ગુલામ – 7 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ગુલામ – 7

ગુલામ – 7

(અભયનું માનભંગ)

જીગાને હિસાબ આપીને દસ મિનિટમાં અભય પરત ફર્યો. જ્યારે તેણે ખીડકી ખોલી ત્યારે બધાં તેની સામે એવી રીતે જોઈ રહ્યાં હતાં જાણે બધાએ તેને કોઈનું મર્ડર કરતાં જોઈ લીધો હોય. અભયે તેનાં બનેવી સાથે આંખો મેળવી. એનાં બનેવી દયા અને સહાનુભૂતિનાં ભાવે અભય સામે જોઈએ રહ્યાં હતાં. અભયે નેણ ઊંચા કરીને ઇશારામાં જ શું થઈ રહ્યું છે એ પુછ્યું. બનેવીએ જવાબમાં તેનાં સસુર તરફ આંખોનો ડોળા ઘુમાવીને બે વાર આંખો પલકાવીને એકવાર માથું નીચે કર્યું.

અભયે ઊડતી નજર બધાં ખાટલા પર ફેંકી. સાત-આઠ ખાટલામાં ચાર-ચાર પુરુષો બેઠાં હતાં જેમાં મહેમાનો, કુટુંબનાં આવેલાં વડીલો થતાં પ્રતાપગઢનાં પુરુષો શામેલ હતાં. અભયની નજર તેનાં પિતાને શોધી રહી હતી. અશોકભાઈ અને પ્રવીણભાઈની સાથે ભુપતભાઇ ત્રીજા ખાટલે બેઠાં હતાં. અભય અને ભુપતભાઇની નજર એક થઇ. અભયની નજરમાં પ્રશ્નો હતાં જ્યારે ભુપતભાઇની નજર વેધક હતી, તિક્ષ્ણ હતી. જો સામે તલવાર હોય તો એ તલવારને પણ ચીરી નાંખે એટલી તિક્ષ્ણ અને ધરધાર. અક્ષય જમીન સાથે આંખો મેળવતો તેનાં બનેવી પાસે જઈને બેસી ગયો.

“આવી ગયાં રાજકુંવર !!” ભુપતભાઇએ શબ્દોનો વાર કર્યો, “ઘરમાં હૂ હાલે છે એની પડી જ નથીને, તું જા તારાં કામમાં જ પડ્યો રે”

“ભુપત..” અશોકભાઈ વચ્ચે પડ્યાં, “ ટાઢો રે થોડો”

“હૂ કરું અશોકભાઈ !!!, મારી વાત માનતો જ નથી. અજિતનાં ઘરનાનું શ્રીમંત છે અને આને એનાં ભાઈબંધો હારે રખડવું છે. આયા કામ પડે ત્યારે બીજા છોકરાને કામ ચીંધતાં મને કેટલી શરમ આવે ઇ આને નથી હમજાતુ” ભુપતભાઇ શબ્દોનાં બાણ ચડાવ્યાં, “ગોવિંદભાઇ પાછા થયા ત્યારેય ભાઈબંધો હારે રખડતો. છેલ્લાં અઠવાડિયાથી એને વેલાં ઘરે આવવા કવ છું તોય મોડો આવે છે”

“તારે બાપાની વાત માનવી જોવે અભય” અશોકભાઈએ અભય સામે જોઇને કહ્યું, “તારી ભાભીનું શ્રીમંત છે તો તારું કામ પડેને બેટા”

અશોકભાઈની વાત સાંભળીને ભુપતભાઇ બે વેંત આગળ વધ્યા.

“તમે જ હમજાવો એને, મારું તો માનતો નથી હવે. હું એનો બાપ છું કે દુશ્મન ઇ જ નથી હમજાતુ, કોલેજ પુરી કરી પછી હાવ બગડી ગયો છે. ખેતરમાં કામ કરતો હોય તો ઘરે આવવાની ઉતાવળે બધાં કામ બગાડે છે. કામ ચીંધું તોય બે-ત્રણ હાદે જવાબ આપે છે”

અભય પગનાં અંગૂઠાને રેતી સાથે ઘસતો રહ્યો. એને માઠું લાગતું હતું પણ એ બોલી શકે એમ નહોતો.

“છોકરાંની ઉંમર થાય એટલે એનું વર્તન બદલાય છે પણ કામમાં તો ધ્યાન આપવું જોઈએને” આ વખતે પ્રવિણભાઈએ ભાષણ આપ્યું, “બાપ આખો દી ખેતરમાં ઢહડા કરે અને આપણે આમ રખડવી ઇ હારુ લાગે !”

“ભાવનગર ગયો ત્યાં હુધી કેવો ડાયો હતો, ચીંધા વિના બધા કામ કરતો. ન્યા જઈને જ બગડી ગયો છે. આખો દી ફોનમાં મંડયો રે છે, કલાકો હુધી ફોનમાં વાતું કરે છે. આટલું બધું તો મારેય કોઈનું કામ નથી હોતું. ખબર નય કંઈ ડાકણનાં ચક્કરમાં પડી ગયો છે. ફોનમાં જોઈને દાંત જ કાઢતો હોય છે”

ભુપતભાઇની વાતો અભયનાં મગજમાં તીરની જેમ ખૂંચતી હતી. એ કોઈ દિવસ કોઈની સામે રડેલો નહિ પણ અત્યારે એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. પોતાનાં હોઠ બે દાંત વચ્ચે દબાવીને એ સ્વસ્થ હોવાનો ઢોંગ કરતો હતો.

“આજની પેઢી કેવી પાકી છે ઇ જ ખબર નથી પડતી. ભણી ભણીને બગડે છે. આપણાં સમયે ઊંચી આંખ કરીને જોવાતું નય અને અત્યારે શેર(શહેર)માં છોકરા-છોકરીયું હાથમાં હાથ નાંખીને એવી રીતે ફરે છે જાણે એનાં બાપનો બગીચો હોય” ગામનાં વડીલ એવાં અરજણભાઈએ હોકલીનો દમ ખેંચીને કહ્યું.

“પૂછો એને, કૉલેજ કરવા ગયો ત્યારે મેં એને આવા ધંધા કરવાની ના પાડી હતી. ઇ વખતે તો મીઠાં મીઠાં શબ્દો બોલીને મને ભોળવી દીધો અને હવે બાપને જ તિડી બતાવે છે” ભુપતભાઇ વ્યવસ્થીત ચગ્યા હતાં. અભયને સંભળાવવાનો એક મોકો પણ એ જતો કરવા નહોતાં માંગતા.

‘આ એ જ લોકો છે !, આ એ જ બાપ છે જેણે શાલ ઓઢાડીને મારું સન્માન કર્યું હતું, બે મહિના સુધી મારાં વખાણ કરતાં થાકતાં નહોતાં.’ અભય મનમાં વિચારતો હતો.

બાપાનાં શબ્દોનો વાર અભય જીરવી ના શક્યો. તેની આંખોમાં રહેલો આંસુઓનો બંધ તૂટી ગયો અને અભય હિબકે ચડવા લાગ્યો. તેનાં મોંમાંથી અવાજ નહોતો આવતો પણ આંખોમાંથી આંસુ અવરીત પણે વહેતાં હતાં. હીબકાં ભરવાને કારણે તેનું શરીર એક સાથે ઊંચકાતું અને ઢીલું પડી જતું. અભયનાં નાકમાંથી પાણી વહેવા લાગ્યું,તેનાં બનેવીએ અભયનાં ખભા પર હાથ રાખ્યો અને મૌન રહીને જ સાંત્વના આપી. સાંત્વના તો શું આજે ભગવાન પણ નીચે આવીને અભયને શાંત કરવાનો પ્રયત્ન કરે તો પણ અભય શાંત નહોતો થવાનો.

“તોય તારો છોકરો હારો છે ભુપત” મહેમાનોમાં આવેલાં ભુપતભાઇનાં કાકાએ કહ્યું, “અમારાં ગામમાં તો છોકરાઓ માથે ચડ્યા છે. જુગાર, દારુ ને માવાનાં રવાડે ચડીને ગામની આબરૂ ધૂળમાં મેળવે છે. ઉપરથી બાપા હામે બોલે, વડીલોને હાંકી નાંખે. તારો છોકરો એનાં કરતાં તો હો ગણો હારો છે”

પોતાનાં કાકાની વાત તમાચાની જેમ ભુપતભાઇને વાગી. તેણે કાકા તરફ ત્રાંસી નજર ફેરવી. કાકા ઉંમરમાં મોટા હતા એટલે ભુપતભાઇ ટાઢા પડ્યાં.

“તમે હમજતાં નથી કાકા, છોકરો બોઉ ડાયો છે. ભણવામાં હોશિયાર છે પણ જો અત્યારે એને ટોકવામાં નય આવે તો બીજાં છોકરાઓનાં રવાડે ચડીને આય બગડી જાહે” ભુપતભાઇએ નરમાશથી કહ્યું, “હું એનું હારુ જ ઈચ્છું છું. ક્યાંક કામે લાગી જાય અને ઠરીઠામ થઈ જાય ભલેને પછી એને જે કરવું હોય એ કરે”

“હા પણ છોકરાં હામુ તો જો એકવાર” ભુપતભાઇનાં કાકાએ કહ્યું, “રડી પડ્યો તોય બંધ નથી થાતો તું”

કાકાની વાત સાંભળીને ભુપતભાઇ ચૂપ થઈ ગયાં. બધાં અભયને જ જોઈ રહ્યાં હતાં. અભય ઉભો થઈને ઘરમાં ચાલ્યો ગયો. અભયની બહેનો અને બા અભયને ઘેરી વળ્યાં અને અભયને શાંત કરવાની કોશિશ કરવા લાગ્યાં. બધાં અભયને સાંત્વનાં આપતાં હતાં પણ અભયને અત્યારે એકાંતની જરૂર હતી. અભયનાં બનેવી તેની ઉંમરના જ હોવાથી એ ઘરમાં આવ્યાં અને અભયને લઈને બહાર નીકળી ગયાં.

“આલ્યો ચાવી, બહાર આંટો મારી આવો” બનેવીએ પોતાની મોટરસાઇકલની ચાવી આપીને કહ્યું. અભયે મોટરસાઇકલ સ્ટેન્ડ પરથી ઉતારી અને કિક મારીને નીકળી ગયો.

પ્રતાપગઢથી નીકળી એ તરપાળા આવ્યો. રાતનાં નવ થયાં હતાં. નદી કાંઠે તેનાં દોસ્તો બેઠાં હશે એ અભયને ખબર હતી. ઉદય બહારગામ ગયો હતો એટલે ત્યાં જવાનો કોઈ મતલબ હતો જ નહીં. અભયે હડમતાળા તરફ મોટરસાયકલ ચલાવી. હડમતાળાથી બે કિલોમીટર પહેલાં કાળુભાર નદીનું એક નાળુ આવતું હતું. એ નાળેથી ડાબી તરફ નદીમાં એક ધુળિયો રસ્તો ફાટતો હતો. નદી જ્યારે સુકાય જતી ત્યારે સામેનાં ખેતરોમાં જવા માટે આ રસ્તાનો ઉપયોગ થતો. અભયે એ રસ્તે મોટરસાયકલ વાળી લીધી. નદી કિનારે જઈને એ બેસી ગયો અને જોરજોરથી રડવા લાગ્યો.

‘હું તમને કોઈ દિવસ માફ નહિ કરી શકું પાપા, આજનો દિવસ મને મરતી વેળા સુધી યાદ રહેશે. એક બાપે એનાં છોકરાંને કારણ વીનાં બધાં સામે બેઇજત કર્યો, એનું માનભંગ કર્યું એ હું કોઈ દિવસ નહિ ભૂલી શકું. હું તમને ધિક્કારું છું ભુપતભાઇ સોલંકી’ અભય રડતો રડતો બોલતો રહ્યો. દસ મિનિટ થઈ હશે ત્યાં એનાં બનેવીનો ફોન આવ્યો, પોતે ઠીક છે એમ જણાવીને અભયે ફોન રાખી દીધો. પછીની દસ મિનિટ સુધી એ વિચારતો રહ્યો, વહેતાં પાણીને જોતો રહ્યો. તેનાં આંસુ હવે સુકાઈ ગયાં હતાં. સાડા નવ થયાં એટલે ઉભો થઈને ઘર તરફ ચાલ્યો. એ તરપાળાનાં પાદરે પહોંચ્યો એટલે નદી કાંઠે બેસેલી ટોળકી ગામ તરફ જતી દેખાઈ. અભયે મોટરસાયકલ થોભાવીને બંધ કરી દીધી. કમનસીબે તુષાર અને જીગો પેશાબ કરવા પાછળ રહ્યાં હતાં એટલે તેઓએ અભયને જોઈ લીધો.

“આયા હૂ કરે છો અલ્યા !, તારે તો કાલ ભાભીનું શ્રીમંત હતુંને” તુષારે અભય પાસે આવેને પુછ્યું.

