વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-15 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-15

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-15
સુરેખ-સુરેખાનું પ્રેમ મિલન થઇ ગયું હતું બંન્ને જણાં જેટલો સમય દૂર રહ્યાં એટલાંજ ઝડપથી નજીક આવી ગયાં અને મધુરસ પણ માણી લીધો જાણે જન્મોનાં તરસ્યાં હોય એમ પ્રેમરસ પીધો.
ચા નાસ્તો કરી રહેલાં, અભી અને સ્તુતિ પણ મસ્તી કરી રહેલાં સ્તુતિતો અભિનાં ખોળામાંજ બેસી ગયેલી એ જોઇને સુરેખાને હસું આવી ગયેલું. સુરેખ પણ ખબર નહીં કોઇ પ્રેરણાથી સુરેખાનાં ખોળામાં માથું મૂકીને આડો પડેલો. સંકોચ બધો દૂર થઇ ગયેલો સુરેખા સુરેખની લટોને સંવારી રહેલી એમાંજ એ બંન્નેને ઘણું સુકુન મળી રહેલું બધાંજ કબીરનાં ફોન પર મસ્કીનો ફોન આવ્યો અને મસ્કીએ કહ્યું હું તારા રૂમ પર આવુ છું કબીરે એને પૂછીજ લીધુ તું એકલો કે બેકલો આવે છે ?
મસ્કીએ કહ્યું અલ્યા વાનર એકલોજ હું બેકલોજ ક્યાં છું ? દોસ્તો સાથે મહેફીલ જમાવવા આવુ છું કબીરે પૂછ્યું મહેફીલ ? મસ્કીએ એનો જવાબ આપ્યાં વિના ફોન કાપ્યો.
અભી, સુરેખ બધાનાં કાન સરવા થઇ ગયેલાં સુરેખાનો તો મૂડ જ આઉટ થઇ ગયો. કબીરને ખ્યાલ આવી ગયો એણે કહ્યું "એ એકલોજ આવે છે મહેફીલ જમાવવા.
સુરેખાએ કહ્યું "તમારે અહીં મહેફીલ જમાવવી હોય તો અમે જઇએ હું એવાં લોકો સાથે નહીં બેસી શકું.
સુરેખે કહ્યું એવું કંઇ નહીં થાય... તું માંડ તો... સુરેખાની આંખમાં આંખ પરોવી કહ્યું એવું હોય તો આપણે બહાર જતાં રહીએ સુરેખાએ અભી સામે જોયુ પછી બોલી એવું નથી કરવું. પણ... અભીએ કહ્યું "એવું કંઇ નહીં કરીએ અમે વારે વારે મહેફીલ નહીં પોષાય મનેજ નથી માફક આવતું.
કબીરે કહ્યું "એને આવવા તો દો પછી નક્કી કરો. ત્યાં જ મસ્કીની એન્ટ્રી થઇ અને બોલ્યો. વાહ મારાં આવવાની રાહ જોવાતી હતી ? કબીરે કહ્યું એમ પ્રેતની જેમ એકદમજ કેવી રીતે આવ્યો ?
મસ્કીએ કહ્યું "સાલા નાલાયકો મારાં પર એટલી નફરત થઇ છે ? હું નીચે જ હતો નીચેથી જ ફોન કરેલો. મને ખબર છે મારી બર્થડે પાર્ટી કોઇને પચી નથી પણ અહીંનો માહોલ જોતા લાગે છે કે એનાં પોઝીટીવ રીઝલ્ટ પણ જોવા મળે છે એમ કહી સુરેખ-સુરેખા સામે જોયું. સુરેખાનાં ખોળામાંજ સુરેખ માથુ રાખી સૂતેલો એ ઉભો અને બોલ્યો સાચી વાત કીધી તારી પાર્ટી અમને તો ફળી એમ કહીને હસી પડ્યો.
મસ્કીએ બનાવટી ચહેરો બનાવીને કહ્યું "ચલો કોન્ગ્રેચ્યુલેશન કંઇક તો સારું થયું પછી બોલ્યો એ દિવસે સાચેજ વધારે પડતું થઇ ગયેલું. નશો માથે ચઢેલો તમારાં બધાની માફી માંગું છું અને ચહેરો સીરીયસ બનાવી દીધો.
અભીએ કહ્યું "ઇટ્સ ઓકે યાર પણ વંદનાએ તો કંટ્રોલ કરવો જોઇતો હતો તમે પર્સનલી શું કરો છો એની સાથે કોઇને કંઇ ફરક નથી પડતો પણ આમ બધાની સામે હાજરીમાં શોભતુ નહોતું અને એજ તમારું વર્તન બધાને ખટક્યુ હતું.
મસ્કીએ કહ્યું. "યાર સોરીતો કીધું પણ એ દિવસે બધો નશો હતો નવી કાર, નવી ગર્લફ્રેન્ડ, દારૂ, દમામ બધુંજ માથે ચઢી ગયેલું અને વંદનાની બિન્દાસીએ મને... છોડ બધુ એ દિવસ પછી એ પણ નથી મળી... પછી ખડખડાટ હસીને બોલ્યો "જોયો કેવો અમારો પ્રેમથી બીજા દિવસેજ નશો ઉતર્યો સાથે પ્રેમ પણ ઉતરી ગયેલો.
કબીરે કહ્યું "તો આજે શેની મહેફીલની વાતો કરતો હતો ? અને આટલાં દિવસ ક્યાં હતો ? તારો ફોન પણ નહીં ?
મસ્કીએ કહ્યું "યાર થોડો ટેન્શનમાં હતો IT ની રેડ પડી હતી એમાં બીઝી હતો બાપાને ચિંતા હતી પણ એમની વેપારી બુદ્ધીથી બધુ થાળે પડી ગયું છે હવે ટેન્શન નથી એની પાર્ટી.. પણ... નો ડ્રીક્સ એવી મહેફીલ નહીં પણ દોસ્તોને મળું મન હળવું થાય અને એ દિવસની માફી માંગવી હતી.
સુરેખા અને સુરેખે એકબીજાની સામે જોયું અને જાણે રાહત અનુભવી. સુરેખે કહ્યું તું બોલ્ડ છે અને પેલી બ્યુટીફુલ હતી એમાં રસાયણ ક્રિયાઓ તમે જલ્દી કરી નાંખી એમાં વધી ગરબડ થઇ ગઇ.
કબીર કહે જો આ સાયન્સ સ્ટુન્ડર બોલ્યો રસાયણ શબ્દ એજ બોલે. પછી બધાં એક સાથે હસી પડ્યાં.
કબીરે કહ્યું નાસ્તો -ચા પુરા તારે ચા-નાસ્તો કરવો છે લઇ આવુ કેન્ટીનમાં હશે જ. મસ્કી કહે ના ભાઇના પેટ ભરેલું છે આ સખીઓને આઇમીન ભાભીઓને વાંધો ના હોય તો સ્મોક કરી શકું ?
ભાભીઓ શબ્દ સાંભળીને સ્તુતિ અને સુરેખા હસી પડી અને થોડી શરમાઇ ગઇ.. સુરેખે કહ્યું... લાવ હું પણ ઠઠાડુ એમ કહીને સુરેખા સામે જોયું. સુરેખાની આંખમાં શરારત ભર્યો ઢપકો હતો. સુરેખે આંખ ઝીણી કરીને જાણે અરજ કરી એક પ્લીઝ અને સુરેખા હસતી હસતી બોલી "હું ના પાડું તો જાણે પીવાનો ના હોય ચલ ખોટી ફોર્માલીટી ના કર પી તારે પીવી હોય તો...
એ લોકો ચર્ચા કરે ત્યાં સુધીમાં સીગરેટ કેસમાંથી અભી, કબીર અને મસ્કીએતો સીગરેટ લઇજ લીધી અને પછી સુરેખને ધરી. સુરેખે પણ લઇ લીધી કબીરે બધાને લાઇટરથી સળગાવી આપી અને બધાં ઊંડા ઊંડા કસ લેવા માંડ્યાં થોડીવારમાં રૂમમાં જાણે ધુમાડો ધૂમાડો થઇ ગયો. સ્તુતિ અને સુરેખાએ એકબીજા સામે જોયુ અને સુરેખા બોલી તમે મિત્રો બેસો અને બહાર ગાર્ડનમાં લટાર મારીને આવીએ છીએ. બધાં એક સાથે ઓકે બોલ્યાં.

સ્તુતિએ કહ્યું પળનોય વિલંબ કર્યા વિના ઓકે કહી દીધું સાલા આ ભાઇબંધો ભેગા થાય તો આખી દુનિયા તો ભૂલે આપણનેય ભૂલે.
સ્તુતિ અને સુરેખા ઉઠીને રૂમની બહાર નીકળી ગયાં અને ગાર્ડનમાં ટહેલવા નીકળી ગયાં.
અભીએ થોડાં કસ મારીને કહ્યું અરે મસ્કી આ કઇ સિગરેટ છે ? મેં તો બ્રાન્ડ પણ ના જોઇ અને કંસ મારવા ચાલુ કરી દીધાં યાર જોરદાર છે શું નશો છે એનો...
સુરેખે કહ્યું સાચેજ માથું મારું ભારે થયુ પણ આંખમાં જાણે આનંદ છે મસ્કીડા કઇ બ્રાન્ડ છે ?
કબીરતો કસ પર કસ મારી રહ્યો એ કંઇ બોલ્યો જ નહીં. મસ્કી બધાની સામે જોઇ હસી રહ્યો કંઇ જવાબજ ના આપ્યો. થોડીવારમાં વધાએ ઊંડા ઊંડા કસ મારીને પૂરી કરી દીધી.
સુરેખે કહ્યું મજા આવી ગઇ મસ્કી કઇ બ્રાન્ડ છે ?
મસ્કી બધાં સામે બોલ્યા વિના ફરીથી સીગરેટ કેસ ધર્યું. બધાએ ફટાફટ સીગરેટ ઉઠાવી લીધી અને સળગાવી કસ મારવા માંડ્યા. પછી મસ્કી બોલ્યો આ ડનહીલ છે.. છે ને ? જોરદાર ? પણ આ હાઇબ્રીડ છે... સમજ્યા ?
સુરેખે કહ્યું "ડનહીલ ? એનો ટેસ્ટ આટલો જોરદાર ક્યાં હોય છે ? લાંબી સીગરેટ મસ્ત પણ હાઇબ્રીડ એટલે ? મસ્કીએ કહ્યું "સ્પેશીયલ બ્રાન્ડ છે યાર ટેન્શન ઉતરી જાય તમને જ્યારે જોઇએ કહેજો લાવી આપીશ. માર્કેટમાં એમજ નથી મળતી હું ડનહીલ કલ્બનો મેમ્બર છું. એટલે મને જ મળે.
કબીરે કહ્યું "સાલા મસ્કીડા તું કાયમ કંઇક નવું લાવે ગઇ વખતે ગાડી અને લાડી નવી હતી. આ વખતે સીગરેટ નવી તારો વહીવટ બહુ ઊંચો છે. અને બધાં હસવાં માંડ્યાં.
થોડીવાર પછી સ્તુતિ અને સુરેખા પાછાં આવી ગયાં સીગરેટ પુરી થઇ ગઇ હતી પણ બધાને જાણે કોઇ નશો ચઢ્યો હોય એમ બેઠાં હતાં.
સુરેખાને જોઇને સુરેખ બોલ્યો "આવ આવ ડાર્લીંગ તારાં વિના ખૂબ સમય કાઢ્યો હવે નહીં નીકળે.. તને હું ખૂબ પ્રેમ કરું છું ખૂબ... આખી દુનિયા સામે લડી લઊં.. તારાં પગમાં તું કહે એ બધુ લાવી મૂકું તને બધુ લુટાંવી દઊ જાન આઇ લવ યુ. સુરેખા સુરેખની આવી વાતો સાંભળી આશ્ચર્ય પામી અને બોલી તમે લોકોએ ડ્રીંક્સ લીધુ છે ને ?
અભી કહે "અરે ના ના ભાભી અને માત્ર સીગરેટ પીધી છે પૂછો આ કબીરીયાને.. એણેજ સળગાવી આપી હતી. સ્તુતિ કહે આ રૂમમાં ધુમાડો નથી છતાં કોઇ મીઠી પણ વિચિત્ર વાસ આવે છે તમે લોકોએ શેનો નશો કર્યો છે ?
સુરેખે કહ્યું "નશો ? શેનો નશો ? અમે માત્ર સીગરેટ પીધી મીસ્કીડો ક્યાંક કલબમાંથી ખાસ લાવેલો.
સ્તુતિ અને સુરેખા એકબીજા સામે જોવાં લાગ્યાં એમને પાકો વ્હેમ ગયો કે મસ્કી સીગરેટમાં ચોક્કસ કોઇ ડ્રગ ભેળવીને લાવ્યો છે.
સુરેખા બોલી... ચાલો બધુ પુરુ થયું અહીંથી બધાં નીકળો પોત પોતાનાં ઘરે જાવ અમે પણ જઇએ છીએ અને મસ્કી બોલ્યો. સુરેખા...
વધુ આવતાં અંકે - પ્રકરણ16