હું જે ઘરમાં જન્મ્યો, મારું બાળપણ જે ઘરમાં વીત્યું એ ઘરના દરેક ખૂણામાં મારી યાદો હજી પણ સચવાયેલી પડી છે. જે મારા મન મસ્તિષ્કમાં હજુ પણ અદ્દલ એવી જ અકબંધ સચવાયેલી છે.
આ વાત 1986ના વર્ષની છે. હું જે ઘરમાં રહેતો હતો એ બંગલામાં એક દિવસ ચોરી થઇ હતી. બંગલાના પહેલા માળે ત્રણ બેડરૂમ આવેલા છે. જેમાં એક બેડરૂમ મારા દાદાનો હતો. દાદાના બેડરૂમનો એક દરવાજો બહાર ગેલેરીમાં પડતો હતો. મે મહિનો ચાલી રહ્યો હતો અને ગરમી પરાકાષ્ટા પર હતી. દાદાએ એ.સી. ચાલુ કરવાના બદલે કુદરતી ઠંડો પવન રૂમમાં આવે માટે ગેલેરીનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. (મૂળ આશય ઇલેક્ટ્રીસીટી બચાવવાનો)
દાદા આમ તો ઘણીવાર ગેલેરીનો દરવાજો ખુલ્લો રાખી સુઈ જતા હતાં. પરંતુ એ દિવસે રાત્રે ચોર પહેલા માળની ગેલેરીમાં ચડી આવ્યો હતો અને બારણાંની પાછળ લટકાવેલા દાદાના ઝભ્ભામાંથી રૂપિયા બે હજાર ચોરી ગયો હતો. (બે હજારની રકમ એ વખતે આજના વીસ હજાર રૂપિયા જેટલી ગણાતી હતી.)
સવારે દાદાને ઝભ્ભો લેતી વખતે એમનું વાદળી પાકીટ ગુમ થયું છે એ ખબર પડી હતી. ઘર આખામાં અને સોસાયટીમાં ચોરી થઇ છે એવી વાત એક કલાકમાં ફેલાઇ ગઇ હતી. (એ વખતે આવી વાતોનો ફેલાવો વોટ્સએપ અને ફેસબુક કરતા પણ ઝડપથી થતો હતો.)
દાદાએ પોલીસ સ્ટેશને ફોન કરીને પોલીસને ઘરે ચોરીની તપાસ કરવા માટે બોલાવી હતી. એ દિવસે મેં પહેલીવાર પોલીસ ઇન્સ્પેક્ટર અને હવાલદારને નજીકથી જોયા હતાં. આ સમયે મારી ઉંમર આઠ વર્ષની હતી.
દાદા ઇન્સ્પેક્ટરને બંગલાના ચોકમાં લઇ આવ્યા હતાં. જ્યાંથી ઉપર ચડવાના પગથિયાં બનાવવામાં આવ્યા હતાં.
"ઇન્સ્પેક્ટર સાહેબ, ચોર આ ચોકમાંથી પગથિયાં ચડી ઉપર ગેલેરીમાં મારા બેડરૂમમાં આવ્યો હશે. ચોકનો ઝાંપો ખુલ્લો રહી ગયો હશે અને એ તક ઝડપી ચોર ચોરી કરવા માટે દાખલ થયો હશે. ચોર મારા બે હજાર રૂપિયા અને મારું પાકીટ જેમાં મારું ડ્રાઇવીંગ લાઇસન્સ પણ હતું એ ચોરી ગયો છે." દાદાએ ઇન્સ્પેક્ટરને ચોરી કઇ રીતે થઇ હશે એ સમજાવ્યું હતું.
હું આઠ વર્ષનો જ હતો પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર અને હવાલદારના વર્તનને જોઇને મને એટલું તો સમજાતું હતું કે એ લોકોને ચોરને પકડવામાં કોઇપણ જાતનો રસ નથી.
"તમને કોઇના પર શંકા ખરી?" ઇન્સ્પેક્ટરે દાદાને પૂછ્યું હતું.
"ના, મને કોઇના પર શંકા નથી. પોલીસ ફરિયાદ પણ મેં એટલે કરી કે પાકીટમાં મારું ડ્રાઇવીંગ લાઇસન્સ હતું અને ચોર ફરીવાર ચોરી કરવાનું સાહસ ના કરે. ચોર ખાલી પૈસા ચોરીને જ ગયો એટલું સારું છે નહિતર કોઇ કુટુંબના સભ્યોને પૈસા માટે જાનથી પણ મારી શકે. બસ એટલે જ મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે." દાદાએ ઇન્સ્પેક્ટરને કહ્યું હતું.
"વાત તમારી સાચી છે. અમે તપાસ કરીને ચોરને પકડીશું." ઇનસ્પેક્ટરે એવું ખોટું આશ્વાસન દાદાને આપ્યું હતું.
દાદાના બેડરૂમમાં અને ગેલેરીની તપાસ કરી ઇન્સ્પેક્ટર અને હવાલદાર નીચેના માળે આવ્યા હતાં. ડ્રોઇંગરૂમમાં બેસી, ચા અને મેરી બિસ્કિટ ખાતા ખાતા ચોરો આ એરીયામાં પેધા પડી ગયા છે અને પોલીસ કેટલી સક્રિય છે એની વાતો દાદાને કહી રહ્યા હતાં અને હું પણ સાક્ષી ભાવે ઇન્સ્પેક્ટરની વાતોને સાંભળી રહ્યો હતો પરંતુ મારા મનમાં કોઇક બીજી જ ગડમથલ ચાલી રહી હતી. મારા મનમાં ચાલતી ગડમથલને ઉકેલવા હું મમ્મી પાસે પહોંચ્યો હતો.
"મમ્મી, બાના(દાદીના) બટવામાંથી હું પચાસ પૈસા અને ઘણીવાર રૂપિયો લેતો હોઉં છું. એ ચોરી કહેવાય?" મેં મમ્મીને પૂછ્યું હતું.
"હા, પૂછ્યા વગર લઇએ તો ચોક્કસ ચોરી કહેવાય. તું પૂછીને લે છેને?" મમ્મીએ મારી સામે જોઇ પૂછ્યું હતું.
"હા, પૂછીને જ લઉં છું પણ જ્યારે હું પૂછું ત્યારે બા સુઇ ગયા હોય છે." મમ્મી મારી વાત સાંભળી દંગ રહી ગઇ હતી.
એના હાથમાં રહેલું વેલણ રોટલી વણવાના બદલે મારા બરડાને વણી રહ્યું હતું. હું વેલણનો માર બૂમાબૂમ કરતા સહી રહ્યો હતો ત્યાં મારા બા(દાદી) આવી ગયા હતાં અને વેલણના મારમાંથી મને મુક્તિ અપાવી હતી.
"આ તમારા બટવામાંથી રોજ પૈસા પૂછ્યા વગર લે છે." મમ્મીએ મારા બાને કહ્યું હતું.
"હા મને ખબર છે. એક-બે વાર એને મેં લેતા જોયો છે પણ પચાસ પૈસા કે રૂપિયો જ લે છે. એમાં વધારે રૂપિયા પડ્યા હોય છતાંય એ અડતો નથી. મને આ વાતની ખબર હતી અને સમજાવવા માટે બરાબર સમયની રાહ જોતી હતી." મારા બાએ મમ્મીને કહ્યું હતું.
મેં બાના બટવામાંથી પૂછ્યા વગર પૈસા લેવા માટે એમની માફી માંગી હતી અને એક સવાલ પણ મેં બાને પૂછ્યો હતો.
"બા, આ ઘર મારું છે એવું તમે કહેતા હતાં. તો આ પૈસા મારા ના કહેવાય?" મેં બાને પૂછ્યું હતું.
"ઘર તારું છે પણ પૈસા તારી માલિકીના નથી માટે કોઇના પૈસા કે વસ્તુ લેતા પહેલા એના માલિકને પૂછવું જોઇએ જેથી એ ચોરી ના કહેવાય." બાએ મને સમજાવતા કહ્યું હતું.
"જો ઘર મારું હોય અને ઘરમાં રહેલા પૈસા મારા ના હોય તો પછી ઘર પણ મારું આમ તો ના જ કહેવાયને?" મેં બાને દલીલ કરી હતી.
એ દિવસ પછી મેં બાના બટવામાંથી ક્યારેય રૂપિયા પૂછીને પણ લીધા ન હતાં. ઘરમાં ચોરી કરનાર ચોર તો પકડાયો ન હતો પરંતુ આ ઘટનાના કારણે અજાણતામાં મારાથી થતી ચોરી બંધ થઇ ગઇ હતી.
જીવનમાં કોઇ ખરાબ ઘટના તમને કંઇક સારું શીખવાડીને જાય છે એ વાતનો પહેલો અનુભવ મને આ ઘટના ઉપરથી થયો હતો. ઘરમાં થયેલી ચોરી ઘરમાં રહેલા એક નાનકડા નિર્દોષ ચોરને સુધારવામાં મદદરૂપ સાબિત થઇ હતી.
- ૐ ગુરુ