તલાશ - 2 ભાગ 36 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ - 2 ભાગ 36

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

"સુમિત તું અત્યારે ક્યાં છે?" મોહનલાલે પૂછ્યું.

"મદ્રાસ આપણી ઓફિસમાં."

"એતો મને પણ ખબર છે. એક્ઝેટ કઈ જગ્યાએ? અને તારી આજુબાજુ કોણ છે?"

"મારી કેબિનમાં છું અને આજુબાજુ કોઈ નથી."

"ઓકે. ક્રિષ્ણન શું કરે છે? "

"એને મેં નવા સેલ્સ ટાર્ગેટનો પ્રોજેક્ટ ફાઇનલ કરવાનું કહ્યું છે એ તૈયાર કરેછે."

"ઓફિસમાં કુલ કેટલા લોકો છે?"

"7 જણા"  

"હમમમ, અને ગેટ પર 4 ચોકિયાત. એક કામ કર ફટાફટ ઉભો થા. અને કેબિનની અને ઓફિસની બહાર નીકળ. કોઈનું ધ્યાન તારા પર ન પડે એ સાવચેતી રાખજે અને કદાચ કોઈનું ધ્યાન પડી જાય તો કહેજે કે ઓફિસમાં બેસીને કંટાળી ગયો એટલે 10 મિનિટમાં ચક્કર મારી ને આવું છું. બહાર નીકળીને ઓલા ખબરી ની કારમાં બેસી જજે. એ તને લઇ જશે, જો આટલું કામ તું પરફેક્ટ કરીશ તો સ્નેહાને જમવાનું મળી જશે, બિચારીને રાતનું જમવાનું હજી મળ્યું નથી."

"એનો મતલબ એ થયો કે એ ખબરી પણ તમારી સાથે મળેલો છે."

મતલબના ફિફા ખાંડવા બંધ કરીને કહ્યું એટલું કર." કડક અવાજમાં મોહનલાલે કહ્યું. અને ફોન કટ કરી નાખ્યો.

xxx 

ચારે તરફ જોતો સાવચેતીથી સુમિત પોતાની કેબિનમાંથી બહાર નીકળ્યો. અને ફટાફટ 2જે માળેથી નીચે પહોંચ્યા. 'થેન્ક ગોડ કોઈનું ધ્યાન મારા પર ન હતું.' મનોમન એ બોલ્યો અને ઓફિસનું આંગણું વટાવીને મેઈન ગેટ પર પહોંચ્યો અને ગેટની બહાર જતો હતો ત્યાંજ એક વોચમેનનું ધ્યાન એના પર પડ્યું. "ક્યાં જાઓ છો સાહેબ?" વોચમેને પૂછ્યું.

"કંઈ નહીં કંટાળ્યો હતો એટલે જરા ચક્કર મારીને આવું છું." સુમિતે જવાબ આપ્યો. 

"પણ સાહેબ ઉભા રહો ડ્રાઈવરને બોલવું."

"એની કઈ જરૂર નથી" કહી સુમિત ડાબી બાજુ રસ્તા પર ચાલવા લાગ્યો.પાછળ વોચમેન નો અવાજ સંભળાયો. "અરે સાહેબ ઉભા રહો" પણ એ ચાલતો રહ્યો. વોચમેન આ પરીસ્થિતિ ની ગંભીરતા સમજ્યો અને એને દોટ મૂકી બીજા માળે ક્રિષ્નનની ઓફિસમાં શ્વાસભેર હાફ્તા હાફ્તા જઈને રાડ નાખી "સુમિત સાહેબ .. સુમિત સાહેબ ને મેં રોક્યા પણ એ વ્યા ગયા."
"હરામ...., તમને મેં સૂચના આપી હતી કે કોઈ પણ સંજોગોમાં એ અહીં ઓફિસમાંથી બહાર ન નીકળે.. એ છટકી કેવી રીતે ગયો ક્યાં ગયો.અને મને શું તાકી રહ્યા છો. ગોતો એને અને પકડીને લઇ આવો અહીંયા. મારી 25 વર્ષની મહેનત પર એક મિનિટમાં પાણી ફેરવી નાખશો. કેટલી વાર પહેલા એ નીકળ્યો?"

"સાહેબ માંડ બે અઢી મિનિટ થઈ હશે."

"2-3 ગાડી લઇ ને નીકળો ફટાફટ 10 મિનિટમાં એ અહીંયા હાજર જોઈએ નહીં તો બધાના ચામડા  ચીરી નાખીશ. ઓલા તમારા કાકા અહીં હમણાં આવશે. એને શું દેશું આપણે. પકડીને લઇ આવો એને જલ્દી." કહી એ માથું પકડીને બેસી ગયો. 

xxx 

સુમિત લગભગ એકાદ મિનિટ ચાલ્યો ત્યાં એક કાર એની પાસે આવીને ઉભી રહી. ખબરી કાકો કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. "સુમિત ભાઈ બેસો ફટાફટ. આપણને મોડું થાય છે." કારનો દરવાજો ખોલતા એણે કહ્યું. સુમિત અંદર ગોઠવાયો પહેલા વિચાર્યું કે નથી બેસવું એ શું કરી લેશે પણ એને સ્નેહા નો વિચાર આવ્યો અને એ ફટાકથી બેસી ગયો કાર જાણે રોકેટની ગતિએ ઉડી અને પાંચેક મિનિટ માં એક સસ્તી લોજ પાસે આવી ને ઉભી રહી. "ચાલો આપણે આ લોજ માં જવાનું છે. કહી ખબરીએ સુમિતને દોર્યો.પહેલા મળે એક નાનકડી ગોબરી રૂમનું તાળું ખોલીને ખબરી અંદર ગયો અને સુમિતનો હાથ પકડી ને અંદર ખેંચ્યો. પછી પૂછ્યું "કઈ ખાવું છે?"

'"ના, અને આ બધું શું છે? તું. ય મોહનલાલ સાથે.."

"બધું નિરાંતે મળશો ત્યારે સમજાવીશ.ફટાફટ કપડાં બદલી લ્યો પછી થોડો ગેટઅપ જેવો મેકઅપ કરવો પડશે." કહી એણે એક થેલી સુમિતને આપી."

"અને હું ઇન્કાર કરું તો?' સુમિતે પૂછ્યું.

"ક્યાં સુધી સ્નેહા મેડમને ભૂખ્યા રાખવા છે તમારે? ખબરી એ સુમિતને નિર્લેપ ભાવે કહ્યું સુમિત એને તાકી રહ્યો. પણ જાણે એની આંખો પથ્થરની હતી એમાં કોઈ લાગણી, સ્નેહ, ઓળખ કઈ ન હતું.

xxx 

"લો સ્નેહા મેડમ તમારું જમવાનું." કાંતા એ કહ્યું એની પાછળ પાછળ જ શાંતા હાથમાં થાળી લઇ ને આવી હતી. સ્નેહાએ કહ્યું. "મને ભૂખ નથી."

"થોડું ખાઈ લો."

"કહ્યું ને મારે નથી ખાવું."

"ખાઈ લો મેડમ, 'ભૂખે ભજન ન હોય ગોપાલા' એ સાંભળ્યું છેને. ખાઈ પી ને ભજન કરશો તો મનની મુરાદ પુરી થશે. તમને તો ખબર છે ને અહીં. નીચે મંદિર છે. પણ તમને એ નથી ખબર કે અહીં માગેલું બધું મળે છે."

"સાચે જ?

"હું ખોટું શું કામ બોલું?"

ઓકે. તો હું જમીને પછી માંગીશ એ મળશે?

"હા જરૂર મળશે. પણ જો સાચા દિલથી પ્રથા કરશો તો." કાંતાએ કહ્યું ત્યાંજ શાંતાએ એને ટોકી. 'તું બહુ વધારે બોલી રહી છે" અને એ સાંભળીને કાંતા ચૂપ થઇ ગઈ. 

xxx 

"આ બધું શું છે" સુમિતે પૂછ્યું. 

"આ તમારે બધું પહેરવું પડશે, અને યાદ રાખજો તમારું નામ સુબ્રમણ્યમ રાજશેખર છે. ગરબડ ના કરતા.."

"અને હું આ બધું  ન કરું તો? અને મારે ક્યાં જવાનું છે?"

"મોહનલાલ જી નક્કી કરે ત્યાં. અને ત્યાં જવા આ વેશભૂષા જરૂરી છે. અઅઅઅ. ઓકે પરફેક્ટ" કહી એણે કાંસકો ડ્રેસિંગ ટેબલ પર મુક્યો અને કહ્યું "ચાલો રાજશેખરજી."

"પણ આપણે જઈએ છીએ ક્યાં?"

"એરપોર્ટ, હમણા સાડા બાર વાગ્યે તમારી ફ્લાઇટ છે. આગ્રા જવાની."

"પણ હું આગ્રા શું કામ જાઉં?"

"એ મોહનલાલજી ને પૂછી લો" ખબરી એ કહ્યું અને સુમિતે મોઢું બગાડ્યું, એ જાણતો હતો કે મોહનલાલને .પૂછવાનો કોઈ અર્થ નથી. ભારે હૈયે એ રૂમની બહાર નીકળ્યો અને કારમાં ગોઠવાયો.

xxx 

જે વખતે સુમિત ખબરી સાથે એની કારમાં એરપોર્ટ જઈ રહ્યો હતો, એજ વખતે લગભગ 15 ઓફિસરની એક ટીમ અનોપચંદ એન્ડ કુ. ની મદ્રાસ ઓફિસ પર પહોંચી હતી. એમની સાથે પોલીસ સિક્યુરિટી પણ હતી. વૉચમૅનો એ એમને રોકવાની કોશિશ કરી તો એમને એક સાઈડ બેસાડી દેવાયા અને ઓફિસના મેનેજર ક્રિષ્નન ને મળીને એ લોકો એ સર્ચ વોરંટ બતાવ્યું. એટલે ક્રિષ્નને બધાને કહ્યું "એમને એમનું કામ કરવા દો."

"મને તમારા બધા ડોક્યુમેન્ટ જોવા છે. અને બધા કોમ્પ્યુટરના ડેટાની નકલ."

"ભલે સર, આ સુબોધ તમને ગાઈડ કરશે. મારે જરા અરજન્ટ એક ફોન કરવો છે એ હું કરી લઉ?"

"ના જ્યાં સુધી મારી તપાસ પુરી ન થાય ત્યાં સુધી નહીં. હવે પ્લીઝ તમે લોકો એક એવા રૂમમાં આરામથી બેસો અને તમારા બધાના મોબાઈલ મારી પાસે આપી દો."

"પણ, મારે એક જ ફોન કરવો છે બહુ અરજન્ટ છે"

"કહ્યું ને તપાસ પુરી ન થાય ત્યાં સુધી નહીં."

xxx 

આ ક્રિષ્નન ફોન કેમ નથી ઉંચકતો." ગુરુ અન્ના કોઈને કહી રહ્યો હતો. 

"ખબર નહિ."

"ઓલા ઓફિસર નીકળ્યા કે નહીં."

"હા. એ લોકો નીકળી ગયા છે. અને મારી પાસે આવેલ માહિતી મુજબ દેશભરમાં અનોપચંદ એન્ડ કુ. ઉપર ઓફિસર પહોંચી ગયા છે.  અને દરોડા પડી રહ્યા છે. બધા ડોક્યુમેન્ટ જપ્ત થઇ રહ્યા છે."

"શાબાશ, હવે એ સુમિત મારા ચરણોમાં. પડ્યો હશે અને એ દિવસ જલ્દી આવશે. એટલે જ મેં મદ્રાસમાં એની ઓફિસમાંથી જ એની ધરપકડ થાય એવું ગોઠવ્યું છે, પણ આ ક્રિષ્નન ફોન કેમ નથી ઉંચકતો. 

xxx

         
અનોપચંદે એક નજર આયનામાં નાખી 70-72 ની ઉંમરે પણ એ ફિટ હતો થોડા આછા થયેલા વાળ ક્યાંક ક્યાંક હજી  કાળા  હતા. બ્રાન્ડેડ સૂટ અને ગોગલ્સ પહેરીને એને પોતાનું પ્રતિબિંબ નિહાળ્યું અને પછી હોટેલના રૂમના ઇન્ટરકોમ થી પૂછ્યું. "મારી ટેક્સી આવી ગઈ?"

"યસ, સર ટેક્સી આવી ગઈ છે અને એક વેઈટર તમારો સમાન લેવા પણ આવી રહ્યો છે" 

"ઓકે."  કહીને એણે દરવાજો ખોલ્યો ત્યાં એક વેઈટર આવીને ઉભો. "આ બે બેગ લઇ લે" કહી એ રજવાડી ઠાઠથી લિફ્ટમાં ઘુસ્યો. અને નીચે ઉતરીને ટેક્સીમાં ગોઠવાયો. વેઈટરે એની 2 બેગ પાછળની ડિકીમાં ગોઠવી દીધી. અને પછી સલામ મારી. અનોપચંદ એની સામે હસ્યો અને એક 50 ડોલરની નોટ એના હાથમાં આપી. વેઈટરે ખુશ થઈને બીજી સલામ મારી. ટેક્સી આગળ વધી. પછી અનોપચંદે પોતાના મોબાઈલથી નિનાદ ને ફોન લગાવ્યો અને કહ્યું. "હું નીકળી ગયો છું. કાલે મળીએ." 

"પણ પપ્પા, મોહનલાલ,.."

"મને તારા અને સુમિત જેટલોજ વિશ્વાસ હજી પણ મોહનલાલ પર છે આ આખી એની રમત શું છે એ હજી મને સમજાતી નથી પણ એટલું ચોક્કસ છે કે એ આપણું અને કંપનીનું અહિત નહીં જ કરતો હોય. કાલે લંડનમાં મળીએ." કહી અનોપચંદે ફોન કટ કર્યો.

xxx 

"ગુરુ અન્ના ગુરુ અન્ના," હાંફતો હાંફતો રાડો નાખે એનો એક ટપોરી ગુરુ અન્ના પાસે પહોંચ્યો.

"શું છે. રાડો શેની નાખે છે?"

"ઓલો ક્રિષ્નન, દગાખોર એણે... એણે દગો કર્યો."  

"શું?" ગુરુ અન્નાનો અવાજ ફાટ્યો. 

"હા એ હરામખોરે દગો કર્યો અને સુમિતને ઓફિસમાંથી ભગાવી દીધો. આપણા પ્લાન મુજબ જયારે રેડ પડે એ વખતે આપણા ફોડેલા પોલીસવાળા સુમિતની નકલી એરેસ્ટ કરીને નીચે પોલીસ વેશમાં રહેલા આપણા માણસોને સોંપી દેવાના હતા. પણ એ ક્રિષ્નને સુમિતને ભગાડી દીધો."

"ઓહ્હ ભગવાન, એ હરામીને તો હું જીવતો નહીં છોડું.. પણ માંડ અમ્માને મનાવીને આ આખી રેડ ની કસરત ઉભી કરી હતી એનો કોઈ ફાયદો હવે રહ્યો નથી. માથે હાથ મૂકીને ગુરુ અન્નાએ કહ્યું. 

xxx  

'આજે સંસદના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વાસ મત માટે આટલી લાંબી ચર્ચા અટક્યા વિના કન્ટિન્યુ ચાલી રહી છે. સવારે 10.30વાગ્યે સંસદ શરૂ થઈ અને લગભગ 11 વાગ્યાથી વિશ્વાસ પ્રસ્તાવ પર સત્તા પક્ષ અને વિપક્ષના આગેવાનો પોત પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે અત્યારે લગભગ 14 કલાક થઇ ગયા છે રાત ના એક વાગ્યો છે. પણ અધ્યક્ષ મહોદયે ચર્ચા કન્ટિન્યુ કરવાનું કહ્યું છે.' ટીવી પર ચાલી રહેલા આ ન્યુઝ જોતા જોતા અમ્માએ પૂછ્યું "ગુરુ અન્ના કેમ દેખાતા નથી?"

"અમ્મા એ કોઈ કામ માં બીઝી હતા. હમણાં તમે આવ્યા એની જરા વાર પહેલા જ બહાર  ગયા છે" ગુરુ અન્નાના એક મળતિયા એ જવાબ આપ્યો અને કાલો થઈને પૂછ્યું."તે હે અમ્મા.ચર્ચા પુરી થઈ ગઈ.? આપણે જીતી ગયા? પ્રધાનમંત્રી એ રાજીનામું આપી દીધું."

"ના, ચર્ચા હજુ ચાલે છે મારે પાછું સંસદ ભવન જવું છે. અને અત્યારે નહીં તો કાલે પ્રધાનમંત્રીજી એ રાજીનામું આપવું જ પડશે."   

xxx  

બરાબર એક વાગ્યે મદ્રાસથી એક પ્લેન અન્ય મુસાફરોની સાથે. સુમિતને લઈને આગ્રા જવા ઊપડ્યું એના અર્ધો કલાક પહેલા ગુરુ અન્નાના માણસો હરકતમાં આવ્યા હતા. અને પોતાના ઓળખીતા પોલીસ ઓફિસર ને લઈને શહેરની બહાર જવાના બધા સ્થળો ચેક કરવા પહોંચ્યા હતા. રેલવે બસ ટેક્સી સ્ટેન્ડ અને એરપોર્ટ પર એ લોકો સુમિત નો ફોટો લઈને શોધી રહ્યા હતા. પણ બદલેલ વેશભૂષા અને મેકઅપને કારણે સુમિત એ લોકોના હાથમાં આવ્યો ન હતો. આખરે પોણા ત્રણ વાગ્યે સુમિત આગ્રામાં ઉતર્યો અને એ એક્ઝિટ ગેટ પાસે પહોંચ્યો ત્યાં મોહનલાલનો ફોન આવ્યો." બહાર નીકળ એટલે ટેક્સી પાર્કિંગ લોટ માં તને એક સુમો ઉભેલો જોવા મળશે એનો નંબર xxxx છે.  એમાં બેસી જજે. એ તારે જ્યાં જવાનું છે ત્યાં લઇ જશે. અને હા શેઠજી માટે એક પેકેટ આપણા સોલિસિટર શ્રીકાંત ભટ્ટને ત્યાં મોકલાવ્યું છે. એ ત્યાંથી મંગાવી લેજો."

"અરે મોહનલાલ તમે ક્યાં." સુમિતને કંઈક ગરબડ જેવું લાગ્યું.

"નિરાંત વાત કરીશું. સુમોના ડ્રાઈવરનું નામ ગિરધારી છે. એ જ જેણે સરલાબેન ને મદદ કરેલી. હવે ફોન મૂકું છું મારે ઘણા કામ છે." કહી મોહનલાલે ફોન કટ કર્યો ત્યાં એના મોબાઈલમાં રિંગ વાગી એણે  ફોન ઉચક્યો સામેથી મુકેશ બોલતો હતો "મોહનલાલજી આપણે ગુજરાતના પાંચે યુનિટમાં રેડ પડી છે"

"ખબર છે માત્ર ગુજરાત જ નહિ દેશભરમાં લગભગ 32 જગ્યાએ એજ સાથે. અને એ રેડ પડાવનાર કોણ છે એ હું જાણું છું. હું એની એવી હાલત કરાવી દઇશ કે એ મોતની ભીખ માંગશે 

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 1 દિવસ પહેલા

Vishwa

Vishwa 8 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 9 માસ પહેલા

Prashant Barvaliya

Prashant Barvaliya 9 માસ પહેલા

Ashish Vadadoria

Ashish Vadadoria 9 માસ પહેલા