imandar rikshawala books and stories free download online pdf in Gujarati

ઈમાનદાર રિક્ષાવાળો

ઈમાનદાર રીક્ષાવાળો

(આ વાત 1988ના સમયગાળાની છે.)


'મમ્મી, મેં સાતમું ધોરણ પાસ કર્યું. હવે હું આઠમા ધોરણમાં ભણી નહીં શકું.?' પગમાં પોલીયોથી ગ્રસ્ત રીતેશે રડતાં રડતાં એની મમ્મી સોનાલીને પૂછ્યું.

'ના બેટા, જરૂર તું ભણી શકીશ અને એટલે તો તારું આઠમા ધોરણમાં એડમીશન જે સ્કૂલમાં આઠમા ધોરણનો ક્લાસ નીચે છે ત્યાં જ આપણે લીધું છે, જેથી તને ઉંચકીને ક્લાસરૂમમાં મુકવા આવવામાં અમને વાંધો ના આવે.' સોનાલીબેને કહ્યું.

'પણ મમ્મી હવે તો તું મને ઉંચકી નથી શકતી અને પપ્પા સવારે દુકાને જાય તો સાંજે પરત આવે છે અને સ્કૂલરીક્ષા વાળા પણ મને એકલો લઇ જવા અને મુકી જવા તૈયાર થતા નથી. તો શું થશે?' પુત્રએ પોતાની વેદના માને જણાવી.

'તું ચિંતા ના કર. તારા પપ્પા કહેતા હતાં કે એમણે કોઇ પેન્ડલ સ્કૂલ રીક્ષાવાળા જોડે વાત કરી છે. એ રીક્ષાવાળો પણ એની પેન્ડલરીક્ષામાં છોકરાઓને સ્કૂલે લેવા મુકવા જાય છે. આજે સાંજે પપ્પાએ એને બોલાવ્યો છે. જો એ હા પાડી દેશે તો તું કાલથી સ્કૂલે જઇ શકીશ. હજી સ્કૂલ ખુલે તો પંદર જ દિવસ થયા છે ને, બેટા' માતાએ પુત્રને ટાઢશ બંધાવતા કહ્યું હતું.

હોલસેલ કરિયાણાના વેપાર સાથે જોડાયેલા અરવિંદભાઇ અને તેમની પત્ની સોનાલીના ત્યાં રીતેશનો જન્મ થયો હતો. જન્મ્યા બાદ રીતેશને થોડા મહિનામાં પોલીયાની અસર બંન્ને પગે છે, એવી એમને ખબર પડી હતી. સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાના કારણે અરવિંદભાઇ ધંધાની દોડધામમાં અને સોનાલીબેન ઘરકામમાં વ્યસ્ત હોવાના કારણે પુત્રને રસી મુકાવવાની બાબતમાં કાળજી લઇ ના શક્યા અને એટલે પુત્ર રીતેશ પોલીયોનો શિકાર બની ગયો.

'મારા દીકરા રીતેશને પોલીયો થયો છે. એને સ્કૂલે લઇ જવા અને લાવવા માટે તને બોલાવ્યો છે. એને ઘરેથી ઉંચકીને રીક્ષામાં બેસાડવો પડશે અને રીક્ષામાંથી ઉંચકીને સ્કૂલના વર્ગમાં બેસાડવો પડશે અને એ રીતે ઘરે પરત લાવવાનો રહેશે.' અરવિંદભાઇએ સ્કૂલરીક્ષાવાળાને સમજાવતા કહ્યું હતું.

સ્કૂલરીક્ષાવાળાનું નામ વેલજી હતું. હાઇટ પાંચ ફૂટ, બે ઇંચથી વધારે નહિ હોય. રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદમાં આવીને વર્ષોથી એ ઘરકામ અને સ્કૂલરીક્ષા ચલાવવાનું કામ કરતો હતો.

વેલજીએ રીતેશને બરાબર ધ્યાનથી જોયો.

'આ બાબાને ઉંચકીને લઇ જવાનું મને ઘણું કાઠું પડશે.?' વેલજીએ રીતેશને જોઇને કહ્યું હતું.

'તું એક-બે દિવસ લઇને અને મુકીને પ્રેક્ટીસ કરી જો, અત્યારે મહિનાના સો રૂપિયા સ્કૂલ રીક્ષાવાળા લેતા હોય છે. હું તને ચારસો રૂપિયા આપીશ. જો તને ફાવે તો હા પાડજે.' અરવિંદભાઇએ કહ્યું હતું.

'બે દિવસ માટે લઇ જવાનું શરૂ કરું છું, જો મને ફાવશે તો હું પછી કાયમ માટે આ બાબાને સ્કૂલે લઇ જવાનું અને મુકી જવાનું કામ કરીશ.' થોડું વિચાર્યા બાદ વેલજીએ કહ્યું હતું.

અરવિંદભાઇએ સંમતિસૂચક માથું હલાવ્યું હતું.

બીજા દિવસે વેલજીએ રીતેશને ઉંચકી અને પોતાની પેન્ડલ રીક્ષામાં બેસાડ્યો. આમ તો રીતેશની સ્કૂલનું અંતર ઓટોરીક્ષામાં દસ મિનિટનું હતું પરંતુ વેલજીભાઇની પેન્ડલરીક્ષા હોવાના કારણે પચ્ચીસ મિનિટ થતી હતી.

'તમે વેલજીભાઇ મને સ્કૂલે લાવવા અને લઇ જવાની ના પાડતા નહિ. અઠવાડિયું મને ઉંચકશો એટલે તમને બરાબર ફાવી જશે. તમે ના પાડશો તો મારું ભણવાનું અટકી જશે.' રીતેશે વેલજીભાઇને કહ્યું હતું.

વેલજીએ રીતેશની આંખોમાં ભણવા માટેનો ઉત્સાહ જોઇ ના પાડવાની હિંમત ના કરી શક્યો અને વેલજીએ રીતેશને સ્કૂલે લઇ જવાનું કામ માથે લઇ લીધું હતું.

રીતેશની સ્કૂલ સવારે સાડા-સાતે હોય અને બપોરે સાડા-બારે પતી જાય.

વેલજી નિયત સમયે આવે અને રીતેશને ઘરેથી સ્કૂલે અને સ્કૂલેથી ઘરે મુકી જાય. આ રીતે ત્રણ વરસ પસાર થઇ ગયા. રીતેશ દસમું ધોરણ ડીસ્ટીન્ક્શન માર્ક્સ સાથે પાસ થયો. હવે એ અગિયારમા ધોરણમાં આવ્યો હતો. વેલજીભાઇ રીતેશના ભણતરને ચાલુ રાખવામાં રીડના હાડકાની જેમ કામ કરી રહ્યા હતાં.

'વેલજીભાઇ આજે તમે ચિંતામાં લાગો છો. આટલા વરસો પછી તમને પહેલીવાર ચિંતામાં જોઉં છું.' રીતેશે પૂછ્યું.

'હા રીતેશબાબા, મારી છોકરીના લગ્ન આવે છે. પણ પૈસાની કોઇ જગ્યાએથી જોગવાઇ થતી નથી. લગ્ન મહિના પછી જ છે. બધાં પાસે ઉધાર માંગી ચૂક્યો છું પણ કોઇ આપવા તૈયાર નથી. પૈસા નહિ હોય તો મારી દીકરીના લગ્ન નહિ થાય. બસ, એ જ ચિંતા કરી રહ્યો છું.' વેલજીએ પાછળ બેઠેલા રીતેશને પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું.

'કેટલા રૂપિયાની જરૂર છે?' રીતેશે સહજતાથી પૂછ્યું હતું.

'રૂપિયા પંદર હજારની.' વેલજીભાઇએ જવાબ આપતા કહ્યું હતું.

'પંદર હજાર રૂપિયા, એક મહિનામાં જોઇએ?' રીતેશ વિચારમાં પડ્યો.

'રીતેશબાબા તમે ચિંતા ના કરતા, આ તો તમે પૂછ્યુંને એટલે મેં તમને કહ્યું. બાકી અમારા ગરીબોના નસીબમાં તો આ બધું ચાલ્યા જ કરવાનું.' રીતેશને વિચારમાં પડેલો જોઇ વેલજીએ કહ્યું હતું.

રીતેશના મગજમાં વેલજીભાઇને કઇ રીતે મદદરૂપ થવું એનું ચક્રવ્યૂહ ચાલુ થઇ ગયું હતું. પોતાના પિતાએ પોકેટ મની માટે આપેલા રૂપિયામાંથી એણે એક હજાર રૂપિયાની બચત કરી હતી. પણ એક હજાર રૂપિયામાં થાય શું?

'પપ્પા, વેલજીભાઇની દીકરીના લગ્ન આવે છે. લગ્ન માટે એમને પંદર હજાર રૂપિયા ઉધાર જોઇએ છે. એ ધીરે ધીરે ચૂકવી દેશે. તમે વેલજીભાઇને પૈસા આપશો?' રીતેશે અરવિંદભાઇને પૂછ્યું હતું.

'પંદર હજાર રૂપિયા? આટલા બધા રૂપિયા ઉધાર શેના માટે આપવા છે તારે? આ તારો દાનેશ્વરી સ્વભાવ બંધ કરી દે. નહિ તો તું પણ દુઃખી થઇશ અને અમને પણ દુઃખી કરીશ.' આટલું બોલી અરવિંદભાઇ ઊભા થઇ ગયા હતાં.

'બેટા, પાંચસો-હજાર રૂપિયાની વાત હોય તો અમે આપી દઇએ. પણ આટલી મોટી રકમ રીક્ષાવાળાને ઉધાર આપવી એ યોગ્ય ના કહેવાય. તું હવે મોટો થઇ ગયો છે, સમજદાર થઇ ગયો છે. તારે થોડું વ્યવહારિક જ્ઞાન પણ જીવનમાં કેળવવું જોઇએ.' સોનાલીબેને પુત્રને સમજાવ્યું હતું.

'હું મોટો અને સમજદાર થઇ ગયો છું. એટલે હું વેલજીભાઇને પંદર હજાર રૂપિયા ઉધાર આપવા માટે કહું છું. પંદર હજારમાં આપણને કંઇ ફરક પડવાનો નથી પણ વેલજીભાઇની દીકરીના લગ્ન થઇ જશે અને વેલજીભાઇ ના હોત તો હું સાત ધોરણથી આગળ ભણી પણ ના શક્યો હોત. મારામાં આટલી તો સમજ છે, આના કરતા કેટલી વધારે સમજ મમ્મી તારે મારામાં જોઇએ છે?' રીતેશે માતાની સામે જોઇ કહ્યું હતું.

દીકરાની વાત સાંભળી સોનાલીબેનને માન થયું પરંતુ અરવિંદભાઇ આગળ એમનું કશું ચાલે એમ ન હતું. એટલે એ ચૂપ થઇ ગયા હતાં.

રીતેશ તો પકડેલી વાત છોડે એવો હતો જ નહિ. એણે મગજમાં નક્કી કરેલું હતું કે મારા ભણતરમાં ટેકારૂપ બનેલા વેલજીભાઇને જો હું મદદ ના કરી શકું તો પછી મેં લીધેલા ભણતરનો શું ફાયદો થાય? મારે જરૂર હતી ત્યારે વેલજીભાઇ મારી મદદે આવ્યા હતાં અને આજે જ્યારે એમને જરૂર છે તો હું મદદ કરવા માંગું છું.

'આશિષ, તું કોઇ સોનીને ઓળખે છે? મારે મારા હાથની આ લકી વેચવી છે.' રીતેશે પોતાના અંગત મિત્ર આશિષને કહ્યું હતું.

'અરે, કરોડપતિ શેઠને સોનું વેચવાનો વખત આવ્યો?' આશિષે મજાક કરતા પૂછ્યું હતું.

'મજાક ના કર. કોઇ સોનીને ઓળખતો હોય તો એની પાસે મને લઇ જા.' રીતેશે આશિષને કહ્યું હતું.

આશિષ રીતેશને તેના મામા જે સોની હતા તેમની પાસે લઇ ગયો હતો અને આશિષના મામાએ લકી જોઇ અને એના ચૌદ હજાર રૂપિયા ગણી આપ્યા હતાં.

બીજા દિવસે સવારે રીતેશે એક કવર વેલજીભાઇને આપ્યું હતું.

'વેલજીભાઇ, આમાં રૂપિયા પંદર હજાર છે. આ તમારી દીકરીના લગ્નમાં કામમાં આવશે. તમારે હવે કોઇની પાસે પૈસા માંગવાની જરૂર નથી અને હા, મને આ પૈસા પરત આપવાની પણ જરૂર નથી.' રીતેશે કહ્યું.

વેલજીએ કવર લેવા માટે આનાકાની કરી. પણ રીતેશે એમને સમજાવીને કવર આપી દીધું.

આ વાતને ચાર વરસ વીતી ગયા હતાં.

બારમુ ધોરણ પતી ગયા પછી રીતેશ પોતે ચાલતો થઇ ગયો હોવાના કારણે પોતાની જાતે જ પોતાના મિત્ર સાથે કોલેજ જતો હતો. એને હવે પગે કેલીપર્સની જ જરૂર રહેતી હતી, એ કેલીપર્સના સહારે ચાલી શકતો હતો. રીતેશ કોલેજના છેલ્લા વરસમાં અભ્યાસ કરતો હતો.

એક દિવસ બપોરના ચાર વાગે રીતેશના ઘરનો બેલ વાગ્યો. સોનાલીબેને દરવાજો ખોલ્યો.

'બેન મને ઓળખ્યો? હું વેલજી રીક્ષાવાળો.' વેલજી બારણે ઊભો રહીને બોલ્યો હતો.

'અરે વેલજીભાઇ, તમે બદલાઇ ગયા છો. શું કરો છો? સ્કૂલરીક્ષા જ ચલાવો છો? અંદર આવો.' સોનાલીબેને આવકાર આપતા કહ્યું.

સોનાલીબેને રીતેશને બૂમ પાડી. રીતેશ પોતાના રૂમમાંથી ડ્રોઇંગરૂમમાં આવ્યો.

'અરે વેલજીભાઇ, તમે તો ઘરડા થઇ ગયા છો. મોઢાના આગળના બે દાંત પણ પડી ગયા છે. કેમ છો તમે?' રીતેશે હસતાં હસતાં પૂછ્યું હતું.

'હું મજામાં છું રીતેશબાબા. મેં મણિનગરમાં દાળવડા અને કેળાવડાની લારી કરી છે. લારી બહુ સારી ચાલે છે. ભગવાનની દયાથી બધું સારું છે.' વેલજીએ જમીન પર બેસતા કહ્યું.

રીતેશ અને સોનાલીબેન એની સામે સોફા પર ગોઠવાયા.

'અચાનક અહીં કેમ આવવાનું થયું? પણ તમે આવ્યા તો અમને બહુ ગમ્યું.' સોનાલીબેને કહ્યું.

'હું અહીંયા રીતેશબાબાએ મને મારી દીકરીના લગ્ન માટે પંદર હજાર રૂપિયા ઉધાર આપ્યા હતા એ આપવા માટે આવ્યો છું.' આટલું બોલી પંદર હજાર રૂપિયા વેલજીભાઇએ ટેબલ ઉપર મુક્યા.

'વેલજીભાઇ, એ રૂપિયા મેં તમને આપવાની ના પાડી હતી ને? પછી શું કામ પાછા આપવા માટે આવ્યા છો?' રીતેશે કહ્યું.

'રીતેશબાબા, દેવું આ જનમમાં ના ચૂકવીએને તો આવતા જનમમાં ચૂકવવું પડે અને મારે દેવું માથા ઉપર નથી લઇ જવું. મારી મુસીબતમાં તમે મારી મદદ કરી હતી. હવે મારા સારા દિવસો છે. એટલે હું પંદર હજાર રૂપિયા પરત આપવા માટે આવ્યો છું.' વેલજીભાઇ બોલ્યા.

રીતેશે પૈસા પાછા ન લેવા માટે ખૂબ રકઝક કરી પણ વેલજીભાઇ એકના બે ના થયા. છેવટે રીતેશે રૂપિયા લેવા પડ્યા અને વેલજીભાઇ ચા પીને ઘરમાં બહાર નીકળ્યા.

'તારા માટે હું માન કરું એટલું ઓછું છે. પણ એટલું તો કહે તું આ રૂપિયા લાવ્યો'તો ક્યાંથી?' સોનાલીબેને રીતેશને પૂછ્યું હતું.

'મારી હાથની લકી મેં વેચી નાંખી હતી અને એ લકી વેચીને મેં વેલજીભાઇને રૂપિયા આપ્યા હતાં.' રીતેશે કહ્યું.

'પણ તું તો કહેતો હતો કે તે લકીને ડ્રોઅરમાં સાચવીને મુકી રાખી છે.' સોનાલીબેને પૂછ્યું.

'મારે વેલજીભાઇને કોઇપણ હિસાબે મદદ કરવી હતી. એટલે એ લકી વેચવા સિવાય બીજા કોઇ રસ્તો ન હતો અને તમને ખોટું બોલવા સિવાય મારી પાસે કોઇ વિકલ્પ ન હતો.' રીતેશ બોલ્યો.

'પણ વેલજીભાઇ આટલા વર્ષે પણ આ રૂપિયા યાદ રાખીને પરત આપી ગયા, એ બહુ કહેવાય. વેલજીભાઇ સાચા અર્થમાં એક ઇમાનદાર રીક્ષાવાળા હતાં અને હું એમને પહેલા દિવસથી જ ઓળખી ગયો હતો અને એમણે મારા ભણતર માટે જે નિયમિત રીતે આવીને મને ઉંચકીને સ્કૂલ સુધી ક્લાસરૂમમાં બેસાડતા હતાં એ ઉપકાર તો હું ક્યારેય ના ભૂલી શકું. મારા ગ્રેજ્યુએટ થવામાં એમનું યોગદાન ખૂબ મહત્ત્વનું ગણાશે. કારણકે કામના બદલામાં પૈસા તો દુનિયાનો નિયમ છે પણ મારા જેવા અપંગ વ્યક્તિ માટે જે ખરા સમયે કામમાં આવે એનો ઉપકાર મારે ન ભૂલવો જોઇએ, એવું હું માનું છું.' આટલું બોલી રીતેશ પોતાના રૂમમાં જતો રહ્યો.

સોનાલીબેનને આજે પોતાના અપંગ પુત્ર માટે ખૂબ ગર્વ થઇ રહ્યો હતો.


એક સત્ય ઘટના પર આધારિત

- ૐ ગુરુ


બીજા રસપ્રદ વિકલ્પો