કળશ Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળશ

કળશ

એક રહસ્યમય વાર્તા


સલોની અને તેની નાની બહેન વૃંદા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બંને જણા એક કોન્સ્ટેબલની સામે ઊભા હતા અને કોન્સ્ટેબલના કાન ઉપરથી ફોન હટે તો તેઓ તેમની રજૂઆત કરે તેવી રાહ જોઈ રહ્યા હતાં. સલોનીના ચહેરા પર પરસેવાના બુંદ બાઝેલાં હતાં.

વૃંદા સ્વસ્થ હતી અને સલોનીનો ઉચાટ સમજી શકતી હતી કારણ કે સલોની પોતાની નાની દિકરી સુહાનીને પાડોશીને ઘેર મૂકીને આવી હતી એટલે તેનો જેટલો જીવ તેની દીકરીમાં હતો પણ તેના કરતા વધારે મહત્વનું તેના પતિ નિમેષની ભાળ મેળવવાનું કામ હતું.

‘બોલો શું કામ હતું?’ કોન્સ્ટેબલે ફોન પૂરો થતાં જ પૂછ્યું.

‘અમારે ફરિયાદ નોંધાવવાની છે.’ સલોની હજુ કંઈ વિચારે એ પહેલાં જ વૃંદાએ જવાબ આપ્યો.

‘કઈ બાબતમાં ફરિયાદ છે?’ ધાણી ફૂટે એમ કોન્સ્ટેબલ બોલ્યો. તેના ચહેરા પર કંટાળો દેખાઈ આવતો હતો.

‘મારા જીજાજી એટલે આ મારી બેનના પતિ નિમેષભાઇનો ત્રણ દિવસથી કોઈ પતો નથી. ત્રણ દિવસથી એ ઘેર પરત જ નથી આવ્યા.’ વૃંદા સલોની તરફ ઈશારો કરીને બોલી.

‘ગુમ થવાની ફરિયાદ છે તો જાઓ પહેલા અંદર જઈને ઇન્સ્પેક્ટર સાહેબને વાત કરો પછી હું તેને નોંધવાની તજવીજ કરું.’ કોન્સ્ટેબલે બંને બહેનોના પહેરવેશ જોઇને કેસની ગંભીરતા સમજી અને કેરમની કુકરીની જેમ બંનેને ઇન્સ્પેક્ટરની કેબીન તરફ ધકેલ્યા.

બંને જણા તેણે ચીંધેલી કેબીનમાં પ્રવેશ્યા. એક મોટા ટેબલ પર એકબાજુ ફાઈલોનો ઢગલો અને બીજી બાજુ એક સરકારી ફોન સિવાય કશું જ નહોતું.

ખુરશીમાં બેઠેલા ઇન્સ્પેક્ટર કરણસિંહની ઉંમર લગભગ પચાસેક વર્ષની હશે. હાથમાં રહેલા મોબાઈલમાં વ્યસ્ત ઇન્સ્પેક્ટરે એ બંને સામું જોઇને હાથના ઈશારાથી સામે મુકેલી ખુરશીમાં બેસવાનું કહ્યું.

બંને જણા બેઠાં અને એ બંન્ને કશું બોલે એ પહેલા પેલો કોન્સ્ટેબલ અંદર આવ્યો અને એ બંનેની ફરિયાદ વિશેની વાત ઇન્સ્પેક્ટર કરણસિંહને જણાવીને ત્યાં અદબ વાળીને ઊભો રહી ગયો.

ઇન્સ્પેક્ટર કરણસિંહ આખા પોલીસ ખાતામાં આવેલા કેટલાક ગણ્યાગાંઠ્યા ઈમાનદાર ઓફિસર્સમાંથી એક ગણાતા હતાં. પોલીસ સ્ટેશનમાં અને બહાર ગુંડાઓમાં એમનો ડર ખૂબ હતો. ગુનેગારો તો ઠીક સાથી કર્મચારીઓ પણ તેમનાથી ગભરાતાં હતાં.

ઇન્સ્પેક્ટરે કરણસિંહે એક નજરે બંને બહેનો બહેનો તરફ જોયું.

‘આપના પતિ ઘરે નથી આવ્યા એ વાતને કેટલા દિવસ થયા?’ સલોનીની સામું જોઈને ઇન્સ્પેક્ટરે પૂછ્યું,

‘નિમેષ ત્રણ દિવસથી ઘેર આવ્યો નથી. વલસાડની કોઇક ફેકટરીમાં ધંધાના કામે જવા માટે એ શનિવારે બપોરે નીકળ્યો હતો. દરવખતે એ રવિવારે આવી જાય પરંતુ આવ્યો નહી. કાલે સોમવારે આખો દિવસ રાહ જોઈ. એનો ફોન પણ જોડ્યો, મોબાઇલ ફોન બે દિવસથી બંધ આવે છે.’ રડમસ ચહેરે સલોની બોલી.

‘એ વલસાડ જે ફેક્ટરીમાં જવાનો હતો ત્યાં તપાસ કરી?’ કરણસિંહે પૂછ્યું.

‘હા, ઇન્સ્પેક્ટર સાહેબ અમે વલસાડ એ જે ફેક્ટરીમાં જતો હતો એ ફેક્ટરીમાં ફોન કરીને પૂછ્યું હતું. ત્યાંથી અમને એવું કહ્યું કે તેઓ અહીં આવ્યા જ નથી.’ સલોની બોલી.

‘આપનો પતિ નિમેષ વલસાડ કેવી રીતે ગયો હતો?’ કરણસિંહે આગળ પૂછ્યું.

‘લગભગ તો નિમેષ પોતાના ડ્રાઈવર સાથે જતો હોય છે પણ આ વખતે ડ્રાઈવર રજા પર હોવાથી એ પોતે ડ્રાઈવ કરીને ગયો હતો.’ સલોનીએ જવાબ આપ્યો.

‘હમમ..... ચિંતાનું તો કારણ છે. હું તપાસ કરાવી લઉં છું. મને આપના પતિનું પૂરું નામ, આપનો અને આપના પતિનો મોબાઇલ નંબર, કાર વિશેની માહિતી તથા તમારા ઘરનું અને ફેક્ટરીનું સરનામું અને સાથે સાથે તમારા પતિ વિશે બીજું જે કંઇપણ જાણતા હોય તેવી તમામ જરૂરી વિગતો કોન્સ્ટેબલ પાસે લખાવીને જાણવા જોગ ફરિયાદ નોંધાવી દો.' કરણસિંહે સલોનીને સૂચના આપી.

બંને બહેનો કોન્સ્ટેબલને અનુસરતી તેની પાછળ પાછળ બહાર ગઈ અને બધી વિગતો લખાવીને ભારે પગલે પોતાના ઘર તરફ રવાના થઈ.

સલોનીના પિતાનો ફર્નિચરનો બિઝનેસ હવે નિમેષ સંભાળતો હતો. એના પિતાનું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું જે પણ નિમેષ જ સંભાળતો હતો. ધંધાના કામ અર્થે તેને વલસાડ જવાનું વારંવાર થતું. કાયમ એ શનિવારે સાંજે ત્યાં જવા નીકળતો અને રવિવારે રાત્રે તે ઘેર પરત આવી જતો એવું જ શિડયુલ એ ગોઠવતો જેથી પોતાની ફેક્ટરીનું પણ કોઈ કામ ન રોકાય.

પાંચ દિવસ થવા છતાં નિમેષ અથવા તેની કાર બંને વિશે કોઈ સગડ મળતાં ન હતાં.

સલોની અને વૃંદા વચ્ચે સાત વરસનો ફરક હતો. વૃંદાએ હમણાં જ આર્કિટેક્ટની પરીક્ષા પાસ કરી હતી. તે નિમેષની ફેકટરીએ વારંવાર જતી હતી. તેનું કારણ એ હતું કે એ ફેક્ટરી વૃંદા અને સલોનીના પિતાની જ હતી અને પાંચેક વરસ પહેલાં પિતાજીને લકવો થવાથી લકવાગ્રસ્ત પરિસ્થિતિમાં એ ઘરે જ રહેતા હતાં. એટલે જ્યારે સલોનીના પિતાને લકવો થયો તે સમયે નિમેષે પોતાની નોકરી છોડીને આ ધંધો સંભાળવાનું કામ કર્યું હતું.

વૃંદાને ડીઝાઇનીંગ વિષય પહેલેથી ગમતો હતો અને ભવિષ્યમાં પિતાજીએ મહામહેનતે ઊભી કરેલી આ ફેક્ટરીમાં સક્રિય રહી શકાય તેના માટે જ એ આર્કિટેક્ટ બની હતી. છેલ્લા એકાદ વરસથી એ ફેક્ટરીના દરેક ડીપાર્ટમેન્ટમાં રસ લઈને કામ કરતી હતી. માર્કેટમાં ન હોય તેવી ડીઝાઇન તે બનાવતી હતી જેથી ફેક્ટરીનું વેચાણ અને નામ બંને આગળ વધ્યું હતું.

નિમેષના ગુમ થયા બાદ ફેક્ટરીના રોજબરોજના કામમાં તકલીફ પડતી હતી એટલે વૃંદાએ હવે ફેકટરીમાં વધારે રસ લઈને આખો દિવસ ત્યાં બેસવું પડતું હતું.

ઘેર સલોની થોડી સ્વસ્થ રહેવાની કોશિષ કરતી પણ એ રહી શકતી ન હતી. વૃંદા સાંજે ઘરે આવે ત્યારે સલોની વૃંદાને વળગીને રડતી હતી. સુહાનીને શાંત પાડ્યા બાદ એ પોતે પોતાના ઘરે જતી હતી. ઘરે જ્યારે પહોંચે ત્યારે એના માતા-પિતા પણ ખૂબ જ ચિંતામાં બેઠા હોય, વૃંદા એમને પણ સાંત્વના આપતી હતી.

બે-ત્રણ વખત સલોની પોલીસ સ્ટેશન ઉપર પણ જઈ નિમેષ વિશે તપાસ કરી આવી હતી. ઇન્સ્પેક્ટર કરણસિંહ સલોનીને સાંત્વના આપતા હતાં.

'સલોનીબેન, આપ ખોટા ધક્કા ના ખાઓ. મારી પાસે જેવી માહિતી આવશે એવી હું આપને તરત જ માહિતગાર કરી દઇશ. આ કેસમાં હું પર્સનલ રસ લઇ શોધખોળ કરી રહ્યો છું. એટલે હું આપને ચોક્કસ આપના પતિ નિમેષ વિશેની ભાળ મેળવી આપીશ.' કરણસિંહે ખૂબ આત્મવિશ્વાસથી સલોનીને કહ્યું હતું.

દસ દિવસ પછી ઇન્સ્પેક્ટર કરણસિંહ સલોનીના ઘેર આવ્યા હતા.

‘વલસાડ ખાતે તપાસ કરતા માલુમ પડ્યું છે કે આપનો પતિ નિમેષ તો ત્યાં પહોંચ્યો જ નથી. વડોદરા ટોલટેકસ ઉપરના રેકોર્ડમાં એ કાર ત્યાંથી નીકળેલી એ વાત સાચી છે પરંતુ એ પછી ત્યાંથી આગળ કોઈ બાતમી મળતી નથી. પરંતુ વલસાડની ફેક્ટરીના માલિક દીપેશે એવું કહ્યું કે નિમેષભાઇનો વડોદરા ખાતે ફાર્મ હાઉસ છે અને ઘણીવાર અમે ત્યાં મિત્રો પાર્ટી માટે ભેગા થઇએ છીએ. આપે મને આ વાતની માહિતી આપી ન હતી.’ કરણસિંહ બોલ્યો.

'ધંધાના કામ માટે એ વલસાડ ગયો હતો. એટલે વડોદરા અમારા ફાર્મ હાઉસ ઉપર જાય એવી શક્યતા તો ન જ હોય ને. છતાં અમારા ફાર્મ હાઉસના કેરટેકર ખીમજીને ફોન કરીને પૂછ્યું હતું પરંતુ ખીમજીએ નિમેષ ત્યાં આવ્યો નથી એવું જણાવ્યું હતું. માટે ફાર્મ હાઉસ વિશેની વાત આપને કહી નહોતી.' સલોની બોલી.

‘ઓકે... તો તમે મને ખીમજીનો મોબાઇલ નંબર આપો. અને હું મારી તપાસને મારી રીતે આગળ વધારું છું. નવાઇની વાત તો એ છે કે અમે તપાસ કરી પણ અમને કોઇ અકસ્માતની કે અન્ય કોઇ માહિતી મળી નથી.’ ઇન્સ્પેક્ટર કરણસિંહ બોલ્યો.

‘નિમેષ દારુ પીતો હતો?’ ઇન્સ્પેક્ટર કરણસિંહે આગળ સવાલ પૂછ્યો.

‘હા ઇન્સ્પેક્ટર સાહેબ.... એ દારૂ પીતો હતો. છેલ્લા પાંચ વરસમાં એનું દારૂ પીવાનું ખૂબ વધી ગયું હતું. હું ખૂબ જ ટોકતી હતી પણ એ બાબતમાં મારી વાત એ માનતો ન હતો.’ સલોનીએ કહ્યું.

‘આપના પતિ નિમેષનું ચરિત્ર્ય કેવું હતું?’ ઇન્સ્પેક્ટર કરણસિંહે આગળ પૂછ્યું.

‘જરાય સારું નહિ. ચરિત્ર્ય મારા જીજાજીનું ખૂબ જ ખરાબ હતું પણ સલોની કશું બોલતી ન હતી. એટલે અમે લોકો પણ આ બાબતે કોઇ વાત કરતા ન હતાં.’ અત્યાર સુધી ચૂપ રહેલી વૃંદા બોલી ઉઠી.

‘આપને શું લાગે છે ઇન્સ્પેક્ટર સાહેબ. મારા જીજાજીનો પત્તો હજી લાગતો કેમ નથી. એ દેશ છોડીને જતા તો નહીં રહ્યા હોય ને? એમનો પાસપોર્ટ પણ ઘરમાં કે ફેક્ટરીમાંથી મળતો નથી.’ વૃંદાએ ઇન્સ્પેક્ટર કરણસિંહને પૂછ્યું.

‘એ દેશ છોડીને ગયો હશે એની તપાસ હવે ચાલુ કરવી પડશે. એમાં જો પરિણામ શૂન્ય આવે તો કશુંક અમંગળ થયું હશે એવી જ શક્યતાઓ બાકી રહે...પરંતુ જ્યાં સુધી એની બોડી ન મળે ત્યાં સુધી કોઈ નિર્ણય ન લઈ શકાય.’ પોતાની પચીસ વર્ષની કારકિર્દીના અનુભવ ઉપરથી ઇન્સ્પેક્ટર બોલ્યા.

આવું સાંભળીને જ સલોની બેભાન થઈ ગઈ હતી. વૃંદાએ એના મોં પર પાણી નાંખી માંડ માંડ એને ભાનમાં લાવી હતી. ઇન્સ્પેક્ટર કરણસિંહને પણ પોતાનાથી આવું બોલાઇ ગયું એનું દુઃખ થયું પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એમની ફરજના ભાગરૂપે આવતી દરેક વાત ફરિયાદીને જણાવવી જોઇએ એવું એ સમજતા હતાં.

સલોની ત્રણ-ચાર દિવસમાં આવી રીતે બે-ત્રણ વાર વૃંદાની હાજરીમાં બેભાન થઇ ગઇ હતી. સલોનીની આવી ગંભીર હાલત જોઇ વૃંદા ફેક્ટરી પણ ગઇ ન હતી અને ઘરે પણ ગઇ ન હતી. માતા-પિતા જોડે પણ ફોનથી વાત કરી સલોનીની તબિયતના સમાચાર આપતી હતી.

સલોનીની મોબાઇલની રીંગ વાગી.

‘હેલો, હું ઇન્સ્પેક્ટર કરણસિંહ બોલું છું. ભરૂચમાં એક બિનવારસી લાશ મળી છે. એ લાશની ઓળખ કરવા માટે આપે ભરૂચ આવવું પડશે.’ આટલું બોલી ઇન્સ્પેક્ટર કરણસિંહે ફોન મુકી દીધો હતો.

બીજા દિવસે સવારે વૃંદા અને સલોની ભરૂચ પહોંચ્યા હતાં. સલોની આખા રસ્તે 'એ નિમેષ નહિ હોય..... એ નિમેષ નહિ હોય....' એવું બોલતી રહી હતી. વૃંદા એને સાંત્વના આપતી હતી.

બંન્ને લાશને ઓળખ કરવા માટે ઇન્સ્પેક્ટર કરણસિંહે જ્યાં બોલાવ્યા હતાં તે જગ્યાએ પહોંચ્યા. ઇન્સ્પેક્ટર કરણસિંહ પહેલેથી ત્યાં પહોંચી ગયા હતાં. લાશ જે રૂમમાં રાખવામાં આવી હતી તે રૂમમાં સલોની અને વૃંદાને લઇ જવામાં આવ્યા. એક ખાલી મોટી રૂમમાં સ્ટ્રેચરની ઉપર લાશ રાખવામાં આવી હતી. લાશ ઉપર સફેદ વસ્ત્ર ઓઢાવવામાં આવ્યું હતું.

સલોની અને વૃંદા ગભરાતા ગભરાતા લાશ પાસે પહોંચ્યા. ઇન્સ્પેક્ટક કરણસિંહે એક સેકન્ડમાં સફેદ વસ્ત્ર હટાવી દીધું. સલોની લાશને જોતા જ જમીન પર ફસડાઇ પડી. લાશનું મોઢું ખૂબ વિકૃત હતું.

‘આ મારા જીજાજી નથી’ વૃંદા બોલી.

આટલું બોલતા બોલતા વૃંદા ઉલટીઓ કરવા લાગી.

લેડી કોન્સ્ટેબલ સલોનીને ઊભી કરી અને ધીરે ધીરે રૂમની બહાર લઇ ગઈ અને એક બેન્ચ પર બેસાડીને પાણી પીવડાવ્યું. થોડીવારમાં વૃંદા પણ સ્વસ્થ થઇ અને સલોની સાથે આવીને બેઠી.

‘મને લાગે છે કે આ કેસમાં હજી એક બે કડીઓ એવી છે કે જે ખૂટે છે. છેલ્લા ચાર મહિનામાં પોલીસે જેટલી તપાસ કરવાની હતી એ બધી તપાસ કરી છે. જે રીતે આપના પતિ ગુમ થયા છે એ રીતે એવું લાગે છે કે એ જાતે જ ક્યાંક જતા રહ્યા છે. આપે આપેલા પાસપોર્ટના ઝેરોક્ષ ઉપરથી અમે તપાસ કરી તો માલુમ પડ્યું કે એ ઇન્ડિયા બહાર ગયા નથી. પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મેં મારા કેરીયરમાં બધાં કેસો ઉકેલ્યા છે. એટલે આ કેસની ગુંથી પણ હું ઉકેલી દઇશ. આપ હવે પાછા અમદાવાદ જવા માટે નીકળી શકો છો.’ ઇન્સ્પેક્ટર કરણસિંહ બોલ્યા.

આમ ને આમ એક વરસ વીતી ગયું હતું. નિમેષ જાણે ભુલાઈ ગયેલો હતો. સલોની દર અઠવાડિયે ઇન્સ્પેક્ટર કરણસિંહને ફોન કરીને પૂછપરછ કરતી રહેતી હતી. પણ એમના તરફથી પણ હવે મોળો જવાબ મળવા માંડ્યો હતો. ઇન્સ્પેક્ટર કરણસિંહ ઉપર પણ એક એન્કાઉન્ટર કેસની ઇન્ક્વાયરી ચાલુ થઇ હતી. એટલે એમનું બધું ધ્યાન ઇન્ક્વાયરી તરફ રહેતું હતું.

સલોની એકલી ન પડે તે માટે સલોનીના બે માળના ટેનામેન્ટમાં વૃંદા અને મમ્મી-પપ્પા સાથે જ રહેવા આવી ગયા હતા. વૃંદા ફેક્ટરી સંચાલનમાં હવે ઘડાઈ ચુકી હતી. આવકનો તો કોઈ પ્રશ્ન હતો જ નહીં. દિવાળી નજીક આવી હતી. એ સમયે વૃંદા અને સલોનીએ એના માતા-પિતા સાથે ફાર્મ ઉપર જવાનું ગોઠવ્યું હતું. સલોની ફાર્મ હાઉસ પર જવા તૈયાર ન હતી પરંતુ વૃંદાના આગ્રહને કારણે એ ફાર્મ હાઉસ પર જવા તૈયાર થઈ ગઈ.

ફાર્મહાઉસ પર પહોંચેલું આખું ફેમિલી ખુશખુશાલ હતું. નિમેષને ક્યારેક ક્યારેક સલોનીની મમ્મી યાદ કરી લેતી હતી. વૃંદાને થતું કે સલોની બધું દુઃખ પચાવીને જીવે છે અને અંદર ને અંદર મૂંઝાતી હશે એટલે જ એણે અહીં આવવાનો પ્લાન કરેલો હતો.

ખીમજીએ આખું ફાર્મ બહુ સરસ રીતે જાળવેલું હતું. એ વરસોથી સલોનીના પિતાના ત્યાં નોકરી કરતો હતો. સલોની નાની હતી ત્યારથી ખીમજી એના પિતાના ફાર્મ હાઉસની રખેવાળી કરતો હતો. ખીમજીએ લગ્ન કર્યા ન હતા. એ સલોની અને વૃંદાને પોતાની દીકરીઓ જેવી જ ગણતો હતો.

એ દિવસે રાત્રે બધા સુઈ ગયેલા. ખીમજી પણ થાકીને પોતાની ઓરડીમાં જઈને સુઈ ગયેલો. બંને બહેનો બહાર બેસીને તાપણું કરી રહેલી હતી. ત્યારે સલોની ખૂબ જ બેચેન હતી.

તાપણાના અગ્નિમાં એનો ચહેરો એકદમ તાંબા જેવો થઈ ગયેલો હતો. એની આંખોમાં આજે જુદી જ ચમક દેખાતી હતી. આંખોમાં કોઈ જુસ્સો હતો, ખુન્નસ હતું કે શું હતું એ વૃંદા સમજી ન શકી. સલોની એકધારું તાપણાના અગ્નિ તરફ તાકીને બેઠેલી હતી.

‘સલોની...શું થાય છે?...કેમ આટલી બેચેન છે? તું ચિંતા ના કર. નિમેષ જીજાજી પાછા આવી જશે. એના જેવા ખરાબ માણસોને કંઇ થતું નથી.’ વૃંદા સલોની સામે જોઇને કહ્યું.

સલોની એકદમ ઊભી થઈ અને વૃંદા સામું તાકીને પળ બે પળ સ્થિર થઈ ગઈ.

'તું બેસ હું થોડીવારમાં આવું છું.' એમ કહી સલોની ફાર્મ હાઉસમાં પોતાના બેડરૂમમાં ગઇ.

બેડરૂમમાં ગયા બાદ એણે બેડરૂમનો દરવાજો બંધ કર્યો અને બંધ કબાટ ચાવીથી ખોલ્યું. કબાટની નીચે આવેલા મોટા લોકરને પણ એણે ખોલ્યું. ખાનું ખોલી એમાંથી લાલ કપડાથી વીંટાળેલો કળશ બહા કાઢ્યો અને હાથમાં લીધો.

'નિમેષ તું કેમ છે?' સલોનીએ કળશ સામે જોઇને પૂછ્યું અને ભૂતકાળમાં ખોવાઇ ગઇ હતી.

'સલોની હું આજે વલસાડ જવાનો છું. આવતીકાલે પાછો આવી જઇશ.' નિમેષ બોલ્યો.

'તું મને વડોદરાના ફાર્મ હાઉસ ઉપર ઉતારી દેજે. હું ત્યાં રોકાઇ જઇશ. વલસાડથી તું જ્યારે પાછો ફરે ત્યારે તું મને લેતો જજે.' સલોની બોલી.

નિમેષે એની વાતનો બહુ વિરોધ ન કર્યો. આમેય ડ્રાઈવર હતો નહીં એટલે એને થયું કે વાતો વાતોમાં ત્યાં જઈએ તો સલોની પણ ખુશ થશે. એ બંને સાંજે ત્યાં પહોંચ્યા. એણે નિમેષને રાત રોકાઈ જવા આગ્રહ કર્યો. નિમેષને પોતાનું માથું પણ ભારે ભારે લાગતું હોવાના કારણે એણે એવું નક્કી કર્યું કે કાલે સવારે વહેલો વલસાડ જવા માટે નીકળી જઈશ.

નિમેષનું માથું ભારે હતું કારણ કે તેની ચામાં ખીમજીએ દવા ભેળવેલી હતી. રાતના દસ વાગે તો એ બેભાન થઈ ગયેલો. સલોનીની આંખ સામે એના કરેલા બધાજ સિતમ હતા. મૂંગે મોઢે સહેલી બધી તકલીફોનો અંત લાવવા તે મજબૂર બનેલી. પોતાના પિતાનો ધંધો અને આવક સંપૂર્ણ નિમેષે લઇ લીધી હતી અને પોતાની પત્નીની અવગણના કરતો હતો સાથે સાથે નિમેષ એની કોલેજની મિત્ર દિવ્યા સાથે સતત સંપર્કમાં રહેતો હતો. નિમેષના મોબાઇલમાં એણે નિમેષની અને દિવ્યાની વોટ્સએપ ચેટ વાંચી હતી. એના ઉપરથી એને ખબર પડી હતી કે દિવ્યા નિમેષના કારણે જ કુંવારી રહી છે. નિમેષે મેસેજમાં લખ્યું હતું કે આ વરસે તે સલોનીને છૂટાછેડા આપી દિવ્યા સાથે લગ્ન કરી લેશે. આ વાત વાંચી સલોની સાવ તૂટી ગઇ હતી.

આટલું ઓછું હોય તેમ એણે વૃંદા ઉપર પણ એણે બે-ત્રણ વાર ખરાબ દૃષ્ટિ નાંખવાની કોશિષ કરી હતી.

દારૂ પીને એ સલોનીને ગુસ્સામાં ખૂબ મારતો પણ હતો. સલોનીથી આ બધો અત્યાચાર હવે સહન થતો ન હતો. નિમેષ એને મારતો છતાં સુહાનીનો પિતા અને પોતાનો પતિ છે એટલે સલોની આ બધો ત્રાસ સહન કરતી હતી પણ જ્યારે એણે મેસેજમાં નિમેષ પોતાને છૂટાછેડા આપવા માંગે છે એવું વાંચ્યું ત્યારથી એને નિમેષ માટે ધૃણા થઇ ગઇ હતી. અને એ ધૃણાના કારણે આજે સલોની નિમેષને ફાર્મ હાઉસ ઉપર લઇને આવી હતી. બેભાન પડેલા નિમેષના મોઢા ઉપર એણે ઓશીકું મુક્યું અને વફાદાર ખીમજીએ ઓશીકાને જોરથી નિમેષના મોઢા પર દબાવીને રાખ્યું હતું. પાંચ મિનિટમાં તો નિમેષનું પ્રાણપંખી ઉડી ગયું હતું.

સલોનીએ આ પ્લાન નિમેષ અને દિવ્યાની ચેટ વાંચી પછી બનાવ્યો હતો અને ખીમજીને સમજાવી પણ દીધો હતો. ખીમજી પણ પોતાની દીકરી સમાન સલોની પર થતા નિમેષના ત્રાસને ફાર્મ હાઉસ ઉપર જોઇ ચૂક્યો હતો. સલોનીની ગેરહાજરીમાં નિમેષ એની મિત્ર દિવ્યાને લઇને ઘણીવાર આ ફાર્મ હાઉસ ઉપર આવ્યો હતો. નિમેષના આવા ચરિત્ર્યહીન હોવાના કારણે એ નિમેષથી ખૂબ ગુસ્સે ભરાયેલો રહેતો હતો અને એટલે જ એણે સલોનીને સાથ આપવાનું નક્કી કર્યું હતું.

ચારેક વીઘાના ખેતરમાં બનાવેલા ફાર્મહાઉસની આજુબાજુ પણ મોટામોટા ખેતરો અને બીજી બાજુ વિશ્વામિત્ર નદીની કોતરો હતી. ખેતરમાં મોટી મોટી નીલગીરી અને સાગના ઝાડ વચ્ચે બનાવેલા આ ફાર્મમાં જંગલ જેવું ભેંકાર વાતાવરણ હતું. આવા જ એ અંધારામય વાતાવરણમાં એક ખાડામાં ગોઠવેલાં લાકડાઓ વચ્ચે નિમેષનો દેહ અગ્નિને અર્પણ થઈ ગયો. આખી રાત ઓટલે બેસીને સલોનીએ ચિતા સળગતી દેખેલી.

‘આ ગુનો મેં જ કર્યો છે તેમાં તારી કોઈ ભાગીદારી નથી. આ ગુનાનો બોજ લઈને તું ફરીશ નહીં. આ કામનો હિસાબ ઉપર જઈને હું આપીશ અને આ તો પુણ્યનું કામ કર્યું છે એમ હું માનું છું. નિમેષની આ ગાડીને હું ભંગારમાં વેચી દઇશ અને હું ગામડે જતો રહીશ અને દસેક દિવસ પછી પાછો આવી જઇશ.’ બીજે દિવસે સવારે એ અમદાવાદ પાછી આવવા નીકળી ત્યારે સલોનીને ખીમજીએ સમજાવી.

ત્રીજે દિવસે વૃંદાને ફોન કરીને એણે નિમેષનો ફોન બંધ આવે છે તેવી વાત કરી અને વૃંદા સાથે શોધખોળ કરવામાં લાગી ગઈ.

હાથમાં કળશ પકડી બેઠેલી સલોનીની આંખ સામેથી આ આખી ઘટના થોડી મિનિટોમાં જ પસાર થઇ ગઇ.

સલોનીને થયું કે પોતે આટલી હિંમતવાન બની શકશે એવું તો એણે ક્યારેય વિચાર્યું ન હતું. સલોનીને પોતાના કૃત્ય માટે જરાય પણ દુઃખ આજે ન હતું.

'નિમેષ, હું તારી અસ્થિઓને ક્યારેય પણ નહીં પધરાવું. હું તને સદગતિ મળે એવું નથી ઇચ્છતી. કારણકે જો તને સદગતિ મળી જાય તો ફરી વાર તું પુરુષ તરીકે જન્મ જ્યારે લે અને ફરી એક વાર બીજી કોઇ સ્ત્રીને હેરાન કરે એવું હું થવા દેવા માંગતી નથી. માટે તું આ કળશમાં જ હંમેશા રહે એ જ મારી ઇચ્છા છે. આટલા દિવસોમાં આપણી દીકરી સુહાનીએ પણ તને યાદ કર્યો નથી. વિચાર કરજે કે તું કેટલો ખરાબ પિતા હતો.' આટલું બોલી સલોનીએ કળશને પાછો લોકરમાં મુકી અને કબાટને બંધ કરી દીધો.

સલોનીને નાનપણથી જ નાટકમાં કામ કરવાનો શોખ હતો પણ પિતાની જીદના કારણે એણે વકીલાત કરી હતી. એને ક્યારેય પણ નાટકમાં ભાગ ભજવવાની કે કોર્ટમાં વકીલાત કરવાની તક મળી ન હતી પણ છેલ્લા એક વરસમાં પોલીસને અને પોતાના કુટુંબીજનો સામે નાટક અને વકીલાતના કારણે કાયદાની આંટીઘૂંટીનો ઉપયોગ કરવાની પરિસ્થિતિ સર્જાઇ હતી. સલોનીએ કરેલા કૃત્યને પાપમાં ગણવું કે પુણ્યમાં ગણવું એ તો કદાચ કુદરત જ નક્કી કરશે.

- ૐ ગુરુ