talash 2 - 24 books and stories free download online pdf in Gujarati

તલાશ 2 - ભાગ 24

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

વહેલી સવારે જયારે પોણા છ વાગ્યે જીતુભા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો. ત્યારે અનોપચંદ પોતાના બેડરૂમમાં કોઈ ડોક્યુમેન્ટ તપાસી રહ્યો હતો. સ્નેહા પોતાના બેડરૂમમાં આરામ કરતી હતી કેમકે એણે સવારે લગભગ 4 વાગ્યા સુધી સુમિત સાથે ભવિષ્યન પ્લાન વિશે ચર્ચા કરી હતી. પછી સુમિત દુબઈ જવા રવાના થયો અને સ્નેહા આરામ કરવા ગઈ. તો એ જ વખતે પૃથ્વીના અંધેરીવાળા ઘરે નોકર ચાકરોની ભાગાદોડી ચાલુ હતી. ગમે તે મિનિટે ખડક સિંહ અને એમના પત્ની કે જેને બધા નોકરો માં સાહેબ કહેતા તેઓ આવવાના હતા. મોહનલાલ પોતાના ઘરે યોગા કરતો હતો રોજ એની આદત હતી છતાં આજે યોગમાં એનું મન લાગતું ન હતું. ગઈ આખી રાત એ ઊંઘ્યો ન હતો. આમ તો ગઈ કાલે બપોરે જયારે અનોપચંદે પોતાના ફેમિલીના બધા મુંબઈ બહાર જાય છે એવું કહ્યું એજ ક્ષણે એણે મનોમન એક ખતરનાક નિર્ણય લઇ લીધો હતો, અને એટલે જ એણે અનોપચંદ ને પોતે મુંબઈ નહીં છોડે એમ જણાવ્યું હતું. અને આજે વાપી જવાનું પણ પોતાને માથે લીધું હતું. કંટાળીને એને યોગા કરવાનું પડતું મૂક્યું અને બાથરૂમમાં નહાવા ગયો અને મનોમન પ્રાર્થના કરી આજનો દિવસ જો બધું સમુંસૂતરૂ પાર ઉતરી જાય તો ભગવાનનો ઉપકાર. એના 2 સંતાનો હતા. એક દીકરો અને એક દીકરી દીકરી પરણીને કેનેડામાં ઠરીઠામ થઈ હતી ત્યાં જમાઈ નો એક નાનકડો સુપર મોલ હતો રૂપિયાની કોઈ કમી ન હતી. જયારે દીકરો હમણાં 2-3 વર્ષથી અમેરિકામાં અનોપચંદના 2-3 બિઝનેસ હાઉસ એ જે માત્ર બિઝનેસ કરતા હતા એ સંભાળતો હતો એને અનોપચંદની બિઝ્નેસ સિવાયની કોઈ પ્રવૃત્તિ વિશે ખબર પણ ન હતી.

xxx

"અમ્મા, ઓલા કામમાં કઈ આગળ વધ્યું?" ગુરુ અન્ના બધા પક્ષના નેતાઓની વચ્ચે થયેલ પોતાના અપમાનને ભુલી શક્યો ન હતો. એણે સવાર માં અમ્માને ફોન કર્યો.

"ના ગુરુ અન્ના. કાલે બપોરથી આપણા માણસો મચ્યા છે. પણ હજી સુધી કઈ હાથમાં નથી આવ્યું. પણ કૈક તો મળશે જ જલ્દીથી ખુશ ખબર મળશે."

"મારે એ સુમિત અગ્રવાલ ને જેલના સળિયા પાછળ જોવો છે. અને તમારું મિશન પૂરું થાય એટલે એની મદ્રાસની કંપનીમાં તાળા ન લગાડવું ત્યાં સુધી મને ચેન નહીં પડે."

"અરે તું જો તો ખરા એનો કાન પકડશું એટલે આપણા પગમાં બેસી જશે. અને એનું મદ્રાસ નું કામ બંધ કરાવી એ તો હજારો બેરોજગાર થઇ જશે. અત્યારે એવું જોખમ ન લેવાય ચૂંટણી ગમે ત્યારે આવશે."

"ભલે અમ્મા તમે કહો એમ પણ એ માફી માંગવા આવે ત્યારે તમે કહેજો કે ગુરુ અન્નાની માફી માંગ પહેલા, પબ્લિક વચ્ચે મારા પગ પકડીને માફી મંગાવીશ ત્યારે મને ચેન પડશે. ચાલો હું મુકું છું. રાત્રે મોહલ્લા સભા કરેલી એટલે પાર્ટીની ઓફિસમાં જ સુઈ ગયો હતો હવે ઘરે જાઉં છું." કહી ગુરુ અન્નાએ ફોન કટ કર્યો અને પોતાના ડ્રાઈવર સાથે ઘરે જવા નીકળ્યો ઓફિસના પ્રાંગણમાં 2-3 કાર્યકર્તાઓ સુતા હતા એક 2 જાગતા બીડી પી રહ્યા હતા કોઈ દાંત ઘસી રહ્યું હતું. પણ એક વયસ્ક માણસ જે ગુરુ અન્નાના રૂમ પર કાન માંડી ને બેઠો હતો એના પર કોઈનું ઝાઝું ધ્યાન ન હતું છેલ્લા કેટલાક વખતથી એ અવારનવાર પાર્ટીના કાર્યાલયમાં આવતો અને સભાનો મંચ વિગેરે સજાવવામાં મદદરૂપ થતો હતો. એણે એને ઓળખતા 2-3 કાર્યકર્તાને મળીને આવજો કહ્યું  અને પછી પોતાના ઘરે જવા રવાના થયો. એ ગણપતનો ખબરી કાકો હતો.

xxx

 જીતુભા લગભગ સાડા છ વાગ્યે ઘરે પહોંચ્યો તો એને આશ્ચર્ય થયું રોજ ઉઠવામાં નખરા કરનાર સોનલ નાહીને રસોડામાં ચા બનાવી રહી હતી. સુરેન્દ્રસિંહનો આ છાપા વાંચવાનો વખત હતો પણ એ કાગળ પેન લઈને કૈક લખી રહ્યા હતા. તો જીતુભાની માં નો આ પૂજા નો સમય હતો એની સવારની પૂજા લગભગ 2 કલાક ચાલતી એ પોતાના ઓરડામાં મંદિર સામે હોવાને બદલે સુરેન્દ્રસિંહની બાજુમાં બેઠા હતા. સોનલનો ફોન એના હાથમાં હતો અને એ વચ્ચે વચ્ચે સુરેન્દ્રસિંહ ને કંઈક લખાવતા લખાવતા ફોન પર મોહિનીની મમી હેમા બહેન સાથે કૈક વાતો કરી રહ્યા હતા. "આ બધી શું ધમાલ છે" જીતુભા એ મનોમન વિચાર્યું. 

"આવી ગયો દીકરા કરતા એની માં ઉભા થયા અને જીતુભાના ઓવારણાં લીધાં. લગભગ દોઢ મહિના પછી જીતુભા ઘરે આવ્યો હતો. "હવે ફટાફટ નાહી લે. આજે ઘણા કામ છે. તારે આજે ઓફિસે તો નથી જવાનું ને?" એની માં એ પૂછ્યું. 

"માં આજે જ અનોપચંદજી વિદેશ જાય છે અને મારે આ દોઢ મહીનાનો રિપોર્ટ એમને આપવાનો છે એટલે હું તો નાહી નાસ્તો કરી અને ઓફિસ ચાલ્યો જઈશ છેક રાત્રે આવીશ પણ આ બધું શું ચાલી રહ્યું છે?" જીતુભાએ પૂછ્યું. 

"અરે કાલે જમાઈરાજ આવ્યા હતા. આપણા ઘરે. અને આજે એમના માં અને બાપુ સાહેબ મુંબઈમાં આવી રહ્યા છે. બપોરે આપણા ઘરે આવશે. સોનલનો હાથ માંગવા. અને પછી સગાઈની તારીખ નક્કી કરી જમી અને પછી અહીંથી જશે. જો દીકરા આજે હજાર કામ હશે. દીકરીની સગાઈની વાત કરવા વેવાઈ આવવાના છે. તું આજે રજા કરી નાખીને" માં એ કહ્યું. 

"ઓહ્હ અચ્છા એટલે નિનાદે કહ્યું હતું કે તારા ઘરે નાનું ગેટ ટુ ગેધર અને ડિનર પાર્ટી હશે.' જીતુભા એ મનોમન વિચાર્યું. પછી મનને કહ્યું "જો માં રજા તો કોઈ રીતે લઇ શકું એમ નથી. મારે ઓફિસ તો જવું જ પડશે. પણ હું હમણાંજ નાહી નાસ્તો કરી ઓફિસે ચાલ્યો જાઉં છું અને લગભગ 12 વાગ્ય સુધીમાં પાછો આવવાની કોશિશ કરું છું."

xxx

"ભીમસેન ક્યાં છે તું?" પૃથ્વી એ પૂછ્યું.

"હુકમ કંપનીના કામે પોખરણ આવ્યો હતો મેનેજર સાહેબ ને લઇ ને. લગભગ બપોરે પાછો જેસલમેર પહોંચીશ."

"ઠીક છે. હમણાં મોહનલાલ મેનેજર ને ફોન કરીને કહી દેશે. તું મેનેજરને જેસલમેર પહોંચાડી દે પછી 7 દિવસની રજા પર છે. જેસલમેર પહોંચી અને પછી મને ફોન કરજે. તારું એક કામ છે."

"ભલે હુકમ લગભગ 3 વાગ્યે હું ફોન કરીશ."

"તે પૂછ્યું નહીં રજા સેનાએ માટે લેવાની છે 7 દિવસની?"

"ના કૈક તો કારણ હશે જ નહીં તો તમે મને રજા શું કામ લેવડાવો છેલ્લા 3 વર્ષ છોડી દઉં તો આખી જિંદગી મોજ જ કરી છે કદી નોકરી ન કરી. માં બાપ ને ધમકાવીને મોજમજા માટે રૂપિયા પડાવી લેતો  ઓલા મોતી ઠાકુર ની ગેંગમાં જોડાયો. લગ્ન કર્યા તો બાયડીની મારકૂટ કરી એણે મારા માં બાપને સાચવવા ખેતરોમાં મજૂરી કરી તો એના પગારને દિવસે જઈને એની મહેનતની કમાઈ, કે જે મારા માં બાપની સારવાર માટેના રૂપિયા હતા એ છીનવી લીધા અને મોજ કરી. આ તો તમારી અમી નજર પડી કે મોતિયાની ગેંગ છૂટી ગઈ એને કૂતરાની જેમ રોડ પર ફટકારીને પોલીસમાં પકડાવ્યો અને તમે અપાવેલ ડ્રાઇવરની નોકરી ઈમાનદારીથી કરી કેમ કે તમારાથી ટકરાઈને સમજાયું કે મારાથી પણ બળવાન કોઈ હોય શકે આ ધરતી પર. તમે મને જાનવરમાંથી માણસ બનાવ્યો મારો માર ખાઈને ઘર મૂકીને ભાગી ગયેલ મારી પત્નીને તમે બાંહેધરી આપી ને મારો સંસાર ફરીથી વસાવ્યો. મારા માં બાપ મારા નામથી ધ્રુજતા એના હવે હું રોજ પગ દાબી દઉં છું અને એ તમને આશિષ આપે છે. એવા તમે. કંઈક કારણ હોય તો જ મને રજા કરવાનું કહો. એટલો તો વિશ્વાસ છે મને"

"એ ભાઈ મને માણસ રહેવા દે ભગવાન ન બનાવ સાંભળ મારી સગાઈ છે આવતા રવિવારે મુંબઈમાં તારે આવવાનું છે. પણ અહીં આવતા પહેલા તારે એક કામ કરવાનું છે એટલે જેસલમેર પહોંચી ને મને ફોન કર."

xxx

જીતુભા અનોપચંદ એન્ડ કુ. માં પહોંચ્યો. ત્યારે 10 વાગ્યા હતા. 13 મેં મળે પહોંચીને એને પ્યુનને કહ્યું "શેઠજીને મેસેજ પહોંચાડો કે મારે મળવું છે."

"જી સાહેબ, તમે થોડી રાહ જુઓ. ફોરેન ડેલિગેશન સાથે શેઠજી મિટિંગમાં છે. પણ તમે મળવા આવશો એવું એમને જ કહ્યું છે. તો એ મિટિંગ પુરી થાય એટલે તરત જ તમે મળવા જજો કેમ કે શેઠજીને 1 વાગ્યા પહેલા નીકળી જવું છે." પ્યુને આ કહ્યું એ દરમિયાન પવાર ત્યાં પહોંચ્યો. અને રિસેપ્શન પર કહ્યું "મારે આ પૃથ્વી સાહેબ ને મળવું છે." જીતુભા વેઇટિંગ એરિયામાં સોફા પર બેઠો હતો.  

"આ સાહેબ તો આજે આવ્યા નથી. તમારે શું કામ હતું?' રિસેપ્શનિસ્ટે  પૂછ્યું.

"જી એમણે મને નોકરી માટે બોલાવ્યો હતો. કદાચ એ ન હોય તો મારે મોહનલાલજી ને મળવું છે મેં એમની સાથે એકાદવાર વાત કરી છે."

"સોરી એ પણ આજે આવ્યા નથી. તમે કાલે આવજો." સાંભળીને પવાર નિરાશ થઇ ગયો. માંડ મળનારી પર્મેનન્ટ નોકરી કાલે એ સાહેબ કે મોહનલાલ આવે પછી મળશે. પણ આ પૃથ્વી જેવા મોટા સાહેબ ભૂલી જશે તો? એને પરસેવો થવા લાગ્યો. ભારે અવાજે એણે રિસેપ્શનિસ્ટ ને કહ્યું. "થોડું પાણી મળશે. પ્લીઝ"

"તમે સામેના સોફા પર બેસો ત્યાં પ્યુન તમને પાણી આપી જશે." કહી એને પ્યુન ને પાણી પીવડાવવા નો ઈશારો કર્યો. એ જીતુભાની બાજુમાં ગોઠવાયો. પ્યુને એને પાણી આપ્યું. અને કંપનીમાં રહીને ચોક્કનના થયેલા અને ખણખોદિયા સ્વભાવથી પૂછવા માંડ્યું "તમે કોને મળવા આવેલા."  

"જી પૃથ્વી જી કરી ને કોઈ મોટા સાહેબ છે આ કંપનીમાં એ મને કાલે મળેલા. અને નોકરી આપવાની વાત કરેલી." સાંભળીને જીતુભાએ એને કુતુહલથી પૂછ્યું. "પૃથ્વી તને કાલે ક્યાં મળ્યો હતો."

"જી, મને સુભાષ અંકલે કામ સોંપેલું 2 મેડમ .." અરે પણ તમે કોણ છો હું તમને બધું શું કામ કહું?"

"કેમ કે જો તારી વાત જરૂરી લાગશે તો આજ મિનિટ હું તારી વાત પૃથ્વી સાથે કરાવી આપીશ. તારે નોકરીની જરૂર છે ને?" જીતુભાએ પૂછ્યું. 

"હા હા સાહેબ, એક્ચ્યુલ માં એક મેડમ કે જેમની સાથે પૃથ્વીજી ના લગ્ન થવાના છે એ મેડમને અને એમની સાથે બીજા એક એમના બહેનપણી એ બેઉ ને  2-3 દિવસ પહેલા કિડનેપ થતા બચાવ્યા હતા. એટલે મારી હિંમત અને ચોકસાઈથી ખુશ થઈને મને નોકરી અપાવવાનું કહેલું. 

"શું. સોનલનું કિડનેપિંગ? જીતુભાનો અવાજ ફાટ્યો. 

"હા. સોનલ મેડમ અને એમના બહેનપણી મોહિની મેડમ. પણ તમે સોનલ મેડમને ઓળખો છો? પવારે પૂછ્યું.

"હા એ મારી બહેન છે. આટલું બધું બની ગયું મને ખબર જ નથી. ભાઈ તારો ખુબ ખુબ આભાર. તે સોનલ અને મોહિની ને બચાવ્યા. ખેર તું અહીં જ બેસ. હમણાં તારો એપોઇન્ટમેન્ટ લેટર તને અપાવી દઈશ તારે શું કામ કરવાનું છે એ તું ઓલ પંકજ ભાઈ ટુર વાળાના પિતાજી શુભાષ અંકલને પૂછી લેજે.  

લગભગ 2 કલાક પછી જીતુભા અનોપચંદને મળીને પોતાના ઘરે જવા માટે ઓફિસમાંથી બહાર નીકળ્યો. સૌથી પહેલા એણે પવારની નોકરનું કન્ફર્મ કરીને એને એપોઇન્ટમેન્ટ લેટર અપાવ્યો. એ લેટર લઈને પવાર એકદમ ભાવુક થઇ ગયો અને જીતુભા, પૃથ્વી અને કંપનીનો આભાર માનતો રહ્યો. કોલેજ પછી 2 વર્ષ એણે બેકારીમાં ગાળ્યા હતા. એની વિદાય પછી અનોપચંદે જીતુભા સાથે મિડલ ઈસ્ટની ટ્રીપની ચર્ચા કરી છુટ્ટા પડ્યા ત્યારે અનોપચંદના શબ્દો એને યાદ આવી રહ્યા હતા. "જીતુ. મારી 50 કરતાંય વધારે વર્ષની મહેનત સાવ પાણીમાં જઈ રહી છે. તારી અને પૃથ્વીની સગાઈ છે. ચાર  દિવસ પછી નહીં તો તને અત્યારે જ દુબઈ મોકલી દેત. ખેર રવિવારે સાંજે તારી સગાઈ છે અને સોમવારે સવારના 5 વાગ્યા ની તારી દુબઈની ફ્લાઇટ ની ટિકિટ બુક કરી છે. જયારે પૃથ્વી બેલ્જીયમ જવા સવારે 7 વાગ્યે વાયા લંડનની ફ્લાઇટ પકડશે.  

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED