ગુલામ – 15
લેખક – મેર મેહુલ
( લોકડાઉનની મુસીબત – 2 )
અભય સાથે અન્યાય થયો હતો. પોતે ભૂલ નહોતી કરી એની સજા તેને મળી હતી. પોતાનાં પિતા પાસેથી એવા કડવા વચનો સાંભળવા મળ્યાં હતા જે માત્ર એક પુત્ર જ નહીં પણ કોઈપણ વ્યક્તિનાં આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે એવા હતાં. હંમેશાની જેમ બીજા દિવસની સવાર એવી રીતે જ ઊગી જેમ ગઈ રાત્રે કંઈ બન્યું જ ના હોય. વહેલી સવારે ભુપતભાઇએ અભયને પાણી વાળવા જવા કહ્યું, અભય કંઈ પણ બોલ્યાં વિના ઋષિ સાથે ખેતરમાં ચાલ્યો ગયો.
આ એ જ સમય હતો જે અભય પોતાની દલીલો પિતા સામે નહોતો કરી શકતો અને રહીને દોસ્તોને કહેતો હતો. નાકું વાળીને અભય નીચે બેઠો. ઋષિ પણ સમજીને અભયને એવી કોઈ વાત નહોતો કહેતો જે તેનાં પિતાની યાદ અપાવે.
“મારાં બાપાનું શું કરવું એ જ નથી સમજાતું” અભયે શરૂઆત કરી, “હું ગમે એટલી કોશિશ કરું તો પણ મને જ વાંકમાં ગણે છે, હુય માણસ જ છું અને માણસોની જેમ જ રહું છું તો પણ બાપાને મારી પાસેથી શું જોતું છે એ જ નથી સમાજાતું”
“તું ચોવીશ કલાક તારાં બાપાની નજર સામે રહે છે એટલે જ આ બધું થાય છે, જ્યારે તું નોકરી લઈ લઈશ અને માત્ર દિવસમાં બે-ત્રણ કલાક બાપા સામે રહીશ ત્યારે તેઓ કશું જ નહી બોલે” ઋષિએ અભયને સમજાવતાં કહ્યું.
“મારેય નોકરી કરવી છે, સરકારી નોકરીની તૈયારી પણ કરી જ હતી. હવે નસીબમાં જ ભમરો છે તો હું શું કરું ?, અત્યારે કોરોનાંને લીધે બધાં ધંધા ઠપ થઈ ગયાં છે તો મારાં બાપાને સમજવું જોઈએને ?” અભયે ગળગળા અવાજે કહ્યું , “મને ફોન ઘુમડવા નથી દેતાં, મોડી રાત સુધી જાગવા નથી દેતાં, દોસ્તો સાથે વાતો નથી કરવા દેતાં. ટૂંકમાં અત્યારે એ જે જિંદગી જીવે એ જ પિસ્તાલીસ વર્ષનાં માણસની જિંદગી જીવવા મને કહે છે. હું કેમ જીવી શકું ?”
“તેઓ કંઈક બોલતાં હશે તો સારાં માટે જ બોલતાં હશેને !!”
“હું એ વાત સ્વીકારું છું. મારાં બાપા મારાં સારા માટે જ કહેતાં હશે. ભૂતકાળમાં તેઓએ જે ભૂલ કરી છે એ ભૂલ હું અત્યારે ના કરું એવું જ ઇચ્છતાં હશે પણ એક વાત તો સમજ. તેઓએ જ્યારે મારી ઉંમરના હતાં ત્યારે રાત્રે ત્રણ ત્રણ વાગ્યાં સુધી નવરાત્રીમાં ગરબા રમવા જતાં, લગ્ન પહેલાં કોઈ છોકરી સાથે તેઓનાં સંબંધ હતાં એવું મારાં મોટા બાપુની દીકરીએ કહ્યું હતું. તેઓને ઘરે બધાં મારવા પણ આવ્યાં હતાં અને મોટા બાપુએ તેઓને બચાવેલા. હું એમ નથી કહેતો કે તેઓએ કંઈ ખોટું કર્યું હતું. તેઓની ઉંમર હતી ત્યારે એ મુજબ તેઓએ જિંદગી જીવી જ છે તો મને કેમ નથી જીવવા દેતાં.
હું કોઈ ભૂલ ના કરું એટલે મને વાતવાતમાં રોક્યા કરે છે. પણ તેઓ એમ કેમ નથી સમજતાં કે હું કોઈ ભૂલ કરીશ તો મને શીખવા મળશે. અને એવી કોઈ ભૂલતો હું કરતો નથી. મેં કોઈ દિવસ જુગાર નથી રમ્યો, નથી કોઈ છોકરીની છેડતી કરી કે કોઈની જોડે ઝઘડો કરીને ઘરે નથી આવ્યો તો હું જે નથી કરતો એનાં માટે કેમ મને દબાવીને રાખે છે”
“તારે આ બધી વાતો તારાં બાપાને સમજાવવાની જરૂર છે ભાઈ” ઋષિએ કહ્યું.
“તને શું લાગે !, મેં કોશિશ નહિ કરી હોય ?” અભયે કહ્યું, “ હું જ્યારે પણ કંઈ બોલવાનો પ્રયાસ કરું એટલે ‘એટલો મોટો થઈ ગયો કે બાપાને સમજાવે છે’ એમ કહીને મારી બોલતી બંધ કરી દે છે, હવે તો કોશિશ કરવાનું પણ મન નથી થતું”
“બધું ઠીક થઈ જશે ભાઈ” ઋષિએ ધરપત આપી, “લોકડાઉન પૂરું થાય પછી હું તારી નોકરીની વાત કરીશ, થોડાં દિવસ પાપાથી દૂર રહીશ એટલે બધું બરાબર થઈ જશે”
અભયે મોબાઈલમાં સમય જોયો. બીજું નાકું વાળવાનો સમય થઇ ગયો હતો એટલે અભયે ઉભા થઈને નાકું ફેરવ્યું.
સાડા આઠ થયાં એટલે અભયનાં બા શિરામણ લઈને આવ્યાં. અભયે અને ઋષિએ શિરામણ કર્યું અને ફરી કામ પર લાગી ગયાં.
*
સમય પસાર થતો રહ્યો. અભયની જિંદગી એવાં પાટે ચડી ગઈ હતી જેમાં કોઈ પાટો બદલવાનો ટ્રેક નહોતો. એકદમ સીધી અને સપાટી લાઈનમાં એનું જીવન વીતવા વાગ્યું. સવારે ઉઠીને ખેતરે જવાનું, સાંજે ખેતરેથી આવીને સુઈ જવાનું અને ફરી સવારે ઉઠીને એ જ કરવાનું. ઉપરથી તેનાં પિતાનું ટોર્ચર સહન કરવાનું એ જુદું હતું.
ઘણીવાર અભય વિચારે ચડી જતો,
‘પોતે જ પોતાની જિંદગી બગાડી છે. જો શરૂઆતથી જ બાપાને જવાબ આપવાનું રાખ્યું હોત તો અત્યારે દબાણમાં ના જીવવું પડેત. જો પહેલીથી પોતાનું ધાર્યું કર્યું હોત તો અત્યારે આછી-પાતળી સરકારી નોકરી મળી ગઈ હોત અથવા સન્માન મળે એવી પ્રાઇવેટ નોકરી હોત. જો સમયને સમજીને બાપાની વાતને મગજમાં ના લીધી હોત તો અત્યારે જે સહન કરવું પડે છે એ સહન ના કરવું પડેત’
આ જો અને તોની વચ્ચે જ લોકડાઉનનો સમય નીકળી ગયો. રોજ સવારે થાકેલાં અને હારેલાં માણસની જેમ એ ખેતરે જતો અને એ જ સ્થિતિમાં પરત ફરતો. પોતાની જિંદગીથી તેને નફરત થઈ ગઈ હતી. બીજા દોસ્તોનાં પિતા એનાં દીકરાને સમજી શકતાં અને પોતાનાં પિતા નહોતાં સમજતાં એ વાતનું તેને દુઃખ થતું પણ એ કંઈ કરી શકતો નહોતો એ વાત જાણી એ પોતાનાં દુઃખને હવામાં ઓસારી દેતો.
આમ તો અભય જિજ્ઞાસુ અને ખંતથી કામ કરનાર છોકરો હતો. ખેતરમાં પણ ગમે તે કામ સોંપવામાં આવે એ પુરી મહેનતથી કરતો પણ તેનાં પિતા એનાં કામને ગણતાં નહિ અને વધુને વધુ કામ કરાવવાની નીતિ અપનાવતાં એટલે અભયને પોતાનાં પરિવાર સાથે રહેવામાં તકલીફ થવા લાગી હતી.
‘પોતનાં કહીને પારકાઓ જેવું વર્તન કરે છે,
દુનિયા આ રમત હવે મારો પરિવાર પણ રમે છે’
અભયે ડાયરીમાં આ બે લાઇન ટપકાવી હતી. પોતે દુનિયાનો સૌથી બદનીસબ છોકરો છે જે પોતાનાં પિતાને ખુશ નથી રાખી શકતો એમ વિચારી અભય પોતાને જ કોસતો હતો. બાળપણથી પોતાનાં માતા-પિતા જ તેનાં માટે સર્વસ્વ રહ્યાં હતા અને હજી હતાં જ. પણ ઉંમરે અને સમયે અભયને એવી થપાટ મારી હતી જેને કદાચ અભય તો શું દુનિયાનો કોઈ માણસ જીરવી શકે એમ નહોતો.
ધીમે ધીમે કોરોનાનો ડર લોકોમાંથી ઓછો થવા લાગ્યો. લોકડાઉન -3 પછીનાં સમયે લોકો માટે રાહતનાં સમાચાર આપ્યાં હતાં. કોરોનાનાં કેસ તો વધી જ રહ્યાં હતાં પણ શરૂઆતમાં કોરોનાને કારણે માણસનું મૃત્યુ જ થાય છે એ વહેમ હવે લોકોમાંથી નીકળી ગયો હતો. રોજ જેટલાં કેસ આવતાં તેનાથી વધુ લોકો સાજા થઈને ઘરે જતાં હતાં.
ધીમે ધીમે સરકાર બંધ કરેલા ધંધા અને રોજગારી ફરી જીવંત કરવા લાગી હતી. અભયે પણ તેનો લાભ ઉઠાવી, ગમે એ કામ મળે ત્યાં લાગી જવું એમ વિચારીને કામની શોધમાં લાગી ગયો. આખરે ઉમરાળા પાસે સાબુનાં કારખાનામાં મજૂરોની જરૂરત હોવાથી તરપાળાનાં થોડા છોકરાં ત્યાં કામે જતાં હોવાથી અભય પણ ત્યાં કામે જવા લાગ્યો.
તેને મન, પોતે પિતાથી દૂર રહેશે તો આઝાદ રહી શકે એવી ધારણા બાંધીને એ ગયો હતો અને એની ધારણા સાચી પણ ઠરી હતી. જ્યારથી તેને કામ પર જવાનું શરૂ કર્યું હતું ત્યારથી તેનાં પિતાનું વર્તન અચાનક બદલાય ગયું હતું જે અભય માટે રાહતનાં સમાચાર હતાં.
(ક્રમશઃ)