Varasdaar - 52 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 52

વારસદાર પ્રકરણ 52

આખરે ૨૪ તારીખ આવી ગઈ. આજે આઈવીએફ ટ્રીટમેન્ટ માટે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હતી. પરંતુ પિરિયડની તારીખ ઉપર બીજા દસ દિવસ થઈ ગયા હોવા છતાં છેલ્લા દસ દિવસથી પિરિયડ આવતો ન હતો. અદિતિ અને મંથન બંને મૂંઝવણમાં હતાં.

ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હતી એટલે કેતાને પણ વહેલી સવારે જ ઘરે બોલાવી લીધી હતી. ત્રણે જણાં સવારે ૧૦ વાગે જ ડોક્ટર ચિતલેના ક્લિનિકમાં પહોંચી ગયાં.

ડોક્ટર ચિતલેએ બોરીવલીના જાણીતા આઈવીએફ ક્લિનિકના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ પણ લઈ રાખી હતી. કેતા અને અદિતિનું ચેકઅપ થઈ જાય પછી મંથન અને અદિતિએ એ આઈવીએફ સેન્ટરમાં જવાનું હતું. ગર્ભાશયમાંથી સ્ત્રીબીજ લેવાની આખી પ્રક્રિયા ત્યાં થવાની હતી.

" સાહેબ આ વખતે મારા પિરિયડની ડેટ જતી રહી છે. ઉપર બીજા દસ દિવસ થઈ ગયા. હજુ સુધી હું ટાઈમમાં જ નથી આવી. " અદિતિ બોલી.

" વ્હોટ !! પહેલાં ક્યારે પણ આવું થયું છે કે પિરિયડ આવવામાં થોડો વિલંબ થયો હોય ? " ડોક્ટરે પૂછ્યું.

" ના સર. મારો પિરિયડ વર્ષોથી એકદમ રેગ્યુલર છે. એક બે દિવસ આગળ પાછળ થાય બસ. પહેલીવાર આવું થયું છે કે ઉપર દસ દિવસનો સમય પસાર થઈ ગયો છે. " અદિતિ બોલી.

"સારું. એક કામ કરો. બીજા ૧૦ દિવસ જવા દઈએ. તમે આવતી પાંચ તારીખે ફરી આવો. એ વખતે આપણે ટેસ્ટ કરી લઈએ. ઘણીવાર કોઈક કારણસર એકાદ અઠવાડિયું વિલંબ પણ થતો હોય છે. અને હા જો પિરિયડ આવી જાય તો દસ દિવસ જવા દઈને પછી જ આવજો. અને મને અગાઉથી ફોન કરી દેજો. " ડોક્ટર બોલ્યા.

" જી સર. અને આ કેતાબેનનું તો ચેકઅપ કરી લો. " અદિતિ બોલી.

" હા એ હું જોઈ લઉં છું. " કહીને ડોક્ટર ઉભા થયા અને કેતાને સોનોગ્રાફી રૂમમાં લઈ ગયા.

" એમનું ગર્ભાશય એકદમ ઓકે છે. ઓવરિઝ પણ બરાબર છે. ગમે ત્યારે આપણે એમના ગર્ભાશયમાં ગર્ભનું પ્રત્યારોપણ કરી શકીશું." ડોક્ટર બહાર આવીને બોલ્યા.

" ઠીક છે સાહેબ તો પછી અમે લોકો જઈએ. જો પિરિયડ આવી જશે તો હું તમને જાણ કરી દઈશ. " અદિતિ બોલી.

ડોક્ટરની ફી ચૂકવીને મંથન લોકો બહાર નીકળી ગયા. કેતાને અદિતિ ટાવર્સના એના ફ્લેટ ઉપર ઉતારી દીધી અને અદિતિને લઈને મંથન મયુર ટાવર આવી ગયો.

સવારે ડોક્ટરને બતાવવાનું હતું એટલે જમવાનો પ્રોગ્રામ ઝાલા સાહેબના ઘરે જ રાખ્યો હતો.

" આવો કુમાર. આઈવીએફ નો પ્રોસેસ બહુ જલ્દી પતી ગયો !! " ઝાલા સાહેબ બોલ્યા.

" ના પપ્પા. આઇવીએફ નથી થયું. અદિતિ છેલ્લા દસ દિવસથી ટાઈમમાં નથી આવી. ડોક્ટરે બીજા દસ દિવસ રાહ જોવાનું કહ્યું છે. એ પછી એ ટેસ્ટ કરશે. " મંથન બોલ્યો.

" આમ તો આ ખૂબ સારા સમાચાર તમે આપ્યા. પણ ડોક્ટરે જે પ્રમાણે ડર બતાવ્યો છે એટલે ખબર નથી પડતી કે ખુશ થવું કે ટેન્શન કરવું ? લગ્નના આટલા સમય પછી ડોક્ટરની ટ્રીટમેન્ટ થી જો ખરેખર પ્રેગનેન્સી શરૂ થઈ હોય તો એ તો આનંદની વાત છે ! " ઝાલા બોલ્યા.

" માતાજી બધું સારું કરશે. આપણે સારું જ વિચારવાનું. ડોક્ટર કંઈ ભગવાન નથી. મારા માટે તો આ ખુશીના સમાચાર જ છે. " સરયૂબા બોલ્યાં.

" ચાલો હવે તમે લોકો જમી લો. ૧૧ વાગી ગયા છે. રસોઈ તૈયાર જ છે. " સરયૂબા બોલીને કિચનમાં ગયાં.

રસોઈમાં આજે દાળ ભાત રોટલી અને રવૈયાં નું ભરેલું શાક હતું. શિયાળાની સીઝન હતી એટલે લીલી હળદર અને સલાડમાં મૂળા પણ હતા.

" શાંતિથી જમજે હવે અને કોઈ પણ જાતનું ટેન્શન ના કરતી. માતાજી ઉપર ભરોસો રાખ. " જમવાનું પીરસતી વખતે સરયૂબા બોલતાં હતાં.

જમ્યા પછી મંથન અને અદિતિ ઘરે જવા માટે નીકળી ગયાં.

મંથન અને અદિતિ ગાડીમાં બેઠાં એટલે સદાશિવે ગાડી સ્ટાર્ટ કરી.

" સુંદરનગર લઈ લે. " મંથને સૂચના આપી.

મંથનની ગાડીની પાછળને પાછળ જ થોડા અંતરે રાજન દેસાઈની ગાડી પણ આવી રહી હતી પરંતુ બંને જણા એકબીજાથી અજાણ હતા.

રાજન દેસાઈ શીતલને લેવા માટે અદિતિ ટાવર્સ ગયો હતો. આજે એ શીતલને પહેલી વાર પોતાના ફેમિલીનો પરિચય કરાવવા માટે કાંદીવલી પોતાના મહાવીરનગરના ઘરે લઈ જઈ રહ્યો હતો.

રાજન દેસાઈએ પોતાની નાની બહેન મિતાલીને પણ સાસરેથી ઘરે બોલાવી લીધી હતી. ૨૯ વર્ષની ઉંમર થઈ હોવા છતાં રાજન આજ સુધી લગ્નથી દૂર ભાગતો હતો. એના કારણે એના નાના ભાઈ પ્રકાશનું લગ્ન પણ લંબાતું હતું.

રાજન પહેલી વાર કોઈ કન્યાને લઈને ઘરે આવી રહ્યો હતો એટલે ઘરના લોકો પણ બહુ જ ઉત્સાહમાં હતા. રાજને હજુ ઘરમાં શીતલનું નામ લીધું ન હતું અને સરપ્રાઈઝ રાખ્યું હતું.

રાજને શીતલ સાથે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે સૌથી મોટું આશ્ચર્ય એની બહેન મિતાલીને થયું હતું. કારણકે શીતલ અને મિતાલી એક જ સ્કૂલમાં ભણેલી બેસ્ટ ફ્રેન્ડ હતી. એ તો શીતલને જોઈને ચમકી જ ગઈ અને દોડીને ભેટી પડી.

" અરે શીતલ તું !! તમે !!" મિતાલી થી પહેલાં તુંકારો થઈ ગયો. પણ પછી અચાનક યાદ આવ્યું કે શીતલ હવે પોતાની મોટી ભાભી બનવાની છે એટલે એ તમે ઉપર આવી ગઈ.

" હા મિતાલી. મને તો કલ્પના પણ ન હતી કે મારે એક દિવસ તારા ઘરમાં જ આવવાનું થશે. " શીતલ બોલી.

રાજન દેસાઈના માતા પિતા અને ભાઈ શીતલને જોઈ જ રહ્યા. રાજન ચાંદ ચૂંટી લાવ્યો હતો. શીતલ બેહદ સુંદર લાગતી હતી. બંનેની જોડી ખૂબ જ શોભી રહી હતી.

શીતલ રાજનના મમ્મી પપ્પા ને પગે લાગી. બંનેએ શીતલને દિલથી આશીર્વાદ આપ્યા. રાજનના પપ્પા તો પહેલેથી મુંબઈ જ હતા એટલે એમને કંઈ યાદ ન હતું પરંતુ રાજનનાં મમ્મી તારાબેન નડિયાદની શીતલને ઓળખી ગયાં.

" નાની હતી ત્યારે તું મારા ઘરે બહુ જ આવતી એ તો મને યાદ છે. વિધાતાની કેવી લીલા છે કે તું જ મારા ઘરમાં આજે લક્ષ્મી બનીને આવી છે બેટા. " તારાબેન બોલ્યાં.

" હા મમ્મી. બધું અચાનક ગોઠવાઈ ગયું. " શીતલ બોલી.

તારાબેનને મમ્મી શબ્દ ખૂબ જ ગમ્યો. ભલે દીકરાનાં લગ્ન મોડાં થઈ રહ્યાં છે પરંતુ વહુ તો ઘરમાં શોભે એવી છે !!

વહુ પહેલીવાર ઘરમાં પ્રવેશ કરી રહી હતી એટલે જમવાનું પણ ખાસ બનાવ્યું હતું.

જમવામાં પુરી, ઊંધિયું, જલેબી, દાળ ભાત અને શુકનનો થોડો કંસાર હતો !

જમ્યા પછી તારાબેને શીતલને એક મોંઘો ડ્રેસ, ભારે સાડી અને ડાયમંડ જડિત બે સોનાના પાટલા હાથમાં પહેરાવી દીધા.

" અરે પણ મમ્મી હજુ તો લગ્ન બાકી છે. અત્યારથી આટલું બધું ના હોય !" શીતલ સંકોચાઈને બોલી.

" અરે બેટા તું તો મારા ઘરની લક્ષ્મી છે. પહેલીવાર મારા ઘરે પગલાં થયાં છે. અને અમારું છે એ બધું હવે તમારું જ થવાનું છે ને ! " તારાબેન બોલ્યા અને એમણે શીતલનાં ઓવારણાં લીધાં.

તારાબેનના આવા પ્રેમાળ વ્યવહારથી શીતલ લાગણીથી અભિભૂત થઈ ગઈ. એને ઘણું સારું લાગ્યું. મનોમન એણે મંથનનો પણ આભાર માન્યો.

" કુટુંબમાં કોણ કોણ છો ? " તારાબેને પૂછ્યું. રાજનના પપ્પા પણ સામે જ બેઠા હતા.

" જી મમ્મી. મારાં મોટાં બેન કેતાદીદી અને મારી મમ્મી. બસ અમે ત્રણ જણાં છીએ. પપ્પાનો તો વર્ષો પહેલાં સ્વર્ગવાસ થયો. અમે બોરીવલી ગોરાઈ લિંક રોડ ઉપર રહીએ છીએ. હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું. અને મોટી મોટી સ્કીમોમાં અત્યારે મારું કામ ચાલે છે." શીતલે પોતાનો પરિચય આપી દીધો.

" સારું સારું. હવે આ તારું જ ઘર છે. બધાંને લઈને એક દિવસ આવી જાઓ. બે મહિના પછી વૈશાખ મહિનામાં લગ્નનું પણ પતાવી દઈએ." તારાબેન બોલ્યાં.

એકાદ કલાક મિતાલી સાથે આડી આવડી વાતો કરીને શીતલ ઘરે જવા માટે તૈયાર થઈ. રાજન એને એના ઘરે મૂકી આવ્યો.

" તમે આ રીતે મને નીચે ઉતારીને બારોબાર નીકળી જાઓ એ યોગ્ય નથી રાજન. મારી મમ્મીને મળો. કેતાદીદી ને મળો. " શીતલ બોલી અને રાજનને હાથ પકડીને ખેંચી ગઈ.

રાજન સંકોચાઈને એની સાથે પાંચમા માળે ગયો. કેતાએ દિલથી એનું સ્વાગત કર્યું. હવે રાજન એનો જીજુ હતો અને પાછો મંથનનો બેસ્ટ ફ્રેન્ડ હતો.

" આટલા બધા શરમાઓ નહીં. હવે આ પણ તમારું જ ઘર કહેવાય. આ બાજુથી નીકળો ત્યારે અહીં આવી જ જવાનું. તમે લોકો બેસો હું જરા મમ્મીને બોલાવું. " કહીને કેતા બેડરૂમમાં મમ્મીને બોલાવવા ગઈ.

પગમાં વાની તકલીફના કારણે મમ્મી મૃદુલાબેન બહુ ચાલી શકતાં ન હતાં અને મોટાભાગે એ પોતાના રૂમમાં જ રહેતાં.

" મમ્મી શીતલ અને જીજાજી આવ્યા છે. તું જરા વ્યવસ્થિત થઈને બહાર આવી જા. " કેતા બોલી અને બહાર આવી.

" બોલો જીજુ... તમને શું ફાવશે ઠંડુ કે ગરમ ? " કેતા બોલી.

"બસ અત્યારે તો હું નીકળું છું. પાણી પીવાની પણ જગ્યા નથી. એના માટે ફરી આવીશ કેતાબેન. " રાજન બોલ્યો ત્યાં શીતલની મમ્મી પણ બહાર આવી.

રાજન ઉભો થયો. નીચે નમીને ચરણ સ્પર્શ કર્યા. એનું જોઈને શીતલ પણ મમ્મીને પગે લાગી.

" સુખી રહો બેટા. બસ તમારા બંનેની જોડી સુખી રહે..... કેતા એમના માટે કંઈક લઈ આવ. " મૃદુલાબેન બોલ્યાં.

" ના મમ્મી આજે નહીં. ફરી કોઈ વાર ચોક્કસ. આજે તો બસ શીતલને મૂકવા આવ્યો હતો. " કહીને રાજન ઊભો થયો.

" પહેલીવાર આવ્યા છો. એમ ખાલી હાથે ના જવાય. ઊભા રહો " કહીને મમ્મી ધીમે ધીમે પોતાના બેડરૂમમાં ગયાં.

અંદર જઈને તિજોરીમાંથી ૨૧૦૦ રૂપિયા બહાર કાઢ્યા અને એક પ્લેટમાં મૂક્યા. પૂજાના નાનકડા કબાટમાંથી કંકાવટી અને થોડા ચોખા પણ બહાર કાઢીને પ્લેટમાં મૂકી દીધા. પ્લેટ લઈને એ બહાર આવ્યાં. રાજનના કપાળે કંકુ ચોખાનું તિલક કર્યું અને ૨૧૦૦ હાથમાં મૂક્યા.

" જમાઈ તરીકે પહેલીવાર ઘરે પધાર્યા છો એટલે આ સગાઈના શુકન પેટે છે. બધા વ્યવહાર પછીથી થશે. પરિવારને લઈને એકવાર ઘરે આવો. લગનનું મુહૂર્ત પણ જોવડાવવું પડશે ને ? " મૃદુલાબેન બોલ્યાં.

રાજન એ પછી બહાર નીકળી ગયો એટલે શીતલે સાસુએ આપેલા ડ્રેસ સાડી અને પાટલા મમ્મી અને કેતાદીદી ને બતાવ્યા.

" અરે વાહ !! પહેલીવાર આજે મળવા ગઈ એમાં જ આટલું બધું તને ચડાવી દીધું !! ખરેખર ખૂબ જ સારા માણસો મળ્યા છે. મંથન સરના કારણે જ આ બધું શક્ય બન્યું છે. " કેતા બોલી.

" હા દીદી. રાજન પણ મંથન સરની ખૂબ જ પ્રશંસા કરતા હતા. એ બંને મિત્રો આધ્યાત્મિક ક્ષેત્રે પણ ઘણા આગળ વધી ગયેલા છે. એમની અમુક વાતોમાં તો મને કોઈ ટપ્પી જ પડતી ન હતી ! " શીતલ હસીને બોલી.

" ધીરે ધીરે તું પણ સમજતી થઈશ. દરેક માણસનું વિચારોનું લેવલ અલગ અલગ હોય છે. " કેતા બોલી.

" ચાલો હવે લગનની તૈયારી પણ કરવી પડશે. બે મહિનાનો સમય પણ બાકી રહ્યો નથી. " મમ્મી બોલ્યાં.

" હા મમ્મી. મારાં સાસુ પણ એવું જ કહેતાં હતાં કે એક વાર બધાને લઈને ઘરે આવો. એટલે વ્યવહારની વાતો કરી લઈએ અને મુહૂર્ત જોવડાવી લઈએ. " શીતલ બોલી.

આ બાજુ બીજા ૧૦ દિવસ ઉપર થઈ ગયા તો પણ અદિતિને પિરિયડ આવ્યો ન હતો. હવે તો અદિતિના ચહેરામાં પણ થોડો થોડો ફેરફાર થવા લાગ્યો હતો. ખાટી વસ્તુ જોઈને મ્હોં માં પાણી આવી જતું હતું. પેટમાં પણ એક પ્રકારનો ચુંથારો લાગતો હતો.

" મંથન મને લાગે છે કે પ્રેગ્નન્સી હવે ચાલુ થઈ ગઈ છે. આવતી કાલે પાંચ તારીખે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ છે પરંતુ મારો ટેસ્ટ પોઝિટિવ જ આવશે. મને તો હવે ડર લાગે છે. એક તરફ ખુશી છલકાઈ જાય છે તો બીજી તરફ શું થશે એનો ભય પણ લાગ્યા કરે છે. " અદિતિ બોલી.

" જો અદિતિ. આ બધી વ્યર્થ ચિંતા કરવાની તારે જરૂર નથી. આપણા ગુરુજી સમર્થ છે. અને એ આપણું ધ્યાન રાખતા જ હોય છે. મને પણ એવું જ લાગે છે કે ટેસ્ટ પોઝિટિવ છે. ડોક્ટરને કાલે મળી લઈશું. આગળ શું સંભાળ રાખવી એની ચર્ચા પણ કરી લઈશું. " મંથન બોલ્યો.

વીણામાસી પણ અદિતિની પ્રેગ્નન્સીથી ખૂબ જ ખુશ હતાં. મંથન અને અદિતિ માટે એમને ખરેખર ખૂબ જ લાગણી હતી. અદિતિને નવ મહિના સુધી આ પ્રેગ્નન્સી ટકી રહે અને બંનેની તબિયત તંદુરસ્ત રહે એના માટે એ પણ પ્રાર્થના કરતાં હતાં.

બીજા દિવસે સવારે ૧૦ વાગે જ મંથન અને અદિતિ ડોક્ટર ચિતલેના ક્લિનિક ઉપર પહોંચી ગયાં.

" સમાચાર તો સારા છે. તમારો રિપોર્ટ પોઝિટિવ છે. અત્યારે આપણે કોઈ નિર્ણય લેતા નથી. ગર્ભનો વિકાસ કેવો થાય છે એ આપણે બે ત્રણ મહિના વોચ કરીએ. અને તમે ટેન્શનમાં બિલકુલ ના રહેશો. બધા જ રસ્તા છે. જ્યાં સુધી પ્રેગ્નન્સી છે ત્યાં સુધી બાળક માટે થઈને પણ તમે ખુશ રહો અને પોઝિટિવ વિચારો એ જરૂરી છે. " ડોક્ટર અદિતિની તપાસ કરીને બોલ્યા.

ઘરે આવીને અદિતિએ કેતાને ફોન કર્યો. કેતા હવે એની બેસ્ટ ફ્રેન્ડ જેવી બની ગઈ હતી.

" કેતાબેન મારો રિપોર્ટ તો પોઝિટિવ આવ્યો છે. હમણાં જ ડોક્ટર પાસે જઈને આવ્યાં. એક બાજુ ખુશી પણ છે તો બીજી બાજુ ટેન્શન પણ છે. " અદિતિ બોલી.

" ના અદિતિ. તમે એવું ના વિચારશો. ઈશ્વરકૃપાથી બધું સારું જ થશે. તમે હવે સારું સારું વાંચન ચાલુ કરો. માત્ર પોઝિટિવ વિચારો કરો. બને એટલો પૌષ્ટિક ખોરાક ખાવાનું શરૂ કરો. હું મારી અનુકૂળતાએ આવી જઈશ. " કેતા બોલી.

મંથન બીજા દિવસે સવારે વહેલા ઊઠીને ધ્યાનમાં બેસી ગયો. સ્વામીજીને સતત યાદ કર્યા અને ખૂબ જ પ્રાર્થના કરી. ઊંડા ધ્યાનમાં એને ગુરુજીની અનુભૂતિ થઈ.

મંથને ધ્યાનમાં ગુરુજી સાથે સંવાદ સાધવા પ્રયત્ન કર્યો પણ ધ્યાનની હજુ શરૂઆત હતી એટલે એ આલ્ફા લેવલે પહોંચી શક્યો ન હતો. છતાં એને ધ્યાનમાં ગુરુજીના આશીર્વાદ મળતા હોય એવી અનુભૂતિ ચોક્કસ થઈ.

ઈશ્વરી શક્તિ કંઈ પણ ચમત્કાર કરી શકે છે એવો મંથનને દ્રઢ વિશ્વાસ હતો.

સવારે ચા પાણી પીને ૮ વાગે એણે રાજનને ફોન કર્યો. અદિતિની પ્રેગ્નન્સીના સમાચાર પણ આપ્યા અને ડોક્ટરે જે ભય બતાવ્યો હતો એ વાત પણ માંડીને કરી.

" મને બધી ખબર જ છે મંથન. આજે સવારે મારા ધ્યાનમાં ગુરુજી આવ્યા હતા. ધ્યાનમાં તારી હજુ શરૂઆત છે એટલે તારી વેવલેન્થ હજુ ગુરુજીની વેવલેન્થ સાથે મેચ થઈ નથી. એમણે તને કંઈ કહેવા કોશિશ કરી પરંતુ તારું લેવલ ન હોવાથી એમણે મારો સંપર્ક કર્યો. " રાજન બોલ્યો.

" શું વાત કરે છે રાજન !! શું કહ્યું સ્વામીજીએ ? " મંથને કુતૂહલતાથી પૂછ્યું.

" એમણે કહ્યું કે ગિરનારની તળેટીમાં યોગીનીએ મંથનને જે ખીર અને માલપુડાનો પ્રસાદ આપ્યો એમાં એના આવનારા બાળકની સંપૂર્ણ સુરક્ષાના આશીર્વાદ પણ આપેલા જ છે. ગુરુજી અદિતિ વિશે બધું જ જાણે છે મંથન." રાજન બોલ્યો.

" તને એમણે એવું કહ્યું ? " મંથન આશ્ચર્યથી બોલ્યો.

" હા મંથન... તારા પિતા જ તારો વારસદાર બનીને પૃથ્વી ઉપર જન્મ લેશે. એમણે એ પણ કહ્યું છે કે જેવો બાળકનો જન્મ થશે કે તરત જ આ બાબતની વિસ્મૃતિ થઈ જશે. એટલે કે જન્મેલું બાળક પૂર્વ જન્મના તારા પિતા છે એ તને યાદ નહીં રહે. કદાચ મારા મગજમાંથી પણ વિસ્મૃતિ થઈ જશે." રાજન બોલ્યો.

મંથન રાજનની વાત સાંભળીને અવાક થઈ ગયો. એણે ફોન કટ કરી દીધો. ગુરુજીની કૃપા સામે એ નત મસ્તક થઈ ગયો !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED