દોસ્તાર Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

દોસ્તાર

પ્રિય દોસ્ત,
                તું કેમ છે?મજામાં ને? તને અમારા સૌ ગામડિયા મિત્રોનો પ્રેમ! તું તો હવે અમને ભૂલી જ ગયો, શહેરની હવા એટલી બધી સ્વાર્થી છે કે તું સાવ અલગ થઈ ગયો અમારાથી! અમે જરાય ધાર્યું નહોતું કે તું આવો નકટો નીકળીશ! તારી ટોળકી મળવા માટે આતુર છે હવે તો.
                આશા છે કે તું શહેરમાં મજામાં હોઇશ, તારી નોકરી સારી ચાલતી હશે અને તારી તબિયત પણ મસ્ત હશે! તું ત્યાં એકલો તો નથી પડી ગયો ને?યાદ રાખજે અમે સૌ તારી સાથે જ છીએ.અહી તારા બધા લંગોટિયા મિત્રો અને તારો પરિવાર તને બહુ યાદ કરે છે, તારી ખોટ અમને સાચે વર્તાય છે, પણ તારા સુઘડ ભવિષ્ય માટે અમે સૌ આશાવાદી છીએ.
              પણ તને એક ફરિયાદ છે કે તું અમને સૌને ભૂલી ગયો છે, તારી આ હરકતોથી અમે તારાથી નારાજ છીએ. તને ખબર પણ છે તું અમને મૂકીને ગયો પછી તારા મમ્મી પપ્પાને સંભાળવામાં અમને  બહુ તકલીફ પડી હતી, તારા મમ્મીનાં આંખના આંસુ તો તારા વિરહના હજીય સુકાયા નથી અને વિજુકાકા કઈ બોલતાં નથી પણ એમની આંખો ઘણું બધું જતાવી દે છે કે એમને તારા વગર જરાય ફાવતું નથી અને અહીં તને કંઈ ફરક જ નથી પડતો.
              તું આવ અહી પાછો, આવતાંની વેત તને સીમમાં જ ટીપી નાખીશું બધા ભેગાં મળીને! તને એટલો તો શેનો ઘમંડ આવી ગયો કે તું આમ હોશિયારી મારી રહ્યો છે! પહેલા મોટા ઉપાડે ડિંગા હકાતો હતો એનું શું થયું? જઈને તરત પત્ર લખીને સંદેશો મોકલીશ એનું શું થયું? અને તારું એડ્રેસ પણ માંડ માંડ શોધ્યું તારા પેલા રામચોપડામાંથી! રખે ને તું સારો જ હોઇશ!
             મંજુમાસીને તો ખોટા ખોટા વિચારો આવ્યા કરે છે તારા, પણ અમે અહીં ભેગા થઈને મજાક કરી કરીને એમનું મન હળવું રાખીએ છીએ, પણ અમારા મનમાં પણ ઘણી વાર સોપો પડી જાય છે છતાંય અમે કઈ કહી શકતા નથી, તારા સાટું અહી દેખાડો કરીએ છીએ!
            સાલા....તને શરમ નથી આવતી? સાવ આમ નફ્ફટ બની ગયો છે તે! તારી એક એક હરકત અમને યાદ આવે છે, તારી બધી અવળચંડાઇ હવે અમને યાદ આવ્યાં કરે છે. તું ઝાડ પર ચડીને બૂમો પાડતો અને પાછો સંતાઈ જઈને બધાને હેરાન કરતો એ ઘડી હવે ક્યાંક ખોવાઈ ગઈ છે. છુપાઈ છુપાઈને અમારા માટે ગાંઠિયા લઈ આવતો અને મંજુમાસીને ઉલ્લુ બનાવી દેતો અને પછી એ સંતાડેલા ગાંઠીયામાં પણ બધા ભેગાં થઈને લડતાં અને તું અંચઈ કરતો એ બધું ક્યાંક હવે સપનું લાગે છે! તું લડવામાં અવ્વલ હતો એ અમને ખબર તોય તારા વગર અમને ચાલતું નહિ એ તને ખબર આ વાતનો ફાયદો તું રોજ જ ઉઠાવતો અને તારી મનમાની કરતો એ વાત અમારે મન એવી ઘર કરી ગઈ છે કે તારા વગર હવે ફાવતું જ નથી, આખું ટોળું આપડું સાવ સૂનું પડી ગયું છે! રેડિયો પર વાગતાં ગીતો તારા વગર સાવ સુના પાડી ગયા છે, તારું જૂઠું જૂઠું પણ એકદમ વટથી ગાવાનો વટ સુનો પડી ગયો છે! રેડિયો વાગે તો છે પણ એનો અવાજ ફિકો પડી ગયો છે!
           તને એક બસ એટલું કહું કે ભલે આવી ના શકે પણ એક પત્ર તો લખ, જેથી અમને દિલાસો થાય તું બરાબર અને સહીસલામત છે. તને યાદ કરતાં તારા બધાં મિત્રો અને આખું ગામ! જોડે છેવાડાનો ચોરો..દેરીની પાછળનો બાંકડો... આમલીના ઝાડની ડાળીઓ...તળાવની પાળીઓ.... હાઈસ્કૂલની દીવાલ પર લખેલાં લખાણ.... ઉકરડે જવાનો રસ્તો....પશિબાના ગામણની ભેંસો...ઓલું કાળું કૂતરું.....ઝમકુબાનાં આંગળાની ધૂળ....અને અમારા સૌનો શ્વાસ!!!


રેટ કરો અને રિવ્યુ આપો

Yuvrajsinh

Yuvrajsinh 6 માસ પહેલા

Madhukar Kharod

Madhukar Kharod 10 માસ પહેલા

Yogesh

Yogesh 11 માસ પહેલા

Parul

Parul માતૃભારતી ચકાસાયેલ 11 માસ પહેલા

Jaydeep Makwana

Jaydeep Makwana 11 માસ પહેલા