Panoti baaj books and stories free download online pdf in Gujarati

પનોતી બાજ

પનોતીબાજ


"મિત્ર મહેશ, કેટલા બધાં વખત પછી આપણે બધાં ફરી ભેગા થયા છીએ. તારા જીવનનો કોઇ અજીબ પણ સાચો હોય એવો કિસ્સો અમને સંભળાય, જેથી અમને મજા આવી જાય." જતીન દાંડેકરે મિત્ર મહેશ નાગરેને કહ્યું હતું.

"મને તમને કિસ્સો સંભળાવવામાં વાંધો નથી, પરંતુ હું કિસ્સો સંભળાવું પછી તમે લોકો વિશ્વાસ નથી કરતા એટલે મને બહુ તકલીફ પડે છે." મહેશે મિત્ર જતીન સામે જોઇને કહ્યું હતું.

આખી ચર્ચા દરમિયાન રાજીવ તો ચૂપ જ બેઠો હતો કારણકે મહેશના કિસ્સા સાચા જ હોય છે એની સાબિતી રાજીવને મળી ગઇ હતી. (રાજીવને કેવી રીતે સાબિતી મળી એ જાણવા માટે 'જનમો જનમનો સંગાથ' વાર્તા વાંચવી.)

"ના, તારા કિસ્સા ઉપર અમે વિશ્વાસ કરીશું. શરત એટલી કે કિસ્સો સાચો જ હોવો જોઇએ." જતીન દાંડેકરે એની વાતને પકડી રાખતા કહ્યું હતું.

"તમે બધાં આટલી જીદ કરો છો તો તમને મારા મિત્ર દિનકર પાટીલનો કિસ્સો સંભળાવું છું. કિસ્સો સાંભળીને તમને મજા આવશે. કારણકે આમાં એક નહિ દિનકર સાથે અનુભવેલા મારા ત્રણ કિસ્સાઓ તમને કહીશ." આટલું બોલી મહેશ નાગરેએ બધાંની સામે જોયું હતું.

બધાં મિત્રો આતુર થઇને મહેશનો કિસ્સો સાંભળવા તત્પરતા સાથે તૈયાર થઇ બેઠાં હતાં. મહેશે દિનકરના કિસ્સાઓની શરૂઆત કરી હતી.

"હું અને દિનકર નાસિકથી પૂના જતાં હતાં. અમારી બરાબર સામે પૂનામાં રહેતા શેઠ વિજયચંદ્ર બેઠા હતાં. દરેક સ્ટેશન ઉપર જ્યારે ગાડી ઊભી રહે ત્યારે તેઓ કોઇ ખાવાની વસ્તુ ખરીદી અને ખાતા હતાં. એક સ્ટેશન ઉપર એમણે સમોસા લીધા અને અમારી સામે ધર્યા હતાં. મેં સમોસામાં બહુ તેલ હોવાના કારણે સમોસું લેવાની ના પાડી હતી પણ દિનકરે એમાંથી એક સમોસું લીધું હતું. જેવું દિનકરે સમોસું મોઢામાં મુક્યું બરાબર એ જ ક્ષણે શેઠ વિજયચંદ્રને હાર્ટએટેક આવ્યો હતો. સદનસીબે ટ્રેન સ્ટેશન ઉપર જ ઊભી હતી એટલે એમને મેડીકલ સારવાર મળી ગઇ અને એ બચી ગયા હતાં. આ ઘટનાના મહિના બાદ એમણે જ મને આપેલા વીઝીટીંગ કાર્ડ પરના નંબર પર મેં એમની ખબરઅંતર પૂછવા ફોન કર્યો હતો અને ફોન એમના દીકરાએ ઉપાડ્યો હતો. એમના દીકરાએ મને કહ્યું હતું કે એમના કોઇ જૈન ગુરૂએ એવું કહ્યું હતું કે કોઇ વ્યક્તિની ખરાબ નજર લાગવાથી એમને હાર્ટએટેક આવ્યો છે અને જે વ્યકિતની નજર લાગી છે એ વ્યક્તિનું નામ 'દ' અક્ષર ઉપરથી શરૂ થાય છે. એટલે મને એવું લાગે છે કે જેવું શેઠ વિજયચંદ્રએ દિનકરને સમોસું આપ્યું એટલે પનોતીબાજ દિનકરની પનોતી શેઠને લાગી ગઇ અને એમને હાર્ટએટેક આવ્યો હતો." પહેલો કિસ્સો સમાપ્ત કરતા મહેશ નાગરે થોડીક ક્ષણો માટે ઊભો રહ્યો હતો.

"અરે પણ આમાં દિનકર પનોતીબાજ કઇ રીતે કહેવાય? વિજયચંદ્રને એટેક આવવાનો હશે તો આવ્યો. એમને દિનકરને સમોસું આપ્યું એટલે જ એટેક આવ્યો એવું તું ખાતરીપૂર્વક કઇ રીતે કહી શકે?" જતીન દાંડેકરે પોતાના સવાલથી મહેશ નાગરેને ઘેરી લીધો હતો.

જતીનના સવાલમાં બધાં જ મિત્રોએ વાત બરાબર છે એમ કહી હામાં ટાપસી પૂરી હતી.

"મને ખબર જ હતી કે તમે આ જ સવાલ પૂછશો. તમારા આ સવાલનો જવાબ દિનકરના આ બીજા કિસ્સા ઉપરથી તમને મળી જશે." મહેશ નાગરેએ ચાનો કપ હાથમાં લેતા કહ્યું હતું.

"લો હવે બીજો કિસ્સો સાંભળો. હું અને દિનકર એક કમિશન એજન્ટ તરીકે એક કંપનીમાં જોડાયા હતાં. હું સવારથી સાંજ સુધી માર્કેટમાં કંપનીનો માલ વેચવા માટે ફર્યા કરતો હોઉં અને દિનકર આખો દિવસ ઘરે બેસી રહે અને શેઠ એને ફોન કરી મહિનામાં બે કે ત્રણ વાર એમના હરીફોના ત્યાં દિનકરને ભાવ પૂછવા માટે મોકલી આપે અને એ લોકોની ચા પીને આવવાનું કહે. બસ, આટલું જ કરવામાં દિનકરને મારા કરતા વધારે કમિશન મળતું હતું કારણકે દિનકર જ્યારે શેઠના હરીફોના ત્યાં જાય એટલે એ લોકોને કોઇને કોઇ પનોતી ચાલુ થઇ જાય અને એ સમયગાળા દરમિયાન શેઠ પોતાનો તૈયાર થયેલો માલ માર્કેટમાં વેચી નાંખે, કારણકે એમના હરીફો એમના જીવનમાં અથવા તો ધંધામાં દિનકરના મળવાના કારણે શરૂ થયેલી પનોતી દૂર કરવામાં પડ્યા હોય. દિનકર પનોતી છે એની જાણ મારા અને શેઠ સિવાય ત્રીજો દિનકર જ જાણતો હતો. એટલે હું દિનકરને દિનકર નહિ પરંતુ પનોતીબાજ કહીને આજે પણ બોલાવું છું. દિનકર માટે એની પનોતી ફાયદાકારક છે. ઘરે બેસીને ખાલી પનોતી લગાડવાના એ રૂપિયા કમાય છે." દિનકરનો બીજો કિસ્સો પૂરો કરી મહેશ નાગરેએ સોફા ઉપરથી ઊભા થઇ રૂમમાં આંટા મારવાનું શરૂ કર્યું હતું.

"ચાલ હવે ત્રીજો કિસ્સો પણ સંભળાવી દે. પછી અમે કોઇ ટીકા ટિપ્પણી કરીએ." જતીન દાંડેકરને હજી પણ વિશ્વાસ આવતો ન હતો.

"ત્રીજા અને અંતિમ કિસ્સાનો ભોગ હું પોતે જ બન્યો હતો. મારે રૂપિયા એક લાખની જરૂર હતી. એટલે મેં દિનકરને ફોન કર્યો હતો. દિનકરે મને એક લાખ રૂપિયા ઉધાર આપવાની હા પાડી હતી. મારી ગરજ હોવાના કારણે મારે રૂપિયા એના ઘરે લેવા જવું પડ્યું હતું. હું રૂપિયા લઇ તરત જ પાણી પણ પીધા વગર એના ઘરમાંથી બહાર નીકળી ગયો. જેવો હું ફ્લેટની બહાર નીકળ્યો અને એક કાર મને ટક્કર મારીને જતી રહી હતી અને મારે પગે ઓપરેશન કરાવવું પડ્યું હતું અને છ મહિનાનો ખાટલો આવ્યો હતો. દિનકરના એ રૂપિયા હું જે કામ માટે લાવ્યો હતો એમાં ના વપરાતા મારે ઓપરેશનમાં વાપરવા પડ્યા હતાં. મને પગે અકસ્માત થયો જેના સાક્ષી તમે બધાં છો જ, કારણકે તમે બધાં રોજ મારી ખબર લેવા મારા ઘરે આવતા હતાં. હવે આ વાતનો ઇનકાર કઇ રીતે કરશો?" મહેશ નાગરેએ દિનકરનો ત્રીજો કિસ્સો પૂરો કરતા કહ્યું હતું.

"અરે યાર, તું ધ્યાન રાખ્યા વગર ચાલે તો અકસ્માત તો થાય જ ને? તારા એકેય કિસ્સા મારા ગળે તો ઉતરતા નથી. બિચારા દિનકરને તું ખોટો પનોતીબાજ કહી બદનામ કરે છે. હું હવે દિનકરને મળવા માંગુ છું અને બે દિવસમાં મને કશું ના થાય તો તારે માની લેવાનું કે દિનકર પનોતીબાજ નથી." જતીન જીદ પર આવી ગયો હતો.

"અરે જતીનીયા, આ સાચા કિસ્સા કહે છે. એની કોઇ વાત ખોટી હોતી નથી એનો હું સાક્ષી છું. માટે ઝેરના પારખા કરવાનું રહેવા દે." રાજીવે જતીન સામે જોઇને કહ્યું હતું.

રાજીવની વાત સાંભળીને પણ જતીન એકનો બે ના થયો. દિનકરને મળવાની જીદ જતીને ના છોડી એટલે મહેશે ના છૂટકે એને દિનકરને મેળવવા માટે એના ઘરે લઇ જવો પડ્યો હતો. મહેશે શરત કરી હતી કે 'હું દિનકરના ઘરના દરવાજે તને મુકીને દિનકર સાથે ઓળખાણ કરાવીને નીચે ફ્લેટના ઝાંપા પાસે તારી રાહ જોઇશ. હું ઘરમાં અંદર નહિ આવું.'

મહેશની વાત સાથે જતીન કબૂલ મંજૂર થયો હતો.

બીજા દિવસે સવારે મહેશ અને જતીન દિનકરના ફ્લેટ ઉપર પહોંચ્યા હતાં. દરવાજેથી જ મહેશે દિનકર અને જતીનની ઓળખાણ કરાવી દીધી હતી અને પોતાને નીચે કંઇક કામ છે એમ કહી ફ્લેટમાં નીચે આવી ઝાંપા પાસે જતીનની રાહ જોવા લાગ્યો હતો.

લગભગ અડધો કલાક વીત્યો હશે અને જતીન નીચે આવ્યો હતો.

"દિનકર તો ખૂબ મિલનસાર માણસ છે. બિચારો ભોળો ભગવાનનો માણસ લાગે છે. તું એને પનોતીબાજ કહી બિચારાને ગામમાં વગોવે છે." જતીને મહેશ સામે જોઇ કહ્યું હતું.

"જો દિનકર પણ મારો મિત્ર જ છે. પરંતુ જીવનમાં જે એને મળે એનું ખેદાનમેદાન થઇ જાય છે એનો હું સાક્ષી છું. બે દિવસમાં તને કશું નહિ થાય તો હું માની લઇશ કે દિનકર પનોતીબાજ નથી." મહેશે નાગરેએ જતીન સામે જોઇ કહ્યું હતું.

આ ઘટનાના બીજા જ દિવસે જતીનનો ફોન મહેશ નાગરે પર ગયો હતો.

"અરે યાર આ દિનકરીયો સાલો ખરેખર પનોતીબાજ નીકળ્યો. મારી અને મારી વાઇફ વચ્ચે દિનકરને મળ્યો એ રાત્રે ખૂબ મોટો ઝઘડો થયો હતો. લગ્નજીવનના દસ વરસમાં ગૌ જેવી બનીને રહેલી મારી પત્ની કાલે નાની વાતમાં વાઘણ જેવી થઇ ગઇ હતી અને ઘર છોડીને પિયર જતી રહી છે. મેં બહુ ફોન કર્યા પણ એકની બે થતી નથી. સાલું આ પનોતીબાજે તો મારું ઘર ભાંગ્યું છે. એક કામ કર તું મારી જોડે મારા સાસરે ચાલ અને આ પનોતીબાજ વિશેની વાત મારી પત્નીને સમજાવ. જો એના ભેજામાં તારી વાત ઉતરી જાય તો મારું લગ્નજીવન બચી જાય." જતીને રડતાં રડતાં મહેશ નાગરેને કહ્યું હતું.

"ચાલ ભાઇ આ પનોતીબાજના ચક્રવ્યૂહમાંથી તને છોડાવું. તારા સાસરાનું સરનામું આપ એટલે હું ત્યાં પહોંચી જાઉં અને તું પણ ત્યાં પહોંચ." મહેશ નાગરેએ જતીનને આશ્વાસન આપતા કહ્યું હતું.

જતીન અને મહેશ જતીનના સાસરે પહોંચ્યા હતાં. બે કલાકની મહેનત પછી પનોતીબાજ દિનકરની વાત જતીનની પત્નીના ગળે મહેશ ઉતારી શક્યો હતો અને જતીન એની પત્નીને લઇને પાછો ઘરે આવ્યો હતો.

"સાલું તું સાચું જ કહેતો હતો. આ દિનકર તો એક નંબરનો પનોતીબાજ છે પનોતીબાજ." મહેશના ખભે હાથ મુકતાં જતીન આટલું બોલ્યો હતો.

- ૐ ગુરુ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED