talash 2 - 21 books and stories free download online pdf in Gujarati

તલાશ 2 - ભાગ 21

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

કોર્નર પર બોલેરો પાર્ક કરી ને એ બહાર આવ્યો. મુંબઈ ના દાદર વિસ્તારમાં બપોરે 2 વાગ્યે પણ વાહનોની આવન જાવન ઘણી હતી. એને સમજાયું કે અહીં એ માંડ  5-7 મિનિટ પોતાની બોલેરો ઉભી રાખી શકશે. પછી અહીંથી હટાવવી પડશે. ડ્રાઇવરના દરવાજા  પાસે ઊભીને એણે  ચારે તરફ નિરીક્ષણ કર્યું. ભીડ તો હતી જ પણ રોજના પ્રમાણમાં એટલી બધી ન હતી. એનું ધ્યાન સોનલ જે દુકાનમાં ઘૂસી એના પર જ હતું. લગભગ 3-4 મિનિટ પછી સોનલ બહાર આવી આખરે એ ઘડી આવી ગઈ હતી. એણે સોનલ તરફ જવા પગ ઉપાડ્યો. લગભગ 25 કદમનું અંતર એની અને સોનલ વચ્ચે હતું. અચાનક એણે જોયું કે એક બાઈકવાળો સોનલની લગોલગ આવીને ઉભો રહ્યો. એ જાણતો નહતો કે એ કોણ છે. 'કોણ હશે એ?' મનોમન એણે  વિચાર્યું. અને પોતે જ્યાં હતો ત્યાંજ ઉભો રહી ગયો. 

પવારે અચાનક પોતાના સાવ લગોલગ આવીને બાઈક ઉભી કરી એટલે સોનલ ચોકી ગઈ. પછી એણે પવારને ઓળખ્યો. એક સ્મિત સોનલના ચહેરા પર આવ્યું."શું થયું પવાર?" એણે પૂછ્યું.

"સોનલ મેડમ, તમે ચાલીને કઈ બાજુ જાવ છો."

"ઘરે"

"તો પછી ટેક્સી કરી લ્યોને."

"કેમ તને મારી પાછળ ધીરે ધીરે બાઈક ચલાવતા કંટાળો આવે છે? તો તું જા તારા ઘરે. તારી આજની હાજરી પુરાઈ ગઈ." હસતા હસતા સોનલે કહ્યું. એને હસીને કોઈકની સાથે વાત કરતા જોઈને બોલેરો વાળો  મનોમન ધૂંધવાઈ રહ્યો હતો. માંડ સોનલને એકલી ને મળવાનું વિચાર્યું હતું ત્યાં આ કોણ ટપકી પડ્યો એવા વિચાર એના મગજમાં આવી ગયા. 

"સોનલ મેડમ, તમે સમજો અત્યારે તમારા પર ખતરો છે. વળી આજે મોહિની મેડમ અચાનક અલગ જગ્યાએ ગયા. એટલે એમની પાછળ મારે બીજા કોઈને મોકલવો પડ્યો. રોજે રોજ આપણા નશીબ આપણને સાથ આપે એવું નથી બનતું. તમે એક કામ કરો કે ટેક્સી પકડી લો અથવા..'

"અથવા શું.?' સોનલે પૂછ્યું.

"અથવા મારી બાઈક પર પાછળ બેસી જાવ હું તમને ઘરે છોડી દઈશ." 

"અચ્છા મને બાઈક પર બેસાડવી છે. ગર્લફ્રેન્ડને બેસાડે એમ?' કહી સોનલ હસી.

"ના એક ભાઈ જેમ બહેનને સલામત ઘર સુધી મૂકી જાય એમ."

"હું નથી બેસતી તારી બાઈક પર." કહી સોનલ ચાલતી થઈ. આ છેલ્લું વાક્ય એ એટલે મોટેથી બોલી કે આજુબાજુ ના લોકોનું ધ્યાન ખેંચ્યું. બોલેરો વાળા એ પણ એ સાંભળ્યું.

