Priy Mitra Gulmahor books and stories free download online pdf in Gujarati

પ્રિય મિત્ર ગુલમહોર

પ્રિય મિત્ર ગુલમહોર


પ્રતિલિપિમાં "મારું ઘર" વાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે રહેલ વાર્તા


મારું બાલમંદિર પતાવીને હું પહેલા ધોરણમાં પ્રવેશ્યો હતો એ સમયની આ વાત છે. હું પહેલા ધોરણમાં પ્રવેશ્યો ત્યારે મારામાં ઘણીબધી સમજણ આવી ગઇ હતી.

ઈશ્વરની મારા ઉપર એવી કૃપા રહી છે કે બાલ્યકાળથી લઇ જીવનમાં આજ દિન સુધી બનેલી લગભગ નાની મોટી બધી જ ઘટનાઓ મારી યાદોમાં, મારા સ્મરણમાં ઓછા-વત્તા અંશે પણ હજી એ અદ્દલ એ સમય જેવી જ જીવંત રહી છે.

ઘણીવાર યાદોના સ્મરણો તમારા જાગ્રત અને અજાગ્રત મનમાં જ્યારે સચવાયેલા રહ્યા હોય ત્યારે એ સ્મરણોની યાદો દુઃખની હોય કે પછી સુખની પણ હોય છતાં અકબંધ રહેતી હોય છે. મારી જોડે તો એવું થયું જ છે.

એ સ્મરણો કોઇ ઘટના કે સંજોગ સાથે જોડાયેલા પણ હોય, કોઇ પરિસ્થિતિ અથવા કોઇ દૃશ્ય તમારી આંખ સામેથી પસાર થયું હોય એના પણ હોય છતાં એ સ્મરણોમાં તમને ખુશીઓ અને સુખની યાદો ઓછી અને દુઃખો અને તકલીફોની યાદો વધારે યાદ રહેતી હોય છે.

હવે હું મારા સ્મરણ ઉપર આવું છું. વાત એવી બની હતી કે હું જ્યારે પહેલા ધોરણમાં આવ્યો ત્યારે એક દિવસ સવારે કદાચ એ રવિવારની સવાર હશે, કારણકે દાદા, પિતા, કાકા બધાં જ એ દિવસે ઘરમાં હતાં.

"આ ગુલમહોરનું ઝાડ છેને તું જન્મ્યો એના પાંચ વર્ષ પહેલા તારા દાદાએ માળી પાસે આ ક્યારામાં વવડાવ્યું હતું." લીમડાનું દાતણ કરતા કરતા બંગલાના ઓટલા પર બેસી મારા બાએ મને કહ્યું હતું.

હું પણ મોઢામાં બ્રશ કરતા કરતા પહેલીવાર મેં એ ગુલમહોરને બરાબર ધ્યાનથી જોયો હતો. પૂરેપૂરો ફાલીને પોતાના લાલ કેસરી ફૂલો સાથે સજ્જ લગ્નમાં જવા માટે તૈયાર થયેલા કોઇ જાનૈયા જેવો ગુલમહોર લાગતો હતો.

ખબર નહિ કેમ પણ અનાયાસે એ દિવસથી ગુલમહોર મને ખૂબ આકર્ષિત કરવા લાગ્યો હતો. હું સવારે સાડા દસ વાગે સ્કૂલે જતો હોઉ ત્યારે ગુલમહોરની સામે જોઇને નીકળું. અમારા બંગલાના ઝાંપા પાસે ભાનજીભાઇ કરીને સાઇકલવાળો ઘંટડી મારતો મારતો મારી રાહ જોતો ઊભો હોય અને મારી નજર ગુલમહોરના ઝાડ તરફ રાખી હું ચાલતો ચાલતો ઝાંપા સુધી પહોંચતો હતો.

હું જે સમયની વાત કરું છું એ સમય 1984-85નો હતો. આ સમયમાં સ્કૂલમાં છોકરાઓને લઇ જવા સાઇકલવાળા પોતાની સાઇકલમાં પાછળ ડનલોપની સીટ બનાવી દેતા અને સાઇકલના આગળના ડંડા ઉપર પણ નાની ડનલોપની સીટ બનાવડાવતા હતાં. જેથી એ સીટ ઉપર છોકરાઓને બેસાડી સાઇકલવાળો સ્કૂલે મુકવા અને લેવા આવતો હોય. મને બરાબર યાદ છે એ વખતે મને સ્કૂલે લેવા મુકવા આવતા સાઇકલવાળા ભાનજીભાઇને મહિને ત્રીસ રૂપિયા આપવામાં આવતા હતાં.

સાઇકલની પાછળની ડનલોપવાળી સીટ ઉપર બેસીને હું ગુલમહોર તરફ નજર નાંખુ ન નાંખુ ત્યાં તો સાઇકલ ઉપડી જતી હતી. આખો દિવસ સ્કૂલમાં ભણવામાં અને રીસેસમાં મિત્રો સાથે રમવામાં થોડોક સમય માટે એ ગુલમહોર વિસરાઇ જતો હતો.

સાંજે પાછો જ્યારે ભાનજીભાઇની સાઇકલ પરથી ઉતરું ત્યારે તરત સામે ગુલમહોરનું એ ઝાડ દેખાય. હું દોડતો દોડતો ગુલમહોરના ઝાડને જોતો ઘરમાં દાખલ થઇ જઉં. મમ્મી પાસેથી વાડકીમાં નાસ્તો લઇ વરંડામાં પાછો આવીને વરંડામાં જ રહેલા થાંભલાના ટેકે એ નાસ્તો કરતા કરતા ગુલમહોરને નીરખતો રહું.

મને હંમેશા લાગતું કે એ ગુલમહોર મારી સાથે વાત કરવા માંગે છે. એ એની અંદરની જીવંતતા અથવા તો એની અંદર રહેલું કોઇક એવું તત્વ હશે કે જે મને એના તરફ ખેંચતુ હતું.

હું નાસ્તો પતાવી બરાબર એના નીચે એક ગોળ ફેરફૂંદરડી ફરી લેતો. ગુલમહોરના નીચે પડેલા પાંદડા પાણીથી ધોઇને મેં ઘણીવાર ખાધા પણ છે.

"આ ગુલમહોરના પાન ઝેરી પણ હોઇ શકે. આ પાંદડા ખાવાની તને ટેવ પડી ગઇ છે. તું બકરી છું?" મારી મમ્મી મને ઠપકો આપતા કહેતી હતી.

"ના, પણ મને બહુ ભાવે છે." હું માત્ર એટલો જ જવાબ આપતો હતો.

મમ્મીના વારંવાર ઠપકાથી મેં એ પાન ખાવાનું બંધ કરી દીધું હતું. હું જ્યારે મિત્રો સાથે ક્રિકેટ અથવા લખોટી રમવા જઉં ત્યારે એની સામે જોઇને જતો હતો. એ વખતે એ મને 'આવજો' કહેતો હોય એવું લાગતું હતું.

"મમ્મી, આ ગુલમહોરનું ઝાડ બોલી શકતું હશે ખરું?" પહેલા ધોરણમાં હું ભણતો હતો એ વખતે મેં મમ્મીને પૂછ્યું હતું.

"ઝાડ તો કદી બોલતું હશે. ઝાડ તો ખાલી આપણને ઓક્સીજન આપે. ઝાડ ઉપર પંખીઓ માળો બાંધે, પંખીઓ એમના ઘર વસાવે અને તડકામાં આપણને છાંયડો આપે. આના સિવાય ઝાડ બીજું કશું ના કરે." મમ્મીએ માથા પર ટપલી મારીને કહ્યું હતું.

મને મમ્મીની વાત ઉપર મને વિશ્વાસ ના બેઠો. મને એવું લાગતું હતું કે બીજા ઝાડ બોલે કે ના બોલે પણ આ ગુલમહોરનું ઝાડ મને ચોક્કસ કશુંક ને કશુંક કહે છે. મિત્રો સાથે રમતો ના હોઉં અને રજા હોય તો એની સામે વરંડામાં બેસીને કે બેડરૂમમાં બેસીને જોયા કરું. પરીક્ષાઓ ચાલતી હોય એ સમય દરમ્યાન હું એ ઝાડ પાસે જઇ બોલતો પણ ખરો.

"તારે સારું છે, ગુલમહોર. પરીક્ષા આપવા ના જવાનું હોય. અમારે તો ફરજિયાતપણે પરીક્ષા આપવા જવું પડે. સ્કૂલમાંથી આપેલું ઘરકામ કરવું પડે." ઝાડ પાસે જઇ આવું કંઇક કેટલું બોલતો હતો.

એ વખતે મને ગુલમહોરની ઇર્ષ્યા થતી કે આ ઝાડનું જીવન તો કેવું સારું છે! કોઇ માથાકૂટ નહિ, કોઇ જવાબદારી નહિ. ના સવારે બ્રશ કરવાની ચિંતા કે ના પરીક્ષા આપવાની ચિંતા, ના ટીચરનો કોઇ ડર કે પછી ના સીવણ જેવા કોઇ ક્લાસ, ચિત્રકામ પણ કરવાનું નહિ, ગણિત સાથે કોઇ લેવાદેવા નહિ અને મારે આ બધું જ કરવું પડતું જેમાં મને રસ પડતો નહિ. એટલે સ્વાભાવિકપણે બાલ્યાવસ્થામાં સમજણના અભાવે ઇર્ષ્યા તો થાય.

મારા જીવનના સમયનો વહેણ ધીરેધીરે બદલાવા લાગ્યો હતો. પાંચમુ ધોરણ મેં પૂર્ણ કર્યું ત્યાં સુધીમાં તો હું શારીરિક તકલીફોમાં જકડાતો જતો હતો. છઠ્ઠુ ધોરણ તો આખું હું લગભગ ઘરે જ રહ્યો. એક પણ દિવસ હું સ્કૂલે જઇ શક્યો નહિ. એ આખું વર્ષ હું ઘરે બેસીને ટ્યુશનના સહારે ભણ્યો. એ દરમિયાન સાંજના પાંચથી સાત આરામખુરશીમાં બેસી ગુલમહોરને જોવા સિવાયનું કોઇ કાર્ય ન હતું. શારીરિક પીડા અજગરની જેમ ભરડો લઇ રહી હતી. ડોક્ટર નિદાન કરી શકતા ન હતાં. મેડીકલ રીપોર્ટોની રાહ જોવામાં દિવસો પસાર કરવાના હતાં ત્યારે આ બધાં દુઃખોની વચ્ચે સુખ અને આનંદની પળ એટલે ગુલમહોર સાથે બે કલાક બેસું અને ગુલમહોરને જોઇને મારા મનની વાત કહ્યા કરું.

ગુલમહોર મારું મિત્ર, સખા જેવું બની ગયું હતું કારણકે એ વખતે એના સિવાય મારું કોઇ મિત્ર રહ્યું ન હતું. હું અને ગુલમહોર અમે બંન્ને એકબીજાના મિત્ર બની ગયા હતાં.

પહેલાની જેમ હવે હું એના છાંયડે જઇ શકતો ન હતો. ચાલવાની વાત તો દૂર રહી, જાતે ઊભું પણ થઇ શકાતું ન હતું. દૂરથી અમે એકબીજાને જોયા કરતા હતાં.

ધીરે-ધીરે મારી શારીરિક પીડામાં વધારો થવા લાગ્યો હતો. એક વૈજ્ઞાનિક રીસર્ચ વિશે વર્ષો પછી મેં સાંભળ્યું કે ઝાડની પાસે આપણે ઊભા રહી અને ઝાડને આપણે કહીએ કે "તું મરી જા....તું મરી જા...તું મરી જા..." તો મહિનામાં ઝાડ મરી જાય. સાયન્સે આ વાત સાબિત કરેલી છે પરંતુ મારી જોડે આ ઘટના તો 1987-88માં બની હતી અને હું એનો પોતે સાક્ષી રહ્યો હતો.

મારો મિત્ર ગુલમહોર કદાચ મારી શારીરિક પીડાને સમજી ગયો હશે. મારા દુઃખને એ ઓળખી ગયો હશે. મારું દુઃખ એનાથી સહન નહિ થઇ શક્યું હોય. કારણ જે કંઇપણ રહ્યું હોય પરંતુ જેમ જેમ મારી પીડા વધતી ગઇ ગુલમહોરની યુવાની અચાનક ઘડપણમાં બદલાવા લાગી હતી. પાણી ભરપૂર આપવા છતાં એ ઝાડ સૂકાતું ગયું હતું. મારા દુઃખ સાથે જાણે એ સમાનુભૂતિની અનુભૂતિ કરતું હોય એ રીતે એની ડાળીઓ, એનું થડ જીર્ણ થવા લાગ્યું હતું. પાંદડા પણ એના ઉપર નામ માત્રના રહ્યા હતાં. મારી પીડા જ્યારે પરાકાષ્ટાએ પહોંચી ત્યારે ગુલમહોરે એના આખરી શ્વાસ લીધા હતાં અને એ મૂળમાંથી ઉખડી જમીન ઉપર પડી ગયું હતું.

"ગુલમહોરનું ઝાડ આજે પડી ગયું. આમેય સાવ સૂકાઇ ગયું હતું. ઠૂંઠા જેવું થઇ ગયું હતું." મારી મમ્મી બોલી હતી.

એ શબ્દો મને હજીયે બરાબર યાદ છે.

"મારું દુઃખ જોઇને એ દુઃખ સહન નહિ કરી શક્યું હોય, મમ્મી અને એટલે જ એ મરી ગયું." મેં પણ મમ્મીને કહ્યું હતું.

"માણસને એકબીજાનું દુઃખ થાય. ઝાડને માણસનું દુઃખ ના થાય." મમ્મીએ મને સમજાવતા કહ્યું હતું.

"ના મમ્મી, ઝાડને પણ એટલી જ ખબર પડે છે જેટલી આપણે માણસોને ખબર પડે છે. હું રોજ એને જોવું છું. જેમ મને તકલીફ વધતી ગઇને એમ એ ધીરધીરે જીર્ણ થતું ગયું. એની દમદાર ડાળીઓ, એની પર બેસતા પંખીઓ બધું જ ધીરેધીરે જવા લાગ્યું અને એ નિસ્તેજ અને દુઃખી થઇ ગયું અને એ દુઃખમાં જ એ મરી ગયું." મેં મારી મમ્મી સામે જોઇ કહ્યું હતું.

"આટલા ભારે શબ્દો તને બોલતા કઇ રીતે આવડે છે? આ ચોપડીઓ વાંચી વાંચી તારું મગજ ખરાબ થઇ જશે." મમ્મીએ ગુસ્સો કરતા કહ્યું હતું.

પણ મારે મમ્મીને કઇ રીતે સમજાવું કે હું જે કહું છું એ સાચું કહું છું. મારી શારીરિક પીડાના દુઃખમાં મારો મિત્ર ગુલમહોર પણ આ દુનિયા છોડી જતો રહ્યો. એનામાં પણ પ્રાણ હતો. એનામાં મારું દુઃખ જોવાની તાકાત નહિ રહી હોય.

મેં મારી મમ્મીને જમીન પર પડેલા મારા મિત્ર ગુલમહોરના ઝાડ પાસે મને લઇ જવા કહ્યું હતું. એ મને ઊંચકીને એ ઝાડ પાસે લઇ ગઇ જે ગુલમહોર નિસ્તેજ અને નિષ્પ્રાણ થઇ ધરતી ઉપર પડ્યો હતો. મેં મારા એ મિત્ર ગુલમહોર ઝાડને છેલ્લી વાર હાથ લગાડ્યો, જેમ સ્વજનને આખરી વિદાય આપતા હોઇએ એ જ રીતે આંખમાં આંસુ સાથે એને અડ્યો હતો.

ગુલમહોરને અડ્યાનો એ છેલ્લો સ્પર્શ હુ આજે પણ મારી આંગળીના ટેરવે મહેસૂસ કરી શકું છું. મારા એ મિત્રની વિદાયનું દુઃખ મને આજે પણ મારી યાદોમાં એટલું જ તીવ્ર છે જે દિવસે હું એને ધરતી પર અડ્યો હતો ત્યારે હતું એટલું જ દુઃખ મારી અંદર અનુભવું છું.

આ તો કુદરતનો ક્રમ છે. જન્મ છે એનું મૃત્યુ છે. ઉગે છે એ કપાય છે. જાગે છે એ સૂવે છે. આ તો નિયતીનો ક્રમ છે આપણે સ્વીકારવો જ રહ્યો પરંતુ મારા મિત્ર ગુલમહોરનું અકાળે આ દુનિયાને છોડીને જવું એ કુદરતના ક્રમથી વિશેષ હતું અને વિશેષ મિત્રતાનો અને લાગણીનો અમારા બંન્ને વચ્ચે સ્થપાયેલો સેતુ હતો.

મારા દુઃખનો વધુ સાક્ષી બની શકે એવું સામર્થ્ય એનામાં રહ્યું ન હતું અને એના કારણે જ એ અકાળે એના મૂળમાંથી ઉખડી ગયું હતું. ગુલમહોરના ઝાડ જ્યાં જ્યાં હું જોઉં છું ત્યારે મને મારો મિત્ર યાદ આવી જાય છે.

મારી યાદોમાં આજે પણ મારો મિત્ર ગુલમહોર સજીવ અને જીવંત છે. મારું ઘર મને એટલા માટે મને આજે પણ યાદ છે કે એ ઘરની બહાર મારા દુઃખનો સાક્ષી મારો મિત્ર ગુલમહોર ઊભેલો હતો.

- ૐ ગુરુ



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED