પોસ્ટકાર્ડ Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પોસ્ટકાર્ડ

પોસ્ટકાર્ડ

સવારના મઘમઘતા વાતાવરણમાં ઉઠીને આહલાદકતાના એંધાણ સાથે દલજીભા ઉઠી ગયા, પરોઢિયું હજી પાંગર્યું જ હતું અને દિવસ વિતાવવાની એમની તાલાવેલી જોઈને તેમની ઝીણી આંખોમાં ઉજાસ પ્રસરી ગયો હતો.ઘઉંવર્ણો રંગ અને સમતલ ઘાટનો એમનો બાંધો, રિટાયર થવાની ઉંમર છતાં અનુભવના ઓથારમાં હજી પણ જીવન ઘણુ પ્રવુત્તિશીલ છે એનું અનુમાન કરી શકાતું હતું.આમતો ત્રણચાર વર્ષ જ બાકી હશે નિવૃત્તિના પણ એમની કામ કરવાની ધગસ અને ઉમળકાથી કાર્યનિષ્ટ્ઠા ઝલકતી હતી.

એંશીના દાયકાની આ વાત છે, એ વખતે ખેતીને પ્રાધાન્ય આપી કોઈ નોકરીમાં જોડાતું નહિ, પરંતુ આ દલજીભાએ તે વખતે ખેતી મૂકીને સમાજસેવાના ભાવ સાથે પોસ્ટમેનની સેવામાં જોડાવાનું પસંદ કરેલું.આમ મૂળ નામ તો દલપતસિંહ પણ ગામ પરિજનોએ હુલામણું નામ દલજીભા આપ્યું હતું.એમનું સાદું જીવન અને એમની સેવારૂપી આ કામગીરીથી એ બધાને યાદ રહેતા. આઠ વાગ્યે યુનિફોર્મ પહેરીને પોસ્ટઑફિસે હાજરી આપી દિવસના વહેંચવાની ટપાલો અને પોસ્ટકાર્ડ સાથે એ સાઇકલ લઇને નીકળી પડે આજુબાજુના વિસ્તારોમાં પોતાની ફરજ અદા કરે!

એ સમય સંદેશાની આપલે માટે પોસ્ટકાર્ડ બહુ પ્રચલિત હતું,ફોન હતા પણ એ માત્ર કચેરીઓમાં અને મોટા સાહેબો પૂરતા સીમિત! આમ જનતા માટે તો સહારો માત્ર ટપાલ જ હતી તેથી પોસ્ટમેનને ત્યારે દેવદૂત સમાન માન મળતું, કોઈનો દીકરો વિદેશ હોય એના હાલચાલથી માંડીને કોઈ સંબંધીની મૃત્યુ સુધીની ખબરનું માધ્યમ એટલે પોસ્ટકાર્ડ. દૂર વસેલા સ્નેહીઓને જોડતી કડી એટલે આ દલજીભા!

આજે સવારે એ ઉઠ્યા ત્યારથી મનોદશામાં કંઈક હલચલ શી હતી, રોજ જ આવતા એ પોસ્ટકાર્ડને લઇને! હમણાં છેલ્લાં ઘણા સમયથી એક પોસ્ટ કાર્ડ આવે છે એમની જોડે, એ પણ એકેય દિવસ ગાળ્યા વગર, અને એ પણ ખોટા સરનામે! મંજરી મહાજન,ભાગોળની બીજી શેરી, ચોથું મકાન. પણ ત્યાં કોઈ મંજરી નથી મળતી, ના કોઈએ પોસ્ટકાર્ડ ની માલિકી લે એની મંજૂરી.હવે તો એવું થાય છે કે ત્યાં રહેવાવાળા રેવાબેન દલજીભાને જોઈને કહેવા લાગે કે હું મંજરી બની જઈશ તો મેળ પડશે!!

રોજ આવા ખોટા પોસ્ટકાર્ડ ની ફરિયાદ એમણે કચેરીમાં કરી પણ આટલા બધા પોસ્ટકાર્ડમાં એની સુનવાઈ થતી જ નહોતી, એમનાં મનમાં આ બાબતને લઈને બહુ બેચેની હતી, કોઈની એમાં વ્યથા હશે કે ખુશી? શું સંદેશ હશે એમાં? જીજ્ઞાશાનું જડતર હવે વધવા માંડેલું આ દલજીભાના મનમાં. પરંતુ વાંચી લઈને કોઈની લાગણીને ઠેસ પહોંચાડે એવા સ્વાર્થી નહોતા એ. કોઈ વ્યક્તિના અંગત બાબતમાં પડવું એમની ટેવ નહોતી, પરંતુ આ પોસ્ટકાર્ડે એમની અંતરાત્માને વિવશ કરી દીધી હતા , જ્યાં સુધી એને એની મંજિલ સુધીના પહોંચાડે ત્યાં સુધી દલજીભા બેસે એમનાય નથી.

ગઈકાલ સાંજ જ મનોમન નક્કી કરી લીધું હતું કે આજે તો ગમે તે થાય પણ આ અનામી સંદેશને તેના સ્ત્રોત સુધી વહેતો કરીને જ રહેશે. સવારે ઉઠીને નિત્યક્રમ પૂરો કરી દલજીભા તો વિશ્વાસ સહ કચેરી જવા નીકળ્યા, પહોંચી પહેલું કામ સીધું એ પોસ્ટકાર્ડ નું ઉપાડ્યું, છેલ્લા પચીસ દિવસથી જે કાર્ડ્સ આવતા હતા એ ભેગા કાર્ય અને ચુપચાપ ત્યાંથી નીકળી ગયા, એમને ખબર હતી કે કોઈને કહેવું રહેશે તો એમનો મનોરથ અધૂરો જ રહેશે અને ને કોઈના અરમાનો કોથડે ચડી ને સડી જશે, કોઈ નિર્દોષ વ્યક્તિના ભાવોને આવી રીતે થોડી રૂંધાવા દેવાતા હશે?

ખુમારી સાથે એ સીધા ગામની પાદરે આવીને પેલા વાદળા નીચે બેઠા જે એમનો વર્ષોથી આરામનો અમસ્તો સહભાગી હતો.ત્યાં પહેલા તો એમને એમના શસ્ત્રરૂપી એમની થેલી જે થોડી જીર્ણ દેખાતી હતી અને થોડી થાકેલી એવી,જિંદગીભરની સાથી સમાન- એમાંથી આડાઅવળા ઉતાવળે ભરેલા પોસ્ટકાર્ડનો ઢગલો કાઢ્યો, તારીખ પ્રમાણે સીધા કરવાની એમની મથામણમાં સાચી માણસાઈ ઝલકતી હતી.કોઈ અજાણ માટે આટલી ઉત્સુકતાપૂર્વક કામ તો કોઈ ભાગ્યે જ કરી શકે.

ચોથા મહિનાની ત્રીજી તારીખથી છવ્વીસ તારીખ સુધીના બધા કાર્ડ ગોઠવાઈ ગયા બાદ એ પછી એક વાંચવાનું ચાલુ કર્યું. ચોથી તારીખના કાર્ડમાં તો માત્ર આછી ઓળખાણ જ હતી, પછી તો ધીરે ધીરે આત્મીયતા ઉભરાતી જોવા મળી, પ્રેમમાં પાગલ એક વ્યક્તિની આભા અથડાતી હવેતો એમાં!રોજ જ દિલથી મોકલેલા સંદેશામાં વળતા જવાબની આશા નજરાતી હતી, જવાબના મળતા ઉભરાતી વેદના હતી, ચાતક નજર રાહ હતી! પણ શું કરે એ અનામી પ્રેમી જેને ખબર સુદ્ધા નહોતી કે એ જેને પોસ્ટકાર્ડ લખે છે એ વ્યક્તિ તો સાચી છે પણ એનું સરનામું જરા પણ સાચું નથી!એ નથી જાણતો કે એની મંજરી સુધી એની મંજિલ નથી પહોંચી રહી.આ આખું ચિત્ર દલજીભાની આંખ સમક્ષ હાજર હતું, બે પ્રેમીઓને મિલાપ કરાવવા હવે શું કરવું એ મનમાં થનગનતું હતું.

જરા પણ વિલંબ કર્યા વગર એમને સીધું એ પ્રેમીનું સરનામું જોયું, શહેરથી આવનાર આ સંદેશ માનસિંહ નો હતો, જે થોડા સમય પહેલા નોકરી કરવા હેતુથી ગયો હતો, એની પ્રેમિકાને વચન આપ્યું હતું એ નિભાવતો હતો! દલજીભા એ એક નવું કાર્ડ કાઢ્યું ને પહેલા જ એકદમ સાચા સરનામું માનસિંહનું લખ્યું એ પણ એકદમ ચીવટાઈ સભર, કદાચ કોઈ ભૂલના થઇ બેસે! અને સાથે માનસિંહ ની એક નાનકડી ભૂલ જે દર વખત થતી હતી એ પીનકોડને કારણ થતી હતી, ત્રણની જગ્યા એ સાત લખાઈ જતું એ પણ એમાં કંડારી દીધી.આ આંકડાની જાળમાં મંજરી અને માનસિંહ બંનેના આધાર અધૂરા રહી જતા હતા જે દલજીભા હવે એક નિસ્વાર્થ બનીને અખંડ કરી રહ્યા હતા!