Kamala kaki books and stories free download online pdf in Gujarati

કમળા કાકી

કમળા કાકી

આ વાત 1980ના સાલની છે.


દીપેશે કોલેજ પૂરી છ મહિના સુધી અમદાવાદમાં નોકરીની શોધ કરી હતી. છતાં તેને નોકરી ન મળતા પોતાના ગામ ચાણસ્મા પાછો ફર્યો હતો.

"તને છેક કોલેજ સુધી ભણાવ્યો છતાં તને નોકરી મળતી નથી. એવું તો તું કેવું ભણ્યો, ભાઇ? કોલેજ પૂરી કર્યા બાદ લોકોને તરત નોકરી મળી જાય અને અમદાવાદ જેવા શહેરમાં કોલેજ પૂરી કર્યા છતાં તને એક નોકરી ના મળી." પિતા દીનેશભાઇએ પુત્ર દીપેશને ઠપકો આપતા પૂછ્યું હતું.

"બહુ બધી જગ્યાએ પ્રયત્નો કર્યા પરંતુ મારી બોલતા બોલતા જીભ અચકાય છે માટે જેટલી જગ્યાએ નોકરી માટે ગયો બધાંએ મને ના પાડી દીધી હતી." દીપેશે દુઃખી સ્વરે કહ્યું હતું.

"તારે કામ હાથથી કરવાનું છે કે જીભથી કરવાનું છે? તારા હાથ તો બરાબર ચાલે છે. જીભ ખચકાય એમાં કામ ક્યાં અટકવાનું છે? નોકરી આપનારને એ પણ ના સમજાય?" દીકરાની વાત સાંભળી દીનેશભાઇએ નિરાશ થતાં કહ્યું હતું.

"તમે પણ દીકરો હજી સવારે આવ્યો છે અને તમે એની પાછળ પડી ગયા છો. જુઓને દીપેશનું શરીર પણ કેટલું ઉતરી ગયું છે. આજે નહિ તો કાલે નોકરી મળી જશે." કાંતાબેને પુત્ર દીપેશની વકીલાત કરતા કહ્યું હતું.

"મારી જીભ અટકે છે એ વાતનો વાંધો નોકરી લેવામાં આવશે એની મને ખબર હોત તો હું કોલેજ સુધી ભણત જ નહિ અને ખેતીવાડીમાં લાગી ગયો હોત. હવે તો ખેતીવાડી પણ સંભાળવી અઘરી લાગે છે કારણકે કોલેજનું આટલું ભણતર ભણ્યા પછી જો ખેતી જ કરવાની હોય તો વીસ વરસ ભણતર પાછળ ખોટા બગાડ્યા એવું થઇ જાય." દીપેશે ગમગીન અવાજમાં કહ્યું હતું.

દીનેશભાઇના ઘરમાં પુત્રને નોકરી ન મળવાના કારણે દુઃખનું વાતાવરણ છવાઇ ગયું હતું. બે દીકરીઓ પછી ભગવાને દીકરો આપ્યો હતો પણ નાનપણથી જ એની જીભ બોલતી વખતે અચકાતી હતી. દીનેશભાઇએ એના માટે ખૂબ ઉપાયો અને દવા કરી પણ દીપેશની જીભ અચકાતી બંધ ના થઇ. ઘરનું ગમગીન વાતાવરણ જોઇ દીપેશ ગામમાં આંટો મારવા માટે ઘરમાંથી બહાર નીકળ્યો હતો.

દીપેશ ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે એના કાને પરિચિત અવાજ અથડાયો હતો.

"બેટા દીપેશ, અમદાવાદથી ક્યારે આવ્યો?" ખાટલા પર બેઠેલા કમળાકાકીએ દીપેશને જોઇ બૂમ પાડી હતી.

કમળાબેન નરોત્તમદાસ પટેલ, એમનું ડેલું (ગામમાં આવેલું મકાન) દીપેશના ઘરની બરાબર અડીને હતું. કમળાકાકી વરસો પહેલા વિધવા થયા હતાં અને એમની એકની એક દીકરીને એમણે અમેરિકા પોતાના સમાજના એક પટેલ પરિવારમાં પરણાવી હતી. દીકરી અમેરિકા ખુશ હતી અને કમળાકાકીને વારંવાર અમેરિકા આવી જવા માટે બોલાવતી હતી પરંતુ કમળાકાકીથી ચાણસ્મા ગામની આ ધરતી છુટતી ન હતી. એ દીકરીને હંમેશા કહેતા કે બેટા આ ઘરમાં તારા પિતાએ દેહ છોડ્યો છે અને હું પણ આ જ ઘરમાં ને આ જ ગામમાં જીવનના છેલ્લા શ્વાસ લઇશ. પારકા દેશમાં આવીને મારે રહેવું નથી અને એટલે જ કમળાકાકી ક્યારેય પણ અમેરિકા ગયા ન હતાં.

કમળાકાકી સવારે પાંચ વાગે ઉઠી જતાં અને આખા ઘરનું કામ જાતે કરી પોતાની રસોઇ બનાવી અને બપોરનું ભોજન કર્યા બાદ ડેલાની બહાર બનાવેલા ઓટલા ઉપર ખાટલો નાંખી બેસતા હતાં અને આવતા જતા ગામના લોકોના ખબર અંતર પૂછી છીંકણી સુંઘતા સુંઘતા પોતાનો સમય પસાર કરતા હતાં.

દીપેશને જોતાં જ કમળાકાકીએ બૂમ પાડી હતી. દીપેશ કમળાકાકી પાસે ગયો અને ઓટલા પર પલાઠી વાળીને બેસી ગયો.

"હા કાકી, હું આજે સવારે જ આવ્યો. તમારી તબિયત કેમ છે? આપની દીકરી સોનલ અમેરિકા મજામાં છે ને?" દીપેશે જીભથી અચકાતા અચકાતા પૂછ્યું હતું.

"અલ્યા દીપુડા, તારી આ જીભ અચકાતી બંધ થાય એવું કંઇક કર, નહિતર લગન માટે છોકરી નહિ મળે." કમળાકાકીએ દીપુના ખભે ધબ્બો મારીને કહ્યું હતું.

"કમળાકાકી, છોકરીની વાત તો છોડો આ જીભના કારણે નોકરી પણ મળતી નથી. સવારે ઘરે આવ્યો ત્યારથી મારા ઘરમાં મારી નોકરીની રામાયણ શરૂ થઇ ગઇ છે." દીપેશે કમળાકાકીને હસતાં હસતાં કહ્યું હતું.

"અરે પણ તું બોકરવાડા જઇ વૈદ્ય શાંતિલાલને બતાવી આવને. જડીબુટ્ટીઓ અને વનસ્પતિ વાટીને એ જે દવા બનાવે છે એનાથી પથારીમાં પડેલા લોકો ઊભા થઇ જાય છે તો આ તારી અટકતી જીભ તો તરત સારી થઇ જશે." કમળાકાકીએ દીપેશને કહ્યું હતું.

"દવાઓ તો બહુ કરીને થાકી ગયો, કાકી. મારા ભણવા કરતા તો વધારે રૂપિયા દવાઓમાં ગયા છે અને વૈદ્ય પાસે જઇશ તો પૈસા પહેલા માંગશે અને દવા પછી આપશે અને દવા કરવાથી સારું થશે કે કેમ એ પણ સવાલ છે. આ હકલાતી જીભના કારણે તો જિંદગી ઝેર જેવી થઇ ગઇ છે." દીપેશે મન ખોલીને કમળાકાકીને પોતાની વ્યથા કહી હતી.

"તું બેસ, તારા માટે સુખડી લઇને આવું. જ્યારે સુખડી બનાવું ત્યારે તને યાદ કરું. તું નાનો હતો ત્યારે મારા ત્યાં રોજ સુખડી ખાવા આવતો અને તારા કાકા તને ખોળામાં બેસીને સુખડી ખવડાવતા હતાં. તને યાદ છે?" કમળાકાકીએ ઊભા થતાં દીપેશને પૂછ્યું હતું.

"હા કાકી, બરાબર યાદ છે." દીપેશ બોલ્યો હતો.

કમળાકાકી ઘરમાં અંદર જઇ દીપેશ માટે સુખડી લઇને આવ્યા હતાં. કમળાકાકીની સુખડી ખાઇ દીપશને ફરીવાર બાળપણની વાત યાદ આવી ગઇ હતી.

"તું એક કામ કર, કાલે મારી જોડે બોકરવાડા ચાલ. આપણે વૈદ્ય શાંતિલાલને બતાવી તારા માટે દવા લેતા આવીશું. દીનેશભાઇને તું કહેતો નહિ. હું રાત્રે એમને કહી દઇશ એટલે એ ના પાડશે નહિ." કમળાકાકીએ દીપેશને કહ્યું હતું.

બીજા દિવસે સવારે કમળાકાકી અને દીપેશ બોકરવાડા ગામ પહોંચ્યા હતાં. વૈદ્ય શાંતિલાલના ત્યાં દર્દીઓની લાઇન હતી, પરંતુ કમળાકાકીને જોતાં વૈદ્ય શાંતિલાલે એમને તરત અંદર બોલાવી લીધા.

"અરે શાંતિલાલભાઇ, તમારી તબિયત કેમ છે? બધાંની દવા કરો છો માટે તમારી તબિયત સારી રાખજો." કમળાકાકીએ ડબ્બીમાંથી છીંકણી કાઢી સુંઘતા સુંઘતા કહ્યું હતું.

"કમળાબેન તમને કેટલીવાર કીધું છે કે આ છીંકણી સુંઘવી સારી ના કહેવાય." વૈદ્ય શાંતિલાલે કમળાબેનને ટકોર કરતા કહ્યું હતું.

"હવે સાંઇઠ વરસ તો થયા મને. બીજા સાંઇઠ થોડી જીવવાની છું. મારો અને મારી આ છીંકણીનો સંગાથ છેલ્લાં ચાલીસ વરસથી છે. એટલે એ હવે મને નહિ છોડે અને હું એને નહિ છોડી શકું. તમે આ દીપેશની ખચકાતી જીભની દવા કરો એટલે એને નોકરી અને છોકરી બંન્ને મળી જાય." કમળાકાકીએ દીપેશ તરફ ઇશારો કરી વૈદ્ય શાંતિલાલને કહ્યું હતું.

વૈદ્ય શાંતિલાલે દીપેશના હાથની નાડી તપાસી હતી. ત્યારબાદ એની જીભને ચકાસી અને અંદર ઓરડામાં જઇ પિત્તળનો એક ડબ્બો લેતા આવ્યા હતાં.

"જો ભાઇ દીપેશ, આ ડબ્બામાં ત્રીસ લાડુડી છે. રોજ એક લાડુડી મોઢામાં મુકી રાખવાની છે. ધીરેધીરે આ લાડુડી ઓગળતી જશે, એને તારે ચાવવાની નથી. આ ત્રીસ લાડુડી પિત્તળના આ જ ડબ્બામાં રાખવાની છે અને મહિના પછી ફરીવાર આ ડબ્બો લઇને તું આવજે, બીજી ત્રીસ લાડુડી તને બનાવીને આપીશ. ત્રણ મહિના આ દવા નિયમિત રીતે કરીશ તો તારી જીભ અચકાતી બંધ થઇ જશે." વૈદ્ય શાંતિલાલે દીપેશને સમજાવતા કહ્યું હતું.

"પૈસા કેટલા આપું, વૈદ્યરાજ?" દીપેશે વૈદ્ય શાંતિલાલ સામે જોઇને પૂછ્યું હતું.

"વૈદ્ય શાંતિલાલ તારી પાસેથી પૈસા નહિ લે. એમનું આ વૈદ્યનું દવાખાનું ચાલુ કર્યુંને ત્યારે પહેલો કેસ આ કમળાકાકીએ જ મોકલ્યો હતો. એટલે હું તારી જોડે આવી છું એટલે તારી જોડેથી પૈસા ના લે. તું જા બહાર મારી રાહ જો, હું વૈદ્ય શાંતિલાલ જોડે વાત કરીને આવું છું." કમળાકાકીએ દીપેશને બહાર જવા કહ્યું હતું.

દીપેશના બહાર ગયા બાદ કમળાકાકીએ સો રૂપિયાની નોટ કાઢી વૈદ્ય શાંતિલાલને આપી હતી. દીપેશની દવાના જે કંઇ પણ પૈસા થાય એ એમની પાસેથી જ લેવા એવી તાકીદ વૈદ્ય શાંતિલાલને કરી એ બહાર આવ્યા હતાં.

કમળાકાકી અને દીપેશ ચાણસ્મા પાછા આવી ગયા હતાં. વૈદ્યરાજના કહ્યા પ્રમાણે દીપેશે દવા ચાલુ કરી દીધી હતી.

ત્રણ મહિના વૈદ્ય શાંતિલાલની દવા નિયમિત લેવાથી એની ખચકાતી જીભ સાવ બંધ થઇ ગઇ હતી. હવે દીપેશ બરાબર બોલી શકતો હતો. દીપેશની જીભ બરાબર થઇ ગઇ એના કારણે દીનેશભાઇનો પરિવાર ખૂબ ખુશ થઇ ગયો હતો અને કમળાકાકીનો આભાર માનવા કમળાકાકીના ઘરે સપરિવાર ગયો હતો.

"કમળાબેન, તમારા કારણે જ આજે દીપેશની જીભ બરાબર થઇ છે. હવે એ બોલતી વખતે જરાય અચકાતો નથી. અમે તમારો આભાર માનીએ એટલો ઓછો છે." કાંતાબેને કમળાકાકીને કહ્યું હતું.

"અરે ગાંડી, દીપેશ તારો છોકરો છે એટલો મારો પણ છે જ ને. સુખ-દુઃખમાં તો પડોશી પહેલા કામમાં આવે. સગાવહાલાં તો પછીથી જ આવે. હવે મારો આભાર માનવાનો છોડો અને દીપેશ, લે આ કાગળ. અમદાવાદમાં અંબાલાલ પટેલની કાપડની પેઢી છે. ત્યાં જઇ મારો આ લખેલો કાગળ આપીશ એટલે તને નોકરી મળી જશે." કમળાકાકી દીપેશને કાગળ આપતા બોલ્યા હતાં.

દીપેશે કાગળ હાથમાં લીધો અને વાંચ્યો હતો. વાંકાચૂકા અક્ષરમાં એવું લખ્યું હતું કે "આવેલ ભાઇ દીપેશને પેઢીમાં નોકરી આપવી. લિ. કમળાબેન નરોત્તમભાઇ પટેલ." આટલું લખ્યું હતું.

"કમળાકાકી, કાપડ બજારમાં અંબાલાલ પટેલની પેઢીનું બહુ મોટું નામ છે. હું ત્યાં નોકરી માટે જઇને આવ્યો હતો પરંતુ મને ના પાડી હતી. તો આ કાગળ વાંચીને મને થોડા નોકરી આપશે?" દીપેશે કમળાકાકીને પૂછ્યું હતું.

"દીપેશ, તું જઇને આ કાગળ આપજે. ત્યાં આ પેઢીના માલિક રામભાઇ પટેલ છે. એમને જઇને તું કહેજે કે ચાણસ્મા ગામથી કમળાબેન પટેલે આ કાગળ આપ્યો છે. એટલે નોકરી તને મળી જશે." કમળાકાકીએ છીંકણી સુંઘતા સુંઘતા કહ્યું હતું.

દીપેશ આખો દિવસ વિચારતો રહ્યો કે કમળાકાકીની વાત માની એક લીટી વાંકાચૂકા અક્ષરે લખેલો કાગળ લઇ આટલી મોટી પેઢીમાં જઇશ તો મારી મજાક બનાવી દેવામાં આવશે. માટે જવું કે ના જવું એનો નિર્ણય દીપેશ કરી શકતો ન હતો.

"કમળાબેને કહ્યું છે તો એકવાર જતો આવને. બહુ બહુ તો તને ના પાડશે, બીજું શું એક ધક્કો પડશે એટલું જ ને." દીનેશભાઇએ દીકરાને હિંમત આપતા કહ્યું હતું.

બીજા દિવસે સવારે દીપેશ ચાણસ્માથી સીધો અમદાવાદ અંબાલાલ પટેલની પેઢી ઉપર ગયો હતો. દીપેશ ત્યાં જઇને મુનિમ જેવા લાગતા માણસને મળ્યો હતો.

"મારે રામભાઇ પટેલ સાહેબને મળવું છે. ચાણસ્માથી કમળાબેને આપેલો પત્ર એમને આપવાનો છે." દીપેશે મુનિમને કહ્યું હતું.

મુનિમ અંદરની કેબીનમાં જઇ સંદેશો આપી આવ્યો. મુનિમે બહાર આવીને તરત જ દીપેશને અંદર કેબીનમાં મોકલ્યો હતો.

"અંદર આવ, ભાઇ. કમળાકાકીએ આપેલો કાગળ મને આપ." રામભાઇએ દીપેશ સામે જોઇને કહ્યું હતું.

દીપેશે રામભાઇના હાથમાં કમળાભાભીએ આપેલો કાગળ આપ્યો હતો. કાગળ વાંચી રામભાઇ હસ્યા હતાં અને ઘંટડી મારી એમણે મુનિમને બોલાવ્યો હતો.

"મુનિમજી, આ ભાઇનું નામ દીપેશ છે. એમને કાલથી નોકરી પર બોલાવી લો અને એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમાં રાખી લો." રામભાઇએ મુનિમને સૂચના આપી હતી.

"કમળાભાભી કેમ છે? આ કાગળ લખ્યો એના કરતા તારી જોડે મોઢેથી કહેવડાવી દીધું હોત તો પણ ચાલત." રામભાઇએ દીપેશ સામે જોઇ કહ્યું હતું.

"કમળાકાકી, મજામાં છે. પણ એક વાત પૂછું, સાહેબ?" દીપેશ પૂછ્યું હતું.

રામભાઇએ માથું ધુણાવી હા પાડી હતી.

"કમળાકાકીનો કાગળ વાંચી મારી ડિગ્રી જોયા વગર જ તમે મને નોકરી આપી દીધી એનું કારણ હું જાણી શકું?" દીપેશે પૂછ્યું હતું.

દીપેશને નોકરી મળવાના આનંદ કરતા જે રીતે નોકરી મળી એનું રહસ્ય જાણવાની આતુરતા વધારે હતી.

"હું ચાણસ્મા ગામનો જ છું. વર્ષો પહેલા ગામમાં મારી કાપડની નાની દુકાન હતી. મારે અમદાવાદ મોટી દુકાન કરવી હતી. ત્યારે નરોત્તમભાઇએ મને વગર વ્યાજે અમદાવાદમાં દુકાન લેવા પૈસા આપ્યા હતાં અને મને પૈસા આપવાની ભલામણ કમળાભાભીએ જ કરી હતી. માટે કમળાભાભી અને નરોત્તમભાઇનો મારા પર ખૂબ મોટો ઉપકાર છે. આજે હું જે કંઇપણ છું અમદાવાદ શહેરમાં બન્યો છું એ કમળાભાભીના ઉપકાર થકી જ છું. કમળાભાભી મારા માટે મા સમાન છે. કમળાભાભીનો આ વાંકાચૂંકા અક્ષરે લખેલો કાગળ મારા માટે એક હૂંડી સમાન છે અને હૂંડી કોઇ દિવસ બેંકના ડ્રાફ્ટની જેમ પાછી ના આવે, એ સ્વીકારાઇ જ જાય." રામભાઇએ દીપેશ સામે હસતાં હસતાં કહ્યું હતું.

દીપેશ કેબીનમાંથી બહાર નીકળી કાલ સવારે દસ વાગે નોકરી ઉપર આવી જશે એમ કહી દુકાનના પગથિયાં ઉતર્યો હતો.

દુકાનના પગથિયાં ઉતરતા જ "કમળાકાકીની જય" બોલી હસતાં ચહેરે અમદાવાદમાં રાખેલા ઘર તરફ આવવા નીકળી ગયો હતો.

- ૐ ગુરુ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED