સાત્વિક જીવન
'જીવન સંતોષાય શુદ્ધ મનનાં આચરણથી'
આ દુનિયામાં દરેક મનુષ્ય પોતાનું જીવન તો જીવી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં શું તે સાચું જીવન જીવે છે ? આપણું જીવન એ કુદરતે આપેલ એક અમુલ્ય ભેટ છે. અજાણ લોકો જો સાત્વિક જીવન વિશે જાણે અથવા પુછતાં હોય તો તે સાચું કહે છે એમ માની શકાય, પરંતુ જે લોકો સાત્વિક જીવન વિશે જાણે છે પરંતુ તેનું પોતાના જીવનમાં પાલન નથી કરતાં તો આપણે શું સમજવું જોઈએ ? તે પોતે જ્ઞાની છે પણ કદી તે સત્યનું આચરણ નથી કરતો એમ જ માનવું રહ્યું.
એકવાર એક કુટુંબના ચાર સભ્યો બસમાં પોતાનાં ગામ વતન જઈ રહ્યાં હતા. ચાર સભ્યોમાં બે ભાઈઓ અને તેની સાથે પત્નીઓ હતી. એમાં નાનાં ભાઈની ઘરવાળીને બહારનું ખાવાનો ઘણોજ શોખ હતો, એવું દેખાય રહ્યું હતું.
હવે સાંજ થઈ ગઈ એટલે મોટાં ભાઈએ બધાને કહ્યું ચાલો હવે સાંજનું ભોજન કરી લઈએ. તો મોટા ભાઈના પત્નીએ પોતાનાં ઘરેથી બનાવીને લાવેલું ભોજન ઠેલામાથી કાઢે છે અને બધાંજ લોકો વાળું કરવાં માટે બસમાં જ નીચે પાઠરીને બેસી જાય છે. તેમાંથી નાના ભાઈની પત્નિ કહે છે કે મારે જમવું નથી, હું તો આ ચિપ્સના પેકેટ જમી લઈશ.
હવે ત્રણેય જણા મસ્ત પેટ ભરીને ભોજન કરીલે છે અને પછી બધાં જ આરામથી સુઈ જાય છે. આ બાજુ નાના ભાઈની પત્નીએ પડીકાં ખાઈ લે છે. હવે તેણીએ સુવાની ઘણી કોશિશ કરી પણ ઊંધ આવે જ નહી, પેટ ખાલી ખાલી લાગે.
" ભૂખ્યા પેટે કદી ઊંઘ આવે ? " એમાય સાત્વિક ભોજન ના હોય તો પેટને કદી સાચો સંતોષ ના મળે.
બસ હવે તે શું કરે ? જાગતાં જાગતાં સીટ ઉપર આડાં અવળા થયાં કરે અને બાજુમાં સુતેલાં પોતાના પતિને પણ અડયા અને ખલેલ પહોચાડયા કરે.
અચાનક પત્નીનાં અડી જવાથી પતિ જાગી જાય છે અને પુછે છે કે તું કેમ સુતી નથી. તો પત્ની કહે છે કે નીંદર નથી આવતી. તો ભાઈ કહે છે કે પડીકાં ખાઈને કોઈને ઊંઘ ના આવે તે તો માણસને જગાડે, કારણ કે પડીકા તો અવાજ જ કરે, એમ હસતાં હસતાં કહ્યું. પાછાં તે તેને કહે છે કે "જે સાત્વિક ભોજન જમે છે તેને જ આરામદાયક ઊંઘ આવે છે". તે હવે સીટ પરથી ઉભાં થાય છે અને પત્નીને પાછું ભોજનમાં વધેલું શાક રોટલી કાઢી આપે છે અને તેને જમાડે છે. હવે જમ્યા પછી એવી નિંદર ચડે છે એક જ ક્ષણમાં તેને આખોમા ઊંઘ ચડી જાય છે.
બસ આ જ તાકાત છે સાત્વિક ભોજનની જે ઘરનું બનાવેલું હોય છે.
શુદ્ધ સાત્વિક ભોજન જ મનુષ્યના પેટને સાચી રીતે સંતોષે છે, તે જ રીતે આપણું જીવન પણ શુદ્ધ મનનાં વિચારો અને આચરણથી જ સંતોષાય છે, જેને સાત્વિક જીવન તરીખે ઓળખવામાં આવે છે.
માણસ કદી પૂર્ણ નથી પરંતુ તે સાત્વિક જીવન તરફનો રસ્તો અપનાવે તો તે પોતાના જીવનને પૂર્ણતા તરફ લઈ જઈ શકે છે. જેમ પડીકાંમા રહેલા તીવ્ર તીખાં, તમ-તમટા, મોળા અને મીઠાં-મસાલાઓ મનુષ્ય જીભને જ સારાં લાગે છે, પરંતુ મનુષ્યના આંતરિક પેટને તે નથી સંતોષી શકતાં. તેનાં લીધી તે પોતાના જ શરીરને ઉંધવા નથી દેતું. પરંતુ સાત્વિક ભોજન તેને આરામદાયક ઉંધ આપે છે. તે જ રીતે મનુષ્ય જીવન પર સાત્વિકતા માગે છે. તેનાં બધા જ કર્મ પર સાત્વિક પણે આચરણ થવા જોઈએ. સાત્વિક જીવન મનુષ્યને સાચાં સુખ અને અર્થપૂર્ણ જીવન જીવવા તરફ દોરી જાય છે.
"સાત્વિકતા એટલે શુદ્ધ અને શુદ્ધ એટલે પૂર્ણતાની નજદીક"
રસ્તાઓ જાણવા છતાં તેનાં પર ચાલતો નથી,
સત્ય હોવાં છતાં તેનું આચરણ કરતો નથી..
તો ચાલો હવે આપણે બધાં જ આ જીવનના અર્થને સાચી રીતે સમજીએ અને સાત્વિક જીવન તરફ એક પગલું માંડીએ..
સાત્વિક જીવનનાં થોડા ઉદાહરણ:
૧. પ્રામાણિક અને સરળ જીવન જીવવું,
૨. બીજાને હાની ના પહોચાડવી, અહિંસા પૂર્વક વાણી અને કાર્યો કરવા઼,
૩. સારા વિચાર અને કાર્યો કરવા,
૪. કોઈને દોષ ના આપવો,
૫. સાથ અને સહકારથી કાર્ય કરવાં,
૬. સત્ય જ બોલવું અને તેનું આચરણ કરવું,
૭. સાત્વિક અન્ન જ ગ્રહણ કરવું,
૮. દુર્ગુણો ના રાખવા,
૯. કુટેવોથી દુર રહેવુ,
૧૦. મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું,
૧૧. આધ્યાત્મિક અને સારાં પુસ્તકોનું વાચન કરવું,
૧૨. ઉશ્કેરણી ભરી વાતો વખતે પણ ક્રોધ ન કરવો..
મનોજ નાવડીયા
Manoj Navadiya
E-mail: navadiyamanoj62167@gmail.com