"સોનલ મેડમ જીદ ના કરો." હવે પવાર પણ મોટેથી બોલ્યો અને પોતાની બાઈક ફરીથી સોનલની લગોલગ કરી અને ધીમેથી કહ્યું "જુવો સામે બોલેરો ઉભી છે એ પણ છેલ્લી 10 મિનિટથી તમારો પીછો કરે છે. અને એ મારી સાથે નથી." સોનલે જોયું  તો બોલેરો નો ડાબો ભાગ નજરે ચડ્યો. જયારે ડ્રાઈવર સાઈડ માં કોઈ ઊભું હતો. એ અવઢવમાં પડી ગઈ. પવાર સાથે જવું કે નહીં. કેમ કે આજુબાજુમાં કોઈ ખાલી ટેક્સી મળવાની શક્યતા નહિવત હતી. એ અસમંજસમાં હતી.  એ જ વખતે તેના મોબાઈલમાં રિંગ વાગી જીતુભાની માં એને ફોન કરી રહી હતી એ સાઈડમાં આવી અને ફોન ઉચક્યો. પવારે એનો ફોન પૂરો થાય ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું. બોલેરો વાળાએ એકાદ મિનિટ પહેલા એ બેઉ વચ્ચે થયેલ ઉંચા અવાજની વાત સાંભળી હતી એ બોલેરોની પાછળથી બહાર આવ્યો અને પવારના બાઇકના રસ્તામાં ઉભો રહી ગયો અને રાડ નાખી "એ હોય બાઈક ઊભી રાખ"

xxx 

"શેઠજી મારું નામ ગણેશન, ગણેશન શંકર રાજુ પતિ, મારુ ગામ છે પાડાવેડુ." ફોનમાં સંભળાતા આ શબ્દોથી અનોપચંદને લાગ્યું કે કાનમાં કોઈ વિસ્ફોટ થયો છે.  ગણેશનની બાજુમાં ઉભેલ સુમિત પણ ચોકી ગયો. 'આ નામ એણે પહેલા સાંભળેલ હતું એટલે કે ગણેશન ના બાપનું નામ અને ગામનું નામ સુમિત ત્યારે માંડ 19-20 વર્ષનો હતો. અને કંપનીના અંદરના વર્તુળોને સમજવાની હજી શરૂઆત જ કરી હતી. બહારથી એક ઉદ્યોગગૃહ દેખાતી કંપનીની વિવિધ પ્રવૃતિઓ એક પછી એક હજી એ સમજી રહ્યો હતો ત્યારે એને એક વાર નરીમાન પોઇન્ટની એ જ ઓફિસમાં અનોપચંદના મોઢે જ આ નામ સાંભળ્યું હતું.  "હેલો શેઠજી લાઈન પર છો ને". ગણેશન બોલી રહ્યો હતો.

"હા, ગણેશન બોલ શું વાત કરવી હતી તારે" આખરે અનોપચંદે સ્વસ્થ થતા પૂછ્યું. 

"મારુ પુરૂ નામ અને ગામનું નામ સાંભળીને તમે ઓળખી તો ગયા જ હશો કે હું કોણ છું."   

"હા માત્ર તારું પુરૂ નામ સાંભળીને તને ઓળખી લીધો કે તું કોણ છે. હવે કામ બોલ" અનોપચંદે કહ્યું એની જિંદગીમાં આવી પરિસ્થિતિ પહેલીવાર જ આવી હતી.

"કામમાં તો એવું છે કે મારે તમને મળીને બધી માંડી ને વાત કરવી છે કે મારો બાપ" બોલતા બોલતા ગણેશનનું ગળું રૂંધાઇ ગયું. 

"તારો બાપ, એક દગાખોર અને દેશદ્રોહી હતો ગણેશન. એના વિશે મળીને વાત કરવાનો મારી પાસે સમય નથી. તારે જે સબૂત તારી પાસે હોય એનું જે કરવું હોય એ કર. સુમિત જેલમાં જશે તોય મને કઈ ફરક નથી પડતો. હું ફોન મૂકું છું." અનોપચંદ ગુસ્સાથી બોલ્યો.

"એક મિનિટ માત્ર એક મિનિટ મારી વાત સાંભળો. તમને પુરી વાતની ખબર નથી તમારા જુના કર્મચારીના આ અનાથ દીકરાની વાત તો તમારે સાંભળવી જ જોઈએ." 

"ઠીક છે. તારા બાપે મારી સાથે લગભગ 20 વર્ષ કામ કર્યું અને પછી દગો કર્યો પણ એ  20 વર્ષ યાદ કરીને હું તને 2 મિનિટ આપું છું બોલ તારે બોલવું હોય એ હું સાંભળું છું."

xxx 

અચાનક રસ્તા વચ્ચે કોઈએ પડકાર ફેક્તા પવાર સહેજ ગભરાયો એણે જોયું તો કોઈ પર્વત નો ટુકડો એની તરફ ધસી રહ્યો હોય એવું લાગ્યું આમેય પવાર સામાન્ય લોકો કરતા ઠીંગણો હતો. પોતાની સામે એક મહાકાયને જોઇને એણે માંડ પોતાની હિંમત ભેગી કરીને પૂછ્યું. "કોણ છે તું શું જોઈએ છે તારે."

"તારું બોલ, કોણ છે તું અને સોનલબા ને શું કામ જબરદસ્તી તારી બાઇક માં બેસાડવા છે તારે?"

"તું તારું કામ કર હું સોનલ મેડમ ને જબરદસ્તી બેસાડું તોય તારે શું છે? જવાબમાં બોલેરો વાળો ધસમસતો એની નજીક આવ્યો એનો જમણો હાથ હવામાં હતો અને એનું લક્ષ્ય પવારનો ગાલ હતો ફોનમાં વાત કરતા કરતા સોનલ ની નજરે આ દ્રશ્ય પડ્યું. એને જોયું તો પૃથ્વી પવારને મારવા જઈ રહ્યો હતો. એક સાથે અનેક ભાવ એના હૃદયમાં ઉઠ્યા..પોતાના મનના માણીગર પૃથ્વીને જોયાનો રોમાંચ. ઉપરાંત પવારને પડનારો ફટકો. તો પૃથ્વીને પોતે પવારની બાઇકમાં શા માટે જવા તૈયાર થઈ એ વિશે શું કહેવું. એ બધું વિચારતામાં એણે જોયું કે પવારનું જબડું તૂટવાની તૈયારીમાં છે એ જોઈને સોનલે ચીસ નાખી "પૃથ્વીજી ઉભા રહો." પૃથ્વીએએ ચીસ સાંભળી ને ઉભો રહી ગયો સોનલ માર્કેટમાં એને નિહાળતા લોકોની નજરને અવગણીને પૃથ્વીને વળગી પડી. "સોનલબા તમારી જાતને સંભાળો." એકાદ મિનિટ પછી પૃથ્વીએ ધીરેથી કહ્યું. પવાર હજી બઘવાઈ ને એ બંને સામે જોતો હતો. સોનલ સહેજ સ્વસ્થ થઈ  પછી એને "પૃથ્વીને કહ્યું. "પૃથ્વીજી તમે મુંબઈ ક્યારે આવ્યા?"

"સવારે 9 વાગ્યે. થોડું ઓફિસમાં કામ પૂરું કર્યું અને તમને સરપ્રાઈઝ આપવા અહીંયા આવ્યો"

"પણ, હું અહીં છું એ તમને કેવી રીતે ખબર પડી?"

મારી ઓફિસ ના અમુક લોકો પાસે તમારી દરેકે દરેક મિનિટ ની વિગતો હોય છે. એની વે આ કોણ છે જે તમને જબરદસ્તી પોતાની બાઈકમાં બેસવાનું કહી રહ્યો છે?" પૃથ્વીએ પવારને ઘુરતા કહ્યું.

"લે તમારી ઓફિસે મારો પીછો કરવા રાખેલ માણસને તમે નથી ઓળખતા? આ પવાર છે 2 દિવસ પહેલા કેટલાક લોકો મને અને મોહિનીને કિડનેપ કરવાના હતા ત્યારે એણેજ અમને બચાવ્યા હતા. કોઈ મોહનલાલજીએ રોક્યો છે એને." સોનલે પૃથ્વીને કહ્યું. પવાર આ બધો વાર્તાલાપ સાંભળતો હતો એને પ્રશ્ન સૂચક નજરે સોનલની સામે જોયું.એટલે સોનલે એને કહ્યું. "પવાર આ પૃથ્વીજી છે. તારા થનારા જીજાજી. અને જે સુભાસ અંકલ અને મોહનલાલની સાથે તું કામ કરે છે એમની કંપનીમાં બહુ ઊંચી પોસ્ટ પર છે" સાંભળીને પવારે બાઇક પરથી ઉતરીને પૃથ્વીની પાસે જઈ એની સાથે હાથ મિલાવ્યા અને કહ્યું "મને લાગ્યું કોઈ સોનલ મેમનો પીછો કરી રહ્યું છે છેલ્લી 15 મિનિટથી મેં નોંધ્યું હતું કે તમે એમનો પીછો કરો છો એટલે જ મેં એમને મારી બાઈકમાં બેસવા કહ્યું હતું. 

."ગુડ જોબ પવાર, હું મોહનલાલ ને કહી ને તારું પ્રમોશન કરાવી દઈશ." પૃથ્વી બોલ્યો. 

 "પણ હું તો આ કામ પાર્ટ ટાઈમ કરું છું મને પરમેનન્ટ નોકરી અપાવી દો પ્લીઝ."

"ભલે એક કામ કર કાલે સવારે 10 વાગ્યે તું આ એડ્રેસ પર પહોંચી જા." કહી પૃથ્વી એ એને એક વિઝિટિંગ કાર્ડ આપ્યું. "અને ત્યાં જઈને કહેજે પૃથ્વી ને મળવું છે. નહીં તો મોહનલાલને મળજે અને કહેજે પૃથ્વીએ મને કાયમી નોકરી આપવાનું કહ્યું છે. સમજી લે તારી નોકરી લાગી ગઈ."  કહી પૃથ્વીએ સોનલ અને મોહિની ને બચાવવા બદલ ફરીથી પવારનો આભાર માન્યો અને કહ્યું "હવે તું જા અને આરામ કર હું સોનલબાને એમના ઘરે સહી સલામત પહોંચાડી દઈશ."

xxx  

"અબ્દુલ, મોહનલાલજી નો ફોન હતો. એને તારી ચિંતા થાય છે એટલેકે કદાચ તને જેલ થશે તો અમારું શું થશે એની ચિંતા થાય છે," સલમાએ ફોનમાં કહ્યું 

"પણ તારે એમને કહેવું હતું ને કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી."

"મેં એમને કહી દીધું છે. હવે તું ઢીલો ન પડતો એ કહેવા જ તને ફોન કર્યો છે. મેં હમણાં જ ખાલા સાથે વાત કરી લીધી છે. મુસ્તાક ના નિકાહ ની."

"બહુ જ સારી વાત છે, આમતો મને લાગે છે હું 3-4 દિવસમાં પાછો આવી જઈશ પણ કદાચ કઈ આડું અવળું થાય તો મુસ્તાકનાં નિકાહ જલ્દી કરાવી લેજે." કહી અબ્દુલે ફોન બંધ કર્યો.

xxx 

"અનોપચંદ એન્ડ કુ. ની બધી બધી કંપનીઓની ફાઈલ ચેક કરવો અને બ્યુરોક્રેટમાં જેટલા આપણા માણસો હોય એને કહો કે નાનામાં નાની વિગતો ચેક કરે. અને ક્યાંય કઈ ગરબડ દેખતી હોય તો મને રાત સુધીમાં વિગતો આપો." અમ્મા પોતાના એમપી કે જે કેબિનેટમાં મિનિસ્ટર હતા એને કહી રહ્યા હતા.

xxx 

"હની તે આકા ઓ સાથે વાત કરી લીધી. એમને મોકલેલા રૂપિયા ખૂટવા આવ્યા છે. નવું ફંડ જોશે." શેખના મેનેજર બનેલો ઈરાની શેખ બનેલા હની ને કહી રહ્યો હતો 

"હા વાત થઇ ગઈ છે એમણે પણ ઉપર વાત કરી લીધી છે જો આ સરકાર પડી જશે તો આપણા દેશને મબલખ રૂપિયાની મદદ કરવા મોટા માથાઓ તૈયાર છે. પણ એક અઠવાડિયા પછી આપણે બન્નેએ વિદેશી અને આપણા દેશના ટોચના નેતાઓને મળવા દુબઈ જવું પડશે

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED