તલાશ - 2 ભાગ 33 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ - 2 ભાગ 33

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

સુમિત મદ્રાસ પહોંચ્યો ત્યારે સાંજના 4.30 વાગ્યા હતા. ફ્રેશ થઈને એ તરત જ ઓફિસ પહોંચ્યો અને કૃષ્ણનને પોતાની કેબિનમાં મળ્યો તો એણે જણાવ્યું કે પત્રકારો આવી ગયા છે અને કોન્ફરન્સ રૂમમાં રાહ જોઈ રહ્યા છે, "ચાલો તો આપણે ત્યાં જઈએ"  સુમિતે કહ્યું. 

"પણ સુમિત, સ્નેહા બેટી?"

"સ્નેહા તો ફ્લોરિડા છે એના કઝીન સાથે ગઈ છે છોકરાઓને લઇને વેકેશન મનાવવા" કહેતા સુમિત કોન્ફરન્સ રૂમમાં પહોંચ્યો. 

xxx

"છેલ્લા 2 દિવસ થી ગાયબ જાણીતા ઉદ્યોગપતિના પત્ની અને અનેક કંપનીઓની સંચાલિકા એવા સ્નેહા અગ્રવાલ ના ગાયબ થવા પાછળ નો નવો ખુલાસો" બધી ન્યુઝ ચેનલ માં એક સાથે બ્રેકીંગ ન્યુઝ આવી રહ્યા હતા. 'સ્નેહા અગ્રવાલ હાલમાં ફ્લોરિડામાં છે એના કઝીન ભાઈના ઘરે બાળકો સાથે વેકેશન મનાવી રહ્યા છે.' ન્યુઝ જોઈ રહેલા ચઢ્ઢાએ પોતાની હથેળીમાં મુઠ્ઠી મારતા મારતા બોલ્યો. "ગુરુ અન્ના આ ખોટી વાત છે. મારા માણસો એ એની વોચ રાખી હતી. અરે એના એ ડ્રાઈવરને પણ પકડ્યો હતો અને એની પાસેથી એણે સ્નેહાને ક્યાં છુપાવી છે એ વિષે પણ પૂછ્યું હતું"

"તો એનો વર ખોટું બોલે છે?" બરાડતાં ગુરુ અન્ના બોલ્યો.

"હા એ ખોટું બોલે છે. એને પૂછો ફ્લોરિડામાં ક્યાં છે?"

"તારું દિમાગ ખરાબ થઈ  ગયું છે ચઢ્ઢા. ગઈ કાલે મુંબઈથી ફ્લોરિડાની ફ્લાઇટ વાયા દિલ્હી હતી. એનો ભાઈ મુંબઈથી પોતાની પત્ની અને બાળકોને લઇ ને બેઠોં  અને સ્નેહા અહીંથી જોઈન્ટ થઇ. સાંભળ્યું છે કે એણે પત્રકારોને ટિકિટ બુકીંગનો ડેટા પણ બતાવ્યા હતા. 

"એ ખોટું બોલે છે. તમે ફ્લાઈટની ડીટેલ ચેક કરાવો "

"આ રહી દિલ્હીથી ફ્લોરિડા જનારા પેસેન્જરોની લિસ્ટ બરાબર ચશ્મા ચડાવીને જો. એમાં પાંચમું નામ સ્નેહા અગ્રવાલ છે. હમણાં 10 મિનિટ પહેલા જ એરપોર્ટ ઓથોરિટીમાં ઉચ્ચ અધિકારી સાથે વાત કરી ને મંગાવ્યું છે.

"પણ એ કેવી રીતે શક્ય છે." ચઢ્ઢા એ કંઈક ચીડાતા પૂછ્યું. 

"એ એ રીતે શક્ય છે કે તું વેચાઈ ગયો છે ચઢ્ઢા. તે તારા માણસોને દેખાવ કરવા ઉભા કર્યા અને એની નજર સામે જ સ્નેહાએ ફ્લાઇટ પકડી.અને પછી તે મને મૂર્ખ બનાવવા છાપાઓમાં અને ન્યુઝ ચેનલોમાં આ ન્યુઝ લીક કર્યા જેથી હું મૂર્ખ બનું. મને તારા પર વ્હેમ એક કલાક પહેલા જ આવી ગયો હતો. મેં આ ન્યુઝ સૌથી પહેલા પ્રકાશિત કરનાર ચેનલના માલિક ને જરા દબડાવ્યો અને ખબર છે એણે શું કર્યું? એણે તારા પત્રકાર મિત્રનું નામ આપી દીધું." કહી ગુરુ અન્નાએ પોતાના માણસોને ઈશારો કર્યો એણે પોતાના ખિસ્સામાંથી સાઇલેન્સર વાળી ગન કાઢી, અને ચઢ્ઢા સામે તાકી. એક નાનકડો પીટ્ટ એવો અવાજ આવ્યો અને ચઢ્ઢાના ગળામાંથી એક ચીસ નીકળી પણ એ ગુરુ અન્નાના બીજા માણસે એના મોઢા પર દબાવી રાખેલ રૂમાલમાં દબાઈ ગઈ.

xxx

અલ મરીના રેસ્ટોરાંમાં શેખ ઝાહીદની રાહ જોતા જીતુભાએ 'સ્નેહા' વાળા ન્યુઝ રેસ્ટોરાંમાં ચાલતા ટીવીમાં જોયા. ઘડિયાળમાં જોયું તો શેખને આવવાને થોડી વાર હતી. એણે  સુમિતને ફોન લગાવ્યો. ફોન ઉંચકાયો એટલે પૂછ્યું. "આ અમેરિકા વાળા ન્યુઝ"

"મને આપણા એજન્ટ નો ફોન હું મદ્રાસ ઉતર્યો કે તરત આવ્યો એણે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં સ્નેહા અમેરિકામાં છે એમ કહો. નિનાદનો સગ્ગો અને મારો કઝિન સાળો અને એની પત્ની અમારા બાળકો સાથે ગઈ કાલે જ ફ્લોરિડા ગયા છે. અને પછી મને મેઈલ ચેક કરવાનું કહ્યું. મેં ઓફિસ પહોંચી મેઈલ ચેક કર્યું તો એમાં સ્નેહાની ગઈ કાલની ફ્લોરિડાની ટિકિટ દિલ્હીથી બુક હતી. એજ ફ્લાઈટમાં જેમાં અમન એની પત્ની અને અમારા બાળકો હતા."

"મતલબ મોહનલાલે ફુલપ્રુફ પ્લાન બનાવ્યો હતો."

"યસ, એણે ભલે દગો કર્યો મિલકત તો આવશે ને જશે. પણ કંપનીની આબરૂ બચાવી લીધી. પણ હજી સ્નેહા એના માણસોના કબ્જામાં જ છે એ કન્ફર્મ થઇ ગયું." સુમિતે સહેજ ઉદાસ સ્વરે કહ્યું. 

"મને આ આખી વાત પરથી કંઈક  અલગ જ ફીલિંગ આવી રહી છે સુમિત ભાઈ. માન્યું કે મોહનલાલે સ્નેહા ભાભી ને ગાયબ કરાવી દીધા. પણ એ તમારા ફેમિલીનું અહિત નથી ઇચ્છતા, નહીતો કંપનીની આબરૂના લીરા ઉડવા દીધા હોત."

"સાચી વાત છે. પણ તને શું ફીલિંગ આવે છે?"

"કંઈ નહીં. મને મનમાં આવ્યું કે"  

"શું આવ્યું મનમાં બોલી નાખ"

"એજ કે હું તમે અને શેખ ઝાહિદે બનાવેલ પ્લેનમાં કૈક ચેન્જ કરવા માંગુ છું. 

"શું ચેન્જ કરવું છે તારે."

"પાકિસ્તાનથી ભારતમાં આપણા 4 માણસો ને ઘૂસાડવાનું ડેસ્ટિનેશન" 

"તું શું વિચારે છે. ખુલી ને કહે." .

"હું વિચારું છું કે એ લોકોને કાશ્મીરના રસ્તે નહીં. પણ લોંગવાલાના રસ્તે એ લોકો ભારતની બોર્ડર સુધી લાવવામાં આવે અને પછીનું હું ફોડી લઈશ."

"પણ મને હવે ઓફિસના કોઈ માણસનો ભરોસો નથી વળી જેસલમેરમાં આપણા સોર્સ પણ એટલા મજબૂત નથી."

"છે તમે બ્રિગેડિયર સતનામ સિંહ ને રિકવેસ્ટ કરો જેથી એ લોકો ત્યાંથી સલામત ઘુસી શકે એકવાર ભારતની સરહદમાં પહોંચ્યા પછી હું જવાબદાર બસ"

"જીતુ એવું જોખમ શું કામ લે છે. આમેય તારે હજી દુબઈમાં 3-4 દિવસ રોકાવું પડશે."

"હું રોકાઈશ. જેસલમેરમાં આપણા ખાસ માણસ ગુલાબચંદ ને તમે ભૂલી ગયા. મોહનલાલ સાથે એમનો કોઈ કોન્ટેક્ટ નથી હું એની સાથે વાત કરી લઈશ."

"તારી મરજી " સુમિતે કહ્યું.

xxx

"સુમિતનો ફોન પૂરો થયો કે તરત જીતુભાનાં મોબાઇલમાં ફરીથી રિંગ વાગી આ વખતે નિનાદ નો ફોન હતો. એણે જીતુભાને પૂછ્યું "તું દુબઈમાં કઈ હોટલમાં ઉતર્યો છે?"

"એશિયા ઇન્ટરકોન્ટિલેટમાં." 

"વાહ બહુ જ સરસ, હવે સાંભળ એના મેઈન ગેટથી બહાર નીકળી જમણી તરફ આગળ ચાલે તો 4-5 મિનિટમાં 'વર્લ્ડ હબ' નામનું એક શોપિંગ મોલ આવશે. હમણાં એકાદ મહિના પહેલા જ એને  24 કલાક ખુલા રહેવાની પરમિશન મળી છે. તું શેખ ઝાહીદ સાથેની મિટિંગ પતે કે તરત ત્યાં જજે. એમાં 2 જે મળે એક શોપ છે 'કટિંગ એન્ડ ફિટિંગ' લગભગ અડધો ફ્લોર એ દુકાન જ છે એમાં અનેક વિભાગો છે એમાં 'ભારત' વિભાગમાં જઈશ તો ત્યાં તને ઈશ્વર ભાઈ મળશે તારા ગુજરાતી જ છે. એને કહેજે નિનાદ ભાઈએ કહ્યું છે મારો સૂટ બનાવવાનો છે."

"પણ નિનાદ એની જરૂર નથી આમે અત્યારે આટલી ધમાલ અને મગજમારી ચાલે છે."

"જીતુભા મારી પાસે સમય નથી કહું છું આટલું સાંભળતો જા. તે પૃથ્વીને ત્યાં બોલાવ્યો છે તો સાથે સાથે ઈશ્વર ભાઈને કહી દેજે કે પૃથ્વીનો પણ એક સૂટ બનાવવાનો છે. અને ઈશ્વર ભાઈ ન મળે તો ગમે તે સ્ટાફના માણસને કહેજે મારે દુકાનના માલિક ભગવાન ભાઈને મળવું છે. અડધી રાત્રે પણ તું જઈશ તો સ્ટાફના લોકો તને ઈશ્વરભાઈ અથવા ભગવાન ભાઈનો મેળાપ કરાવી આપશે. સૂટનો ઓર્ડર ભૂલ્યા વગર આપી દેજે અને પૃથ્વીને કહેજે કે એ આવે ત્યારે એક વાર ત્યાં જઈ આવે માપમાં કઈ ફેરફાર હોય તો ખબર પડે. અને બીજી ખાસ વાત તને દુબઈમાં ક્યારેય કઈ અજુગતું ફીલ થાય કે કઈ મુશ્કેલી લાગે તોએ દુકાનમાં પહોંચી જજે અને આ બેમાંથી કોઈને મળજે. ફોન મુકું છું" કહી નિનાદે ફોન કટ કર્યો.

"અરે નિનાદ સાંભળ...' જીતુભાનું વાક્ય અધૂરું હતું ફોન કટ થઈ ગયો હતો. 

xxx

"બોલો સોનલબા કેમ છો મજામાં?" પૃથ્વી એ કહ્યું.

"હા રાજકુમારજી, તમે કેમ છો? પહોંચી ગયા બેલ્જીયમ?"

"હા પહોંચી ગયો અને નીકળી પણ ગયો. પણ આ રાજકુમારનું પૂછડું માં સાહેબ કે બાપુ સાહેબ સામે લગાડજો ખાલી પૃથ્વી કહો"

"તો તમે શું સોનલબાનું પૂછડું રોજ લગાવો છો ખાલી સોનલ કેશે તો મને વધારે ગમશે. અને અત્યારે ક્યાં જવા નીકળ્યા?"

"અરે તમારો ભાઈ, સાલો ઝપ નથી લેવા દેતો. હજી તો બેલ્જીયમ ફ્લેટ પર પહોંચ્યો ત્યાં એણે  મને હુકમ કર્યો કે દુબઇ આવી જાવ"

"અરે એ જીતુડો તમને હુકમ કરે છે? એ તો તમારાથી જુનિયર છેને. આજ એ જીતુડાની ખેર નથી હમણાં એને ખખડાવું છું મારા પૃથ્વીજી ને આટલા દોડા કરાવે છે" સોનલે કૈક ગુસ્સાથી કહ્યું. 

"અરે અરે સોનલ, હું તો મજાક કરતો હતો. એમાં એનો વાંક નથી સિચ્યુએશન જ એવી છે કે એણે મને ત્યાં આવવાનું કહેવું પડ્યું. ખેર એ છોડો બધું ઠીક ચાલે છે ને? " 

"હા અને તમારી તબિયત જાળવજો અને સલામતીનું ધ્યાન રાખજો અને મારા વ્હાલા ભાઈ ની પણ કાળજી રાખજો. એને આંધળુકિયા કરવાની આદત છે. અને દિવસમાં એટલીસ્ટ 2 વખત કોલ કરજો ચિતા રહે છે મને તમારી."

"હા પણ હમણાં 8-9 કલાક હું ફ્લાઈટમાં હોઈશ એટલે વાત નહિ થાય અને ત્યાં પહોંચી જારેજા ને કહીશ ઘરે એક ફોન કરી દયે."

"હા, પણ મારા વતી એનો કાન પકડીને ફોન કરાવજો દુબઇ પહોંચ્યાને 10 કલાક થયા પણ એક ફોન નથી કરતો કે હું સલામત પહોંચી ગયો. મોહિની પણ ચિંતા કરતી હતી."

xxx

સાવ અજાણ્યા નંબર પરથી આવેલ ફોનથી સુમિત અવઢવમાં પડ્યો કે ફોન ઉંચકવો કે નહીં? છેવટે એણે ફોન ઉચક્યો અને કહ્યું. "હેલો"

"મોહન બોલું છું." સામે છેડે મોહનલાલ હતો. 

અત્યારે મને ફોન કરવાનો શું મતલબ છે. એવું કહેવાની પોતાની ઈચ્છા પર કાબુ રાખી સુમિતે કહ્યું."બોલો, શું કામ હતું?"

"તારો શેખ ઝાહીદ મને બહુ ભરોસાપાત્ર નથી લાગતો" કાંઈજ લાગલપાટા વગર મોહનલાલે સીધું જ કહી દીધું.

"ભરોસાપાત્ર તો તમે પણ બહુ હતા પણ...."

"એ વિષે આરામથી ચર્ચા કરીશું."

"હવે સામસામે બેસીને ચર્ચા નો કોઈ મતલબ નથી કંપનીની માલિકી અંગે કોર્ટમાં મળીશું. આવજો." કહી સુમિત ફોન કટ કરતો હતો ત્યાં મોહનલાલે કહ્યું. "એક મિનિટ વાત સાંભળી લે. તારે જે કોર્ટમાં જવું હોય કે મારા પર જે કેસ દાખલ કરવો હોય એ  કરજે. કાનૂની લડાઈનો હું કાનૂની જવાબ આપીશ બાકી કોઈ આડીઅવળી હરકત મનમાં વિચારતો હોય તો યાદ રાખજે સ્નેહા.."

"હું તમારા જેવો (મનમાં આવેલા 'હલકટ' શબ્દ ગળીને) નથી." 

"ખેર અત્યારે કંપનીના અને દેશના હિત ની વાત કરીએ. કદાચ ઝાહીદ તારો ભરોસાપાત્ર હશે. પણ એ જેમની સાથે જીતુભાની મુલાકાત કરાવવા માંગે છે. એ લોકો ભરોસાપાત્ર નથી." મોહનલાલે કહ્યું અને ઉમેર્યું "તારું ઇમેઇલ ચેક કર" કહીને ફોન કટ કરી નાખ્યો. 

xxx

જીતુભા નિનાદ સાથેના સંવાદને ફરીથી યાદ કરી રહ્યો હતો 'તું જઈને સૂટ બનાવવાનો ઓર્ડર આપી આવજે, પૃથ્વીને પણ કહે જે એક વાર ત્યાં આંટો મારી આવે, કઈ મુસીબત હોય તો ઈશ્વર ભાઈ અથવા ભગવાન ભાઈને મળજે' આ બધાનો શું મતલબ છે? કોણ છે એ લોકો? શું કોઈ નવી મુસીબત આવી રહી છે છે કે માત્ર આગમચેતી માટે મળવા કહ્યું છે.? એને કઈ સમજાતું ન હતું. અત્યાર સુધી બધું બરાબર હતું, અને શેખ ઝાહીદતો સુમિત ભાઈનો ખાસ છે. જો કે જીતુભા એ શેખ ઝાહીદ ને જોયો ન હતો. પણ સુમિત સાથે એનો 5 વર્ષ થી સંપર્ક હતો. ખેર પડશે એવા દેવાશે વિચારીને એને પોતાના માટે એક કોલ્ડડ્રિંકનો ઓર્ડર આપ્યો એ જ વખતે શેખ ઝાહીદ રેસ્ટોરાંમાં પ્રવેશ્યો.      

 ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 1 દિવસ પહેલા

Vinod Bhai  Patel

Vinod Bhai Patel 5 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 9 માસ પહેલા

Parul

Parul 9 માસ પહેલા

Nishi

Nishi 9 માસ પહેલા