નારી તું નારાયણી Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

નારી તું નારાયણી

નારી તું નારાયણી


અમરાવતીમાં રહેતા અને કારકૂનની નોકરી કરતા આર્થિક રીતે નબળા એવા અમરીશ પવારને પોતાની એકની એક દીકરી શ્રદ્ધાના લગ્નની ખૂબ જ ચિંતા થતી હતી. પચ્ચીસ વરસની ગ્રેજ્યુએટ થયેલી દેખાવમાં ખૂબ સુંદર અને સંસ્કારી શ્રદ્ધા માટે દહેજની ચાલતી હજી કાળી પ્રથાના કારણે કોઇ સારા કુટુંબમાં લગ્નની વાત ગોઠવાતી ન હતી. જેના કારણે અમરીશભાઇ અને તેમની પત્ની રમાબેન ખૂબ જ ચિંતામાં રહેતા હતાં.

'તમે બંન્ને મારા લગ્નની ચિંતા ન કરો. નસીબમાં લગ્ન લખ્યા હશે તો થશે.' શ્રદ્ધા માતા-પિતા બંન્નેને સાંત્વના આપતા સમજાવતી હતી.

અમરીશભાઇએ પોતાની એકની એક દીકરી શ્રદ્ધાને પોતે ગરીબાઇના વમળમાં ફસાયેલા હોવા છતાં ભણાવી ગણાવીને ગ્રેજ્યુએટ બનાવી હતી. શ્રદ્ધા દેખાવમાં તો સુંદર હતી જ અને ગુણોના રત્નોથી પણ ભરેલી હતી. પણ ગુણોના રત્નોની આજની આ દુનિયામાં કોઇ કિંમત ન હોવાના કારણે તેમજ દહેજની રકમ ન હોવાના કારણે પણ શ્રદ્ધાના લગ્નની બાબતમાં વાત તેઓ જ્યાં મુકતા ત્યાં અટકી જતી હતી.

એકવાર એમના સમાજના રમાકાંત શીંદેએ પોતાના એકના એક પુત્ર રાજેશ માટે શ્રદ્ધાનો હાથ માંગ્યો હતો.

'હું દહેજ લેવા અને આપવામાં માનતો નથી. મારી પત્નીનું અવસાન દસ વરસ પહેલા જ થઇ ગયું છે. અમે પિતા અને પુત્ર બંન્ને એકલા બોરીવલી (વેસ્ટ) માં આવેલા રોની પેરેડાઇઝ નામના ફ્લેટમાં રહીએ છીએ. મોક્ષ પ્લાઝામાં મારી સાડીઓની દુકાન છે. તમારી દીકરી મારા ઘરે વહુ થઇને આવશે તો ખુશ રહેશે.' રમાકાંત શીંદેએ અમરીશભાઇને આવું કહી પોતાના દીકરાનું માંગુ નાંખ્યું હતું.

ગરીબીના વમળમાં ફસાયેલા અમરીશભાઇ માટે તો આ સોનાના સૂરજ ઉગ્યા જેવી વાત હતી. સમાજમાં આવું સુખી અને સંપન્ન ઘર મળતું હોય અને દહેજના નામે એક રૂપિયો પણ આપવાનો ના હોય તો એનાથી બીજું કશું જ રૂડું ના હોઇ શકે એવું વિચારીને અમરીશભાઇ અને રમાબેને પોતાની એકની એક દીકરી શ્રદ્ધાના લગ્ન રાજેશ જોડે કરી નાંખ્યા હતાં.

શ્રદ્ધા લગ્ન કરી હૃદયમાં ખુશીનો આસોપાલવ બાંધી સાસરે આવી હતી. શ્રદ્ધાનો પતિ રાજેશ મેદસ્વી કાયા ધરાવતો, શરીરે કાળો, તમાકુ, સીગરેટ અને દારૂની ખરાબ લતોથી ઘેરાયેલો હતો. એ વાતની જાણ શ્રદ્ધાને લગ્ન બાદ થઇ હતી. લગ્ન કર્યા બાદ શ્રદ્ધાને એ પણ સમજણ પડી હતી કે સસરા રમાકાંતભાઇએ દહેજ કેમ લીધું ન હતું. પરંતુ હવે રડીને કોઇ ફાયદો ન હતો. લગ્ન બાદ રાજેશ શ્રદ્ધાને કશે બહાર ફરવા પણ નહોતો લઇ ગયો. હનીમુન તો બહુ દૂરની વાત છે પણ નજીકના રેસ્ટોરન્ટમાં જમવા માટે પણ લઇ ગયો ન હતો.

રાજેશ સવારથી રાત્રે મોડા સુધી મિત્રોની સોબતમાં રહેતો હતો અને શ્રદ્ધા તરફ ઉપેક્ષા રાખતા હતો. પિતા રમાકાંતભાઇ જોડે સાડીઓની દુકાને પણ જતો ન હતો અને એમના કામમાં પણ મદદરૂપ બનતો ન હતો. પિતા અને પુત્ર વચ્ચે રોજ આ વાતે ખૂબ જ ઝઘડો થતો હતો.

રાજેશનો શ્રદ્ધા માટેનો દુર્વ્યવહાર જોઇ રમાકાંતભાઇ મનમાં ને મનમાં દુઃખી થતા હતાં.

'બેટા, મને માફ કરજે. મેં મારા કપુતના લગ્ન તારી જોડે કરાવ્યા એ બદલ. હું એવું સમજતો હતો કે તારા જેવી સુંદર અને સુશીલ કન્યા જોડે લગ્ન કરી એ સુધરી જશે પરંતુ, મારી માન્યતા ખોટી પડી.' રમાકાંતભાઇએ શ્રદ્ધાની માફી માંગતા કહ્યું હતું.

'આમાં તમારો કોઇ વાંક નથી, બાપુજી. કુદરત જ જ્યારે મારા નસીબમાં કાણું પાડીને બેઠી હોય તો હું કે તમે શું કરી શકવાના હતાં.' શ્રદ્ધાએ દુઃખી સ્વરે કહ્યું હતું.

આ વાતને એક વરસ વીતી ગયું હશે. એક દિવસ અચાનક રમાકાંતભાઇને હાર્ટએટેક આવ્યો. હૃદયરોગના એ હુમલામાં રમાકાંતભાઇ અવસાન પામ્યા હતાં.

ઘરમાં હવે રાજેશ અને શ્રદ્ધા બંન્ને જ રહ્યા હતાં. પિતાના મૃત્યુ બાદ રાજેશ જાણે ઘોડો છુટ્ટો થઇ ગયો હોય એમ બેફામ જિંદગી જીવવા માંડ્યો હતો. મિત્રો સાથે હરવું, ફરવું, દારૂ પીવો, દુકાને નિયમિત ન જવું રાજેશના આવા બધાં ખરાબ લક્ષણના કારણે ધીરે ધીરે રમાકાંત શીંદેએ ઊભી કરેલી સાડીની દુકાન બંધ પડી ગઇ હતી. મિત્રોની સોબતના કારણે રાજેશ શેરબજારના સટ્ટાના રવાડે ચડી ગયો હતો અને રાતોરાત કરોડો રૂપિયા કમાઇ લેવાના સપના સેવતો હતો. કરોડો રૂપિયા તો ના આવ્યા પણ સાડીની દુકાન સટ્ટાના બજારમાં હોમાઇ ગઇ હતી.

માત્ર દસ ધોરણ ભણેલો રાજેશ વ્યવહારિક સમજ અને સૂઝબૂઝ ધરાવતો ન હોવાના કારણે શ્રદ્ધાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને દુઃખી કરતો હતો. શ્રદ્ધા રાજેશને રોજ સમજાવતી કે આ રીતે તમે કરશો તો આપણે રસ્તા ઉપર આવી જઇશું. સટ્ટો કોઇનો સગો થયો નથી. પણ રાજેશ શ્રદ્ધાની વાત સાંભળવાના બદલે તેની સાથે મારઝૂડ કરતો હતો.

લગ્નના બે વરસમાં તો શ્રદ્ધાએ જીવતા જીવત નરક જોઇ લીધું હતું. રાજેશના લાફાઓ એના ગાલ કરતા એના હૃદય પર ઊંડો ઘા આપતા હતાં. બે વરસમાં શ્રદ્ધાની સુંદરતા અદૃશ્ય થઇ ગઇ હતી અને માર ખાઇને એનું શરીર સુકાઇને લાકડા જેવું થઇ ગયું હતું.

એક વરસ પહેલા રમાકાંતભાઇના ક્રિયાકર્મ વખતે અમરીશભાઇ જ્યારે દીકરીના ઘરે આવ્યા હતાં ત્યારે દીકરીનું દુઃખ એ જોઇ ચૂક્યા હતાં પરંતુ હાથ પકડીને દીકરીને પાછી લઇ જવાની હિંમત એમનામાં ન હતી. શ્રદ્ધાની દુઃખભરી આંખોની પીડા જાણે પોકારી પોકારીને કહી રહી હતી કે મને અહીંયાથી લઇ જાઓ. આ વાત શ્રદ્ધાએ પોતાના શબ્દોમાં પણ કહી હતી કે 'મને અહીંયાથી લઇ જાઓ, મારે અહીંયા નથી રહેવું.' પણ અમરીશભાઇ એ વખતે દીકરીના પિતા બનવા કરતા સમાજમાં ઊભા રહેલા એક પુરૂષ બનવાનું પસંદ કર્યું હતું અને એટલે એ દીકરીને આ જ નરકમાં છોડી અમરાવતી નીકળી ગયા હતાં.

બે વરસ બાદ અમરીશભાઇ અને રમાબેન અમરાવતીથી મુંબઇ દીકરીને મળવા માટે આવ્યા હતાં. એ લોકો શ્રદ્ધાને જોઇને ડઘાઇ ગયા હતાં. પોતાની દીકરી ઓળખાય તેવી પરિસ્થિતિમાં રહી ન હતી. સુંદરતા અલોપ થઇ ગઇ હતી. શરીર ફીક્કું પડી ગયું હતું, આંખો નિસ્તેજ બની ગઇ હતી. સામે પોતાની દીકરી નહિ પરંતુ જીવતી લાશ ઊભી હોય તેવું અમરીશભાઇને લાગ્યું હતું.

કુદરત જ્યારે મનુષ્યના માથા પર તકલીફોનો ભાર નાંખે તો એ ભાર એટલો અસહ્ય હોય કે માણસ તો માણસ પણ દેવતા પણ તૂટી જાય અને શ્રદ્ધાની ગણતરી તો જીવતા માણસમાં પણ થાય એવી ન હતી એવી લાચાર અને મજબૂર શ્રદ્ધા ઉપર કુદરતે તકલીફોનો વધુ એક પ્રહાર કર્યો હતો.

શ્રદ્ધાનો પતિ રાજેશ બોરીવલીમાં આવેલા એમના રોની પેરેડાઇઝ બીલ્ડીંગના ઘરમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે અચાનક એને લકવાનો હુમલો થયો હતો. લકવાનો હુમલો ખૂબ જ જાનલેવા હતો. શ્રદ્ધાએ તરત જ એને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. રાજેશને બ્લડ પ્રેશર હોવા છતાં પણ એની દવાઓ નિયમિત લેતો ન હતો. શરાબ અને તમાકુની લતો પણ લકવાનો હુમલો આવવાનું એક કારણ હતું એવું ડોક્ટરે શ્રદ્ધાને જણાવ્યું હતું.

લકવાના હુમલામાં રાજેશનું આખું ડાબું અંગ લકવાગ્રસ્ત થઇ ગયું હતું. રાજેશ સટ્ટામાં સાડીની દુકાન તેમજ ઘણાં બધાં રૂપિયા તો ગુમાવી જ ચૂક્યો હતો અને બે મહિના હોસ્પિટલમાં દવા કરાવવા માટે શ્રદ્ધાના દાગીના અને સસરા મુકીને ગયેલા થોડા ઘણાં રૂપિયા પણ દવાખાનાના બીલમાં જ હોમાઇ થઇ ગયા હતાં.

શ્રદ્ધા રાજેશને હોસ્પિટલમાંથી ઘરે લાવી હતી. પલંગ પર લકવાગ્રસ્ત પતિ, હાથમાં સોનાની બંગડીઓના બદલે પ્લાસ્ટીકની બંગડીઓ અને જવાબદારીઓનો મોટો બોજ મુંબઇ જેવા મોટા શહેરમાં શ્રદ્ધાના માથે આવી પડ્યો હતો.

જમાઇની ખબર કાઢવા માટે અમરીશભાઇ આવ્યા હતાં. શ્રદ્ધાનું દુઃખ તેઓ જોઇ શક્યા ન હતાં. એમની આંખોમાં પાણી આવી ગયા હતાં.

'બેટા, રાજેશને છૂટાછેડા આપી દે અને ઘરે પાછી ચાલ. હવે આ નરકમાં વધુ રહેવાનો સમય નથી રહ્યો.' પુરૂષનું આવરણ છોડીને અમરીશભાઇએ આજે પિતાનું આવરણ ધારણ કર્યું હતું.

'પાછા ફરવાનો સમય હવે જતો રહ્યો, પપ્પા. આવી પરિસ્થિતિમાં મારા પતિને છોડીને જાઉં તો સાત ફેરા ફરીને અગ્નિની સાક્ષીએ સુખ-દુઃખમાં સાથે રહેવાનું આપેલું વચન તૂટે અને મારામાં રહેલી માણસાઇ મરી પરવારે. રાજેશે મને પત્ની તરીકેનું કોઇપણ સુખ આપ્યું નથી પરંતુ રાજેશને આવી પરિસ્થિતિમાં છોડીને જાઉં તો મારામાં ને રાજેશમાં કોઇ ફેર ના રહે. હું તમને એક દિવસ કહેતી હતી કે મને અહીંથી લઇ જાઓ ત્યારે તમારી દીકરી તમને કહેતી હતી પણ આજે તમારી સાથે આવવાની જે ના પાડી રહી છે એ રાજેશની પત્ની ના પાડી રહી છે.' શ્રદ્ધાએ ખૂબ મક્કમતાથી પિતાને કહ્યું હતું.

રાજેશ પિતા પુત્રીની આ વાત સાંભળી રહ્યો હતો અને પોતાની જાતને ધિક્કારતો ધ્રુસકે ને ધ્રસકેને રડી રહ્યો હતો. પણ હવે સમય તેના હાથમાંથી સરી ગયો હતો.

પોતાની દીકરી માટે ગર્વ કરવો કે દુઃખી થવું એ નક્કી અમરીશભાઇ કરી શક્યા ન હતાં અને એટલે દીકરીને આશીર્વાદ આપી અમરાવતી પરત ફર્યા હતાં.

શ્રદ્ધા રાજેશની ખૂબ સેવા કરતી હતી. સવારથી ઊઠીને રાજેશને એની દિનચર્યા કરાવવી, સવારે નાસ્તો કરાવવો ત્યારબાદ રાજેશ માટે બપોરની રસોઇ કરી રાજેશની પથારીની બરાબર બાજુમાં ટીફીન મુકી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા માટે જવું, નોકરીથી પરત આવે ત્યાં સુધી પોતાની ગેરહાજરીમાં રાજેશની દેખભાળ માટે માણસ રાખી સાંજે છ વાગે પરત આવ્યા બાદ રાજેશને એક્સસાઇઝ કરાવવા માટે લઇ જવો, રાતની રસોઇ બનાવવી, રાજેશને જમાડવો ને દસ વાગે તો રાત્રે પથારીમાં એક લાશની જેમ સૂઇ જવું શ્રદ્ધા માટે તો આ રોજની દિનચર્યા બની ગઇ હતી.

'તું મને છોડીને જતી રહે. મારી પાછળ તારી જિંદગી બરબાદ ના કર. આ નરકમાં તારું જીવન હોમાઇ જશે' રાજેશે પસ્તાવા સાથે શ્રદ્ધાને કીધું હતું.

'રાજેશ તું તારી ફરજ ચૂક્યો હતો. તું પતિ તરીકેની તારી ફરજ ચૂક્યો હતો પણ હું પત્ની તરીકેની મારી ફરજ નહીં ચૂકું. હું તને ફરીવાર તારા પગ ઉપર ઊભો કરી દઇશ અને પછી તું તારી ફરજ બરાબર નિભાવે છે કે નહિ એ જોઇશ. તને આવી પરિસ્થિતિમાં એકલો મુકીને હું જતી રહું તો દુનિયાના કોઇ ખૂણામાં મને શાંતિ ના મળે.' શ્રદ્ધાએ રાજેશને કહ્યું હતું.

સતત બે વરસની શ્રદ્ધાની મહેનત અને પરિશ્રમના કારણે રાજેશ લાકડી લઇને ચાલતો થઇ ગયો હતો.

'હવે મને કોઇ નાની-મોટી નોકરી મળી જશે એવું આજે પરાગ આવ્યો હતો અને મને કહેતો હતો. એ મને નોકરી અપાવવામાં મદદરૂપ બનશે.' રાજેશે શ્રદ્ધાને કહ્યું હતું.

'તમારા એ મિત્રની દાનત મારા માટે સારી નથી. આજે એણે મને ફોન કરીને એવું કહ્યું હતું કે શ્રદ્ધા તું મારી વાત માની જાય તો રાજેશને હું નોકરી કાલે જ અપાવી દઇશ અને તમે જે મિત્રો માટે અભિમાન કરતા હતા તમારા એ બધાં જ મિત્રો તમારા આ દુઃખના સમયમાં તમારી સાથે ઊભા રહેવાના બદલે તમારી જ પત્ની ઉપર કુદૃષ્ટિ નાંખી ચૂક્યા છે.' શ્રદ્ધાએ રાજેશને ખૂબ જ શાંતિથી આ વાત કહી હતી.

શ્રદ્ધાની વાત સાંભળી રાજેશ તૂટી ગયો હતો.

શ્રદ્ધાએ પોતાની ઓફિસમાં પોતાના મેનેજરને રાજેશ માટે નોકરીની વાત કરી હતી. કંપનીનો મેનેજર શ્રદ્ધાની તકલીફથી પરિચિત હતો. શ્રદ્ધાના કહેવાથી એણે રાજેશને ઓફિસમાં ટેબલવર્કની જોબ આપી હતી. પરંતુ રાજેશને તો કશું આવડતું ન હતું.

શ્રદ્ધા રાજેશને રોજ ઓફિસમાં કામ શીખવામાં મદદ કરતી હતી. ધીરે ધીરે એણે રાજેશને ઓફિસનું કામ સારી રીતે શીખવાડી દીધું હતું. એક વરસમાં તો રાજેશ શ્રદ્ધાની મદદથી ઘણુંબધું કામ શીખી ગયો હતો.

શ્રદ્ધા રાજેશને લગન અને સકારાત્મક અભિગમ કેળવવામાં ખૂબ જ મદદરૂપ બનતી હતી. રાજેશ હવે લાકડી વગર છુટ્ટો ચાલતો થઇ ગયો હતો. ઓફિસનું લગભગ બધું જ કામ એ શીખી પણ ગયો હતો.

શ્રદ્ધા અને રાજેશના લગ્નને આજે પાંચમું વરસ બેઠું હતું. રાજેશ આજે શ્રદ્ધાને બહાર ડીનર કરવા લઇ ગયો હતો. લગ્નના પાંચ વરસમાં તેઓ પહેલીવાર ડીનર કરવા સાથે આવ્યા હતાં. આજે શ્રદ્ધા ખૂબ જ ખુશ હતી. રાજેશમાં આવેલા પરિવર્તનને જોઇ તેના હૃદયમાં આનંદ સમાતો ન હતો.

'શ્રદ્ધા અહીં પલંગ ઉપર બેસ.' રાજેશે શ્રદ્ધાને કહ્યું હતું.

'કેમ?' શ્રદ્ધાએ સવાલ કર્યો હતો.

'દરેક વાતમાં સવાલ ના કર.' રાજેશે શ્રદ્ધાને કહ્યું હતું.

શ્રદ્ધા પલંગ પર બેસી રાજેશની આંખોમાં જોઇ રહી હતી. રાજેશ પોતાના ઢીંચણ વાળી શ્રદ્ધાના પગ પાસે બેસી ગયો હતો.

'શ્રદ્ધા જેમ સાવિત્રી પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પરત લઇ આવી હતી તેમ આ કળિયુગમાં તારા આ નકામા પતિના પ્રાણ પણ તારી શ્રદ્ધા અને શક્તિના જોરે યમરાજ પાસેથી મારા પ્રાણ તું પરત લઇ આવી એટલું જ નહિ પરંતુ એક ગુરૂની જેમ મને કામ શીખવાડી તે મારી લકવાગ્રસ્ત બુદ્ધિને પણ મારા હાથ-પગની જેમ નોર્મલ બનાવી દીધી. આજે હું સમાજમાં આંખ અને માથું ઊંચું કરી તારા કારણે જ ઊભો રહી શક્યો છું. આપણા ધર્મમાં એવું કહેવાય છે કે પતિ પરમેશ્વર છે પરંતુ મારી બાબતમાં તો પત્ની જ પરમેશ્વર બની છે. અત્યારે થોડીક ક્ષણ માટે મને મારા પરમેશ્વરના પગે પડીને મારી ભૂલોની માફી માંગવાની રજા આપ. 'નારી તું નારાયણી' આટલું બોલી રાજેશ શ્રદ્ધાના પગે પડી ગયો હતો.

શ્રદ્ધાએ રાજેશને હાથ પકડી ઊભો કરી એના ગળે લગાડી દીધો હતો. શ્રદ્ધા આજે દુનિયાની સૌથી સુખી સ્ત્રી હોવાનું ગૌરવ અનુભવી રહી હતી.

- ૐ ગુરુ