છુપાયેલી શકિત મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છુપાયેલી શકિત

"છુપાયેલી શકિત"

'યાદ કરાવે તો હું બહાર આવું'


દરેક મનુષ્યમાં ઘણી બધી શક્તિ છુપાઈને (Hidden power) રહેલી હોય છે. મોટા ભાગે મનુષ્યને પોતાનામાં રહેલી કે છુપાયેલ આ શકિતને જાણતો હોતો નથી. ખાસ કરીને આ શકિતઓ મન સાથે સંતુલન રાખીને કાર્ય કરતી હોય છે. આ છુપાયેલ શકિતને બહાર કાઢવા માટે પોતાનાં દ્વારા અથવા બીજા દ્વારા એક પ્રેરક બળ જોઈતું હોય છે. જેને આપણે યાદશકિત કહીએ છીએ. સૌ પ્રથમ યાદશક્તિ અને પછી શરીર શકિત કાર્ય કરતી હોય છે. આથી શરીર શકિતને કાર્ય કરવાં માટે યાદશકિતને વધારે કાર્યક્ષમ રાખવી પડે છે. આમ તો જીવનમાં બંનેનુ મહત્વ ઘણું છે.


"જો મનુષ્યને પોતાની યાદશકિતને વારંવાર યાદ કરાવવામાં આવે તો તે પોતાનામાં છુપાયેલ કે સંઘરી રાખેલી શરીર શકિતને બહાર કાર્ય કરવાં માટે મજબૂર કરી દે છે".


ઘણીવાર મનુષ્ય કાર્ય કરવાં માટે સક્ષમ તો જ હોય છે, પરંતુ તેને પોતાનું કાર્ય કરવાનું યાદ નથી રહેતું. આથી જો તેને યાદ કરાવવામાં આવે તો તે કાર્યને ઝડપથી પૂર્ણ કરી લે છે.


આપણે રામાયણની આ વાતથી બહું ઓછા લોકો અજાણ હશે કે વનવાસ દરમ્યાન જ્યારે દશાનન રાવણ સીતામાતાને છળ કપટથી હરીને લંકામા લઈ જાય છે. ત્યારે સીતામાતાની શોધ મેળવવા શ્રી રામ પ્રભુની આજ્ઞા લઈને રીંછપતિ જાંબવન્ત, વાલિપુત્ર અંગદ, નીલ, નલ, દધિમુખ, વિકટ, દુર્ધર અને શ્રી હનુમાનજી શોધવાં નીકળી પડે છે. દક્ષિણના દરિયાકિનારે સંપાતિ પાસેથી જાણવા મળે છે કે લંકાપતિ રાવણ સીતા માતાનું હરણ કરી ગયો છે. પણ આ વિશાળ સમુદ્ર પાર કરીને ત્યાં જવું કેવી રીતે ? આ વિશાળ સમુદ્ર પાર કરીને પ્રભુ શ્રી રામનો સંદેશ સીતામાતાને આપીને પાછાં ફરવાનું સામર્થ્ય કોનામાં છે ? જાંબવન્ત, અંગદ, નીલ, નલ, દધિમુખ, વિકટ, દુર્ધર બધાંજ આ કાર્ય કરવા માટે અશક્ત હતાં અને તેઓ નિરાશ થઈ જાય છે.


હવે શ્રી હનુમાનજી દ્વારા સીતામાતાને શોધવાં સાથે વિશાળ સમુદ્રને પાર કરવા માટેનું કાર્ય આપવામાં આવ્યું ત્યારે પોતે તે વિશાળ સમુદ્ર સામે શકિતહીન અનુભવતાં હતા, પરંતુ વાસ્તવમાં તે શકિતહીન ના હતા, પરંતુ ફક્ત તે પોતાની શકિતને (યાદશકિત) ભુલી ગયેલાં હતા. અદભૂત પરાક્રમી અને શકિતશાળી હનુમાનજીની શકિતને કોણ નથી ઓળખતું. બાળપણમાં પોતે ઋુષી મુનીઓ સાથે કરેલા મજાક મસ્તી કરવાના દંડ રૂપ અને શ્રાપના પરીણામે પોતે પોતાની યાદશકિત ખોઈ બેઠેલા. (વાસ્તવમાં આ બધી શકિત ખોવાઇ જવાનું મુખ્ય કારણ મનુષ્ય મનમાં રહેલાં દોષો, વિકારો અને ઉણપો જ હોય છે).


આપણામાં રહેલાં ઉણપો અને અભાવોને લીધે મનુષ્ય પોતાનામાં રહેલી શકિતઓને ભુલી જતો હોય છે. પરંતુ જો તેને પોતાની યાદશકિતને સ્મરણ કરાવવામાં આવે તો તે યાદ કરીને સ્વેચ્છાએ પોતાનું કાર્ય પુરુ કરી લે છે.


આ મુશ્કેલ પરિસ્થિતિમાં જાંબવન્તજી શ્રી હનુમાનજી કહે છે કે,


कहइ रीछपति सुनु हनुमाना। का चुप साधि रहेहु बलवाना ॥

पवन तनय बल पवन समाना। बुधि बिबेक बिग्यान निधाना ॥


''હે હનુમાન! હે બળવીર ! સાંભળો. તમે કેમ મૌન સેવ્યું છે ? હે પવનપુત્ર ! તમે બળમાં પવન જેવા છો, બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનના ભંડાર છો"


कवन सो काज कठिन जग माहीं। जो नहिं होइ तात तुम्ह पाहीं ॥

राम काज लगि तव अवतारा। सुनतहिं भयउ पर्बताकारा ॥


"હે તાત! જગતમાં એવું કયું અઘરું કાર્ય છે, જે તમે ના કરી શકો. તમારો અવતાર શ્રી રામના કાર્ય માટે જ થયો છે. આ સાંભળીને હનુમાનજી એક પહાડના કદ જેવા થઈ ગયા"


આમ શ્રી જાંબવન્તજીએ શ્રી હનુમાનજીને પોતાનામાં છુપાયેલ આ શકિતને વારંવાર યાદ અપાવે છે. સાથે સાથે પોતાના બાળ વાનર મિત્રો પણ હનુમાનજીને બાળપણની વાતો યાદ અપાવે છે. આથી શ્રી હનુમાનજી પણ પોતાની યાદશકિતને જગાડે છે. આમ યાદશકિતના સ્મરણ વડે પોતાનામાં રહેલી શરીર શકિતની જાણ થાય છે અને પોતે વિશાળ સમુદ્રને પાર કરીને સીતામાતાને શોધીને પોતાનું કાર્ય પુરું કરે છે.


મનમાં રહેલી શકિતને તું ઓળખ,

સપનાની એક સેકન્ડમા આખો દરીયો પાર થાય..


શાળામાં આપણાં શિક્ષકો પણ આપણને વારંવાર પાઠો ભણાવીને આપણી યાદ શકિતને બહાર લાવવાની પ્રેરણા આપતાં હોય છે. એકવાર પાઠ ભણાવી લીધાં પછી પાછા બીજા દિવસે કે પછી થોડાં દિવસો પછી પાછું પુનરાવર્તન કરીને પાછી તે છુપાયેલ યાદશકિતને બહાર લાવે છે. આથી આ "યાદશકિતને વારંવાર જાગૃત કરવી પડે છે".


કંપનીના કર્મચારીઓ કામ કરતાં હોય છે ત્યારે ઉપરી અધિકારીઓ દ્વારા કર્મચારીઓને કામ છોપવામા આવે છે ત્યારે તે દિવસે તો તે પોતાનું કાર્ય યાદ રાખીને કરી લે છે. પરંતુ જો કાર્ય અધુરું મુકી દે તો થોડા દિવસો પછી તે પોતાનું કામ કરવાનું ભુલી જતાં હોય છે. પરંતુ પાછળથી પાછાં ઉપરી અધિકારીઓ દ્વારા તે કામ કરવાં માટે યાદ અપાવવામાં આવે તો તેને પોતાનું કામ પાછું યાદ આવી જાય છે અને તે પોતાનું કામ પુરું કરી લે છે.


સારી વાતોને મનુષ્ય મન યાદ નથી રાખી શક્તું, પરંતુ જો અપશબ્દો કે ખરાબ વાતો કહે તો તે મનમાં ઘણાં લાંબા સમય સુધી યાદ રહે છે. આ મનુષ્ય મનની ખોટી અદભૂત કળા છે. પરંતુ વાસ્તવમાં આપણે આનાથી ઉંધું કાર્ય કરવાનું છે. સારી વાતોને મનમાં ઉંડે સુધી યાદ રાખીને બેસાડી દેવાની છે. જેને મોટા ભાગે પાછળથી યાદ કરવામાં આવે તો તે મનુષ્યને કાર્ય કરવામાં સુખ અને આનંદ મળે છે.


"હંમેશા શકિતનો ઉપયોગ બીજાની ભલાઇ માટે કરવો જોઈએ"


"કાર્ય માટે સાહસ કરનાર વ્યક્તિ પોતાની પુરી ક્ષમતાનો પરિચય આપે છે, જ્યારે સાહસ ના કરનાર વ્યક્તિ પોતાની મંદ બુદ્ધિનો પરિચય આપે છે".




મનોજ નાવડીયા

Manoj Navadiya

E mail: navadiyamanoj62167@gmail.com