“બાપાએ કામથી મોકલ્યો હતો” અભય જુઠ્ઠું બોલ્યો. અભયે બની શકે ત્યાં સુધી પોતાનો અવાજ સ્વસ્થ રાખ્યો, અંધારું હતું એટલે અભયનો ચહેરો દેખાતો નહોતો.

“કાંઈ કામ હોય તો બોલ, નયતર કાલે હવારે વેલા પોગી જાહુ અમે” જીગાએ બીડીનાં ઠુંઠાનો છેલ્લો દમ ખેંચીને નીચે ફેંકતા કહ્યું.

“અત્યારે તો કાંઈ નથી” અભયે કહ્યું, “હાલો હું નીકળું, બધા વાટે હશે મારી”

“હારુ” જીગાએ કહ્યું.

અભયે મોટરસાઇકલ શરૂ કરીને આગળ વધારી. થોડે આગળ જતાં તેણે મોટરસાઇકલ ઉભી રાખી અને બંધ કરી દીધી.

“હૂ થયું અલા ?” પાછળથી ચાલ્યાં આવતાં જીગાએ પુછ્યું, “પેટ્રોલ ખૂટી ગયું ?”

“બીડી છે તારી પાહે ?” અભયે પુછ્યું.

અભયની વાત સાંભળીને તુષાર અને જીગો ચોંકી ગયાં.

“છે ને પણ તારે હૂ કામ છે ?” જીગાએ ગૂંચવણ ભર્યા અવાજે પુછ્યું.

“મને એક આપને”

“તારે બીડી પીવી છે !!”

“હા, આપને”

જીગાએ ગજવામાં હાથ નાંખીને ઝુડીમાંથી એક બીડી કાઢી. બીજાં ગજવામાંથી બાકસ કાઢીને બંને વસ્તુ અભયનાં હાથમાં આપ્યું. અભયે બીડીનો જાડો ભાગ મોઢામાં નાંખ્યો.

“ઊંધી છે બીડી” અભયે દીવાસળી સળગાવી એટલે જીગાએ કહ્યું.

અભયે બીડીને ફેરવીને પાતળો ભાગ બે હોઠ વચ્ચે દબાવ્યો. બીજી દીવાસળી સળગાવી અને બીડીનાં મોઢે લઈ ગયો. તેણે પહેલો દમ ખેંચ્યો એટલે ધુમાડો નાકમાં ઘૂસી ગયો. અભય ઉધરસ ખાવા લાગ્યો.

“એમ નો પીવાય મારાં ભાઈ” જીગાએ અભયનાં મોઢેથી બીડી લેતાં કહ્યું, “પેલાં ધુમાડો મોઢામાં રાખ પછી અડધા પેટ હુધી લઈ જા અને પછી બહાર કાઢ. જો આમ” કહેતાં જીગાએ ડેમો બતાવ્યો.

અભયે જીગાનું અનુકરણ કર્યું. પેટમાં ધુમાડો ગયો એટલે અભયને ફરી ઉધરસ આવી ગઈ.

“વાર લાગશે મારાં ભાઈ, અમારે ચાર દી થયાં’તાં શીખવામાં” જીગાએ અભયનો ખભો પસવારતાં કહ્યું.

“હું નીકળું હવે તો” અભયે બીડીનું અડધું ઠુંઠુ ફેંકીને કહ્યું.

“ઉભો રે” કહેતાં જીગાએ ગજવામાં હાથ નાંખ્યો અને પીપરમેન્ટ બહાર કાઢીને અભય તરફ ધરી, “આ મોઢામાં નાંખી દે, નયતર વાશ(ગંધ) આવશે”

અભયે પીપરમેન્ટ મોંઢામાં નાંખી અને મોટરસાયકલ શરૂ કરીને ઘર તરફ નીકળી ગયો. અભય ઘરે પહોંચ્યો ત્યારે બધાં મગબાફણાં ફાડવામાં વ્યસ્ત હતાં. અભયે ખડકી ખોલી એટલે બધાંએ અભય તરફ નજર ફેરવી. અભય નીચું જોઈને ઘરમાં ચાલ્યો ગયો.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 વર્ષ પહેલા

Vaidehi

Vaidehi માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

nihi honey

nihi honey 3 વર્ષ પહેલા

Rajiv

Rajiv 3 વર્ષ પહેલા

Rojmala Yagnik

Rojmala Yagnik 3 વર્ષ પહેલા