ગુલામ – 6 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ગુલામ – 6

ગુલામ – 6

( પિતા સાથેનું શીતયુદ્ધ)

અભયે તેનાં પિતા સાથે આંખ મેળવવાનું ટાળ્યું અને જમવા માટે હાથ-પગ ધોવા ચાલ્યો ગયો. હાથ-પગ ધોઈને એ રૂમાલ તરફ વળતો હતો ત્યારે તેનાં પિતાએ અવાજ આપ્યો, “અભય, આયા આવતો”

અભય થંભી ગયો. તેનાં હૃદયની ધડકન આપોઆપ વધવા લાગી. ગભરામણને કારણે તેનાં શરીરે પરસેવો છૂટવા લાગ્યો. ડરતો ડરતો એ ખાટલા નજીક આવ્યો. નજર જમીન સાથે જકડીને એ ઉભો રહ્યો.

“જન્માષ્ટમીનું શું નાટક છે ?” ભુપતભાઇએ ભારેભરખમ અને તીખાં અવાજે પુછ્યું, “ખબર નથી તારાં ભાભીનું શ્રીમંત છે”

“મેં બા હારે વાત કરી હતી બાપા” અભયે હિંમત કરીને કહ્યું, “બે દિવસ હું તૈયારીમાં નય જાવ”

“પણ જાવુ છે હૂ કામ ?, છાનોમાનો ઘરે પડ્યો રે ને” ભુપતભાઇએ કડક અવાજે કહ્યું.

“તમેય હૂ છોકરાને ખિજા ખિજા કરો છો” વાંસણ માંજતાં માંજતાં સગુણાબેન વચ્ચે પડ્યા, “એનું મન છે તો જાવા દયોને અને ઇ કે તો છે કે બે દિવસ નહિ જાય”

“મારે અત્યારે કાર્ડમાં મેમાનનાં નામ લખાવવા હતા” ભુપતભાઇએ વડકું ભર્યું, “અત્યાર હુધી એની વાટે રેવું પડ્યું મારે”

સગુણાબેને એનાં પતિની વાતનો જવાબ ના આપ્યો. અભય પણ ચૂપ ઉભો હતો. બંનેને ચૂપ જોઈને ભુપતભાઇ ઢીલાં પડ્યાં.

“ઠીકે છે” શાંત થતાં ભુપતભાઇ બોલ્યાં, “રોજ હાડા આઠ વાગ્યે પાછો આવી જજે”

“આઠ વાગ્યે તો ફાળો ઉઘરાવવાનું શરું કરવી છવી” અભયે કહ્યું.

“હાડા આઠ વાગ્યે પાછું આવવું હોય તો જા, નયતર ઘરે પડ્યો રે” ભુપતભાઇએ ફરી વડકું ભર્યું.

“આવી જઈશ” અભયે કહ્યું.

“જમી લે, પછી હું કવ એનાં નામ લખી દે મને”

અભય ચૂપચાપ અંદર ચાલ્યો ગયો. એ જમવા બેઠા પણ એક કોળિયો ગળા નીચે ના ઉતર્યો. દસ મિનિટ બેસી, પાણી પીને એ બહાર આવ્યો. ભુપતભાઇએ જે જે સંબંધીઓનાં નામ કહ્યાં એ લખીને સુવા ચાલ્યો ગયો.

આજે પણ ગઈ રાતની જેમ તેને ઊંઘ નહોતી આવતી. પોતે ગુલામીની જિંદગી જીવી રહ્યો એવું તેને લાગતું હતું. તેનાં બાપાએ જન્માષ્ટમી માટે મંજૂરી તો આપી દીધી હતી પણ જેટલી પાબંધીઓ રાખવામાં આવી હતી એ નામંજૂરી જેવું જ હતું.

‘શું બધાનાં પપ્પા આવાં જ હશે ?’ અભય પોતાની સાથે વાતો કરતો હતો, “અજિતભાઈને તો કશું કહેતાં નથી. મને જ કેમ આટલો દબાવીને રાખે છે !, બીજાં છોકરાઓને વ્યસન છે, ખોટી સંગત છે, છોકરીઓ સાથે ચક્કર છે. મેં તો એવી કોઈ જ ભૂલ નથી કરી. તો મારી સાથે જ કેમ ?” અભય ગળગળો થઈ ગયો, ‘હું સમજુ છું એ માટે ?, માતા-પિતા સામે બોલાય નહિ એવું વિચારું છું એ માટે ?, પાપાનું માન જળવાય રહે એવું વિચારીને કશું બોલતો નથી એ માટે ?’

અભયની આંખો ભરાઇ આવી. અભય સાથે આવું પહેલીવાર નહોતું થયું. અભય જ્યારે પણ કોઈ વાતની દરખાસ્ત રાખતો ત્યારે તેની સાથે આવો જ વ્યવહાર કરવામાં આવતો હતો. બરમાં ધોરણમાં તેને પ્રવાસમાં જવું હતું, એનાં બાપાએ ઘસીને ના પાડી દીધેલી. એ સમયે કપાસ વેચ્યો ત્યારે ચાલીશ હજાર રૂપિયા ઘરમાં પડ્યાં હતાં. અભયને પાંચસો રૂપિયા આપવામાં તેઓએ ‘રૂપિયા નથી’ એમ કહીને વાત ટાળી દીધી હતી. અભય એ સમયે ગલ્લામાં રૂપિયા ભેગાં કરતો. તેમાંથી ત્રણસો રૂપિયા નીકળ્યાં અને અભયનાં બાનાં કહેવાથી ભુપતભાઇએ પરાણે બસ્સો રૂપિયા આપ્યાં અને ‘હવે પછી કોઈ દિવસ પ્રવાસનું નામ નહિ લેવાનું’ એવી શરત રાખી.

આ ઘટનાનાં એક મહિના પછી જ અજિતને ફરવા જવાનું થયું. તેને કોઈપણ પ્રશ્ન પૂછ્યા વિના પંદરસો રૂપિયા આપી દેવામાં આવ્યાં. એ સમયે તો અજિતનાં લગ્ન પણ નહોતાં થયાં, નહીંતર પણ સમજાય કે પત્ની સાથે ફરવા લઈ જાય. અજિત હીરા ઘસતો, મહિને આઠ-દસ હજાર કમાતો એટલે ભુપતભાઇ તેને કશું ના કહેતાં. તો શું દિકરાઓ વચ્ચે રૂપિયાની બાબતમાં મતભેદ કરવો આદર્શ માતાપિતાની નિશાની છે ??

અભય આ બધી વાતો યાદ કરીને છાનોમાનો આંસુ સારતો રહ્યો. જ્યારે પણ પોતાનાં પિતા દ્વારા અભય તરછોડાતો ત્યારે ચુપચાપ ગોદડાંમાં લપાઈને એકલો રડી લેતો.

અત્યારે એ પોતાની જાતને દુનિયાનો સૌથી બદનસીબ છોકરો સમજી રહ્યો હતો. ભૂલ પોતાની છે કે પોતાનાં પિતાની એ તેને સમજાતું નહોતું. લાખ કોશિશ કરી પણ ના તો તેને ઊંઘ આવી, ના આંસુ રોકાયા અને ના આ લાંબી રાત પસાર થઈ. પોતાનાં પિતાને કેવી રીતે સમજાવવા એનો તેણે વિચાર કર્યો પણ જ્યારે જ્યારે પોતાનાં પિતાનાં કટુ વચનો યાદ આવ્યાં ત્યારે અભય ગુસ્સા સાથે તેઓને ધિક્કારવા લાગ્યો.

અભયનાં મનમાં રાજદીપ અને જીગાએ કહેલી વાતો ફરી ગુંજવા લાગી.

- તારાં બાપાની બિક રાખીશ તો કાંઈ નઈ કરી શક તું, ક્યારેક બાપા હામે બોલતાં શીખ. તારી મરજીથી જીવતાં શીખ.

- તારાં બાપાની જેટલી બિક રાખીશ એટલાં જ વધારે એ તને દબાવીને રાખશે

અભયે દાંત ભીસ્યાં. મનમાં એક નિર્ણય કર્યો. પહેલીવાર તેનાં પિતા સામે બગાવત કરવાનું નક્કી કર્યું. તેનાં પિતાએ સાડા આઠ વાગ્યે ઘરે આવવા કહ્યું હતું પણ જાણીજોઈને સાડા નવ પછી જ ઘરે આવીને પિતાનાં સામે શીત યુદ્ધ લડવા અભય તૈયાર થઇ ગયો. પોતે ઘરે મોડો આવશે એ જોઈને તેનાં પિતા ખિજાશે એ વાત અભય જાણતો હતો. બાપાની વાત મગજ પર ના લેવી એવું નક્કી કરીને અભય સુઈ ગયો.

*

બીજાં દિવસે અભયે ધાર્યું એમ જ થયું હતું. જ્યારે ઉદય તેને સાડા નવ વાગ્યે ઘરે છોડી ગયો ત્યારે ભુપતભાઇ દરમાંથી વિષધરનાં બહાર આવવાની રાહ જોતાં હોય એમ ખાટલા પર ભવા ચડાવીને બેઠાં હતાં.

“કેટલાં વાગ્યાં ?” અભયે ખડકી ખોલી એટલે ભુપતભાઇએ બરછીની ધાર જેવાં અવાજે પુછ્યું.

“હાડા નવ” અભયે શાંત સ્વરે કહ્યું.

“હાડા આઠ વાગે આવવાનું કીધું’તું ને !” ભુપતભાઇએ પૂર્વવત તીખાં અવાજે કહ્યું.

“મોડું થઈ ગયું” અભયે એવી રીતે કહ્યું જાણે તેને સમય ભુલાઈ જ ગયો હોય.

“કાલથી વેલા આવવું હોય તો જ જાજે, નયતર ઘરમાં પડ્યો રે જે” ભુપતભાઇએ વડકું કર્યું, “જમીને હુઈજા જા”

અભય મનમાં હસતો હસતો હાથ-પગ ધોવા ચાલ્યો ગયો. જમીને એ સુવા માટે આડે પડખે પડ્યો. તેનાં મગજમાં ફરી વિચારો આવ્યાં.

‘જીગો સાચું જ કહેતો હતો, બધાં માં-બાપને બોલવાની ટેવ હોય જ છે. જો એની વાત મગજ પર લઈએ તો આપણી ઇચ્છાથી જિંદગી જીવી નહિ શકીએ. બાપા ખિજાશે એની બીકે જો કાંઈ કર્યું નહિ તો પછાત જ રહી જઈશ. મારે મોટો માણસ બનવું છે. આવા નાના ઝઘડામાં હું ધ્યાન આપીશ તો કોઈ દિવસ મારું લક્ષ નહિ સાધી શકું, હવે હું બાપાની વાતો પર બોઉ ધ્યાન નહિ આપું. એ ભલે બોલતાં રહે પણ મારે મારી ઇચ્છાથી જિંદગી જીવવી છે અને હું એ જ કરીશ’

ભવિષ્યનાં મીઠાં સપનાં સેવતાં અભયને ક્યારે ઊંઘ આવી એ તેને ખબર ના રહી.

*

જન્માષ્ટમીમાં બે દિવસની બાકી હતાં. છેલ્લા એક અઠવાડિયાથી અભય રોજ સાડા નવે ઘરે આવતો. તેનાં પિતા રોજ તેને ખિજાતાં પણ અભય એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાંખતો. પરીણામે ભુપતભાઇને ખૂબ ગુસ્સો આવતો.

આવતી કાલે ભાભીનું શ્રીમંત હતું એટલે આજથી અભય ફાળો ઉઘરાવવા નહોતો જવાનો. પૂરો દિવસ એણે શ્રીમંતની વ્યવસ્થામાં જ પસાર કરી દીધો. બપોર પછી ધીમે ધીમે મહેમાનો આવવા લાગ્યાં હતાં. અભયની બહેન મનીષા સવારથી જ આવી ગઈ હતી જ્યારે મોટાબાપુની ચાર દીકરીઓ સાંજ સુધીમાં પહોંચી ગઈ હતી. સાંજ પડતાં સુધીમાં ઘરમાં પ્રસંગ જેવો માહોલ બની ગયો હતો. ફળિયામાં ચાર મંડપ રોપવામાં આવ્યાં હતાં. એક બાજુ ત્રણ ચૂલા પર રોટલા બનતાં હતાં તો બીજી બાજુ પુરુષો વાંસણો ગણીને વ્યવસ્થિત રાખતાં હતાં.

સાંજે મગબાફણાં ફાડવાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ અભયને ગમતો હતો. રાત્રે બધા પુરુષો ઘણ અને શીણાં લઈને લાકડાં ફાડવા એકઠાં થતાં ત્યારે જુદી જુદી વાતો થતી, મજાક – મશ્કરી થતી. આ કામ ત્રીસ વર્ષથી મોટી ઉંમરના પુરુષો જ કરી શકતાં એટલે ભુપતભાઇ અભયને કામ વિશે ટોકી પણ ના શકતાં.

જો કે કામ કરતાં લોકોને પાણી આપવું, ચાની વ્યવસ્થા કરવી અને બીડી – માવા પહોંચાડવાની જવાબદારી અભયને જ સોંપવામાં આવતી હતી.

જમીને અડધી કલાક પછી બધાં મહેમાનો ફળિયામાં બેઠાં હતાં. પ્રતાપગઢનાં પુરુષો પણ ધીમે ધીમે આવવા લાગ્યાં હતાં. અભય બધાને ચા આપીને ઉંબરા પર બેઠો હતો એ દરમિયાન જીગાનો ફોન આવ્યો.

“કાલનો હિસાબ તારી પાહે છે ને ?” જીગાએ પુછ્યું.

ગઈકાલે ઉદય અને રાજદીપ કોઈ કારણસર નહોતાં આવી શક્યા એટલે હિસાબની જવાબદારી અભયે ઉઠાવી હતી.

“હા, આજે આપતાં જ ભૂલી ગયો” અભયે કહ્યું.

“ઉદય અને રાજદીપ હજી નથી આવ્યાં, બધાં પૈસા તેઓ પાસે છે. કાલે હવારે ડી.જે. વાળાને પૈસા આપવાનાં છે. તું તો કાલે આવી નય શકે તો અત્યારે હિસાબ આપી જાને” જીગાએ કહ્યું.

“રે, હું આવું છું” કહેતાં અભય ઉભો થયો. એનાં બાપા બધાં મહેમાનો સાથે વાતો કરવામાં મશગુલ હતાં એટલે તેઓને જાણ કર્યા વિના જ અભય હિસાબ આપવા ચાલ્યો ગયો. મહેમાનો સાથે વાત કરતાં કરતાં ભુપતભાઇએ ઊડતી નજર ખિડકી બહાર જતાં અભય પર ફેરવી હતી એ વાતની અભયને જાણ નહોતી.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 વર્ષ પહેલા

Vaidehi

Vaidehi માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

nihi honey

nihi honey 3 વર્ષ પહેલા

Rajiv

Rajiv 3 વર્ષ પહેલા

Rojmala Yagnik

Rojmala Yagnik 3 વર્ષ પહેલા