તલાશ - 2 ભાગ 25 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

 તલાશ - 2 ભાગ 25

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

"આ પેપર હમણાં જ મોહનલાલના ઘરે પહોચાડીયાવ" અનોપચંદે પોતાના ઘરે ઉતરતી વખતે ડ્રાઈવરને કહ્યું. એ જયારે જીતુભા સાથે પોતાના ઘરે જવા નીકળ્યો એ વખતે  મોહનલાલના પ્યુને એક જાડી ફાઈલમાં લગભગ 100 જેટલા ડોક્યુમેન્ટ અનોપચંદને સહી કરવા આપવાનું પોતાના પ્યુનને સૂચના આપી હતી. એ આવ્યો અને અનોપચંદના હાથમાં આપી. "અરે આ સહી કરવાનું કામ તો હું ઓફિસમાં આવ્યો ત્યારે જ આપી જવાય ને. હવે મને આ વાંચવાનો સમય નહીં મળે."

"સોરી શેઠજી મોહનલાલજીએ હમણાં જ મને ફોનમાં કહ્યું."

"ઠીક છે હું કારમાં ઘરે પહોંચતા  સુધીમાં સહી કરી નાખીશ અને પછી મોહનલાલના ઘરે મોકલી દઈશ. એમને મેસેજ આપી દેજે" કહી ડ્રાઈવરને ઘર તરફ જવાનો ઈશારો અનોપચંદે કર્યો કાર નજર સામેથી દૂર થતા જ ફાઈલ લાવેલા પ્યુનના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. 

xxx 

"ભીમ, તારે આજે ઘરે જઈને આરામ કરવો હોય તો કરી લે તારે કાલે સવારે તારે બાલોતરા ગામ જવાનું છે." 

"ક્યાં? બાડમેરનું બાલોતરા?" 

"હા.અને સાંભળ સાથે કંઈક હથિયાર રાખજે. કાલે સવારે 7 વાગ્યા સુધીમાં પહોંચી જજે. ત્યાં આનંદ ભુવન હોટલમાં ઉતરજે. અને 3-4 જણાને સાથે લઇ જજે.  બાલોતરાથી લોની નદીને કિનારે વિઠુજા ગામ છે આમ તો એ આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. કોઈ ટેમ્પોનો બંદોબસ્ત કરી લેજે. બાલોતરાથી જોધપુરના રસ્તે વિઠુજા ગામનું પાટિયું આવે પછી અંદર તરફ લગભગ 7 કિમી પછી ઇન્ડસ્ટ્રીયલ એરિયા શરૂ થાય છે. વચ્ચે 3-4 કિમિનો સુમસામ રસ્તો આવે છે. એની વચ્ચે ઉભો રહેજે હું તને કાલે સવારે એક કારનો નંબર લખાવીશ. એ કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા માંથી નીકળી મેઈન રોડ પર આવી બાડમેર જવાની છે. તારે ગમે તે પ્રકારે એ કારને આંતરીને એમાં રહેલા લોકોને ધમારીને જરૂર પડે તો પતાવી દઈ ને એમાં રહેલી એક બ્લેક બ્રીફકેસ ઉઠાવી લેવાની છે. પણ ધ્યાન રાખજે કાર માં 3-4 જણા હશે અને એ ઉપરાંત કદાચ પાછળ કોઈ બીજું વાહન પણ હશે સુરક્ષા માટે અને એ બધા આધુનિક હથિયારો સાથે. બોલ થશે એ કામ એકલાથી. કે પછી.."

"એક પ્રશ્ન છે. મારે કોઈ હોટલમાં શું કામ રોકાવાનું છે. હું ડાયરેક્ટ ત્યાં જાઉં તો. 

"એ જરૂરી છે ત્યાં સસ્તા દર વાળી હોટલ છે અને એનો માલિક મને ઓળખે છે. કદાચ એ એરિયામાં તું ક્યાંય ઓળખાય જાય કે મિશન ફેલ થાય અને તું પકડાઈ જાય તો એ લોકો તને છોડાવી શકે એટલા કેપેબલ છે વળી કોઈ કેસ થાય તો એ સાક્ષીમાં કામ આવશે."

"ભલે તો કાલે સાંજ પહેલા એ બેગ મારા હાથમાં હશે. પછી...?

"પછી તારે 24 કલાક ક્યાંક છુપાવું પડશે કેમ કે તને મારી નાખવા પાગલ કૂતરાની જેમ એ લોકો પીછો કરશે" કદાચ 8-10 લાશ પાડવી પડે તોય એ લોકો પાડી દેશે. પરમ દિવસની ફ્લાઇટ બપોરે 3.30 વાગ્યે જોધપુર થી તું પકડી લેજે અને અહીં મુંબઈ આવી જજે. 

"પણ તમારી સગાઈ કોની સાથે છે એ તો કહો. અને સાંભળ્યું છે કે જીતુભાની પણ સગાઈ છે."

"હા અમારી સગાઈ એક જ દિવસે એક જ હોલમાં છે અને જીતુભાની બહેન સાથે મારી સગાઈ થવાની છે અને જીતુભાની થનારી પત્નીને તો તું  જાણે છે. મોહિની ભાભી ને."

હા એમને તો હું મળ્યો છું."

ઓકે. તો પછી પરમ દિવસે શનિવારે સાંજે એરપોર્ટ પર તને લેવા કાર મોકલું છું કાર નંબર તને ફોન કરીને જણાવી દઈશ. 

xxx

'સરકાર ને મોટો ઝટકો. અમ્માની પાર્ટીએ વિરોધ પક્ષની નેવલ ચીફને હટાવવાના નિર્ણયની કેબિનેટ ઇન્કવાયરી કરવાની માંગ ને ટેકો જાહેર કર્યો' ન્યુઝ ચેનલ પર ચાલતા આ સમાચાર આખી કેબિનેટ જોઈ રહી હતી. 

"એ લોકો ગણતરીપૂર્વક પગલાં લઇ રહ્યા છે. જો જો 2 દિવસમાં એ જ્યોર્જને હટાવવાની જાહેરમાં માંગ કરશે" લાલજી એ કહ્યું.

"તો એમાં નવું શું છે. 4 દિવસ પહેલા એમને એ માંગ વડાપ્રધાનશ્રી ને કરી જ છે. હું તો એ દિવસે જ રાજીનામુ આપવા તૈયાર હતો."

"તારે રાજીનામું આપવાની કોઈ જરૂર નથી. રાજકારણમાં મને 40 વર્ષ થયા એ લોકોના દરેક પગલાં મને સમજાય છે. એ લોકો પોતાની સ્ટ્રેન્ગ્થ તપાસી રહ્યા છે." વડાપ્રધાને કહ્યું.

"તો હવે?" જ્યોર્જે પૂછ્યું. 

"કઈ નહીં કાલે એ પબ્લિકમાં તારું રાજીનામુ માંગવા દો. એ લોકો જનતા સમક્ષ ઉઘાડા પડી રહ્યા છે."

"પણ એ માંગ તો એ લોકો ઓલરેડી કરી ચુક્યા છે."

"તો હવે કેબિનેટ નો જવાબ પણ સાંભળી લે એ લોકો. જ્યોર્જનું રાજીનામું નહીં જ મંગાય, ભલે એ લોકો ટેકો પાછો ખેંચી લે અને ભલે આપણે ફ્લોર ટેસ્ટ આપવો પડે." "વડાપ્રધાને કહ્યું. અને પછી લાલજી તરફ જોઈને બોલ્યા. "લાલજી બરાબર છે ને આ વાત?"

"હા એકદમ બરાબર. આપણી પાસે નવા સાથીઓ ઉભા કરવા માટે હજી 8-10 દિવસ છે. થઇ જશે."

xxx

શનિવારે ભીમસિંહ અને બીજા 3 જણા એક ટેમ્પો માં ગોઠવાયા.એ અને બાલોતરાથી નીકળ્યા. સવારે 11 વાગ્યા હતા. ભીમસિંહે પોતાના ગામના ઓળખીતા 2 જણાને ટેમ્પો સાથે હાયર કર્યા હતા. અને ખાતરી આપી હતી કે તમને કઈ નહીં થવા દઉં. ટેમ્પોની નંબર પ્લેટ એ લોકો એ ભીમના ગામથી બાલોતરા આવતા પહેલા જંગલ જેવા રસ્તામાં બદલી નાખી હતી. વળી ટેમ્પોમાં બહારના ભાગમાં કોઈ નકલી એનજીઓના પ્લાસ્ટિકના બેનર લગાવ્યા હતા. જેનું કોઈ અસ્તિત્વ જ ન હતું. ડ્રાઈવર તરીકે ચતુરને લીધો હતો. બાલોતરાથી એ લોકોએ જોધપુરનો રસ્તો લીધો. અને વિઠુજા ગામનું પાટિયું દેખ્યું ત્યાંથી જમણી બાજુ ટેમ્પોને વાળ્યો અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા તરફ ભગાવ્યો. 4 કિ મી પછી એ લોકો ઉભા રહ્યા. ભીમે ચતુર ને કહ્યું "તું મુન્નાને લઈને જરા આગળ જા એકાદ કિ મી દૂરથી xxxx નંબરની કાર દેખાય એટલે મને કોલ કરજે આગળ પાછળ કેટલા વાહન છે એ જણાવજે."

"ભલે ભીમ ભાઈ." કહીને એ મુન્નાને લઇને નીકળ્યો અને એક સવા કિલોમીટર પછી ઉભો રહ્યો. વીસેક મિનિટ પછી ભીમે કહેલ નંબરની કાર ત્યાંથી ધીમી ગતિ એ પસાર થઇ. કારમાં કુલ 3 જણા હતા 2 યુવતી અને એક ડ્રાઈવર. ચતુરને નવાઈ લાગી કે 'આ કાર લૂંટવાની છે?' એણે તુરંત ભીમ ને ફોન કર્યો કે કાર અહીંથી પસાર થઇ છે અને અંદર 3 જણા છે 2 યુવતી અને એક ડ્રાઈવર. ખરેખર આ જ કાર લૂંટવાની છે?" 

"હા મને આજ નંબર આપ્યો છે એમાં નાના છોકરાઓ હોય તોય એને બાંધી ને કારમાંથી બ્રીફકેસ ઉડાવવાની છે હવે તું ઝડપથી પાછો આવ અને ધ્યાન રાખજે અમે થોડા આગળ નીકળી ગયા હોઈશું' કહી ભીમે ફોન બંધ કર્યો. અને પોતાના બીજા સાથી રામલાલ ને કહ્યું 'નકાબ ચડાવી લે. નશીબ છે કે બીજા કોઈ વાહન રસ્તામાં નથી.'એ લોકોએ ટેમ્પો થોડે દૂર ઝાડીઓમાં છુપાવ્યો હતો. પાંચેક મિનિટમાં એમને પોતે જેની રાહ જોતા હતા એ કાર દેખાઈ. કાર લગભગ 50 કદમ દૂર હતી ત્યાં એ બંને અચાનક ઝાડીમાંથી બહાર આવ્યા. ભીમ અને રામલાલ બંને ના હાથમાં ગન હતી. ભીમે રાડ નાખી "એ હોય, કાર ઉભી રાખ નહીં તો ઉડાવી દઉં છું." ડ્રાઈવર અચાનક રસ્તામાં કોઈને ગન લઈને ઉભેલા જોઈ અને ગભરાયો એણે કાર ઉભાડવાને બદલે ભગાવવાની કોશિશમાં એક્સેલેટર દબાવ્યું કારણે ગતિમાં આવતી જોઈ ને અનાયાસે ભીમે ગનનું ટ્રીગર દબાવ્યું એનું નિશાન કાર નું આગલું ટાયર હતું. પણ એને ગન ચલાવવાનો ઝાઝો અનુભવ ન હતો. ગોળી આગળની હેડલાઈટ માં ભટકાઈ અને કાચના ચુરા થઇ ગયા ફાયરથી ગભરાઈ ને ડ્રાઈવરે બ્રેક મારી પાછળ બેઠેલી 2 યુવતીઓ એ કોઈ ને ફોન જોડવા મંડ્યો. 

"સર કોઈ લૂંટારા છે 2 જણા છે. ગન છે હાથમાં અને કાર પર ગોળીબાર કર્યો છે." એટલા વાક્ય બોલાય ત્યાં ભીમ અને રામલાલ કાર પાસે પહોંચ્યા. અને ડ્રાઇવરને બહાર કાઢી ને 2 ઝાપટ મારી. બંને યુવતીઓ રાડો પાડવા લાગી. ભીમે થેલામાંથી દોરડા કાઢ્યા અને એ બંને યુવતીને બાંધી દીધી. ડ્રાઈવરને અલગથી બાંધ્યો 3ણેની આખો પર પટ્ટી અને મોમાં ડુચ્ચા ઘુસાડવામાં આવ્યા. એટલામાં ચતુર અને મુન્નો ત્યાં પહોંચ્યા. ભીમે કહ્યું. "નંબર એક ટેમ્પો લઇ આવ."

બે-ત્રણ મિનિટમાં એ 3ને જણાને ટેમ્પોમાં લાદવામાં આવ્યા.ભીમે કારમાંથી બ્રીફકેસ કાઢી અને ટેમ્પોમાં ફેંકી. મુન્નો અને રામલાલ પાછળના ભાગમાં ત્રણેને બાંધ્યા હતા ત્યાં ઉભા રહ્યા. ભીમે ટેમ્પોનું શટર બંધ કર્યું. અને એ ચતુરની બાજુમાં ગોઠવાયો નકાબ એણે ઝાડીમાં ફેંકી દીધો હતો.એ લોકો વિઠુજા ગામના પાટિયે પહોંચ્યા અને બાલોતરા ગામ બાજુ ટેમ્પો વાળ્યો એ જ વખતે પાછળથી 2-3 કાર હથિયાર બંધ લોકો સાથે  વિઠુજા ગામના પાટિયે પહોંચી એમાંથી એક કાર બાલોતરા બાજુ તો બીજી કાર જોધપુર બાજુ વળી જયારે 3જી કાર પછી ઇન્ડસ્ટ્રીયલ બાજુ જઈને પોતાની લૂંટાયેલ કારનું બારીકીથી નિરીક્ષણ કરવા ગઈ. પણ એ લોકો ને સમજાઈ ગયું હતું કે જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું છે. 

xxx

લગભગ 2 કલાક પછી એક ટેમ્પો ભીમનું ગામ કે જે જેસલમેર થી 25 કિમી દૂર હતું એ બાજુ જવા રવાના થયો એ હમણાં જ એક પશુ ખાદ્યના ગોડાઉનમાંથી નીકળ્યો હતો અને પાછળના ભાગમાં ખચોખચ પશુ ખાદ્યાન્ન ની ગુણીઓ ભરેલ હતી. ચતુરે બાલોતરાથી રીક્ષા પકડી હતી અને બાડમેર જઈને ત્યાંથી એ એસ ટી માં જેસલમેર જવાનો હતો. ભીમ હોટલ આનંદ ભુવન માં પોતાની રૂમમાં આરામ કરી રહ્યો હતો એ સ્નેહા ડિફેન્સ કંપની ના કોઈ કામે બાલોતરા ગામ આવ્યો હતો. જયારે એમણે ઉપાડેલા ત્રણે જણા લૂની નદીની ઓલે પાર જાસોલ ગામની પહેલા 200 300 ફૂટના અંતરે બેહોશ પડ્યા હતા.

xxx

સાંજ સુધી બાલોતરા ગામમાં ધમાલ ચાલી હતી કેટલાક નામીચા ગુંડાઓ અને મોટા માથાઓ બાલોતરા ગામથી લઇને જોધપુર જવાના હાઇવે પર ફરી રહ્યા હતા, કેટલાક પોલીસવાળા પણ પોતાની રીતે અલગથી તપાસ કરી રહ્યા હતા. આજુબાજુના એરિયાની બધી હોટલ અને ગેસ્ટ હાઉસ પણ ચકાસ્યા હતા. પણ કઈ શંકા સ્પદ મળતું ન હતું હા બે ચાર નવાણીયા કુટાઈ ગયા હતા તો ઘરેથી ભાગેલા 2-3 પ્રેમી પંખીડા યુગલ પકડાયા હતા. જેમાંથી એક યુગલ તો પોતપોતાના જીવનસાથી ને દગો કરીને મોજ મજા માટે આવ્યા હતા. ટૂંકમાં લગભગ 25 કિ મી નો એરિયા પૂરો ખંખોળી નાખવામાં આવ્યો તો પણ કઈ મતલબનું મળ્યું ન હતું. હા સાંજે લગભગ 6 વાગ્યે અર્ધ બેહોશીની હાલતમાં 2 યુવતી અને ડ્રાઈવર મળ્યા હતા. જોકે એ ને શોધનારા લોકોએ બરાબર નિરીક્ષણ કર્યું હોત તો અડધો કિલોમીટર દૂર ઓલા નકલી એનજીઓના બળેલા બેનરની રાખ એમને મળી હોત.

xxx

રવિવારે સવારથી જીતુભાનાં ઘરે ધમાલ હતી. આજે એની સગાઈ હતી અને સાથે સાથે સોનલની પણ સગાઈ હતી. સગાઈ માટે રાખેલા હોલ અને ઘર વચ્ચે સતત દોડધામ થઈ રહી હતી. આમ તો એના અંગત મિત્રો બહુ હતા નહીં. પણ 2-3 પાડોશી.ટુર વાળા પંકજભાઈ મોહિત અને હમણાં જ જોડાયેલો પવાર સતત હાજર હતા. પ્રદીપભાઈ એ એકાદવાર કંઈ કામકાજ હોય તો પૂછ્યું હતું. પણ એમને પણ દીકરીની સગાઈમાં અઢળક કામ હતા. પૃથ્વીએ પૂછ્યું હતું 2-4 નોકરોને હેલ્પમાં મોકલવા માટે પણ જીતુભાએ નમ્રતાપૂર્વક ના કહી હતી. જીતુભા જેમને આમંત્રણ આપવાનું હતું એની યાદી છેલ્લીવાર ચકાસી રહ્યો હતો. કોઈ રહી તો નથી ગયું ને. એ લિસ્ટમાં જોઈને એને એક ફો કર્યો. સામેથી ફોન ઉંચકાયો એટલી બોલ્યો. "મોહનલાલ જી ક્યારે આવો છો?"

"જીતુભા, સાચું કહું તો 4 મહિના પહેલા મારી પત્નીનો દેહાંત થયો ત્યારથી કોઈ ફંક્શનમાં ગયો નથી. મારો જરાય મૂડ નથી આવવાનો. અને આમેય બહુ જ ઉથલપાથલ ચાલી રહી છે, ભારતમાં અને દુનિયામાં પણ છતાં જોઉં છું."

"અરે એમ કઈ ચાલતું હશે? શેઠજી અને સુમિત નિનાદ ભાઈ નથી તો કંપની વતી તમે તો હાજરી આપો. મને વડીલના આશીર્વાદ મળશે."

"મારી શુભેચ્છા તારી અને પૃથ્વી સાથે છે જ. પણ તું તો જાણે છે કે કંપનીમાં કોઈ સિનિયર હાજર નથી.છતાં હું થોડો વખત હાજરી આપી જઈશ." કહી ને મોહનલાલે ફોન કટ કર્યો. ત્યાં જ જીતુભાનાં ફોનમાં રીંગ વાગી કોઈ અમેરિકાનો નંબર હતો. જીતુભાએ ફોન ઉચક્યો સામા છેડે અનોપચંદ હતો એણે જીતુભાને શુભેચ્છા આપી અને વાત પૂરી કરતાં છેવટે કહ્યું. "જીતુ, સાંજે પૃથ્વી તને એક ફાઈલ આપશે એને જીવની જેમ સાચવજે એ તને દુબઈમાં ઉપયોગી થશે." કહીને ફોન કટ કર્યો.  

 ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 4 માસ પહેલા

Manish Upadhyay

Manish Upadhyay 9 માસ પહેલા

Sheetal

Sheetal 1 વર્ષ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 1 વર્ષ પહેલા