' અરે યાર! આટલો બધો વરસાદ છે કઈ રીતે જઈશ હવે?'- મનોમન વિચારતી માહી જરાં આગળ વધી. ઓફિસથી ઘરે જવાના સમયે વરસતો વરસાદ આજે કાબૂમાં નહોતો, ને એની ભુલક્કડ આદતે આજે એને દગો દીધો કે એ રેનકોટ ઘરે જ ભૂલી ગઈ હતી.પચ્ચીસેક વર્ષની યુવાની ને એમાંય મોસમની માદકતા એની સુંદરતા વધુ સાધી રહી હતી.એની આંખોના પલકારે વર્ષારાણી ઝબકતી હતી,એને એનો ધ્વનિ ગુંજતો મોસમની મજા કરાવતો હતો, વરસાદના બુંદ એની મુલાયમ ચામડીને ભેદતા આનંદ લઇ રહ્યા હતા. એના ખુલ્લાં વાળ એને જરાં ભેગા કરીને ઉતાવળથી બાંધીને એક્ટિવાને સેલ માર્યો. પલળવાની બીકે એને સ્પીડ વધારી એ આગળ વધી.થોડી આગળ વધીને આગળના ટર્ન પર ધમ્.... સ્લીપ થઈને એ એને એની એક્ટિવા ફસડાઈ પડ્યા.
એક તો ઉતાવળ અને ઉપરથી વરસતો વરસાદ મજા એની મજા લે એવી પરિસ્થિતિ! માહી જરાં ઊભી થઈ, વાગ્યું નહિ પરંતુ આખી કીચડ વાળી થઈ ગઈ, એક્ટિવા થોડી દૂર ઘસડાઈ ગઈ એથી માર એકલો ઘસવાથી પડ્યો હતો, એતો ભગવાને શું સુજડ્યું કે થોડો અણસાર આવી જતા એને એક્સિલેટર છોડી દીધું એને લીધે વાગ્યું નહીં.પણ આજુબાજુ જોયું એને જરાં શ્વાસ ભેગો કરીને તો બધા ભેગાં થઈ ગયા હતા, એનું એક્ટિવા ઉપાડીને સાઇડ પર મૂકી આપ્યું, એને વાગ્યું નહિ ને એવું ભીડમાંથી કોઈ એ પૂછ્યું પણ.કોણ હતું એ ખબર ના પડી!
એ સ્વસ્થ થઈ, ભીડ પણ વેરાવા માંડી, ત્યાં અચાનક એ અવાજ જેણે ભીડમાંથી વાગવા માટેની ચિંતા વ્યક્ત કરી હતી એ આકૃતિ સામે ઉભરી આવી.યુવાનીમાં તરવરતી એ આકૃતિ જાણે એને આંજી રહી હતી. છ ફૂટની ઊંચાઈ,સમતલ બાંધો ને ઉજળો વાન અને એમાંય એની આંખમાં ચમકતી રોશની, જાણે માહીને મોહી ગઈ! એ કઈ બોલે એ પહેલાં જ એને સામેથી આવીને ફરી પૂછ્યું, " વધારે વાગ્યું હોય તો ડોકટરને ત્યાં લઈ જાવ?"
માહી એના હાથનો ઘસારો જરાં સંતળતા, " ના કઈ નથી થયું, જરાં છોલાયું છે પણ મટી જશે."
"ઇટ્સ ઓકે, પણ વધારે હોય તો કહી શકો છો મને, હું લઈ જાઉં!"
" ના આભાર!" એ આભાર માનીને એક્ટિવા જોડે ગઈ અને એની રાહ પકડવાની કોશિશ કરી રહી હતી, પણ એક બે ડગ માંડ્યા પણ એને કષ્ટ પડવા માંડ્યું. કઈ નહોતું વાગ્યું છતાંય અચાનક એને તકલીફ કેવી? એ મનોમન વિચારવા માંડી! હજી એ વ્યક્તિ ત્યાં જ હતો, એને અણસાર આવી ગયો કે માહી ને કંઈ પ્રોબ્લેમ છે.એને ફરી પૂછ્યું.તો માહી માની ગઈ, અને ડોક્ટર જોડે જવા તૈયાર થઈ ગઈ.
એ અજાણ્યા વ્યક્તિને એને નાછૂટકે હા ભરીને એની જોડે જવા તૈયાર થઈ ગઈ, આવા માહોલમાં એને કોઈ મદદ કરનારું આ શહેરમાં નહોતું, નવી નવી આવેલી એના માટે બધું અજાણ્યું હતું, આ અજાણ્યા શહેરમાં લોકો પણ અજાણ જ હતા, એમાં મદદ કરનાર કોઈ પણ એના માટે ઈશ્વરીય આશિષ જ હોય એમ માની એ નવયુવાન ની ગાડીમાં બેસી ગઈ, અજાણ હોવાથી એ કંઈ પ્રતિક્રિયા આપવામાં પાછી પડી, ખરેખર એને પગમાં વધારે દુખતું હતું, એને ત્યાં જોયું તો સોજો પણ ચડી ગયો હતો.પણ હવે તો ડોક્ટર જ એને સાચું નિદાન કરી શકે એમ હતા.
રસ્તામાં એમને વાતચીત કરવાની કોશિશ કરી જેથી દર્દ ઓછું થાય અને જોતજોતામાં નજીકના દવાખાને પહોંચી ગયા, ને એમના આપસમાં નામ સરનામાં જેવી બાબતો ની લેણદેણ પણ થઈ ગઈ, મૌલિક મહેતા અને માહી મરચાવાલા એકબીજાના અજાણ છતાં અત્યારે એકબીજાના માનવતાના મૂલ્યોની આધીન સંબંધી હતા. કોઈ ઓળખાણ નહિ છતાંય અમૂક બનીને એક સબંધ નિભાવતા હતા! કોણ જાણે એ થોડી ઘડીની મુલાકાત જીવનભરનો સાથ બનાવી દેશે. એમની એક અજાણી મુલાકાત ને પછી વોટ્સએપ અને ફેસબુક એકાઉન્ટ પર ની મુલાકાતનો સિલસિલો જે ચાલુ થયો ને છેક સપ્તપદી નાં વચનોના બંધન સુધી પહોંચી ગયો.
શરૂઆત માં કોઇ ખાસ નહિ છતાં પહેલી એ દરકાર માહી ના મનમાં એવું ઘર કરી ગઈ કે એના દિલની દસ્તક સીધી મૌલિકના દિલમાં જઈ પહોંચી. એમના જીવનમાં એકબીજાના પ્રેમની કૂંપળો ફૂટી અને ખીલેલાં પુષ્પોની મહેક એમનાં સબંધોને તાજા કરતી ગઈ. વરસાદની એ મોસમ અને એ અકસ્માત એ યુગલને આશિષ આપી ગયું.