નાસ્તિક Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાસ્તિક

વાર્તા

નાસ્તિક


ચાની કીટલીના એક તૂટ્યા ફૂટ્યા ટેબલ ઉપર માનસીંગ બેઠો છે. હાથમાં પકડેલી ચાની પવાલીમાંથી આછા ધુમાડા નીકળી રહ્યા છે. માનસીંગની નજર ચકળવકળ આજુબાજુની ચહલપહલ ઉપર ફરી રહી છે. ચાની કીટલીની પાછળ રામનગરનું એસ.ટી બસસ્ટેન્ડ છે. એટલે લગભગ એકધારો લોકોનો પ્રવાહ ત્યાંથી બહાર આવી રહ્યો છે. રસ્તાની સામેની બાજુ કેટલાય લોકોનો જમાવડો છે. આજુબાજુના નાનાં-નાનાં ગામડાઓમાંથી લોકો અહીં મજૂરી માટે આવે છે. દરેકના હાથમાં ટીફીન છે. રામનગર તાલુકાનું મુખ્ય મથક છે એટલે અહીં સરકારી અને અસરકારી બધા જ પ્રકારના કામો ચાલતા હોવાથી આ લોકોને પૂરતી મજૂરી મળી જતી હતી.

થોડી થોડીવારે એકાદ છકડોરીક્ષા આવીને ઊભી રહે ત્યારે એમાંથી પણ ખીચોખીચ ભરેલાં લોકો ઠલવાય છે. કેટલાક લોકો અહીંથી બીજા છકડાઓમાં બેસીને પોતાના કામના સ્થળે જવા નીકળી જાય છે. કેટલાક લોકો મંદિર તરફ જવા લાગે અને કેટલાક લોકો અહીં કામની શોધમાં ઊભા રહ્યાં છે.

માનસીંગને પોતાનું બાળપણ યાદ આવે છે જયારે એની મા વેકેશનમાં એને કેડમાં તેડીને કામે જતી હતી. એ સમજણો થયો પછી ક્યારેય એ રીતે મજૂરી કરતી મા સાથે ગયો ન હતો. રોજ સવારે મા કામે નીકળતી પછી એ એની દાદી સાથે રહેતો. બપોરે ખભે થેલી લટકાવી શાળાએ જવા નીકળી જવાનું. ભોજન તો ત્યાંથી જ મળતું હતું. સાંજ પડતાં ઘેર પાછો આવે એ બાદ એની મા પણ ઘરે આવી જતી. બાપુનો તો ચહેરો પણ એને યાદ નથી. મા કહેતી કે એ સમયે તો તું ધાવણો હતો જયારે તારા બાપુને ખેતરમાં મજૂરી કરતાં સાપ કરડેલો.

એને એ પણ યાદ આવ્યું કે આઠમા ધોરણના વેકેશનમાં એણે મા સાથે કામે જવાની જિદ કરેલી ત્યારે એની માએ બરાબરનો ધીબી નાખેલો. એ દિવસે સાંજે આવીને માએ સમજાવેલો કે તારે તો ભણવાનું જ છે અને ભણીને નોકરીએ ચડવાનું છે. ત્યારે એની આંખોના પાણીમાં તરતી આશા એણે પહેલી વખત ધ્યાનથી વાંચેલી.

એકાએક બસસ્ટેન્ડ તરફથી હો-હા થતી હોય એવા અવાજો આવ્યા. માનસીંગ એકદમ વિચારોમાંથી જાગ્યો અને હાથમાં રહેલી લાકડી પર પોતાની પકડ મજબૂત કરીને ત્યાં પહોંચ્યો. બે જણા સામાન્ય મારામારી પર ઉતરી આવેલા. વર્દીધારી માનસીંગ એ તરફ આવતો જોઇને તમાશો જોતાં લોકો વિખેરાવા માંડ્યા. ઝઘડતાં બે જણમાંથી એક દારૂડિયો હતો. ખાખી વર્દીધારી પોતાની તરફ આવતો જોઇને એ પણ ચાલતો ચાલતો બીજી દિશામાં જવા માંડ્યો. હવાલદાર માનસીંગ ત્યાં પહોંચ્યો ત્યારે એને લાકડી પછાડવા સિવાય બીજું કશું કરવાનું આવ્યું નહીં.

માનસીંગે બસસ્ટેન્ડમાં ઉભેલી બે-બસ અને એની આજુબાજુ ઉભેલાં લોકો તરફ ઉડતી નજર નાંખી અને જે ગતિએ બસસ્ટેન્ડમાં આવ્યો હતો તેવી મંથર ગતિએ ત્યાંથી પાછો વળ્યો. બસસ્ટેન્ડમાંથી બહાર નીકળી એણે તળાવની પાળે બનેલાં રામજીમંદિર તરફ પગલાં માંડ્યા. બસસ્ટેન્ડથી તળાવ સુધી એની ડ્યુટી હતી. બસસ્ટેન્ડથી રામજીમંદિર તો દોઢેક કિલોમીટર જ દૂર હતું. પણ તળાવની ફરતે થોડાં ઝૂંપડાઓ હતા તેને કારણે ત્યાં છમકલાઓ થતાં રહેતા.

રામજીમંદિરની પાછળની બાજુ પંદર જેવાં પગથીયા હતાં અને એ સીધા એક કુંડમાં લઈ જતાં હતાં. તળાવમાં પાણી હોય કે ન હોય પણ એ કુંડમાં બારેમાસ પાણી રહેતું. વરસોથી આ મંદિર એ કુંડને કારણે પ્રખ્યાત હતું. એ ચમત્કારિક કુંડમાં સ્નાન કરવાથી શારીરિક પીડાઓ નષ્ટ થાય છે એવી લોકવાયકા દૂર દૂર સુધી ફેલાયેલી હોવાના કારણે અનેક શ્રદ્ધાળુઓ દેશના અલગ અલગ ઠેકાણેથી અહીં આવતા હતાં. તળાવના કિનારે પૂજાપાઠ કરાવતા પંડિતોનો પણ ઘણો મોટો જમાવડો ભેગો થયેલો હતો. જે આવનાર ભક્તોને વિધિ-વિધાન કરાવી અને પછી સ્નાન કરવાનું કહેતા હતાં.

દેશમાં અલગ અલગ જગ્યાએથી જુદી જુદી ભાષાઓ વાળી અને પ્રાઇવેટ બસો ભાત-ભાતના નામવાળી બસ સ્ટેન્ડે આવતી હતી. હવાલદાર માનસીંગ ઘણીવાર એ બસના ઉતારુઓને અચરજથી જોઇ રહેતો.

આપણા દેશના લોકો પણ કેટલા શ્રદ્ધાવાન છે. પત્થરને ભગવાન બનાવે છે અને પાણીને અમૃત માને છે. લોકોને જોઇને એ મનોમન હસતો પણ ખરો. અને પોતે ઈશ્વરમાં નથી માનતો એ સારું કરે છે કે ખોટું કરે છે એ સવાલ પણ ઘણીવાર પોતાની જાતને પૂછતો.

છેલ્લા ઘણાં વર્ષોથી તેનું પોસ્ટીંગ અહીંયા હતું. બાજુના ગામમાં જ એણે નાનકડું મકાન ભાડેથી રાખેલું હતું. રામનગરમાં રહીએ તો ઇન્સ્પેક્ટર સાહેબ કામ હોય તો છાશવારે રાત્રે પણ બોલાવે એટલે ચોકીથી દૂર રહેવું સારું, એવી સમજને કારણે એ બાજુના ગામમાં રહેતો જે રામનગર કરતાં થોડું સસ્તું પણ પડતું. રામજીમંદિરને કારણે અહીં રામનગર થોડું મોંઘુ પણ હતું. રામનગરમાં ધર્મશાળાઓ અને લોજ ઘણી હતી. એક તીર્થધામ તરીકે આ વિસ્તારનો મહિમા હતો એટલે માનસીંગે હવાલદાર તરીકે દિવસ દરમ્યાન સતત સચેત અને સક્રિય રહેવું પડતું હતું.

બાર ચોપડી ભણેલો માનસીંગ શરીરે કસાયેલો હોવાને કારણે હવાલદાર તરીકેની નોકરીમાં પસંદગી પામ્યો હતો. માની બધી જ બાધાઓ ફળી હતી એવું એની મા માનતી પરંતુ માનસીંગ આ બાબતે સાવ જુદું જ વિચારતો.

‘આવી રીતે બાધાઓ અને ભક્તિ ફળતી હોત તો આટલી ગરીબી અને મજૂરી મારી માના નસીબમાં તો હોત જ નહીં ને?’ એવું તે એની માને કહેતો.

એ જયારે આવું બોલતો ત્યારે એની મા કહેતી કે ‘બેટા અમારા નસીબમાં તો વહેલું વિધવા થવું અને ગરીબીના દુઃખ ભલે લખ્યા પણ તારા નસીબે ન હોય એવું હું માતાજી જોડે રોજ માંગતી હતી.’ એ જ્યારે આવું બોલતો ત્યારે એની મા કહેતી.

માનસીંગ ક્યારેય મંદિરે ન જતો. એની મા પૂનમના કે અમાસના દિવસોમાં રાત્રે જયારે ભજનમાં જતી ત્યારે એ ઘણીવાર રોકતો પણ ખરો. માંડ માંડ એકવાર એની માની બાધાને કારણે એ ગામની પાદરે આવેલા માતાના મંદિરે નારીયેલ ચડાવા ગયો બસ એટલું જ.

માનસીંગ માટે આજનો આ દિવસ રોજના દિવસ કરતા કંઇક અલગ હતો. આજે ગામડેથી એની મંગેતર શ્યામલી અને એની મા રામનગર આવવાના હતાં. અહીં તળાવમાં સ્નાન કરી ગયેલા ગામના એક સગાંએ જ માનસીંગની માને આ તળાવમાં સ્નાન કરી પોતાના પગની પીડા દૂર કરવા માટે કહ્યું હતું.

‘આટલા વરસથી આવા પવિત્ર તળાવની પાસે તારી ડ્યુટી છે તો પણ પોતાની માને કહેતો નથી કે મા તું પણ એકવાર આવી આ તળાવમાં સ્નાન કરી જા તો તારા પગનો દુખાવો મટી જશે. આ તો ભલું થજો જાનકીબેનનું, જેમણે મને કહ્યું.’ માનસીંગની માએ માનસીંગને ફોન પર ઠપકો આપતા કહ્યું હતું.

માને છેલ્લા ઘણાં વર્ષોથી પગમાં ખૂબ જ દુખાવો રહેતો હતો એ વાત તો એ જાણતો પણ મંદિરમાં કોઈ શ્રધ્ધા ન હોવાથી એણે આવી કોઈ વાત કરી ન હતી.

‘હું આ બધામાં નથી માનતો. તારે આવવું હોય તો આવી જજે હું તને લઇ જઈશ.’ માનસીંગે ગુસ્સાથી જવાબ આપ્યો હતો.

માનસીંગને પોતાનું એ વર્તન યાદ આવ્યું અને એને પોતાની જાત ઉપર ખૂબ ક્રોધ આવ્યો. મા પ્રત્યે એને બહુ સ્નેહ હતો. માનો દુઃખાવો સારો થઈ જાય એ તો એ ઈચ્છે જ પણ એના માટે એની જોડે આજે મંદિરમાં પણ જવું પડશે એ વાતે એ ચિંતિત હતો. જાણે પોતાનું નાસ્તિકપણું જોખમમાં હોય તેમ એને લાગ્યું. પણ શ્યામલી પણ જોડે આવવાની છે એ વાતે મનમાં ઘણો ઉત્સાહ હતો.

શ્યામલી સાથેનું એનું સગપણ ત્રણ વરસ પહેલા થયું હતું પરંતુ શ્યામલીના પિતાએ એ ભણતી હોવાથી સગપણ કર્યા પછી પાંચ વરસ પછી લગ્ન કરીશું એવી શરત કરી હતી અને એના કારણે શ્યામલીને મળવાનું પણ નિયમિત થતું નહિ અને પોતે શ્યામલીના ગામથી એનું ગામ નજીક જ હતું પણ નોકરી ઘણી દૂર કરતો હતો.

માનસીંગ એકાદ ચક્કર મારીને કંટાળીને બસ સ્ટેન્ડ પર આવેલી ચાની કીટલી પર પાછો આવીને બેઠો. ચ્હાવાળો જગો માનસીંગ ત્યાં જઈને બેસે એટલે તરત ચા આપી દેતો. માનસીંગ ચા પીતાં પીતાં પોતાની આ નોકરી પર ધિક્કાર વરસાવા લાગ્યો.

આ તો સાલું કંઇ જિંદગી છે. સવારથી સાંજ સુધી આ ડંડો લઇ ચાર રસ્તાથી બસ સ્ટેન્ડ અને તળાવની ચારે તરફ આંટા માર્યા કરો. બે વખતના ખાવાના પણ કોઇ ઠેકાણા નહિ. રહેવા માટ જે રૂમ મળી છે તેમાં પણ માંકડોનો ત્રાસ ખૂબ છે. સાલું આના કરતા તો ગામમાં જમીન ખરીદી ખેતી કરવી વધારે સારું. ક્યારેક હતાશ થઇ માનસીંગ મનોમન આવું પણ વિચારતો પણ એ જાણતો હતો કે જમીન ખરીદવી એ ક્યાં પોતાના બસની વાત જ છે.

શ્રદ્ધા, આસ્તિક અને નાસ્તિકની માથાકૂટ કાયમથી માનસીંગના મનમાં ચાલ્યા કરતી. માનસીંગે ક્યારેય મંદિરમાં માથું નમાવ્યું ન હતું. પણ આજે માને લઇને તળાવમાં સ્નાન કરવા જવું પડશે એ વાત પણ તેને થોડી પરેશાન કરતી હતી. એના મનમાં એવો ડર પણ રહેતો હતો કે કદાચ એ નાસ્તિકમાંથી આસ્તિક તો નહીં બની જાય ને? મંદિરના પૂજારી ઘણીવાર એને મંદિરે આવવાનું કહેતાં ત્યારે એ કાયમ હસતો અને તેમની વાતને ટાળી નાખતો. કારણકે ઈશ્વરમાં માનવું એ એને અંધશ્રદ્ધા લાગતી હતી. ક્યારેક કોઈ બીજો હવાલદાર ઘેરથી સત્યનારાયણની કથાનો શીરો લાવ્યો હોય તો માનસીંગ એ ખાવામાં પણ ખચકાટ કરતો પણ છેવટે શીરો આરોગવા મળ્યો એમ સમજી ખાઈ લેતો. ચોકી પર તો બધાને ખબર છે કે પોતે કેવો નાસ્તિક છે. આ બાબતે તો ઇન્સ્પેક્ટર પણ ક્યારેક મજાક ઉડાવતા હતા. હવે જયારે ખબર પડશે કે એણે પોતાની માને રામજીમંદિરે રામકુંડમાં સ્નાન માટે બોલાવી છે તો એ લોકો વધારે હસશે એવી પણ એને ચિંતા થઇ.

બપોરે આવનારી બસ હજુ આવી નહીં. એણે અડધો કલાક રાહ જોઈ કદાચ મોડી હોય એમ સમજીને એણે સમય પસાર કર્યો. એ પછી એ બસસ્ટેન્ડ ઉપર જઈને ડેપો મેનેજરને પૂછીને પણ આવ્યો. ડેપો મેનેજરે પણ એવું કહ્યું કે કદાચ પંચર થયું હોય એમ લાગે છે નહિતર અત્યાર સુધીમાં તો એ છોટાઉદેપુર વાળી બસ આવી જ જાય. છોટાઉદેપુરથી આખા દિવસમાં આ એક જ બસ રામનગર સુધી આવતી હતી.

માનસીંગ હવે રાહ જોઇને કંટાળ્યો હતો અને ભૂખ પણ લાગી હતી. એ નજીકમાં આવેલી સુદર્શન લોજમાં ગયો. જમવા બેઠો પણ એનું મન જમવામાં લાગ્યું નહીં. માંડ માંડ એણે થોડું પેટમાં પધરાવ્યું. થોડીવારે એ પાછો ડેપો મેનજરની કેબીનમાં ગયો. એની અધીરાઈનું કારણ જાણ્યા પછી ડેપો મેનેજરે છોટાઉદેપુર ડેપોમાં ફોન કર્યો. ત્યારે ખબર પડી કે એ બસને રસ્તામાં ડભોઈ પાટિયા પાસે મોટો અકસ્માત થયો છે.

માનસીંગના માથા ઉપર જાણે આભ તૂટી પડ્યું. વાત સાંભળીને એ કોઈ દુકાનવાળાની સાઇકલ લઇ પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસ ઇન્સ્પેક્ટરે વાત જાણ્યા પછી વ્યવસ્થા કરવાનું વચન આપ્યું, માનસીંગ માટે ઉપરી અધિકારી પાસેથી રજા લઇ તરત જ પોલીસ જીપની વ્યવસ્થા કરવામાં આવી. માનસીંગ પોલીસ જીપમાં ચાર કલાકના અંતરે આવેલી સરકારી હોસ્પિટલ ઉપર પહોંચ્યો. મા અને શ્યામલીને શોધવામાં વાર લાગે તેવું ન હતું. એક વોર્ડની બહાર જ શ્યામલી બેઠેલી હતી. શ્યામલીના માથા પર પાટો બાંધવામાં આવ્યો હતો એની નજર પણ માનસીંગ પર પડી એ લંગડાતા પગે બાંકડા પરથી બેઠી થઈને રડતાં રડતાં ભેટી પડી. માનસીંગ એની મા દેખાઈ નહીં એટલે ચિંતામાં પડ્યો. શ્યામલીને એણે બાંકડા પર પાછી બેસાડી અને મા વિશે પૂછ્યું તો ખબર પડી કે એમને પગમાં બહુ વાગ્યું છે એવું ડોક્ટર કહેતાં હતા.

'અકસ્માત ખૂબ જ મોટો થયો હતો. મને થોડું માથા પર વાગ્યું અને હું તો બેભાન થઈ ગઈ હતી જયારે ભાનમાં આવી ત્યારે જ મેં મા વિશે પૂછપરછ કરી પણ ત્યારે મને એવું કીધું કે એમના બંન્ને પગમાં વધારે ઈજા થઈ છે એટલે એમનું ઓપરેશન ચાલે છે. હું એટલે જ અહીં બેઠી છું.’ શ્યામલી હજુયે બોલતાં બોલતાં રડતી હતી.

થોડીવારે ઓપરેશન પત્યું એટલે ડોક્ટરે બહાર આવીને જણાવ્યું કે ઓપરેશન કરી બંન્ને પગ કાપી નાંખવા પડ્યા છે નહીં તો શરીરમાં ઝેર ફેલાઇ જાય એમ હતું.'

માનસીંગની આંખમાં પણ આંસુ આવ્યા. પણ એણે જીપમાં આખે રસ્તે આવું જ વિચારેલું કે કોઈ પણ પરિસ્થિતિ હોય પણ સ્વસ્થ રહેવાનું. એ મનથી થોડો કાઠો થયો પણ ડોક્ટરની વાત સાંભળીને શ્યામલીએ તો મોટી પોક મુકેલી. હોસ્પિટલના પેસેજમાં બેઠેલાં બધાંનું ધ્યાન એ તરફ હતું. માનસીંગ ખાખી વર્દીમાં જ હતો. એણે શ્યામલીને મહામહેનતે શાંત પાડી અને બંને જણા માને જે વોર્ડમાં લઈ ગયા હતાં ત્યાં પહોંચ્યા.

બેહોશ સૂતેલી માને કપાળે પણ એક પટ્ટી લગાવેલી હતી. માનસીંગ જઈને સીધો એના પગ પાસે બેસી ગયો. થોડીવાર સુધી એ મા સામું જોતો રહ્યો. શ્યામલીએ એને ખભે હાથ મૂક્યો એટલે એ ચોંક્યો એની આંખમાંથી આંસુ સરવા લાગ્યા. માનસીંગે માના બે પગ જ્યાં હોય ત્યાં હાથ મુક્યો પરંતુ હવે ત્યાં કંઇ ન હતું. ઓઢેલી ચાદરની નીચે પગના બદલે ત્યાં ખાલી જગ્યા જ હતી.

ઈશ્વરે માના પગની પીડા જ લઇ લીધી. પણ હવે માના પગની પીડા એ માનસીંગના દિલમાં ઊભી થઇ ગઇ હતી.

‘હે ઈશ્વર તેં આ શું કર્યું? હું તો નાસ્તિક છું. હું તો તારા અસ્તિત્વને પણ સ્વીકારતો નથી પણ આ મારી માએ તો આજીવન તારી ભક્તિ કરી છે તું જેમ જેમ દુઃખો આપતો ગયો એમ તારા માટેની એની ભક્તિ વધતી ગઈ એ મેં નજરોનજર જોયું છે. નાની ઉંમરે વિધવા બનવું, એ પછી કાળી મજૂરી કરી જીવવું એ બધા જ દુઃખો છતાં તેની આસ્થા અને ભક્તિ તારા પ્રત્યે અતૂટ રહી. આખી જિંદગી હરખભેર જે તારા મંદિરના પગથીયા ચડી ફૂલ ચડાવતી હતી એ જ મારી મા આજે તારા જ દ્વારે જે પગનું દુઃખ દૂર કરવાની આશા લઈને આવતી હતી એ પગ જ તેં લઈ લીધા! આજે તેં તારા અને તારા પરમ ભક્ત વચ્ચેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું? મારી મા જ મારા માટે ભગવાન હતી અને જે માના ચરણોમાં પડી હું આશીર્વાદ માંગતો હતો તે પગ જ હવે ના રહ્યા. હે ભગવાન હવે મારી મા તો તારે મંદિરે દર્શન માટે નહીં આવી શકે પણ તેં મનેય સંપૂર્ણપણે નાસ્તિક બનાવી દીધો. જો આસ્તિક હોવા છતાં આવું ભોગવવાનું હોય તો મારા જેવો નાસ્તિક જ આ ધરતી પર સારો..’

આમ બોલીને માનસીંગ ધ્રુસકે ને ધ્રુસકે રડતો જ રહ્યો અને શ્યામલી તેનો વાંસો પંપાળતી રહી.

- ૐ ગુરુ