Slave - 2 books and stories free download online pdf in Gujarati

ગુલામ – 2

ગુલામ ભાગ – 2

લેખક – મેર મેહુલ

( પ્રતાપગઢનાં રીવાજો)

પપ્પાનો ફોન આવ્યો એટલે અભય મરણીયો થઈને ઉભો થયો. ખભા ઝુકાવી નિસ્તેજ અને ઉતરેલા મોઢે એ મોટરસાઇકલ તરફ આગળ વધ્યો.

રોડની બાજુમાં ભુપતભાઇની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પડી હતી. સ્પ્લેન્ડરનાં હાલ પણ અભય જેવાં જ હતાં. આગળનું ટાયર મુંડાઈ ગયું હતું, ટાયર ઉપરનો પંખો તૂટી ગયો હતો. હેડલાઈટની સ્વીચ ખરાબ થઈ ગઈ હતી એટલે વાયરને કાપીને લાઈટો શરૂ કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટરસાયકલ ચાવી વિના જ શરૂ થઈ જતી હતી. મોટરસાયકલના6 મોરામાં તિરાડ પડી ગઈ હતી. પેટ્રોલની ટાંકીનું ઉપલું ઢાંકણ નહોતું, ગિયર બદલાવાનું પગું પણ ગાયબ હતું. પાછળની સાઈડ નંબર પ્લેટને વાળાનાં સહારે લટકાવીને રાખવામાં આવી હતી.

પાછળનાં ટાયરનો પંખો પણ બકરી ચરી ગઈ હતી, દુઃખ એ હતું કે ચોમાસામાં જ્યારે મોટરસાયકલ ચલાવીએ ત્યારે આગળ અને પાછળથી કિચનનાં છાંટાની ડિઝાઇન મોટરસાયકલ સવારનાં કપડાં પર પડી જતી. મોટરસાઇકલમાં સાઈડ ઘોડી પણ નહોતી જેથી તેને સ્ટેન્ડ કરવા ઉભી ઘોડી જ ચડાવવી પડતી. મોટરસાઇકલ રોજ પંદર મણનો વજન ઊંચકીને ધૂળિયા અને ખાડા-ખડીયાવાળા રોડ પર ચાલતી એટલે તેનાં હાલ બેહાલ થઈ ગયાં હતાં.

અભય મોટરસાઇકલ પાસે આવ્યો, ઉભી ઘોડી ઉતારીને તેનાં પર સવાર થઈ ગયો અને ગુસ્સામાં જ કિક મારી. કિક છટકી અને જેટલાં બળથી કિક મારી હતી એટલાં જ બળથી કિક આવીને અભયનાં પગ પર લાગી. અભયનાં મોઢામાંથી રાડ નીકળી ગઈ. નસીબનો છેતરાયેલો પોતાની દુર્દશાથી વાકેફ હતો. તેણે બીજીવાર ધીમેથી થોડાં પ્રેમથી કિક મારી. ખખડી ગયેલી સ્પ્લેન્ડર જીવંત થઈ એટલે ગિયર બદલીને એ ઘર તરફ અગ્રેસર થયો.

ભુપતભાઇનો સ્વભાવ ન સમજી શકાય એવો રહસ્યમય હતો. ફોનમાં એ બરાડીને વાત કરતાં હતાં પણ અભય જ્યારે તેની પાસે પહોંચ્યો ત્યારે શાંત મુનિની જેમ તેઓએ અભય પાસેથી મોટરસાયકલ લઈ લીધી. જાણે તેઓએ અભયને કંઈ કહ્યું જ ના હોય એમ તેણે એક હરફ ના કાઢ્યો. મોટરસાયકલ પર સવાર થઈ તેણે પેટ્રોલ તપાસ્યું પછી અભય તરફ નજર નાંખીને કહ્યું, “હું ઉમરાળા જાઉં છું, કાલે ગોવિંદભાઈનું પાણીવાળ (બારમું અથવા પાણીઢોળ) છે. અત્યારે કામ કરાવવામાં રેજે, ક્યાંય ભાગી નો જાતો”

અભયે ક્રમબદ્ધ માથું ધુણાવ્યું. ભુપતભાઇએ ધીમેથી કિક મારી અને ઉમરાળા તરફનાં રસ્તે નીકળી ગયાં.

*

બીજાં દિવસની સવારે અભય પાંચ વાગ્યામાં ઉઠી ગયો હતો. પાણીઢોળમાં આવતાં લોકોની વ્યવસ્થા માટે સવારથી શાકભાજી સંભારવાં તથા રસોડામાં જરૂરી મદદ માટે અભયની ઉંમરનાં છોકરીઓને ખડે પગે રહેવું પડતું. વડીલો હુકમ કરીને ઉપર નજર રાખવા ઊભા રહેતાં. છોકરાઓ કોઈ ફેક્ટરીમાં મજૂરી કરતાં હોય એવું તેઓને મહેસુસ થતું. વારંવાર એકને એક કામ માટે રોક-ટોક બદલ બધાં જ છોકરાઓ વડીલોને ધિક્કારતાં.

અભયને તો દાજ્યા પર મીઠું ભભરાવવા જેવું થતું, તેનાં પપ્પા અભયનાં કામ પર સતત નજર રાખતાં. જો ભૂલથી પણ કામ આડુંઅવળું થયું હોય તો બધાની વચ્ચે અભયને હાંકી નાંખતા. અભયને તેનાં પપ્પાનો આ સ્વભાવ બિલકુલ પસંદ નહોતો પણ વડીલો સામે એ ચુપચાપ બધું સાંભળી લેતો.

રસોઈ બની ગઈ એટલે બધાં છોકરાઓ સ્નાનાદિ ક્રિયા માટે ઘરે જતાં રહ્યાં અને તૈયાર થઈને પાછા આવી ગયાં. મહેમાનો ધીમે ધીમે આવવા લાગ્યાં હતાં, જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેનાં આંગણમાં મંડપ નાંખવામાં આવ્યો હતો. ગોરદાદા તેનાં પુત્ર સાથે બધી વિધિ કરાવી રહ્યાં હતાં. મંડપમાં બેઠેલી સ્ત્રીઓ છાતી કુટી-કુટીને રડતી હતી. એ તરફનું વાતાવરણ ગમગીન માલુમ પડતું હતું જ્યારે પુરુષ વિભાગમાં માહોલ જુદો જ હતો. બધાં એક વડના મોટા વૃક્ષ નીચે પાથરણું પાથરીને બેઠા હતાં. પાથરણાનાં એક ખૂણે પાણી ભરેલું એક વાસણ રાખવામાં આવ્યું હતું. ત્યાં થોડાં છોકરાઓ ઊભાં હતાં. મહેમાનોમાં જે પુરુષ આવતાં તેઓ દૂરથી માથાં પર પન્યુ (ફાળિયું) ઓઢીને હોં.. હોં.. હોં.. નો ભેકડો તાણતાં આવતાં અને પાથરણા પાસે આવી ઉભડક બેસી ખોંખારો ખાઈને પન્યુ માથાં પરથી હટાવી લેતાં. ત્યારબાદ પાણીનાં વાસણ પાસે ઊભેલા છોકરાઓ તેઓને હાથમાં પાણી રેડતાં. આવેલાં મહેમાનો પાણીનો કોગળો કરીને પાથરણામાં બેઠેલાં પુરુષો સામે બેહાથ જોડીને પાથરણામાં બેસી જતાં. આ સિલસિલો અથવા રિવાજ બધાં જ આવતાં મહેમાનો માટે ફરજીયાત હતો. પાથરણાંમાં બેઠાં પછી જાણે જુનાં મિત્રો વર્ષો પછી મળ્યાં હોય એમ હસી-હસીને વાતો કરતાં, ઠઠ્ઠા-મશ્કરી કરતાં, અહીં – તહીંની વાતો કરતાં.

અભયને તેનાં દોસ્ત ઉદય સાથે આ પાથરણાથી દુર મહેમાનોને રસ્તો ચીંધવાની વ્યવસ્થામાં રાખવામાં આવ્યો હતો. જ્યારે પણ પ્રતાપગઢમાં કોઈનું મૃત્યુ થતું ત્યારે અભય આ જ કામ પસંદ કરતો, કારણ કે તેનાં પિતા અહીં જ્વવલે જ આવતાં અને આવતાં તો પણ માત્ર મહેમાનોને હાથ વડે ઈશારો કરી બેસવાની જ્યાં વ્યવસ્થા કરવામાં આવી હોય એ જ ચીંધવાનું હોય એટલે કંઈ બોલતાં નહિ.

અભય અત્યારે સારાં મૂડમાં હતો, ઉદય જ્યારે પણ તેની સાથે હોય ત્યારે અભય સારાં જ મૂડમાં રહેતો.

“ગોવિંદદાદા પાછા થયાં( મૃત્યુ થયું) ત્યારે એક મજાની ઘટનાં બની હતી ઉદય” અભયે વાતોનો સિલસિલો શરૂ કર્યો.

“શું થયું હતું, બોલને !!!” ઉદયે અભયની વાતોમાં ધ્યાન આપતાં કહ્યું.

“ગોવિંદદાદા પાછા થયાં એ વાતની જાણ તેની બહેન કંકુમાંને નહોતી કરવામાં આવી, તેને એમ કહેવામાં આવ્યું હતું કે એનાં બાપા ગુજરી ગયાં છે. હું ત્યારે અહીં જ ઉભો હતો. સામેથી કંકુમાં એ રડવાનું શરૂ કર્યું” અભયે આંગળી ચીંધીને જગ્યા બતાવી, “ ‘એ મારાં બાપા !, અમને મેલીને ક્યાં હાલ્યા ગયાં. દાદા તમારો દીકરો આવે છે’, એવું બોલતાં બોલતાં એ છાતી કુટવા લાગ્યાં (છાતી કૂટવી એટલે બે હાથ છાતી પર પછાડીને રડવું), એક વડીલે મને કંકુમાનું બાવડું ઝાલવા હુકમ કર્યો એટલે હું તેઓનાં તરફ ગયો. હું હજી તેઓનાં તરફ હાથ લંબાવું એ પહેલાં તેઓએ મને તેનાં હાથમાં રહેલી થેલી મારાં તરફ ધરી અને બીજો હાથ મારાં તરફ ધર્યો. મને હસવું આવતું હતું. કંકુમાંને ખબર જ હતી કે હું તેઓનું બાવડું ઝાલવા આવ્યો છું. મને લાગ્યું તેઓને આઘાત લાગ્યો હશે એટલે સહારો શોધતાં હશે એમ સમજીને મેં તેઓનું બાવડું ઝાલ્યું અને ચાલવા લાગ્યો. થોડે આગળ ચાલ્યાં એક વડીલ તેઓની પાસે આવ્યાં અને તેનાં બાપા નહિ પણ તેનો ભાઈ ગુજરી ગયો છે એની જાણ કરી, કંકુમાંએ બાપાને પડતાં મૂકીને ભાઈનું ચગાવ્યું, ‘એ મારાં વીર !!!, અમને નોંધારા મેલીને ક્યાં ગયો તું’, મને રીતસરનું હસવું આવી ગયું હતું” અભયે હસતાં હસતાં કહ્યું.

અભયની વાત સાંભળીને ઉદય પણ મોટેથી હસવા લાગ્યો. એ સમય દરમિયાન એક મહેમાનનું ટોળું આવ્યું એટલે અભયે હસવા પર કાબુ રાખીને હાથ વડે ઈશારો કરીને બેઠક વ્યવસ્થા ચીંધી.

“મને તો એ જ નથી સમજાતું કે આ ખરખરાંનો(બેસણાંનો) રિવાજ શરૂ કોણે કર્યો હશે” મહેમાન ગયાં એટલે ઉદયે વાત આગળ વધારી.

“એ જ ને, જે માણસ મૃત્યુ પામ્યો છે તેને ભલે ઓળખતા પણ ના હોઈએ તેમ છતાં રડવા તો જવાનું” અભયે કહ્યું, “સમજી લે તારાં ફઇનાં જેઠ મૃત્યુ પામ્યાં છે તો મારાં બાપાને તારાં બાપા સુધી આવવું જોઈએ, કેમ કે તારાં બાપા અને મારાં બાપા ભાઈબંધ છે, તેને દુઃખ થાય તો દિલાસો આપવા માટે. પણ મારાં બાપાને તારાં ફઈનાં ઘરે જઈને રાગડો તાણવાની શું જરૂર છે ?, એનાંથી મળવાનું શું છે ?, સમય અને રૂપિયા વેડફાઈ છે બીજું કશું જ નહીં અને મારાં બાપાનાં વ્યવહારની તો તને ખબર જ છે. હવે આટલો મોટો વ્યવહાર છે તો કોઈને કોઈ મરતું જ હશે. મહિનામાં પાંચ દિવસ તો ખરખરાંમાં જ ચાલ્યાં જાય છે તો કામ ક્યારે કરવું પછી ?”

“અત્યારે લોકો જૂની રૂઢિઓ ભુલીને આગળ વધતાં થયાં છે ત્યારે આપણાં ગામો રિવાજોને હજી નથી ભૂલી શકતાં” ઉદયે અભયની વાતમાં સુર પુરવ્યો, “ગામમાં કોઈનું મૃત્યુ થશે એટલે ફરજીયાત બધાં ધંધા મુકીને શૉક મનાવવાનો જ, ભાઈ મારાઓ જે જવાનું હતું એ ચાલ્યું ગયું, એને શ્રદ્ધાંજલિ આપવાની હોય, એનાં આત્માને શાંતિ મળે એ માટે દાન કરવાનું હોય અને આપણે કોઈ હડતાલ પાડી હોય એમ પાથરણા પાથરીને બેસી જઈએ છીએ”

અભય અને ઉદય ચર્ચા કરતાં હતાં એ દરમિયાન એક છોકરો અભય પાસે આવીને ઉભો રહ્યો, “અભલા, તારાં બાપા તને બોલાવે છે”

“જા તું, હું આવું છું” અભયે કહ્યું.

“તને લઈને આવવાની કીધું છે” છોકરાએ હઠાગ્રહી અવાજે કહ્યું.

“મારી અણી કાઢ્યાં સિવાય મારાં બાપાને ચેન નથી મળતું.!!!” ઊભાં થતાં અભયે કહ્યું, “તું બેસ હું આંટો મારી આવું”

અભય પેલાં છોકરાં પાછળ પાછળ રસોડા તરફ ગયો. રસોડામાં અભયનાં પપ્પા જેમ નાગ ફેણ માંડીને બેઠો હોય એમ રાતાપીળા થઈને બેઠાં હતાં. અભય એનાં પપ્પા પાસે જઈને ઉભો રહ્યો એટલે તેનાં પપ્પાએ બરછીની ધાર જેવાં અવાજે પુછ્યું, “મરચાં કોણે મોળ્યા ?”

“મેં અને ઉદયે” અભયે પગનાં અંગુઠા પર નજર ઠેરવીને કહ્યું, એનાં પપ્પા નક્કી ખિજાશે એ વાતનું તેને અનુમાન આવી ગયું હતું.

“ભાન નથી તને ?” ભુપતભાઇ ત્રાટુક્યા, “આનાં બીબડા કાઢી નાંખવાનું કીધું હતું”

અભય પૂર્વવત સ્થિતિમાં નીચી નજર કરીને ઉભો હતો.

“મારી હામુ ખોડાયને ઉભો રેમા, જા કાઉન્ટર ઉપર ઉભો રય જા” ભુપતભાઇએ વડકું ભર્યું.

પોતાનાં પિતાનો આવો અવાજ સાંભળીને અભયનાં શરીરમાં ભયની ધ્રુજારી વ્યાપી ગઈ. ડરને કારણે તેનાં પગ ધ્રુજવા લાગ્યાં. અભય તેનાં પિતાની આંખનો તાપ જીરવી નહોતો શકતો. રસોડામાં રહેલા લોકો અભયને એવી રીતે જોઈ રહ્યા હતાં જાણે એ અદાલતમાં ગુન્હેગારનાં ખાનાંમાં ઊભો હોય. પોતે એવી તો શું ભૂલ કરી હતી જેને કારણે તેને આટલું બધું સાંભળવું પડ્યું હતું, એ અભયને સમજાતું નહોતું. એકવાર તો બધાં સામે તેનાં પિતાને આ સવાલ પૂછવાની ઈચ્છા થઈ ગઈ પણ મનને કચડીને અભયે કાઉન્ટર તરફ પગ ઉપાડ્યા.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED