talash 2 - 20 books and stories free download online pdf in Gujarati

તલાશ 2 - ભાગ 20

( કેટલાક વાચકો ના રીવ્યુ અને કોમેન્ટ માતૃભારતી પર અને વોટ્સ એપ પર મળ્યા છે એ મુજબ વાર્તામાં સમય સમજવામાં ગરબડ છે. ક્યારેક બપોરનું વર્ણન તો એજ વખતે ક્યાંક સવારની વાત આવે છે એનું મુખ્ય અને એક માત્ર કારણ લેખકની ભૂલ નહીં પણ અલગ અલગ દેશના ટાઈમ ઝોન જવાબદાર છે આની શરૂઆત પ્રકરણ 4 થી થઇ હતી  જયારે નાસા પરના હુમલાના ખબર આપવા બોબે સુમિત ને ફોન કર્યો લગભગ સાંજે 8 વાગ્યે (લંડનથી) જયારે સુમિતે ફોન ઉચક્યો ત્યારે લગભગ રાત્રે દોઢ (ચેન્નાઈમાં) વાગ્યો હતો. કેમકે ભારત અને બ્રિટનમાં સમયમાં લાભાગ 6 -6.30 કલાક નો ફરક છે. ભારત કરતા બ્રિટિશ સમય પાછળ છે. એટલે જ  'ભુરાએ (લંડનથી )નીતાને ફોન કરીને કહ્યું કે ટિકિટ કઢાવી કે નહીં એ કહે તો નિનાદ ને લંચ આપવું કે નહીં એ ખબર પડે. નીતા (મુંબઈમાં હતી) સાંજના લગભગ પોણા છ વાગ્યે જયારે આ ફોન આવ્યો ત્યારે. પણ લંડનમાં લંચનો સમય હતો.

પ્રકરણ 4 થી વાર્તા પેરેલલ બે ટાઈમ ઝોન માં ચાલી રહી છે. ભારતમાં મુખ્ય 3 સ્થળે મુંબઈ મદ્રાસ તથા દિલ્હી. (અન્ય સ્થળનો ઉલ્લેખ મર્યાદિત છે. ) જયારે એજ સાથે લંડન ઉપરાંત જર્મની ના પણ પ્રસંગ સાથે સાથે આવ્યા. પ્રકરણ 4 થી 20 સુધી.

વાર્તામાં આગળ જતા આરબ દેશો નો ઉલ્લેખ આવશે જેનો સમય ભારત કરતા લગભગ 2 કલાક આગળ છે એટલે કે અહીં ભારતમાં સવારે 8 વાગ્યા હોય તો એજ વખતે ત્યાં દુબઈ અબુધાબી કતાર વગેરે સ્થળે સવારે 10 વાગ્યા નો ઉલ્લેખ આવશે. )

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

"જો જીતુભા, તું સાંજે ફ્લાઇટ પકડીને ઇન્ડિયા પહોંચી જા પછી ફ્રેશ થઈને પપ્પાજી ને મળી લેજે પછી તારા ઘરે એક નાનકડું ગેટ ટુ ગેધર થશે. જેની હજી તારા ઘરના ને પણ ખબર નથી. હા તારી પ્રેમિકાને અત્યારથી કહેવું હોય તો કહી દે આવતી કાલે રાત્રે ડિનર તારા ઘરે છે એમ." નિનાદે કહ્યું. '

"પણ મારા ઘરે શેનું ગેટ ટુ ગેધર? અને ડિનર શું કામ?" જીતુભા એ પૂછ્યું.

"એ સરપ્રાઈઝ છે. તું પપ્પાજીને મળવા જઈશ ત્યારે ખબર પડશે. જો કે તારી બા ને અને મામાને પાંચ છ કલાકમાં ખબર પડી જશે, જયારે તું અહીંથી ફ્લાઇટ પકડીશ એ પહેલા." કહી નિનાદ હસ્યો.

"કેમ છોટે શેઠ મારુ પ્રમોશન કરો છો?" હસતા હસતા જીતુભાએ કહ્યું. એ થોડો થાકેલ લાગતો હતો. 

"કંપનીમાં તારું જે કામ છે એ મુજબ અત્યારે તારી જે પોસ્ટ છે એની ઉપર સીધી મારી પોસ્ટ આવે છે. તું કહે તો હું રિટાયર્ડ થઇ જાઉં. અને આ નીતલી સાથે અહીં જ રોકાઈ જાઉં." 

"નારે નિનાદ આ ઉંમરે શેઠજી પણ એક્ટિવ છે તમને.." 

"તને કહે જીતુભા. એમાં આત્મીયતા છે. અને નીતાનેય નીતા અથવા ભાભી કહેજે એને ભાભી કહેનારા બહુ ઓછા લોકો છે."

"ઓ.કે તને રિટાયર્ડ થવાનું તો કહેવાનું પણ ન વિચારાય.અને રહી વાત મને મળનારા રૂપિયાની તો એ મને શેઠજી મારી જરૂરિયાત થી વધુ આપે છે. અચ્છા એક વાત યાદ આવી હોસ્પિટલમાં ઈન્સ્યોરન્સ ક્લેઇમ સિવાય થોડા રૂપિયા ભરવાના છે." 

"સાડા નવ વાગ્યે હું અને નીતા હોસ્પિટલ આવશું ત્યારે એનો ચેક આપી દઈશું.  સિન્થિયા નાસામાંથી કાલે અગત્યના ડોક્યુમેન્ટની જે 2 બેગ આવી છે એમાંથી ચેકબુક કાઢી રાખજે." એટલામાં વેઈટર ગરમ કોફીની કીટલી, કપ અને બિસ્કિટ-ફ્રૂટની ટ્રોલી લઇને આવ્યો બધાએ કોફી સાથે નાસ્તો કર્યો પછી જીતુભાએ સિન્થિયાને કહ્યું "ચાલો આપણે નીકળીએ આ નિનાદ અને નીતા ભાભી ભલે 36 નહીં પણ 2- કલાક રોમેન્ટિક ડેટ મનાવે."

"હા સાચી વાત છે. 10 મિનિટમાં તું સિન્થિયા અને માર્શા ત્રણે અહીંથી નીકળી જજો પણ એ પહેલા સાંભળો" કહી નિનાદે બધાને બેસાડ્યા પછી કહ્યું. "જીતુભા.મને લાગે છે કે 10-15 દિવસમાં તારી સગાઇ થઇ જશે. આપણી પાસે સમય ઓછો છે. મને તારું કામ છે મિડલ ઇસ્ટમાં. વધુમાં વધુ 10 દિવસ પછી. કાલે સુમિત જઈ રહ્યો છે મિડલ ઇસ્ટ માં 10-12 દિવસમાં તું એને ત્યાં મળજે. પછી એ તને ગાઈડ કરશે.

સિન્થિયા જો માઈકલ સ્વસ્થ હોય તો નેક્સ્ટ વીક તારે બેલ્જિયમમાં 5-7 દિવસ જવું પડશે.જ્યોર્જને પણ તારી બદલે મોકલી શકાય. જોઈએ તો હું ક્રિસ્ટોફરને પરમેનન્ટ નાસામાં શિફ્ટ કરી નાખું. હું રાતની ફ્લાઈટમાં ઓસ્ટ્રેલિયા જાઉં છું. નીતા અહીં 8-10 દિવસ રોકાશે.અને બ્રિટન ટુડેમાં હિસ્સેદારી વધારવાની ડીલ ફાઈનલ કરશે.અત્યારે ભારતમાં રાજકીય પરિસ્થિતિ પળે પળે બદલાય રહી છે.આપણે ડર ન રાખીયે તોયે સાવચેતી રાખવી જરૂરી છે. માર્શા સ્વસ્થ થાય ત્યાં સુધી તું સિન્થિયા સાથે જ રોકાશે. માઈકલ ઘરે આવી જાય ત્યારે આપણે કંઈક વિચારશું. કોઈને કઈ પૂછવું છે." 

xxx

"તારી કિંમત બોલ" સુમિતે કહ્યું.

"એ મેં તમારા પર છોડ્યું હતું. તમે શું નક્કી કરી છે એ કહો."

"હું જે કહીશ એ તને ઓછા જ પડશે. એટલે તું જ બોલ." સુમિતે સહેજ અકળાતા કહ્યું. અને ઉમેર્યું "મને મોડું થાય છે  હજી 2-3 મિટિંગ છે અને સાંજે 5 વાગ્યે મારી ફ્લાઇટ છે."

"હા હું જે માંગવા જઈ રહ્યો છું એ તમે કદી વિચાર્યું ન હોય એવી અણમોલ વસ્તુ છે સુમિતજી."

"તો બોલી નાખ, એટલે વાત પૂરી થાય."

ઓકે. તો આ બધા સબુતો ભૂલી જવાની કિંમત એ છે કે મારે એક ફોન પર વાત કરવી છે. અને એ ફોન તમે લગાવીને આપશો"

"માત્ર એક ફોન અરે હું તને નવો મોબાઈલ અપાવી દઉં. અરે તું કહે તો તારા લેન્ડલાઈન અને મોબાઈલના બધા બિલ દર મહિને મારી આ કંપનીમાંથી ડાયરેક્ટ ભરાય એવું કરી દઉં."

"તમે સમજ્યા નહીં તમે તમારા મોબાઇલ માંથી એક ફોન લગાવો અને પછી હું વાત કરીશ." ગણેશને કહ્યું. 

"ઓકે. નંબર બોલ" કહી સુમિતે પોતાનો મોબાઇલ ઉચક્યો.

"મને એનો નંબર નથી આવડતો. તમે લગાવો તમારી પાસે એનો નંબર છે."     

"પણ કોને?"

"શેઠજીને, એટલે કે શેઠ અનોપચંદ જીને"  ગણેશને કહ્યું અને સુમિત એને તાકી રહ્યો. 

"આમ મને તાકી રહેવાથી પોતાની મેળે મોબાઈલમાં નંબર ડાયલ નહિ થાય. સુમિતજી."

"પણ તારે એમનું શું કામ છે, અને મારે આમ પપ્પાને વચ્ચે નથી નાખવા. તારે જોઈએ એટલા રૂપિયા માંગી લે."

"તમે મારી કિંમત પૂછી હતી મેં કહી દીધી તમારે મને ન ખરીદવો હોય તો માર્કેટમાં મને ખરીદનારા બીજા પણ છે." કહી ગણેશન ખુરશી પરથી ઉભો થયો. અને કેબીન બહાર જવા લાગ્યો. 

"ઉભો રહે. પણ મને કહે તો ખરા કે શું કામ છે તારે પપ્પાનું."

"એ ખાનગી વાત છે પણ તમે અહીં ઊભીને સાંભળવા માંગો તો સાંભળી શકો છો સ્પીકર ઓન રાખજો." કહી ગણેશન ફરીથી ખુરશી પર બેસી ગયો. 

xxx

"સોનુ, ચાલ હું તને ઘરે છોડી ને પછી મારે ત્યાં જતી રહીશ." મોહિતની માંએ શોપિંગ મોલમાંથી બહાર નીકળતા.કહ્યું. મોહિતને ડ્યુટી પર જવાનું હતું. એટલે એ ડાયરેક્ટ શોપિંગ કરીને નીકળી ગયો હતો.

"ના માસી તમારે હજી ભાભીની મમ્મીને લઈને પંડિતજી પાસે જવાનું છે. તમે ડાયરેક્ટ તમારા ઘરની ટેક્સી કરીને જાવ હું એકલી જતી રઈશ. 

"પણ દીકરી જમાનો ખરાબ છે. અને હમણાં મોહિત પણ કૈક કહેતો હતો.." 

"કોઈ વાંધો નથી. માસી મને કઈ નહિ થાય. 2-4 ને તો હું એકલી પહોંચી વળીશ."

"ના દીકરી મારે એ જોખમ નથી લેવું."

"માસી તમને મારા સમ છે. અત્યારે દિવસનો ટાઈમ છે. અને હું રોજ એકલી આવ-જા કરું છું. તમે જાવ જો આ ટેક્સી આવી ગઈ." કહી સોનલે બાજુમાં ઉભેલ ટેક્સીમાં મોહિતની મમ્મીને વિદાય કર્યા. તેનાથી લગભગ 40 ફૂટ દૂર ઊભેલી બોલેરોની ડ્રાઈવર સીટ પર બેઠેલા સખ્શે એ જોયું અને એક મુસ્કુરાહટ એના ચહેરા પર આવી ગઈ. 

xxx

 કેબિનેટની અન ઓફિસિયલ મિટિંગ ચાલી રહી હતી બધા પ્રધાનમંત્રીના ઘરે ભેગા થયા હતા. લંચ કરતા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું. "લાલજી શું લાગે છે?'

"મને તો લાગે છે કે એ લોકો શક્તિ પરીક્ષણ કરાવશે."

"ઠીક છે આપણી પોઝિશન કેવી છે."

"સાચું કહું તો થોડા નવા સાથીઓ ભેગા કરવા પડે અથવા..."

"અથવા શું?" 

"અથવા જે જુના આપણાથી નારાજ છે એને મનાવવા પડે." 

"તો રાહ શેની જોઈએ છે આપણે. મારે કોઈને મનાવવાના હોય તો બોલો."

"તમે પહેલા જે આપણાજ આપણાથી નારાજ છે એમના સાથે વાત કરો તો સારું. એ ખુબ હેલ્પ કરશે."

"કોની વાત કરો છો.? મદન લાલ?"

"હા અને સાધ્વીજી પણ, એ બન્ને બીજા ઘણા લોકો ને ભેગા કરી શકશે. અત્યારે આપણને જે આપણા સાથી દેખાય છે એમાંથી અમુક વિશ્વાસઘાત કરે એવી પુરી શક્યતા છે અને જ્યોર્જની પાર્ટી પણ તૂટે એવું લાગે છે." રાજમાતાએ કહ્યું. 

"મારી પાર્ટી તો નહીં તૂટે. પણ બીજા ઘણા લોકો ભરોસાપાત્ર નથી. તમારા ઘરના જ જે રિસાયા છે એમને મનાવવાનું કામ પહેલા કરો પ્રધાનમંત્રીજી." જ્યોર્જે કહ્યું. 

xxx,

 "સલમા, તારું પિયર ક્યાં છે" મોહનલાલે પૂછ્યું. 

"મારુ કોઈ નથી બધા મરી ગયા છે મામીએ ઉછેરી હતી એ પણ મરી ગયા."

"ઓહ્હ."

"કેમ તમને મારા પિયરિયાનું શું કામ પડ્યું.?"સલમાએ પૂછ્યું.

" મારે કંઈ કામ નથી આ તો કદાચ.."

"કદાચ અબ્દુલને થોડા દિવસો કે થોડા વર્ષો જેલમાં જવું પડશે એમને. કોઈ વાંધો નથી. મારો દિયર હવે મારી સંભાળ રાખે એવો થઇ ગયો છે હું એને પરણાવી દઈશ અને દેરાણી ઉપર રાજ કરીશ." હસીને સલમાએ કહ્યું. 

"ના આમ તો કઈ વાંધો નહીં આવે સુમિત બધું હેન્ડલ કરી લેશે આ તો તને અંદાજ રહે એટલે." મોહનલાલે અચકાતા કહ્યું. 

"કઈ વાંધો નહીં મોહનલાલજી. ભલે અબ્દુલને 20 વર્ષની સજા થાય તમે નિશ્ચિંત રહો અને મારા જેવું કઈ કામ હોય તો કહેજો. ચાલો હવે હું મૂકું છું તમારે બીજા કેટલાય કામ હશે." કહી સલમાએ ફોન કટ કર્યો. 

xxx

"અમ્મા, આ અનોપચંદ એન્ડ કુ.નું કૈક કરવું પડશે." ગુરુ અન્નાએ ફોનમાં કહ્યું.

"કેમ એણે પાર્ટી ફંડ ન આપ્યું?" 

"ના એણે રૂટિન મુજબ આપણા માટે ચેક બનાવ્યો હતો પણ, મેં કહ્યું કે તમારી હેસિયત મુજબ આપો તો એણે કહ્યું પાર્ટીની હેસિયત મુજબ ચેક બનાવ્યો છે. અને પછી ચેક ફાડી નાખ્યો અને જે થાય એ કરી લેવાની વાત કરી. હું હમણાં જ યુનિયનના નેતાને કહી એને ત્યાં હડતાલ પડાવું છું." ગુરુ અન્નાએ ગુસ્સાથી કહ્યું.

"હમણાં શાંતિ રાખો ગુરુ અન્ના. એ ધંધો બંધ કરી ને વિદેશ નથી જવાના ત્યાં જ રહેશે. અત્યારે મોટું કામ ચાલે છે એ પૂરું થવા દો"

"ભલે અમ્મા. હડતાલ કેન્સલ પણ આપણા 2-3 મંત્રીઓ છે બીજા કોઈ ચક્કરમાં એને ભરાવવાનું ચાલુ કરવો નહીં તો મને ચેન નહીં પડે."

"ઠીક છે, ફેરા. ફેમા, અને આય ટી વાળને એની પાછળ દોડાવવાનું કૈક ગોઠવું છું હવે રાજીને?" કહી અમ્માએ ફોન કટ કર્યો.

xxx

ટેક્સી નીકળી ગઈ એ પછી સોનલ એકાદ મિનિટ ઉભી રહી અને આજુબાજુ નજર ઘુમાવી પછી પોતાના ઘર તરફ આગળ ચાલવા લાગી. ચાલતા જાય તો અહીંથી લગભગ 15-17 મિનિટ એના ઘરનો રસ્તો હતો. એને મનોમન વિન્ડો શોપિંગ કરીને ચાલતા જ ઘરે જવાનું વિચાર્યું હતું. છોકરીઓ (યુવતીઓ અને સ્ત્રીઓ પણ)ની માનસિકતા હોય છે કે જો ટૂંક સમયમાં કોઈ પ્રસંગ હોય તો ભલેને એરકન્ડિશન દુકાનમાં લાખોની ખરીદી કરી હોય તો પણ બજારમાં ચાલી ને અચાનક કોઈ નાનકડી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલ વસ્તુ પણ એને ગમી જતી હોય છે અને એ વસ્તુ એને એ પ્રસંગ અનુરૂપ જરૂરી લગતી હોય છે. સોનલની તો પોતાની અને ભાઈ ની બન્નેની સગાઈ નજીકમાં હતી વળી માનેલો ભાઈ મોહિતના લગ્ન હતા. એ ધીરે ધીરે આગળ વધી. થોડે પાછળ રહેલા પવારને એણે મોહિતની માં ને ટેક્સીમાં બેસાડી ત્યારે જ જોયો હતો એને ખાતરી હતી કે એ એની પાછળ જ હશે.એટલે નિર્ભીક થઈને એ પોતાની મસ્તીમાં ચાલી રહી હતી. થોડું ચાલ્યા પછી એક કુર્તા પાયજામા ની દુકાનમાં બહાર ડિસ્પ્લેમાં રાખેલ એક જોડી પર એની નજર સ્થિર થઇ.એને થયું કે આ તો બાપુને (સુરેન્દ્રસિંહ)ને સગાઈમાં પહેરવા જેવા છે. એ દુકાનમાં ઘૂસી.પવાર એનાથી લગભગ 25-30 ડગલાં પાછળ હતો. એણે પોતાની બાઈક રોકી અને બાજુની દુકાનમાં કૈક સરનામું પૂછવાના બહાને રોકાયો એજ વખતે બોલેરો એનાથી આગળ થઈ. બોલેરોના ડ્રાઈવરે જોયું કે સોનલ દુકાનમાં ગઈ છે. એણે દુકાનથી થોડે આગળ જઈને એક કોર્નર પર બોલેરો પાર્ક કરી અને બહાર નીકળ્યો.  

xxx

"હેલો પપ્પા,"

"બોલ સુમિત,"

"ઓલા બાલા મણી વાળા કેસમાં એક ઈન્સ્પેક્ટરે તપાસ આગળ વધારી છે. અને એને થોડા સબૂત મળ્યા છે "

"કઈ વાંધો નહીં. તે તારા હાથે ખૂન  નથી કર્યું. એ સબૂતથી કઈ ફરક નથી પડતો. ખરીદી લે એને."

"એ કંઈક અલગ કિંમત માંગે છે એ મારી સામે જ બેઠો છે એની માંગણી હતી કે તમારી સાથે એને વાત કરવી છે. લો વાત કરો." કહી સુમિતે ગણેશનને ફોન આપ્યો.

"યસ ઇન્સ્પેક્ટર.શું નામ તમારું?. અને બોલો શું વાત કરવી છે?"

"શેઠજી મારું નામ ગણેશન, ગણેશન શંકર રાજુ પતિ, મારુ ગામ છે પાડાવેડુ." ફોનમાં સંભળાતા આ શબ્દોથી અનોપચંદને લાગ્યું કે કાનમાં કોઈ વિસ્ફોટ થયો છે.  

 ક્રમશ:

 તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED