હોમવર્ક Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

હોમવર્ક

હોમવર્ક

'અરે અગિયાર વાગી પણ ગયા? ભલે પણ દીકુ તો તૈયાર છે ને, એનું થયું એ બહુ છે પણ આજેય બાકી રહી જશે? આજે તો હજી હોમવર્ક પણ બાકી છે. ગણિતના પંદર દાખલા અને પેલો સાતમો ગુજરાતીનો પાઠ લખવાનો બાકી જ છે. ક્યારે પહોંચીશ હવે સ્કૂલે? એમાંય ગુજરાતીના મેડમ તો બહુ જ વઢશે, કાલે જ તો પાછું એમને સાયકલની ચેઇન નીકળી ગયાનું બહાનું કર્યું હતું.આજે શું કહીશ? આજે તો નહીં ચલાવી લે!' આવી કંઈક મનોમન ચાલી રહેલી વિડંબના એના ચહેરા પર સહજ દેખાતી જ હતી આજે તો!

મનમાં આવા વિચારો સાથે એ શું લખતો એનું એને ભાન પણ નહિ હોય કદાચ.ગણિત તો સાઇડે પડ્યું હજી ને ગુજરાતીમાં ત્રણ પન્નાના એ પાઠ બસ જોઈ જોઈને ઉતારતો હતો બસ! ગમે તેટલી ઝડપ કરે તોય મેળ નહીં જ પડે આજે તો ! એમાં કંડારેલા શબ્દોની નકલ જ કરવી રહી માત્ર.જો જોવા જાય તો બાર વીસ નો બેલ ચુકી જશે એ પાક્કું હતું.

આવું જાણે એનો નિત્યક્રમ બની ગયો હતો જ્યારથી એની મમ્મી ભગવાનના ઘરે સ્થાન લઇ ચુકી હતી.નાની શી બીમારીના ભોગે એની મમ્મી ગુમાવી દીધી એનું દુઃખ માનવાનો સમય પણના આપ્યો પ્રભ એ! એક મહિનો થવા આવ્યો, હજી શોકનો સાડલો પણ નહોતો બદલ્યો અને એને જાણે જવાબદારીના બધા વસ્ત્રો ધારણ કરી દીધા હતા.

ચાર વર્ષ નાની બહેન જેને હજી સમજણના સુર પૂરતા વાર લાગવાના હતા, એને ભણવાનું બંધ કરાવી ઘર કામમાં જોતરવા જેટલોએ સ્વાર્થી પણ નહોતો.પપ્પાને ઘર સાચવવા મૂકે તો કમાઈને ખવડાવી શકે એટલો સક્ષમ નહોતો એટલે પપ્પાને રજા મુકવાનું કહી નહોતું શકાતું.તેથી ઘર સાચવવા માટે એના સિવાય વિકલ્પ નહોતો.

આમ તો દૂરના કાકી-કાકા બાર પંદર દિવસ ગામડેથી આવીને રોકાયા, પણ સંસાર એમના સહારાથી ચાલે એમ નહોતો, એમણે બધી વિધિ પતી ગઈ ત્યાં સુધી ફરજ નિભાવી.અઠવાડિયા પહેલા એ પણ ચાલ્યા ગયા આ 'માં' વગરના નોધારા બાળકોને સૂના મૂકીને ! ઉજ્જડ થઇ ગયો એ હરિયાળો તુલસીનો ક્યારો! સુખેથી ચાલતા પરિવારને ખબર નહિ ક્યાંથી નજર લાગી ગઈ! હવે માત્ર દુનિયા એમને સહાનુભૂતિ જ આપી શકવાની હતી એ એને કળી લીધું હશે મનોમન.એને અથાગ મહેનત કરવાનું ઠાની લીધું હતું હવે માત્ર એના અને એની બહેનનાં ઉત્કર્ષ માટે!

બસ પછી તો ના એને ઉપર ઉઠીને જોયું કે કોઈ સહારો મળશે કે નહીં, બસ આ બધું ઇશ્વરના આશિષ સમજી ચાલુ કરી દીધી પોતાની જવાબદારીના જોડકણાં! તકલીફ તો રોજ જ પડતી હતી, સવારે ઉઠીને પપ્પા ખાલી રસોઈ કરી આપતા અને એ એમના દફતરે જવા નીકળી જતા, પણ પોતે સવારે ઉઠે ત્યારથી ઘરના બધા નાના મોટા કામો નિપટાવવાના, નાની બહેનની તકેદારી રાખવાની,એને જમાડવાની, માથું ઓડી આપવાનું, એને સ્કૂલ માટે તૈયાર કરવાની અને પોતે પણ થવાનું.એમાંય હોમવર્ક બાકી હોયતો બાધા ઉભી થાય. રોજ નવા બહાનાની હરોળ ઉભી થતી, સાચું લાગશે કે ખોટું એની ભ્રમણા પણ હોય પછી એમાં.

હમણાં ત્રણ ચાર દિવસથી મોડું થઇ જાય છે ઘરના કામ કરવામાં તો હોમવર્ક બાકી રહી જાય છે, થોડું બાકી હોય તો ટીચર ચલાવી લે પણ બધું બાકી હોય તો વઢે. આમ તો સ્કૂલમાં બધાને ખબર હતી પણ રોજ રોજ આવી રીતે બાકી રહેતા હોમવર્ક અને તેના બહાના કેમ કરી સાંખી લે કોઈ? કોઈ કોઈ વાર વઢ ખાઈ લે તો કોઈ વાર એકાદ ટપલી માર પણ છતાંય સાચા કારણો આપીને સહાનુભૂતિ અને વેદનાં ભેગી ન કરે એટલી ખુમારી તો હતી એનામાં!!!

-સેતુ