ગુલામ – 14
લેખક – મેર મેહુલ
( લોકડાઉનની મુસીબત – 1 )
માર્ચ, 2020
અભયે સરકારી નોકરી લેવાની ગાંઠ મનમાં બાંધી લીધી હતી. હવે સરકારી નોકરી પછી જ પિતાની ગુલામીમાંથી છૂટી શકે એવું અભયે સ્વીકારી લીધું હતું. તૈયારી માટે અભયે વ્યવસ્થિત વ્યૂહરચના બનાવી હતી. તેનો એક દોસ્ત 2018ની કંડક્ટરની ભરતીમાં પાસ થઈ ગયો હતો એની પાસેથી માર્ગદર્શન મેળવીને ભાડા અને લગેજનાં દાખલા શીખી લીધાં હતાં. ધોરણ – 9/10 ની ગુજરાતી તથા સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકો લાવીને વાંચી લીધાં હતાં તથા ગુજરાતનું કરન્ટ અફેર પણ તૈયાર કરી લીધું હતું.
અભયને ધોરણ – 10 તથા 12માં સારા એવા ટકા આવ્યાં હતાં અને કોલેજમાં પણ તે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો હતો. કંડક્ટરની પરીક્ષાનું મેરીટ આ ત્રણ ધોરણની ટકાવારીને ધ્યાનમાં રાખીને નક્કી થતું એટલે અભય આ ભરતીમાં પાસ થઈ જાય તેની શક્યતાં વધુ હતી. માર્ચમાં ધોરણ -10 અને 12ની બોર્ડની પરીક્ષા પુરી થયાં પછી કંડક્ટરની પરીક્ષા આવવાની ધારણાઓ બંધાતી હતી.
કમનસીબે કોરોના મહામારીને કારણે માર્ચમાં જ લોકડાઉન થઈ ગયું અને અભયની મહેનત પર પાણી ફરી વળ્યું. ફરી એકવાર જીવંત થયેલી આશા ઓસરી ગઈ. લોકડાઉનનાં કારણે અભય પાસે હવે ખેતીમાં કામ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો.
અભયે પણ સમજીને વાંચવાનું સાઈડમાં રાખીને પિતાને ખેતીમાં મદદ કરવાનું મુનાસિફ સમજ્યું. એ સમયે બધાં જ ધંધા ઠપ થઈ ગયાં હતાં પણ ખેતીમાં તેજી આવી હતી. ચોવીસ કલાક એસીમાં રહેવાવાળા લોકો કાળા તડકામાં ખેતરમાં કામ કરવા લાગ્યાં હતાં. શહેરનાં લોકોએ પોતાનાં વતન જવા હોડ મચાવી હતી. કોઈ દુધનાં ટેન્કરમાં છુપાઈને આવતું હતું તો કોઈ એમ્બ્યુલન્સમાં છુપાઈને. બે વ્યક્તિ એ સુરતથી તળાજા આવવા માટે મોટરસાયકલ પર જારનાં પુળા નાંખ્યા અને ચૅક પોસ્ટ પર રોકે ત્યાં આગળનાં ખેતરે જવું એવું બહાનું બતાવીને છેક તળાજા પહોંચી ગયાં હતાં. અભયનો દોસ્ત ઋષિ ભાવનગરમાં રૂમ રાખીને રહેતો હતો. લોકડાઉનને કારણે બધી રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ એટલે જમવાનાં ફાંફા પડ્યાં તેથી અભયનાં ઘરે આવી ગયો.
અભયનો પૂરો પરિવાર સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરવામાં જ પસાર કરતો. એ સમયે ખેતર ખાલી થયાં હતાં અને નવા પાકની સિઝન હતી એટલે ખેતીમાં માણસોની તાતી જરૂર હતી. અહીં પણ ભુપતભાઇ પોતાનાં વર્તન અનુસાર બધાને વાત વાતમાં ટોક્યા કરતાં, પરિણામે અભયને તેઓનાં તરફ ચીડ થઈ ગઈ હતી.
લોકડાઉનને કારણે પબજી ગેમમાં તેજી આવી હતી. કોઈ દિવસ એ ગેમ ન રમેલાં છોકરાંઓ ગેમ ઇન્સ્ટોલ કરીને પૂરો દિવસ ફોનમાં વ્યસ્ત રહેવા લાગ્યાં હતાં. આ વળગણ અભયને પણ થયું હતું. એ પૂરો દિવસ ખેતીમાં કામ કરતો અને સાંજે ઘરે આવીને મોડી રાત સુધી દોસ્તો સાથે ગેમ રમતો. અભય મોબાઈલ ઘૂમડતો એ ભુપતભાઇને પહેલેથી જ પસંદ નહોતું, પરિણામે અઠવાડિયામાં બે વાર આ બાબતે અભયને તેઓની પાસેથી કડવા શબ્દો સાંભળવા પડતાં.
‘મારાં બાપા પાસે ફોન હતો ત્યારે એ મોડી રાત સુધી તિનપત્તિ રમતાં અને વહેલી સવારે જાગીને પણ તિનપત્તિ શરૂ કરી દેતાં’ એવું બોલીને એ દોસ્તો સાથે રોજ ગેમ રમવા ચાલ્યો જતો. ઘણીવાર ભુપતભાઇ અભયની પાછળ તેને બોલાવવા પણ આવતાં, બે દિવસ પિતાની આજ્ઞાનું પાલન કરીને ત્રીજા દિવસે અભય જેવો હતો એવો થઈ જતો.
એક દિવસની વાત છે, અભય તેનાં દોસ્ત સાથે અગાસી પર બેઠો હતો. રાતનાં સાડા નવ થયાં હતાં. બંને પાળી પર બેસીને વાતો કરી રહ્યાં હતાં. એટલામાં અભયનો ફોન રણક્યો. ફોન તેની કોલેજ ફ્રેન્ડનો હતો. અભયને કોઈ છોકરીઓનાં ફોન આવતાં જ નહીં અને આવતાં તો પણ હાલચાલ પુછવા માટે કોલજની ફ્રેન્ડ અથવા બારમમાં સાથે ભણતી છોકરીઓનાં આવતાં. અભયે ફોન રિસીવ કર્યો અને ફોર્મલ વાતો શરૂ થઈ.
પાંચ મિનિટ વાતો થઈ હશે ત્યાં તેનાં પિતા આવી ચડ્યા અને અદબવાળીને અભય સામે ઊભાં રહી ગયાં. પિતાને જોઈને અભય એકદમથી ગભરાઈ ગયો. જો કે અભય કંઈ ખોટું નહોતું કરતો પણ તેનાં પિતા ગલત વિચારશે એ અભયને ખબર જ હતી. અભયે ફોન તેનાં પિતા તરફ લંબાવ્યો અને કહ્યું, “બેન જ માનું છું બાપા, તમારે વાત કરવી હોય તો કરી લો”
ભુપતભાઇએ ફોન હાથમાં લીધો અને લાલ બટન પર આંગળી રાખી દીધી. ત્યારબાદ વેધક નજરે અભય સામે જોઈ રહ્યાં. તેઓની આંખમાં આગ વરસતી હતી, જેનો તાપ અભય જીરવી નહોતો શકતો. તેઓની આંખોનાં ડોળા બહાર આવી જવા તત્પર થઈ રહ્યાં હતાં, ચહેરા પર સપાટ ભાવ હતાં, એક જ સેકેન્ડમાં અભયને આંખોથી ચીરી નાંખશે, ભુપતભાઇ એવી સ્થિતિમાં આવી ગયાં હતાં. બંને વચ્ચે આંખોથી જ વાર્તાલાપ થતો હતો એ જ સમયે અભયનાં બા સગુણાબેન ઉપર આવી ગયાં અને ભુપતભાઇ શરૂ થઈ ગયાં.
“તમે આ બધું કરવા જ મોડે હુધી જાગો છો, નાક વાઢી વાઢીને કીધું કે હુઈ જાવ હુઈ જાવ પણ નોળીયાનું નાક ગમે એટલીવાર વાઢો ઇ નો સુધરે. છોકરીયું વાંહે એવા તો હૂ ગાંડા થઈ ગયાં છો”
“પણ બાપા બેન માનું છું એને, તમે વાતને ક્યાં લઈ જાવ છો” અભય તેનાં પિતાને સમજાવવાની કોશિશ કરતો હતો, “તમારે વાત કરવી હોય તો કરી લો એકવાર”
“મારી હૂ વાત કરવી, તારે બધી બેનું જ હોય છે. જો તો મારાં માથે ચોટલી દેખાય છે તને, બાપાને ઉલ્લુ બનાવવાનું બંધ કર હવે” ભુપતભાઇએ બરાડા પાડવાનું શરૂ કરી દીધું. ઉનાળાનો સમય હતો એટલે બધાં પાડોશી અગાસી પર જ સૂતાં. ભુપતભાઇનો અવાજ સાંભળીને બધાંએ વાતો સાંભળવા કાન સરવા કર્યા. સગુણાબેન આ બધું જોઈને વચ્ચે કુદ્યા, “તમારે જે કેવું હોય ઇ હેઠે આવીને ક્યો. આયા આજુબાજુવાળા બધાં હાંભળે છે”
સગુણાબેનની વાત સાંભળીને ભુપતભાઇ વધુ ચક્યા, “હાંભળવા દે ને, ઇ બધાનેય ખબર પડેને કે આપણો રાજકુંવર ક્યાં ક્યાં મોઢા મારે છે. આને નાક-કાન જેવું કંઈ છે જ નય, નકટો છે હાવ. એને હજી કવ છું કે ગમે ઇ નોકરી લઈ લે, ઠેકાણે પડી જા પછી અમને મારી નાંખવા હોય તો મારી નાંખજે પણ આ ડોબા જેવાને ભાન જ નથી”
ભુપતભાઇનો ગુસ્સો ચરમસીમા પર હતો. અત્યારે એ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતાં. જે વચ્ચે પડે તેની સાથે પણ ઝઘડો કરવા લાગતાં હતાં. અભય ધ્રુસકે ધ્રુસકે રડતો હતો.
“તું નીચે જા” સગુણાબેને અભયને ઉદ્દેશીને કહ્યું. અભય ઉભો થઈને દાદરો ઉતરી ગયો.
“નાનો નથી હવે ઇ. શું બોલવું, શું નો બોલવું એનું ધ્યાન રાખો હવે” સગુણાબેને પોતાનાં પતિને સમજાવવાનો નાહક પ્રયાસ કર્યો.
“હવે કાંઇ નય કવ એને, મારું જે થાવું હોય ઇ થાય. એને જે કરવું હોય ઇ કરે પણ હું એને કાય નય કવ” ભુપતભાઇએ પોતાની પત્ની પર શબ્દોનો વાર કર્યો, “હવે તું એની ફરિયાદ લઈને નો આવતી, આવીને તો તારાં ટાંટિયાં ભાંગી નાંખીશ”
“ઇ બોલે છે કે બેન માને છે તોય તમે એને એવો કેમ હમજો છો ?” સગુણાબેને અભયનો પક્ષ લેતાં કહ્યું.
“બેન બેન બોલીને ભાણીયા આપે એવો છે” ભુપતભાઇએ આખરે મનમાં રહેલી વાત બહાર કાઢી, “તું એને રામ નો હમજતી, કાનુડો થઈને ફરે છે તારો છોકરો !!”
“ઇ જે હોય ઇ, હવે હેઠા હાલો. બધાં જોવે છે” કહેતાં સગુણાબેન નીચે ઉતરી ગયાં. ભુપતભાઇ પણ ધુંઆપુંઆ થઈને નીચે આવી ગયાં.
અભય ખૂણામાં બેસીને રડતો હતો, સગુણાબેન તેની નજીક આવ્યાં અને માથાં પર હાથ ફેરવીને કહ્યું, “તારાં બાપાનું ખોટું નો લગાડતો, બીજાનો ગુસ્સો તારાં ઉપર ઉતાર્યો છે”
‘હું કંઈ મશીન છું ?, મનમાં આવે ત્યારે હાંકી નાંખવાનો અને બીજાં દિવસે હતાને એવા થઈ જવાનું. માણસ છું હું, મારી પાસે પણ દિલ છે, મને પણ મારી ઈજ્જત વ્હાલી છે’ અભય મનમાં તેનાં પિતા સાથે વાતો કરતો કરતો રડતો જતો હતો. થોડીવાર પછી ઋષિ આવ્યો, તેણે સગુણાબેનને જવા ઈશારો કર્યો અને અભય પાસે આવીને બેસી ગયો. અભય જ્યાં સુધી રડતો રહ્યો ત્યાં સુધી ઋષિ ચુપચાપ બાજુમાં બેસી રહ્યો. અભય શાંત થયો એટલે તે એક ગ્લાસ પાણી ભરી આવ્યો અને અભયને આપ્યું. અભયે પાણીનો કોગળો કરીને મોઢું ધોયું અને ચુપચાપ જઈને સુઈ ગયો.
(ક્રમશઃ)