ગુલામ – 4 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુલામ – 4

ગુલામ – 4

( જન્માષ્ટમીની તૈયારી અને ભાભીનું શ્રીમંત -1 )

સાડા આઠ વાગ્યે ફાળો ઊઘરાવવાનું બંધ કરીને બધાં દોસ્તો ચોરે આવીને એકઠાં થયાં. રાજદીપની પાસે રૂપિયાનો હિસાબ હતો, ઉદય પાસે પહોંચ બુક હતી. બંને આજનો હિસાબ મેળવી રહ્યાં હતાં.

“સાતસોને વિશ રૂપિયા થયાં આજે” ઉદયે સરવાળો કરીને કહ્યું.

“બરોબર છે” રાજદીપે કહ્યું અને પછી એક પચાસની નોટ કરણ તરફ ધરીને વાત આગળ વધારી, “લે ભાઈ, તું બીડી અને માવા લાવ્યો હતો એનાં”

“પચાસ રૂપિયા બાદ કરતાં, છસ્સોને સિત્તેર વધ્યા” ઉદયે હિસાબ કર્યો, “જન્માષ્ટમીને આડા હજી દસ દિવસ છે, જો આમ જ ફાળો મળશે તો સાત-આઠ હજાર જ થશે”

“હજી વેપારીની શેરી બાકી છે” રાજદીપે કહ્યું, “ન્યાથી વધુ ફાળો મળશે”

“તો કાલે ન્યાથી જ શરૂ કરશું” ઉદયે કહ્યું.

“કાલની વાત પછી કરજો અત્યારે નદી કાંઠે હાલો, મારે બીડી પીવી છે” કરણ બેચેન હતો.

“મારેય માવો ખાવો છે” જીગાએ કહ્યું, “હાલો બધાં”

બધાં નદી તરફ ચાલવા લાગ્યા.

“ઉદય !!!” અભય અટક્યો, “હું હવે નીકળું, બાપાનો ફોન આવશે હમણાં”

“હજી તો અડધી કલાકની વાર છે, થોડીવાર પછી નિકળજે” ઉદયે કહ્યું. બધાં નદી કાંઠેની ખંડેર ઓરડી પાસે આવીને ઓટલા પર બેઠાં. સંદીપે, કરણે અને રાજદીપે બીડી સળગાવી, જીગો માવો ચોળતો હતો.

“તમારે બેયને કાંઈ વ્યસન નથી” જીગાએ માવો ચોળતાં ચોળતાં પુછ્યું.

“ના” ઉદયે કહ્યું.

“ઇ બેય કોલેજ કરેલાં, ભણેલાં ગણેલા છોકરાં છે. એને ક્યાંથી વ્યસન હોય” સંદીપે કટાક્ષ કર્યો.

“એમાં ભણવાનું ક્યાંથી આવ્યું ?” અભયે ચીમકી ભરી, “વ્યસન કરવું નો કરવું એ પોતાની મરજી છે”

“એવું નઈ, તમે લોકો સિગરેટ પીતાં હશો” સંદીપે પોતાની વાત વાળી લીધી.

“અમે કાંઈ પીતાં નથી અને કાંઈ ખાતાં નથી, એ વાત જુદી છે કે કેન્સરને કારણે મરતા લોકોનાં આંકડા અમે જોયાં છે એટલે અમે વ્યસનથી દૂર ભાગીએ છીએ. ક્યારેક નવરા પડશું ત્યારે તને પણ એ આંકડા સંભળાવીશ” ઉદયે કહ્યું.

“એક વ્યસન તો હોઉં જ જોઈએ” બીડીનો કશ ખેંચીને ધુમાડો નાકમાંથી કાઢતાં રાજદીપ બોલ્યો, “નહીંતર હાહ (શ્વાસ) ગંધાય પછી”

“આમ પણ જ્યારે મગજ બેન્ડ મારી જાય ત્યારે એને શાંત કરવા વ્યસન જ કામમાં આવે છે” જીગાએ રાજદીપની વાતમાં સુર પરોવ્યો.

“તુષારને ક્યાં વ્યસ્ન છે ?” અભય બોલ્યો, “ એનું મગજ બેન્ડ નહિ મારતું હોય ?”

“એનાં બાપાને સરકારી નોકરી કરે છે અને પોતાની રીતે જીવવાની છૂટ આપે છે. તારાં બાપાની જેમ છોકરાને દબાવીને નથી રાખતાં” જીગાએ વચ્ચે સગળતી હાથમાં લીધી. જીગાની વાત અભયને ચાબખા જેમ વાગી. જીગો સાચું જ બોલતો હતો ને!, અભયનું મગજ એક જ કારણથી બેન્ડ મારતું હતું - એ એનાં બાપાનાં હતાં.

“બાપા ઉપર નો જા જીગા” અભયે જીગાને કડક શબ્દોમાં ધમકી આપી, “જેવા છે એવા મારાં બાપા છે, તારે તો બાપાય નથી”

જીગો, અભયનો વળતો પ્રહાર જીરવી ના શક્યો. જીગાનાં પિતાં બે વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યાં હતાં. વાતાવરણ ગરમાવો પકડે છે એ વાત ઉદય જાણી ગયો હતો. જીગો અભયનાં પ્રહારનો જવાબ આપે એ પહેલાં જ ઉદય વચ્ચે પડ્યો, “જેનાં બાપા જે હોય ઇ, આપણે બધાં સરખા છવી, જેને વ્યસન કરવું હોય ઇ કરો અને જેને નથી કરવું એ ના કરો. નાની અમથી વાતમાં બાધવા નો બેહો”

જીગાએ અભય તરફ કાતર મારી અને સંદીપનાં હાથમાંથી બીડી લઈને ઊંડો કશ ખેંચ્યો.

“હવે હું નીકળું ઉદય” અભય ઉભો થયો, “મોડું થશે તો મારું આવ્યું બનશે”

“હા..હા..જા, મોડો પોગીશ તો તારું બળાત્કાર થઈ ગયું એમ વિચારી તારાં બાપા દોડાદોડી કરી મુકશે” જીગાએ ખંધુ હસીને કટાક્ષ કર્યો.

“તું એની વાતમાં ધ્યાન નો આપ” ઉદય પણ ઉભો થયો, “હાલ તને મૂકી જાવ”

*

અભય ઘરે પહોંચ્યો ત્યારે ઘરે બધાં જાગતાં હતાં. ફળિયામાં બે ખાટલાં ઢાળેલા હતાં. એક ખાટલામાં ભુપતભાઇનાં મામાનાં દીકરા અશોકભાઈ અને પ્રવીણભાઈ બેઠાં હતાં. બીજાં ખાટલામાં અજિત અને ભુપતભાઇ બેઠાં હતાં.

“ગોવિંદભાઈને ગયાને હજી પંદર દિવસ થયાં છે, શું કરવું છે ?, આ મહિને શ્રીમંત રાખવું છે કે મહિનો ઉતરતાં ?” ભુપતભાઇએ દ્વિધા વ્યક્ત કરી.

“તારે મામાનો દીકરો થાય અને આ પ્રસંગ તો કરવો જ પડે. આમાં આઘા-પાછી નો કરાય. આમ પણ જે જવાનું છે એને કોણ રોકી શકે છે !, વરા(પ્રસંગ) તો પાર પાડવાને” અશોકભાઈએ સલાહ આપી.

“અભય, પાણી ભરી આવ” અભય ખડકીમાં પ્રવેશ્યો એટલે ભુપતભાઇએ હુકમ કર્યો. અભય જમીન સાથે આંખો મેળવતો પાણીયારા તરફ ચાલ્યો.

“કાલે ગોરદાદા પાહે મુરત કઢાવી આવું તો પછી” ભુપતભાઇએ માવો કાઢતાં કહ્યું.

“શુભ કામમાં વાટ નો જોવાય, કાલે જ કઢાવી લે જે” પ્રવિણભાઈએ ભુપતભાઇની વાતને સમર્થન આપ્યું.

અભય પાણીનાં બે લોટા લઈને આવ્યો. પાણી પીને ભુપતભાઇ માવો ચોળવા લાગ્યાં. અભયનાં ભાભી હાથમાં કિટલી અને રકાબી લઈને આવ્યાં એટલે અભય બંને વસ્તુ હાથમાં લઈને ખાટલા પાસે આવ્યો. ચા પીને અશોકભાઈએ બીડી સળગાવી અને ભુપતભાઇ તથા પ્રવિણભાઈએ મોઢામાં માવો ચડાવ્યો.

*

“કાકી, ગયા વર્ષની જેમ અમે આ વર્ષે પણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીએ છીએ” ઉદયે કાલની જેમ જ શરૂઆત કરી, “ યથા શક્તિ મુજબ ફાળો લખાવશો”

“તારાં કાકા બાર ગયાં છે, કાલે આવજો” બારણે ઊભેલાં કાકીએ કહ્યું. તેનાં હાથ લોટ વાળા બગડ્યા હતાં.

“કાકા પાસેથી જ લેવાં એવું જરૂરી નથી કાકી, ભગવાનનું કામ છે. તમે આપશો તો કાકા કંઈ બોલશે નઈ અને તમે જેટલું આપશો ભગવાન એનાં કરતાં દસ ગણું પાછું આપશે”

“હાચું” કાકી ભોળવાયાં, “ઉભો રે, આવું હું”

કાકી સાડી વડે હાથ લૂછતાં ઘરમાં ગયાં અને પાંચસોની નોટ લઈને આવ્યાં.

“ગયાં વખતે કાકાએ હજાર આપ્યાં હતાં કાકી” ઉદયે કહ્યું, “ભગવાન આટલું બધું આપે છે તો થોડું વળતર તો આપો”

“મેં ક્યાં ના પાડી મારાં રોયા !!!” કાકી હસીને બોલ્યાં, “ઉભો રે” કહેતાં કાકી બીજી નોટ લઈને આવ્યાં.

“કાકી એક ગ્લાસ પાણી આપજો ને” રાજદીપે કહ્યું.

“આરતી…” કાકીએ બૂમ મારી, “ફ્રીજમાંથી પાણીની બોટલ લેતી આવ”

અઢાર વર્ષની આરતી દોડીને પાણીની બોટલ અને બે ગ્લાસ લઈને દોડી આવી. તેણે બધાં છોકરાને પાણી આપ્યો. ઉદયે કાકીને એક હજારની પહોંચ આપી અને મટકી ફોડમાં આવવા આમંત્રણ આપ્યું.

ઘરનો દરવાજો બંધ થયો એટલે બધાં ભાઈબંધો આગળ વધ્યા. સાડા આઠ થયાં ત્યાં સુધીમાં વેપારી શેરીમાંથી ફાળો ઉઘરાવવાનું કામ પૂરું થઈ ગયું. બધાં ચોરે આવીને બેઠાં.

“જીગાનાં પચાસ રૂપિયા બાદ કરતાં આજનો ફાળો સાત હજારને બસ્સો રૂપિયા થયો” ઉદયે હિસાબ કર્યો, “કાલનો સાતસો ગણીએ એટલે આઠ હજાર પૂરાં થયાં”

“મેં કીધું’તુ ને !!, વેપારી શેરીમાંથી ફાળો મળશે” રાજદીપે ઠાવકાઈથી કહ્યું.

“ઇ તો ઠીક છે પણ રામજીકાકાની છોકરી હારે તારું હૂ ચક્કર હાલે છે ?” ઉદયે કહ્યું, “દર વર્ષે એનાં ઘરે જ તને તરસ લાગે છે !!!”

“ચાર વર્ષ જૂનું લફરું છે અલા” જીગાએ કહ્યું, “તમે લોકો કોલેજમાં ગયાં એટલે તમને કાંઇ ખબર જ નથી”

“કલાકાર છે હો તું બાકી !” ઉદયે હસીને કહ્યું.

“તમારો હિસાબ પત્યો હોય તો નદીએ નિકળશું હવે ?” કાલની જેમ કરણે આજે પણ કહ્યું.

“આને બીડી શિવાય કાંઈ દેખાતું જ નથી” તુષારે કરણનાં માથે ટાપલી મારતાં કહ્યું.

“તો આયા બેઠીને કાંઇ ભજન-કીર્તન નથી કરવાનાં” કરણે પોતાનો બચાવ કર્યો, “આમેય દોઢ કલાક પછી તલબ તો જાગે જ ને !!”

“હાલો ભાઈ આની તલબ પુરી કરી આવીએ” જીગાએ ઊભાં થઈને કહ્યું.

ગઈ કાલની જેમ જ સંદીપ, કરણ અને રાજદીપનાં હાથમાં બીડી હતી. જીગો માવો ચોળતો હતો.

“તમારું કૉલેજમાં લફરું નો’તું ?” જીગાએ માવો ચોળતાં ચોળતાં પુછ્યું, “મેં હાંભળ્યુ છે કૉલેજ લફરાં કરવા હાટુ જ હોય છે”

“ઉદયનું હતું” અભયે કહ્યું.

“હતું એટલે ?” ઉદયે ઊડતી નજરે અભય પર ફેરવી, “હજી છે જ”

“અને તારું ?” જીગાએ અભય તરફ જોઈને કહ્યું.

“ઇ તો છોકરીયુંથી આઘો જ ભાગતો” ઉદયે હસીને કહ્યું, “માંડ માંડ એક ગૃપમાં જોડ્યો એને”

“મતલબ ત્રણ વરહમાં તે કાંઇ કાંદો નથી કાઢ્યો ?” જીગો પણ હસવા લાગ્યો.

“મને એવું ગમતું જ નથી, ભણવામાંથી ઊંચો આવું તો ધ્યાન આપું ને !”

“ઓલી સાધના તને ગમતી જ હતીને, લાઈનય આપતી’તી. તે જ એને બેન કઈ દીધું’તું” ઉદયે મૂછમાં હસીને કહ્યું.

“એનાં બાપાને ખબર પડશે તો વાંહો ભાંગી નાંખશે ઇ બીકે બેન કઈ દીધું હશે” જીગાએ હસીને કહ્યું. જીગાની વાત સાંભળીને બધા હસવા લાગ્યા. અભય પણ.

“અલા આ જ ઊંમર છે જીવવાની, તારાં બાપાની ઉંમરનો થાઇશ પછી ઢહડા(મજૂરી) જ કરવાનાં છે” જીગાએ અભયને સલાહ આપી, “તારાં બાપાની બિક રાખીશ તો કાંઈ નઈ કરી શક તું, ક્યારેક બાપા હામે બોલતાં શીખ. તારી મરજીથી જીવતાં શીખ”

જીગાની વાત સાંભળી અભય ચૂપ રહ્યો. આજે જીગો ઝઘડવાનાં મૂડમાં નહોતો એ તેને સમજાય રહ્યું હતું.

“જીગો હાચુ કે છે, તારાં બાપાની જેટલી બિક રાખીશ એટલાં જ વધારે એ તને દબાવીને રાખશે” રાજદીપ પણ જીગાની ચાલતી ગાડીમાં ચડી ગયો.

“અલાવ એને જે કરવું હશે ઇ કરશે, તમે હૂ કામ ચિંતા કરો છો !!” ઉદયે બધાને ચૂપ કરાવ્યાં.

“અમી તો ભાઈબંધીનાં નાતે કે’વી છવી, બાકી કરવું – નો કરવું એની મરજી” જીગાએ કહ્યું.

“તારે ઘરે નથી જવું” ઉદયે ઊભાં થતા કહ્યું, “હાલ તને મૂકી જાવ”

ઉદયે મોટરસાયકલ કાઢી, અભય ચુપચાપ પાછળ બેસી ગયો.

“તું આ લોકોની વાત ઉપર ધ્યાન ના આપતો, આ લોકો તો કીધાં રાખે. એકવાર રૂપિયા કમાઈને તારાં બાપાને આપીશ એટલે બધું ઠીક થઈ જશે” રસ્તામાં ઉદયે અભયને સમજાવ્યો.

ભુપતભાઇનાં ઘરથી થોડે દુર અભયને ઉતારીને ઉદય ગામ તરફ નીકળી ગયો. અભાયનાં મગજમાં રાજદીપ અને જીગાની વાતો ઘુમતી હતી. એ જ નિસ્તેજ ચહેરે અને થાકેલાં પગે એણે ઘર તરફ પગ ઉપાડ્યા.

(ક્રમશઃ)