Slave - 9 PDF free in ફિક્શન વાર્તા in Gujarati

ગુલામ – 9

ગુલામ – 9

(દિવની ટ્રીપ)

સવારનાં સાડા પાંચ થયાં હતાં. બધાં દોસ્તો ધોળા જંકશનનાં પ્લેટફોર્મ પર બેઠાં હતાં. ઉદયે ભુપતભાઇને કહીને અભયને સોમનાથ લઈ જવાની મંજૂરી લઈ લીધી હતી. પાંચ વાગ્યે ભોપાભાઈને જગાડી છકડાંમાં બેસીને બધાં પ્લેટફોર્મે પહોંચી ગયાં હતાં. રૂપિયાનો હિસાબ રાજદીપ પાસે જ હતો એટલે બધો ખર્ચો રાજદીપ દ્વારા થવાનો હતો. ક્યાં કેટલો ખર્ચો થયો એનો હિસાબ ઉદય રાખવાનો હતો. અભયનાં ના પાડવા છતાં એની બાએ વહેલી સવારે ઉઠીને થેપલાં બનાવી દીધા હતાં. બાપાએ સામે ચાલીને અભયને ખર્ચા માટે પાંચસો રૂપિયા આપ્યા હતાં.

“દિવમાં ફરવા જેવું શું છે ?” કરણે પુછ્યું.

“અમે કોલેજમાં હતાં ત્યારે હું પ્રવાસમાં ગયેલો” ઉદયે કહ્યું, “ત્યાં કિલ્લો છે, ચર્ચ છે, ઘણાંબધાં બીચ છે અને ખાસ ત્યાં દારૂની છૂટ છે”

“કોણ કોણ દારૂ પીવાનું છે ?” જીગાએ પુછ્યું. અભય અને ઉદય સિવાય બધાએ હાથ ઊંચો કર્યો.

“તમે બેય ભગત છો ?” જીગાએ મજાક કરતાં કહ્યું, “બધી બાબતમાં સુધરેલાં જ રેવાનું ?”

“અમે ક્યાં સુધરેલાં છવી !!” ઉદયે કહ્યું, “અમે દારૂ પીવાની ના પાડી છે, બિયર પીવાની નય”

“હા તો ઠીક” જીગાએ કહ્યું. પાંચને પચાસ થઈ એટલે ભાવનગરથી સુરેન્દ્રનગર તરફ જતી ટ્રેન ધોળાનાં પ્લેટફોર્મ પર આવીને હાંફતી હાંફતી ઉભી રહી. તેમાંથી મહુવા તરફ જનારા લોકો ઉતર્યા અને ધોળા-મહુવા જતી ટ્રેનમાં ચડવા લાગ્યાં. ધોળાથી ઉપડતી આ ટ્રેનમાં શરૂઆતમાં ગિરદી નાં થતી, પછી આગળ જતાં ગામડાઓમાંથી લોકો શહેર તરફ જવામાં ગાડીમાં ધક્કા-મુક્કી કરતાં. ગાડીની વ્હીસલ વાગી એટલે બધાં દોસ્તો ડબ્બામાં જઈને બેસી ગયાં.

ચાર કલાકમાં ટ્રેન મહુવાનાં પ્લેટફોર્મમાં આવીને ઉભી રહી. બધાં દોસ્તો ઉતરીને મહુવા બસ સ્ટેન્ડમાં પહોંચ્યા. સદનસીબે દસ મિનિટમાં ભાવનગર-ઉનાની બસ મળી ગઈ. અઢી કલાકમાં બધાં ઉના પહોંચી ગયાં અને પોણી કલાકમાં ઉનાથી દિવ. એક રેસ્ટરોન્ટમાં જમીને ત્રણ વાગ્યાં સુધીમાં બધાએ ‘ઉમા શક્તિ’ હોટેલમાં ચૅક-ઇન કરી લીધું. અભયે પહેલેથી જ બે રૂમ બુક કરાવી દીધાં હતાં એટલે હોટલ બુકિંગની સમસ્યા દૂર થઈ ગઈ હતી.

એક કલાકનો આરામ કરી, ફ્રેશ થઈને બધાં બજારમાં ફરવા નીકળ્યાં. પહેલાં ચાઈના બજારમાં થોડી ખરીદી કરી ત્યારબાદ સામેનાં દરિયા કિનારે બિંબ પર બનાવેલી ગેલેરી જેવાં ભાગમાં ઊભાં રહીને ફોટા પાડ્યા.

“અંધારું થાય એટલે બધાં અહીં પણ દારૂ પી શકે છે” ઉદયે જાણકારી આપતાં કહ્યું.

“તો હાલો, કોની વાર છે હવે ?” જીગાએ કહ્યું. સાંજનાં છ થયાં હતાં. દિવસ આથમવામાં હજી અડધી કલાકની વાર હતી. રાજદીપ અને જીગો જઈને દિપક બારમાંથી સાત બિયર બોટલ અને એક મેજિક મોમેન્ટની બોટલ લઈ આવ્યાં, સાથે થોડી તીખી મગફળી, વેફર્સ, મીઠું, ગ્લાસ, સ્પ્રાઈટ અને કિન્ડલીની બોટલ પણ લઈ આવ્યાં. અંધારું થયું એટલે ટોળું વળીને બધાં બેસી ગયાં. ફરવા અને ફોટો પાડવા આવેલાં લોકો હવે જતાં રહ્યાં હતાં. ગેલેરીમાં માત્ર સાત દોસ્તો જ હતાં.

“બિયર કોઈ દિવસ પીધું છે ?” જીગાએ ઉદય સામે જોઇને પુછ્યું.

“હોસ્ટેલમાં એકવાર પીધું હતું” ઉદયે કહ્યું.

“કેવી રીતે પીવાનું ઇ તો ખબર છે ને” જીગો બોલ્યો, “પાણીની જેમ નો પી જાતો નયતર ઉલ્ટી થાહે”

ચખનો ખોલીને સામે રાખવામાં આવ્યો. જીગાએ બિયરની બોટલ ખોલી, વેફરનો એક ટુકડો મોંમાં રાખ્યો અને બિયરનો એક ઘૂંટડો પેટમાં ઠાલવ્યો.પછી મીઠાંમાં આંગળી બોળી અને જીભ લગાવ્યું. ત્યારબાદ બીડી કાઢીને બે દમ માર્યા.

“કેવું લાગ્યું ?” કરણે પુછ્યું.

“કડક છે” જીગાએ કહ્યું, “તમે કોની વાટ જુવો છો, શરૂ કરો”

બધાએ જીગાનું અનુસરણ કર્યું. કરણે એક ઘૂંટડો પેટમાં ઠાલવ્યો એટલે ‘ઉપપ…’ કરતો ઉભો થઇ ગયો અને બાજુમાં જઈને ઉલ્ટી કરી.

“આનું તો પેલાં ઘૂંટડે જ પૂરું થઈ ગયું” જીગો હસીને બોલ્યો.

તુષાર ઉભો થઈને કરણ પાસે ગયો. કરણને મીઠું અને પાણીની બોટલ આપી. કરણે કોગળો કરીને જીભ પર મીઠું લગાવ્યું.

“બસમાં રોદા ખાય ખાયને આ બધું થાય છે” કરણે પાછા આવીને કહ્યું.

“હમજી ગયો ભાઈ” જીગાએ હસતાં હસતાં કહ્યું, “હવે નો પીતો તું”

ત્યારબાદ વારાફરતી બધાં બાઇટિંગ લઈને એક એક ઘૂંટ પીવા લાગ્યા. અડધી કલાકમાં છ બોટલ બાજુમાં પડી હતી, ચાર બીડીનાં ઠૂંઠા ભેગા થયાં હતાં.

“હવે બિયર પીવું છે કોઈને ?” જીગાએ પુછ્યું. અભયે હાથ ઊંચો કર્યો.

“તને ચડી તો નથી ગયુને ?” સંદીપે પુછ્યું.

“બિયર થોડું ચડે” અભયે કહ્યું, “પીવાની ઈચ્છા છે મને”

“આપો ભાઈ, કરણની બોટલ આપો આને” રાજદીપે બોટલ તરફ ઈશારો કરીને કહ્યું. દસ મિનિટમાં અભય પુરી બોટલ ગટકાવી ગયો.

“આ કેટલાં છે ભાઈ ?” જીગાએ ચાર આંગળી ઊંચી કરીને પુછ્યું.

“ચાર !” અભયે કહ્યું, “મને ચડી નથી ગયું હો”

“હું તો તપાસતો હતો” જીગાએ હસીને કહ્યું.

“હવે તમે બેય ઉભા થાવ હાલો, અમારે દારૂ પીવો છે” જીગાએ ઉદય અને અભયને ઈશારો કરીને કહ્યું.

“બેઠવા દે ને !!!, તમે તમારી રીતે પીવા મંડો. અમે જોશું” ઉદયે કહ્યું.

“જેવી તમારી મરજી” કહેતાં જીગાએ બોટલ ખોલીને 25% ગ્લાસ દારુ ભર્યો. ત્યાર પછી બાકીનું 60% પાણી રેડીને પેગ બનાવ્યો. પૂર્વવત બિયરની જેમ બાઇટિંગનો ટુકડો મોઢામાં રાખીને એક સિપ લઈ દારૂ પેટમાં ઠાલવ્યો અને આંખો મિચકારી. અભય આ બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો.

“મનેય એક પેગ બનાવી દે ને” અચાનક અભયે કહ્યું.

“બે…, તને ચડી ગયું કે શું ?” ઉદયે ચોંકીને પુછ્યું.

“કાંઈ ચડ્યું નથી મને” અભયે કહ્યું, “પીવું છે મારે”

ઉદય ચૂપ થઈ ગયો. જીગાએ બીજો પેગ બનાવ્યો. અભયે પણ જીગાની જેમ એક સિપ પેટમાં ઠાલવી. દારૂ પેટમાં ગયો એટલે આપોઆપ અભયની આંખો મીંચાઈ ગઈ. તેને દારૂનો સ્વાદ કડવો પણ ના લાગ્યો અને મીઠો પણ નહિ. પેટમાં ગરમ પાણી ગયું હોય અને અંદરના અંગોમાં મહેસુસ થાય એવું અભયને મહેસુસ થયું. અભયે તરત જ મીઠું ચાખી લીધું અને બીજી જ ક્ષણે એક સાથે બે ઘૂંટ દારૂ પેટમાં ઠાલવી દિધો.

“ધીમે ધીમે ભાઈ” ઉદયે કહ્યું, “પાણી નથી આ”

“મને કાંઈ નથી થયું, પીવા દે મને” અભયે કહ્યું. જીગાએ ઉદય સાથે આંખો મેળવીને ચૂપ રહેવા ઈશારો કર્યો. જોતજોતામાં અભયે પૂરો ગ્લાસ ખતમ કરી દીધો. ત્યારબાદ જીગાનાં હાથમાં રહેલી સળગતી બીડી લઈને બે દમ ખેંચ્યા. કોઈ વ્યસનીની જેમ અભયને બીડી પીતાં જોઈને ઉદયને દુઃખ થયું પણ એ કંઈ ના બોલ્યો. બીડી પીને અભયે એક વેફરનો ટુકડો મોંમાં રાખ્યો.

“બીજો પેગ બનાવ જીગા” અભયે થોડા ઊંચા અવાજે હુકમ કર્યો.

“બસ…બોઉ નાટક થયું તારું” ઉદય ગુસ્સે થઈ ગયો, “અને બોઉ પી લીધું”

“તારાં ભાઈએ હજી શરૂ જ કર્યું છે” અભયે કહ્યું, “હજી તો પીવાનું બાકી છે, જીગા તું એની વાત નો સાંભળ. પેગ બનાવ”

જીગાએ સમજીને ગ્લાસમાં 10% દારૂ રેડ્યો. અભય જોઈ ગયો એટલે 10% માંથી 40% ગ્લાસ ભરી દીધો, ઉપરથી માત્ર 20% જ પાણી રેડ્યું.

“બોઉ સારો નથી હો” જીગાએ પણ અભયને સમજાવવાની કોશિશ કરી.

“તમારે મારો બાપ બનાવી જરૂર નથી” અભયે કડક શબ્દોમાં કહ્યું અને અડધો ગ્લાસ પેટમાં ઠાલવી દીધો. સાડા આઠ થયાં ત્યાં સુધીમાં અભય ત્રણ પેગ ગટકાવી ચુક્યો હતો. સંદીપ, તુષાર, જીગો અને રાજદીપ પણ બે-બે પેગ ગટકાવી ગયાં હતાં. અભયે કાંડાઘડિયાળમાં નજર કરી.

“સમય થઇ ગયો” અભય નશામાં બરાડયો, “મારાં બાપે મને સાડા આઠ વાગ્યે જ ઘરે આવવા કહ્યું હતું. હું ઘરે નો જાતો એટલે મને બોવ ખિજાતો. આજે આપણે એનો શોક મનાવવાનો છે”

ઉદય અને કરણ સિવાય બાકીનાં બધાં દોસ્તોને પણ ઠંડા પવનનાં લહેરની અસર થઈ ગઈ હતી. તેઓ પણ ભાન ભુલવા લાગ્યાં હતાં.

“રોવાનું છે આપણે ?” સંદીપે માથું પકડીને પુછ્યું.

“ના અલા” અભય ડોલતો ડોલતો હસ્યો, “આપણે જુદી રીતે શોક માનવશું”

“કેવી રીતે ભાઈ ?” તુષારે પુછ્યું.

“ગરબા કરીને” ઉદયને ટેકો આપીને અભય ઉભો થયો અને ઊંધા બે ડગલાં ભરીને બેસી ગયો.

“મને કોઈ ઉભો કરો અલા” અભયે પોતાનો હાથ લાંબો કરીને કહ્યું.

“તારે હોટલે આવવાનું છે કે નય ?” ઉદયે ટેકો આપીને અભયને ઉભો કર્યો અને કમરે હાથ રાખીને પકડી રાખ્યો.

“તું મારો ભાઈ છો ઉદા !!” અભયે ઉદયનાં ગાલ ખેંચીને કહ્યું, પછી ધીમેથી ધક્કો મારીને દૂર કરીને વાત આગળ વધારી, “પણ અત્યારે મારો બાપ નો બનતો હારુ”

“ઉભા થાઓ અને ગરબો ચડાવો કોઈ” અભય ફરી બરાડયો, “મારાં બાપાની જાનમાં આવ્યો છો કાંઈ ?”

અભયનું વર્તન જોઈ બધાં મહામહેનતે ઉભા થયા. સંદીપે ગરબાનો ટ્રેક ચડાવ્યો. અભય તાળીઓ પાડીને, લથડીયા મારતો મારતો ગોળ-ગોળ ઘુમવા લાગ્યો. અભયની પાછળ ઉદય સિવાય બીજા બધાં દોસ્તો પણ જોડાયા. બે રાઉન્ડ ફર્યા પછી અભયે સંદીપનાં હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને ડિસ્કો સોંગ શરૂ કર્યું. બધાં ટોળું વળીને કુદવા લાગ્યાં. ઉભય દુર ઉભો રહીને આ બધું મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યો હતો.

અભયે પોતાનું ટી-શર્ટ કાન સુધી ઊંચું કર્યું અને ટોપી બનાવી દીધું. પછી ઉદય તરફ જઈ, તેનો હાથ પકડીને ટોળાં વચ્ચે લઈ આવ્યો. અભય આ બધું શા માટે કરતો હતો એ ઉદય સમજી ગયો હતો. તેણે રેકોર્ડ બંધ કરી મોબાઈલ ગજવામાં રાખ્યો અને કુદવા લાગ્યો. દસ મિનિટ સુધી બધાં કૂદતાં રહ્યાં. આખરે અભયે સોંગ બંધ કર્યા અને પાળીનાં કાંઠે જઈને ચુપચાપ બેસી ગયો. અભયને અચાનક ચુપ થઇ ગયેલો જોઈને બધાંને આશ્ચર્ય થયું. એક પછી એક બધાં અભય પાસે પહોંચવા લાગ્યાં. અભય બે પગ વચ્ચે માથું દબાવીને બેઠો હતો.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 3 વર્ષ પહેલા

Nilesh Ajani

Nilesh Ajani 3 વર્ષ પહેલા

Abc

Abc 3 વર્ષ પહેલા

Vaidehi

Vaidehi માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

nihi honey

nihi honey 3 વર્ષ પહેલા

શેયર કરો

NEW REALESED