાફી કરી ચેક અપ કરી લઉં. " કહી ડોક્ટર ઊભા થયા અને કેતાને બાજુના રૂમમાં આવવાનું કહ્યું.

દશેક મિનિટ પછી એ બહાર આવી ગયા.

" ગર્ભ હજુ બહુ ડેવલપ થયો નથી. તમે લોકો કાલે સવારે ૯ વાગે ક્લિનિક ઉપર આવી જાઓ. ૧૦૦૦૦ થશે. આ ફોર્મ ઉપર તમારા બંનેની સહી કરી દો. અત્યારે તમે ૧૦૦૦ ફીના આપી દો. " કહીને ડોક્ટરે એક ફોર્મ એમને આપ્યું એટલે મંથન અને કેતાએ સહી કરી દીધી.

" ખુબ ખુબ આભાર ચિતલે સાહેબ. સવારે કેતા આવી જશે. મારે કાલે સવારે એક અગત્યની મીટીંગ છે એટલે હું નહીં આવી શકું. " મંથન બોલ્યો અને એણે ૧૦૦૦ ચૂકવી દીધા.

" તમે ના આવો તો કોઈએ તો એમની સાથે રહેવું પડશે. કારણ કે એબોર્શન પત્યા પછી એમને ખૂબ જ નબળાઈ આવી જશે. એ અહીંથી હોટલ સુધી એકલાં નહીં જઈ શકે. " ડૉક્ટર બોલ્યા.

" ડોક્ટર આપ એક કામ કરી શકો ? તમારી કોઈ નર્સને એમની સાથે હોટલ સુધી મોકલી શકો ? હોટેલ સ્ટેશન પાસે જ છે. એની એ જ રીક્ષામાં નર્સ પાછી આવી જશે. રીક્ષાના જે પણ પૈસા થશે એ કેતા આપી દેશે. " મંથન બોલ્યો.

" ચાલો ઠીક છે. નર્સ એમને મૂકી આવશે. " ડૉક્ટર બોલ્યા.

" તો તમે કાલે નહીં આવો ?" ક્લિનિક માંથી બહાર નીકળ્યા પછી કેતા બોલી.

" હું સવારમાં નહીં આવી શકું. સાંજે તો હોટલ ઉપર આવી જઈશ. જે કામ માટે આવ્યો છું એ કામ કાલે સવારે પતાવવાનું છે. અને તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ૧૦૦૦૦ પણ હું તમને આપી દઉં છું. તમે આખો દિવસ આરામ કરજો. " મંથન બોલ્યો.

મંથને બહાર નીકળીને એક દુકાનમાં એટીએમ વિશે પૂછપરછ કરી. આઠ દસ દુકાનો પછી એટીએમ આવતું હતું. મંથન અને કેતા ચાલતાં ચાલતાં જ એટીએમ સુધી ગયાં. મંથને ૧૦૦૦૦ કેશ ઉપાડી લીધી અને ત્યાંથી રીક્ષા કરી. બન્ને જણા ફરી હોટલ ઉપર પહોંચી ગયાં.

" આ પૈસા તમે રાખો. કાલે ડોક્ટરને આપી દેજો. કાલે આખો દિવસ તમે અહીં આરામ કરો. પરમ દિવસે સવારે સાત વાગ્યે બોરીવલી સ્ટેશનથી જ શતાબ્દી એક્સપ્રેસ ઉપડે છે એમાં તમે નીકળી જાવ. હું આવતીકાલે તત્કાલમાં તમારી ટિકિટ બુક કરાવી દઈશ. " મંથન બોલ્યો અને એણે કેતાને ૧૦૦૦૦ આપ્યા.

" તમે મારા માટે કેટલું બધું કરી રહ્યા છો ? તમારી મારી સાથે કોઈ જ ઓળખાણ નથી છતાં તમે સમયનો આટલો ભોગ આપ્યો અને મારા માટે પૈસાની વ્યવસ્થા પણ કરી આપી. તમારો મારે કઈ રીતે આભાર માનવો એ જ સમજાતું નથી. " કેતા બોલી. એની આંખમાં પાણી આવી ગયાં.

" તમારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી. માનવતાની દ્રષ્ટિએ આ બધું હું કરી રહ્યો છું. હું કોઈનું પણ દુઃખ જોઈ શકતો નથી. " મંથન બોલ્યો.

" તમારી તમામ રકમ હું નડિયાદ પહોંચીને તમારા ખાતામાં જમા કરાવી દઈશ. તમારો એકાઉન્ટ નંબર મને આપી રાખજો. મારા ખાતામાં ૩૫૦૦૦ છે. નીલેશ મને નહીં મળે અને મારે એબોર્શન કરાવવું પડશે એવી તો મને કલ્પના પણ ન હતી. " કેતા બોલી.

" આપેલા પૈસા હું પાછા લેતો નથી. તમને હું મદદ કરી શક્યો એનો મને આનંદ છે. તમે અત્યારે અને આવતી કાલે બપોરે આજની જેમ રૂમ સર્વિસ માં ફોન કરી જમવાનું મંગાવી લેજો. બહાર જમવાની ઈચ્છા હોય તો થોડેક દૂર એક રેસ્ટોરન્ટ પણ છે. હું હવે નીકળું. " મંથન બોલ્યો.

" તમારો મોબાઈલ નંબર મને આપો મંથન. મારા મન ઉપર તમારી ખૂબ સારી છાપ પડી છે. હોટલના એકાંતમાં પણ તમે મારો કોઈ જ ગેરલાભ લીધો નથી. તમારા માટે મારા મનમાં એક આદર ઉભો થયો છે. તમે ના મળ્યા હોત તો આ બધું શક્ય બન્યું જ ના હોત !! " કેતાએ લાગણીવશ થઈને કહ્યું.

મંથને પોતાનો મોબાઇલ નંબર કેતાને આપ્યો. કેતાએ સેવ કરી લીધો.

"મારી પ્રેગ્નન્સીના કારણે કદાચ હું તમારે લાયક નથી રહી પરંતુ મારા દિલમાં તમારા માટે કેટલી લાગણીઓ પેદા થઈ ગઈ છે એ હું તમને કહી શકતી નથી. તમે મારા હીરો બની ગયા છો મંથન. " કેતા બોલી.

" તમને મળીને મને પણ ખૂબ જ આનંદ થયો છે. તમારી પ્રેગ્નન્સીથી મને કોઈ જ ફરક નથી પડતો પરંતુ કોઈ પણ નિર્ણય લેવાની અત્યારે મારી સ્થિતિ નથી. એક મહિના પહેલાં તો હું પોતે જ આત્મહત્યા કરવા નીકળી પડ્યો હતો. એક મહિનાથી જ મને નવું જીવન મળ્યું છે. પ્રારબ્ધ અને ઈશ્વરને હું બહુ જ માનું છું. તમારી લાગણી હું સમજી શકું છું. થોડોક સમય મને આપો. આપણી મિત્રતા ચોક્કસ ચાલુ રહેશે. " મંથન બોલ્યો.

કેતાએ મંથનનો હાથ પોતાના હાથમાં લઈને ચૂમી લીધો. મંથનની લાગણીઓ હચમચી ઊઠી. પહેલીવાર કોઈ યુવાન ખૂબસૂરત છોકરીના ગરમ હોઠનો એને સ્પર્શ થયો. આ પહેલાં પ્રેમનો આવો એહસાસ એણે ક્યારેય પણ નહોતો કર્યો.

એ વધારે વાર રોકાયો નહીં. ગમે તેમ તો પણ એ યુવાન પુરુષ હતો. સામે એક યુવતી એના પ્રેમનો એકરાર કરી રહી હતી.

" ચાલો હું જાઉં. કાલે સાંજે મળીશું. ઓલ ધ બેસ્ટ. " કહીને મંથન નીકળી
ગયો.

બહાર આવીને એણે રિક્ષા કરી અને ઝાલા અંકલના ઘરે જવા માટે નીકળી ગયો. મયુર ટાવર પહોંચ્યો ત્યારે રાતના પોણા નવ વાગી ગયા હતા.
ક્રમશઃ
અશ્વિન રાવલ. (અમદાવાદ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED