લગ્નપ્રસ્તાવ Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

લગ્નપ્રસ્તાવ

લગ્નપ્રસ્તાવ


સન્ડેનો દિવસ હતો, રજા હોવાથી સવારે વહેલું ઉઠવાનું કોઈ ખાસ બહાનું નહોતું, છતાંય મીરાં જલ્દી ઉઠી ગઈ.થોડી અસ્વસ્થ હતી, અકળામણ હતી એના ચહેરા પર જરા શી.શેની હતી એ કડવી જરા મુશ્કેલ હતી.આમતો રોજ ઉઠે એટલે સ્વસ્થ જણાય, પણ આજે એના મનમાં ચાલતી બેચેની એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી, શું થયું હશે? કોઈ ખરાબ સપનું તો નહિ જોયું હોય? કે પછી રાતે સ્મિતા સાથે કોઈ વાતમાં અંતશ પડી હશે? કારણ તો ખબર નહીં પણ એની સવારની ખુશનુમા ક્યાંક ગુમ થઇ ગઈ હતી.


એ જલ્દી ઉઠી ને ઘરની બહાર આવી, શાંત પડેલા હિંચકે બેસી, સવારની શાંતિમાં હિંચકાના કડાંનો કિચુડ અવાજ જાણે એના મનની અશાંતિને પારખી ગયો હોય એમ સાથ પૂરાવતો હતો.ઠંડા પવનની લહેરખી એના અજંપાને શાંત કરવા મથામણ કરી રહી હોય એમ જણાતી હતી છતાંય એના કપાળની કરચલીઓને ક્યાં શાંત થવું હતું?


હિંચકાના અવાજથી એની મોટી બહેન સ્મિતા બહાર આવી, એને આમ શાંત જોઈ,"ગુડ મોર્નિંગ મીરાં, કેમ જલ્દી ઉઠી ગઈ આજે?"


મીરાં એ માથું હલાવી, "કઈ નહિ.'


સ્મિતા હિંચકા પાસે જઈને એની જોડે બેઠી,"શું થયું બોલ ને? કાલ વાળી પપ્પાની વાતથી ને?"


એ જાણી ગઈ હોય એમ લાગ્યું, સ્મિતા એને સારી રીતે ઓળખતી હતી, બધું સમજી લેતી હતી, મેં બે બહેનો વચ્ચે બોન્ડીગ જ કૈક એવું હતું, એક બીજાના મનના ભાવો સમજી શક્તિ હતી.જોડે ઉછરેલા હોવાના કારણે બન્નેની આત્મીયતા ખુબ જ અચલ હતી, સુખ દુઃખની વાતોમાં જોડે રહેવાની આદતના કારણે સમજશક્તિ સહજ હતી.


"હા યાર જો ને, પપ્પાને ઉતાવળ આવી જાય છે પરણાવવાની મને! કેટલા દિવસથી પાછળ પડી ગયા છે...ઓલા મુકેશભાઈના કોઈ સગાનાં દીકરા જોડે!"


"હા સાચી વાત તારી, પણ સાચું કહું તારે એના માટે આટલું બધું રિએક્ટ કરવાની ક્યાં જરૂર છે?"


"તો શુ કરું?મારે હજી મારુ કેરિયેર બનાવવું છે...મેરેજ કરી દીધા પછી બધું મૂકી દેવું પડે!"


"કોને કીધું તને એવું? મને જ જોઈ લે, મારે ચાર વર્ષ થઇ ગયા લગ્નને, મેં ક્યાં કોઈ બાંધછોડ કરી છે?"


"ના, પણ....મારે અરેન્જ મેરેજ નથી કરવા."


"કેમ?" - સ્મિતા એ થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું, કેમ કે એને ખબર હતી કે છોકરી લગ્નની બાબતમાં આનાકાની કરે તો ક્યાંક એને બીજો કોઈ છોકરો ગમતો હોઈ શકે.


"શું કેમ? મારે કઈ બધાની જેમ કોઈ અજાણ વ્યક્તિ જોડે લગ્ન કરીને જિંદગી વિતાવી નથી દેવી, હું આજના જમાનાની મોર્ડન છોકરી છું, હું કરીશ તો મારી પસંદના છોકરા સાથે જ."


"તો શું તને કોઈ ગમે છે છોકરો?"


"ના હાલ તો કોઈ નથી ગમતો, પણ પપ્પા કહે એ છોકરા જોડે હું કેવી રીતે કરી લવ લગ્ન,એને ઓળખ્યા વગર, હું જાણતી નથી, એ કેવો હશે કેવો નહિ? એની આદતો કેવી હશે?એના અને મારા વિચારો ખબર નહીં મળશે કે નહીં?"


"તો પણ ક્યાં તને ત્યાં ગોઠવી જ દીધી છે બધા એ? હજી મુલાકાત કર તું, તને ફાવે પછી વિચારજે, ના ગમે તો તારે ક્યાં લખાણ કરી દિધું છે?


"તોય યાર, પછી હું ના પાડું તો પપ્પાને નીચું જોવાનો વખત ના આવે?"


મીરાં આમ સંસ્કારી છોકરી,એના પપ્પાની લાડકી, ઘરની નાની એટલે બધી વાતે એની મનમાની કરવાની આદત,ઘરની બે સંતાનમાં સ્મિતા પરણીને સાસરે સ્થાઈ થઇ ગઈ હતી, હવે મીરાંની ઉંમર થઇ એટલે વડીલો એના માટે યોગયવર શોધતા હતા. પણ મીરાં થોડી દિલથી ભાવુક હતી, એને દરેક વાતને મન પર લઇ લેવાની પહેલાથી ટેવ હતી, એ આવી રીતે લગ્ન કરી લેશે અને સેટ નહિ થાય તો એ વાતને લઈને પરેશાન હતી, આખી રાત એને આજ વિચાર કર્યા હોય એમ જણાતું હતું, એમાંય એ ના પાડે તો એના મમ્મી પપ્પાની આબરૂનો પણ વિચાર એના મનને વિહ્વળ કરતો હતો, કરે પણ સહી! દીકરીને એના પપ્પાની આબરૂની ચિંતા વધારે હોય, એ નાની અમથી વાતમાં જીવ બાળતી હોય છે. પપ્પાને જે ગણો એ વારસદાર તરીકે આ બે દીકરીઓ જ હતી, ઘડપણમાં એમની જવાબદારી આ બે બહેનોએ જ ઉઠાવવાની હતી એ ક્ષમતા સાથે મક્કમ હતી બન્ને, એટલે દરેક વાતે એમને એ ખ્યાલનો અહેસાસ રહેતો.


"ના હવે એવું કઈના હોય મીરાં, શું સાવ પાગલ જેવી વાતને લઈને દિમાગ ખરાબ કરે છે?"


"પણ જો હું છોકરાને મમ્મી પપ્પાને સાચવાનો પ્રસ્તાવ મુકું અને એ ના પડી દે તો?" - એક બીજા વિચારનું વમળ વેર્યું મીરાંએ।


"તો તો સૌથી સારું, તને ત્યાં જ ખબર પડી જશે એના વિચારો, તારે આગળ કઈ કરવાનું જ નહિ રહે પછી."- સ્મિતા એ એક સલાહ આપી.


"હા પણ એના કરતા આપણે લગ્નના પ્રસ્તાવ પહેલા જ આ વાતને આગળ કહી દેવી ઉચિત નથી?"


"ના, અમુક વાતો રૂબરૂમાં કરીએ તો જ સારું, અને લગ્ન એ પ્રેમથી પરિવારોનું મિલન છે, કોઈ કાયદાકીય કરાર નહિ, કે એમાં શરત હોય!"


"હા પણ....મને ડર લાગે છે.હું પાર પડી શકીશ?" - મીરાં જરાં ચિંતિત થઈને બોલી.


"કેમ નહિ? અમને બધાને જોઈ લે, હું ક્યાં ઓળખાતી હતી તારા જીજુને, મમ્મી ઓળખતી હતી પપ્પાને? છતાંય અત્યારે જીવીએ છીએને જોડે, એ પણ પ્રેમથી!"


"હા પણ અમુક વાર ઝગડાઓ થાય જ છે ને તમારા વચ્ચે, એ પણ કેવી કેવી સાવ નાની બાબતમાં।"


"તો શું તું કહી શકીશ કે લવમેરેજ કરીશ તો ઝગડા નહિ થાય? લગ્નમાં જોડાયેલ બન્ને વ્યક્તિ સાથે રહે, એક દોસ્તની માફક, પરસ્પર સમજૂતી રાખે તો જીવન સફળ જ બને છે."


"હા પણ મને ઝગડાના ગમે જરાં પણ!"


"એવું કઈ ના હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં તકરાર પણ હોય જ થોડીઘણી, તું જ જોઈ લે અમુક વાર મમ્મી અને પપ્પા સાવ નાની વાતમાં સામસામે બોલી લે છે, અને એમના અબોલા ક્યાં સુધી ટકે છે? દિવસ આથમતા પહેલા તો એ કઈ વાત પર ઝગડયા હતા એ પણ ભૂલી જતા હોય છે. જીવનમાં જતું કરી દેવાનું એકબીજા માટે એ જ દામ્પત્યજીવનની પહેલી કડી છે."


"તારે અને જીજુને પણ આવી રીતે થાય છે?"


"હા અમારે તો રોજ થાય છે, પણ એ ટકે પણ પાંચ મિનિટ થી વધારે નહિ, આવા મીઠા ઝગડાઓ જ જીવનમાં પ્રેમના રંગ પૂરતા હોય છે, એને મન પર લઈને લાંબા ખેંચવા કે ભૂલી જઈને પરસ્પર હૂંફ જાળવવી એ આપણા પર જ છે."


"તને લગ્ન પછી કોઈ મુશ્કેલી પડી જ નથી?"


"મુશ્કેલી તો જીવનમાં આવ્યા કરે ડીઅર, શું તું ઓફિસે જાય અને તારે વર્કલોડ નહિ હોતો? સ્કૂલ કોલેજમાં ટેનશન નહોતા પરીક્ષાના? તો તું કહી શકે કે તારે પિયરમાં બહુ દુઃખ છે."


"એ તો હવે ચાલે, એને થોડી કઈ દુઃખ કે'વાય ?"


"બસ તો લગ્ન પછી પણ એવું જ કંઈક હોય છે, રોજિંદા જીવન સાથે સંકડાઈ જઈએ તો એ બધું સહજ બની જાય."


સ્મિતાની આવી વાતો ના હકારાત્મક વલણ અને સવારની તાજગી જાણે જોડે ભેગી થઇ ગઈ, મીરાંના ચહેરાની કરચલીઓ જાંખી થઇ ગઈ, મોં પર સ્મિતના પડછાયા પાડવા લાગ્યા, બન્ને બહેનોની વાતોએ જાણે દામ્પત્યજીવન જીવવાની ચાવી આપી દીધી હોય એમ જણાઈ રહ્યું હતું, મીરાંના મનની ચિંતા ક્યાંક દુર જતી રહી.


આ વાતને અમુક આજે સાતેક વર્ષ વીતી ગયા, મુકેશભાઈના એ સગાના દીકરા એટલે અલય જોડે મીરાંના લગ્ન થઇ ગયા, એ બંને સુખી જોડા તરીકે આજે જીવન વિતાવી રહ્યા છે, બન્ને બહેનો ઉનાળાની રજાઓમાં એમના ટાબરિયાઓ અને પતિઓને લઈને પિયર આવી છે, સહુ જોડે સમય વિતાવે છે, એ જ હીંચકે બેસીને જ્યાં મીરા અને અલયના લગ્નની વાતની વિચારણા ચાલી હતી,આજે એ સંભારણાં ફરી તાજાં થઇ રહ્યા છે સ્મિતા ને મીરાં વચ્ચે, પણ આજે એની સાક્ષી બધાય પુરે છે!