ગુલામ – 8 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ગુલામ – 8

ગુલામ – 8

( ટ્રીપનું આયોજન)

શ્રીમંત પતી ગયું હતું, જન્માષ્ટમીનો ઉત્સવ પણ ઉજવાય ગયો હતો. બંને પ્રસંગો અભય માટે શોકસભા જેવાં રહ્યાં હતાં. અભય બે દિવસમાં એક શબ્દ પણ નહોતો બોલ્યો. જે કામ ચીંધવામાં આવે એ કામ ચૂપચાપ કર્યા કરતો. બીજી તરફ ભુપતભાઇ શ્રીમંતનાં દિવસે અભય સાથે એવી રીતે વર્તન કરતાં હતાં જાણે તેણે અભયને કંઈ કહ્યું જ ના હોય. જરૂર પડે એટલે અભયને કામ માટે બોલાવવો, ભાભીને થપાટ મારવાની રસમમાં પરાણે મોકલવો, શ્રીમંત પૂરું થયાં પછી વાસણની ગણતરીમાં લિસ્ટ આપવું વગેરે કામ પ્રેમથી કહીને કરાવતાં હતાં.

જન્માષ્ટમીમાં પણ અભય પૂરો દિવસ બહાર રહ્યો અને રાત્રે બર વાગ્યે ઘરે આવ્યો તો પણ તેઓએ કંઈ ના કહ્યું. અભય જાણતો હતો, પોતાને ખીજાય પછી એક અઠવાડિયા માટે તેનાં પિતા ખૂબ સારું વર્તન કરશે અને પછી હતુંને એ.

જન્માષ્ટમી પુરી થયાને ચોથા દિવસે ઉદયે એક મિટિંગ બોલાવી હતી. અભય ઘરે વહેલો પહોંચી શકે એ માટે મિટિંગ સાત વાગ્યામાં બોલાવવામાં આવી હતી. અભયને એનાં પિતા ખિજાણાં એ વાત પ્રતાપગઢ સાથે તરપાળામાં પણ પવનવેગે ફેલાઇ ગઈ હતી. ઉદયનાં કાને પણ આ વાત પડી જ ગઈ હતી પણ ઉદય યોગ્ય સમયની રાહ જોતો હતો એટલે એ અજાણ બનતો હતો. બધાં મિત્રો સાત વાગ્યાં એટલે નદી કાંઠેની ખંડેર ઓરડીનાં ઓટલે ભેગાં થઈ ગયાં.

“જન્માષ્ટમીનો હિસાબ થઈ ગયો છે” ઉદયનાં ચહેરા પર મોટું સ્મિત હતું, “આ વખતે ધાર્યું એનાં કરતાં વધુ ફાળો વધ્યો છે”

“કેટલો વધ્યો ?” જીગાએ પૂછ્યું, “પાંચ-છ હજાર વધ્યા છે ?”

“બાર હજાર ફાળાનાં વધ્યા અને મૂર્તિ પાસે દાનપેટી રાખી હતી એમાંથી ચારેક હજાર નીકળ્યાં છે, કુલ સોળ હજાર વધ્યા છે” રાજદીપે કૂદીને કહ્યું.

“હેં…” બધાનાં મોઢા ફાટયા રહ્યાં, “આટલાં બધાં વધ્યા ?”

“આ વખતે સુરતવાળા પટેલ કાકાએ હામેથી ફોન કરીને પાંચ હજાર લખાવ્યા હતાં” ઉદયે ચોખવટ પાડી, “એની જ મહેરબાની છે”

“હાલો હાલો તો ક્યાંય ટ્રીપ ગોઠવવી છે” જીગાએ ગજવામાંથી માવો કાઢતાં કહ્યું.

“નક્કી કરો બધાં” રાજદીપે કહ્યું.

“જૂનાગઢનો ડુંગરો ચડી આવીએ” તુષારે સલાહ આપી, “ચોમાસામાં આખો ડુંગરો લીલો-લીલો થઈ ગયો હશે”

“ના, આપણે ગઈ પરિક્રમામાં જ જૂનાગઢ ગયાં’તાં” કરણે તુષારની વાત કાપી નાંખી.

“તો પછી દ્વારકા જઈ આવીએ” સંદીપે કહ્યું, “ન્યા તો કોઈ દિવસ નથી ગયાં આપણે”

“દ્વારકામાં મંદિર શિવાય કાંઈ નથી” જીગાએ કહ્યું, “હું બે વરહ પેલાં જ જઈ આવ્યો”

“દિવ કેમ રેશે ?” જીગો ચમક્યો, “જેને પીવું હોય એને પીવાનું અને જેને ફરવું હોય એને ફરવાનું”

“વિચાર તો તારો હારો છે પણ ઘરેથી ના પાડે એનું હૂ ?” રાજદીપે કહ્યું.

“ઘરે થોડું હાચુ કેવાનું હોય, બધાં સોમનાથ જાવી છવી એમ કેશુંને !” જીગાએ માવો ચોળતાં ચોળતાં કહ્યું.

“હવારે છ વાગ્યે મહુવા વાળી ટ્રેન આવે જ છે. સોમનાથ જવા હાટુ ઢસા તો જવું જ પડશે. આપણે સીધાં મહુવા વયાં જાહુ અને ન્યાથી બસમાં. ઘરેય કોઈને ખબર નય પડે” સંદીપે પ્લાન બતાવ્યો.

“તો પરમ દિવસે હવારે જ નીકળી જાહુ” જીગાએ કહ્યું અને મોઢામાં માવો ચડાવ્યો.

આ બધાં ચર્ચા કરી રહ્યાં હતાં એમાં બે વ્યક્તિ ગુમસુમ બેઠાં હતાં, કહેવાની જરૂર નથી એ બંને અભય અને ઉદય હતાં.

“ઉદય તું તો કાંઇક બોલ” સંદીપે ઉદયનાં ખભા પર મુક્કો મારીને કહ્યું.

“એમાં હૂ બોલવાનું હોય, નક્કી કરો આપણે તૈયાર જ છવી” ઉદયે કહ્યું.

“અને આનું ?” જીગાએ અભય તરફ ઈશારો કરીને પુછ્યું.

“બોલ ભાઈ, તારે કાંઈ વાંધો નથીને ?” ઉદયે અભયને રંગમાં લાવવા માટે ઉત્સાહીત અવાજે પુછ્યું.

“તમે લોકો જઈ આવો” અભયે ગંભીર અવાજે કહ્યું, “હું નય આવી શકું”

“તારાં બાપા ખિજાણાં એમાં હૂ મોઢું ફુલાવીને બેઠો છે, તું નો આવતો હોય તો અમેય નથી જાતાં. બંધ કરો ભાઈ બધું” કહેતાં ઉદય ગુસ્સામાં ઉભો થઈ ગયો.

“હાલને ભાઈ, આવું હૂ કરે છો” કરણે અભય તરફ જોઈને આજીજી કરી.

“મારે આવવું જ છે પણ મારાં બાપા નય આવવા દે” અભયે ન જવાનું કારણ વ્યક્ત કર્યું.

“પણ એને સોમનાથ જાવી એમ કેવાનું છે ને .!!” તુષારે કહ્યું.

“ન્યાય નય આવવા દે” અભયે નિઃસાસો નાંખ્યો.

“તારાં બાપાને અમે મનાવી લેવી તો કાંઈ વાંધો નથીને તને ?” ઉદયે ચપટી વગાડીને પૂછ્યું.

“હુહ…” અભયનાં મોમાંથી હુંકાર નીકળ્યો, “ઇ હા પાડશે તો ને ?”

“એની જવાબદારી મારાં ઉપર છે, તું તૈયાર થઈ જાજે બસ” ઉદયે અભયનાં ખભા પર હાથ રાખીને કહ્યું.

“હું તો તૈયાર જ છું” અભય સહેજ હસ્યો.

“તો નક્કી થયું, આપણે સાત ભાઈબંધ પરમ દિવસે હવારે ટ્રેનમાં દિવ જાવી છવી” જીગાએ માવો થુંકીને કહ્યું.

“એક એક જોડી કપડાં લઈ લેજો, નાગોઆ બીચે નાવાની બોઉ મજા આવશે” ઉદયે આંખો બંધ કરી દીધી. તેની નજર સામે બીચનો દરિયા કિનારો આવી ગયો.

“ન્યા અભયનાં બાપા ખિજાવાય નય આવે” જીગાએ હસીને કહ્યું.

જીગાની વાત સાંભળીને બધાં હસવા લાગ્યાં. અભય પણ.

“તારે વાતમાં વાતમાં મારાં બાપાને જ વચ્ચે લાવવા છે તો મારે નથી આવવું” અભયે નાટક કરતાં કહ્યું.

“તું હૂ કામ ખારો થા છો ?” જીગાએ કહ્યું, “ આ લે બીડી પી ને”

અભયે નાક પર આંગળી રાખીને ઉદય તરફ આંખનો ડોળો ફેરવીને ચૂપ રહેવા ઈશારો કર્યો.

“અભય” ઉદયે અભય તરફ નજર ફેંકી, “તું બીડી પીવા મંડયો ?”

“તે દી બાપા ખિજાણાં એટલે પીધી’તી”

“સરસ, તુય આ લોકોનાં રવાડે ચડી જા” ગુસ્સે થતાં ઉદયે કહ્યું.

“ઓ ભાઈ, અમે એને નો’તું કીધું હો, ઇ હામેથી બીડી માંગવા આવ્યો હતો” જીગાએ ઉદયને હાથ બતાવીને કહ્યું.

“ઇ જે હોય એ, હવે એને બીડી નો આપતો” ઉદયે કડક શબ્દોમાં ચેતવણી આપી.

“બે દિવસ મોજ કરવાની છે, કરી લેવા દે ને. આમય બે દી બીડી પીવાથી ટેવ નો પડી જાય” જીગાએ કહ્યું.

“એક હારે ટેવ નો પડે, અત્યારે બે દિવસ પીશે પછી પ્રસંગમાં પીવા મંડશે અને પછી ટેવ પડી જાહે” ઉદયે કહ્યું, “હવે એને હામેથી બીડી નો આપતો”

“ હા ભાઈ, નય આપું બસ. મારી ભૂલ થઈ ગઈ મારાં બાપ” બે હાથ જોડીને જીગાએ કહ્યું.

“અભય તુય હાંભળી લે, ખબરદાર જો આજ પછી બીડીને હાથ લગાવ્યો છે તો, મારાંથી મોટો દુશ્મન કોઈ નહિ થાય તારો” તર્જની આંગળી બતાવીને ચોખ્ખાં શબ્દોમાં ધમકી આપતાં ઉદયે કહ્યું.

“નય પીવ હવે” અભય માત્ર આટલું જ બોલ્યો.

“હાલ તને ઉતારી જાવ, નયતર તારાં બાપા રાડ્યું નાંખશે” ઉદયે ઊભાં થતા કહ્યું.

“હાલો તો કરો ટ્રીપની તૈયારી” જીગાએ અભયને પોતાનાં તરફ આવવા ઈશારો કરીને કહ્યું. ઉદય મોટરસાઇકલ તરફ ચાલતો થયો. ઉદયનું ધ્યાન નથી એ જોઈને અભય જીગા પાસે ગયો. જીગાએ ગજવામાંથી એક બીડી, બાકસ અને પીપરમેન્ટ કાઢીને ચુપચાપ અભયનાં હાથમાં રાખી દીધું. અભયે પણ તરત જ બંને વસ્તુ ગજવામાં સરકાવી દીધું અને મોટરસાઇકલ તરફ જઈને સવાર થઈ ગયો.

આ વખતે મોટરસાયકલ હજી પ્રતાપગઢમાં નહોતી પહોંચી ત્યાં અભયે મોટરસાયકલ ઉભી રાખવા કહ્યું.

“કેમ અહીં ઉતરવું છે ?” ઉદયે મોટરસાયકલ ઉભી રાખતાં પુછ્યું.

“તું ઘરે આવીશ તો બાપા કારણ વગર કંઈક બોલશે એટલે અહીંથી જ ચાલ્યો જાઉં છું” અભયે બહાનું બનાવીને કહ્યું.

“સારું, કાલે હું તારાં બાપા જોડે વાત કરી લઈશ. તું કંઈ ના કહેતો” ઉદયે કહ્યું.

“સારું, તું કહે એમ” અભયે કહ્યું. ઉદયે પોતાનાં ગામ તરફ મોટરસાયકલ વાળી લીધી.

ઉદયનાં ગયાં પછી અભયે આજુબાજુ નજર ફેરવી. દિવસ આથમી ગયો હતો. ખેતરમાં કામ કરાવવાવાળા બધાં લોકો પોતાનાં ઘરે ચાલ્યાં ગયાં હતાં. અભય થોડે આગળ ચાલ્યો, આગળ જતાં એક ખેતરની વાડ પુરી થતી હતી અને બીજો ખુલ્લો શેઢો પડતો હતો. અભય એ પાળો ઓળંગીને ખેતરમાં ઘુસી ગયો. ખેતરમાં ખભા સુધીનો કપાસ ઉભો હતો. અભય થોડે આગળ ચાલીને કપાસની એક હારમાં બેસી ગયો અને જીગાએ આપેલી બીડી અને બાકસ કાઢ્યું.

બીડીને બે હોઠ વચ્ચે દબાવી અભયે બીડી સળગાવી. બીડી કેવી રીતે પીવી એ જીગાએ પહેલાં જ સમજાવી દીધું હતું. અભયે થોડો ધુમાડો મોંમાં ખેંચ્યો અને બે સેકેન્ડ માટે થંભી ગયો. પછી ધીમે ધીમે ધુમાડાને હવામાં છોડ્યો. થોડીવાર પછી બીજો દમ ખેંચ્યો, આ વખતે ધુમાડો ગળા સુધી ખેંચ્યો અને હવામાં છોડ્યો. ત્રીજા દમમાં ધુમાડો પેટમાં પહોંચી ગયો. અભયે ઉધરસ ખાધી. કોઈ અવાજ સાંભળી ના જાય એટલે અભયે મોંઢા આડો હાથ રાખી દીધો. અભય હજી એક દમ ખેંચવાનું વિચારતો હતો ત્યાં કોઈનાં પગરવનો અવાજ તેનાં કાને પડ્યો. અભયે બીડીને જમીન સાથે ઘસીને બુઝાવી દીધી. ધીમે ધીમે પગલાંનો અવાજ વધતો જતો હતો. તેની સાથે અભયની ધડકન પણ વધી રહી હતી.

“અભયને આવો નો’તો ધાર્યો, મને તો એમ હતું કે ઇ આપણાં ગામનાં છોકરાં કરતાં જુદો છે” એક સ્ત્રીનો અવાજ અભયનાં કાને પડ્યો.

“બધાં છોકરાં હરખા જ હોય, બહારથી હારા હોવાનો ડોળ કરે અને અંદરથી પાપ જ ભર્યું હોય” બીજી સ્ત્રી બોલી.

“હાચુ કીધી તે”

ધીમે ધીમે અવાજ ઓછો થતો થયો. અત્યાર સુધી અભયનાં મનની સ્થિત સ્થિર હતી પણ ગામની મહિલાઓ પાસેથી પોતાનાં વિશે સાંભળીને અભય પોતાનું માનસિક સંતુલન ગુમાવવા લાગ્યો. તેનાં પિતાએ જે શબ્દો કહ્યાં હતાં એ તેનાં કાનમાં ગુંજવા લાગ્યાં. અભયનાં ચહેરાનો રંગ અચાનક બદલાવા લાગ્યો.

‘જ્યારે મગજ બેન્ડ મારી જાય ત્યારે એને શાંત કરવા વ્યસન જ કામમાં આવે છે’ જીગાએ કહેલી વાત અભયને યાદ આવી. તેણે ધૂળમાં પડેલી બીડી ઉઠાવી અને સળગાવી. એક જ શ્વાસે ઊંડો કશ ખેંચીને પાણીની જેમ ધુમાડો ગળી ગયો. અભયનાં શરીરમાંથી એક ઠંડુ, કારમું લખલખું વીજળીના કરંટની જેમ પસાર થઈ ગયું.

બીડી પીવાથી શું ફાયદો થશે એ તો અભય નહોતો જાણતો પણ અત્યારે તેનું શરીર રૂની જેમ હલકું થઈ ગયું હતી, જેમ પાણી જમીનમાં પ્રસરે એમ બીડીની અસર અભયનાં શરીરમાં પ્રસરી રહી હતી. બીડી પુરી કરી અભય ધીમે ધીમે પાળા પાસે આવ્યો. રસ્તાની બંને બાજુ નજર કરી. કોઈ હતું નહીં એટલે રસ્તા પર ચડીને ચાલવા લાગ્યો અને ગજવામાંથી જીગાએ પીપરમેન્ટ કાઢીને મોઢામાં મૂકી દીધી.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 વર્ષ પહેલા

ચંદુભાઈ પંચાલ

ચંદુભાઈ પંચાલ 3 વર્ષ પહેલા

Abc

Abc 3 વર્ષ પહેલા

Vaidehi

Vaidehi માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

nihi honey

nihi honey 3 વર્ષ પહેલા