સહકર્મચારી Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સહકર્મચારી

લોકડાઉન બાદ હવે બધી ઓફિસ ધીમે ધીમે ખુલવા માંડી હતી.સૌ ત્રણ મહિનાથી ઘરમાં પુરાઈ ગયા હતા તો કશું કામ કર્યા વગર ધંધા રોજગારીમાં ધરખમ ફેરફારો હવે આવશે એવી ભીતિ દરેકમાં હતી, એક બાજુ ઘરની બહાર જઈને બીમારી ઘરે લઈ આવવાનો ભય અને જો ના જાય તો રોજી પર આવતી મુશ્કેલીઓના વાદળ તોળાઈ રહ્યા હતા.
મિતેષ આજે ત્રણ માસ પછી ઘરની બહાર નીકળીને ઓફિસ જવાના રસ્તે નીકળ્યો, રસ્તો જાણે અજાણ બની એને જોઈ રહ્યો હતો એમ લાગતું હતું, છતાંય મિતેષ એ રસ્તાને અપનાવીને આગળ વધતો હતો, મનમાં ઘણા વિચારોના વમળ ઉભરાતા હતા, દરેક વસ્તુ હવે શંકાસ્પદ લગતી હતી, ઓફીસમાં કયા કયા સ્ટાફને બોલાવ્યા હશે એ વિચાર પણ આવતા હતા, ત્યાંનો માહોલ શું હશે? સેફ્ટીના સાધનોમાં શું આપશે? દરેકનો કામ કરવાનો એજન્ડા હવે જુદો જ રહેશે આવા માહોલમાં હવે તો, બધું બહુ બદલાઈ ગયું હોય એવું લાગતું હતું, બધું જાણીતું છતાં અજાણ બનીને ઉભુ હતું, કઈ રીતે એમાં સેટ થવું એ વિડંબના હવે સામે હતી.
રસ્તામાં બહુ અવરજવર નહોતી અને વિચારોમાં રચાયેલો એ જલ્દી ઓફિએ પહોંચી ગયો, લીફટમાં ઊભો ઊભો શંકાની રીતે બધું જોતો હતો, સેનેટાઇજર હાથમાં જ હતું, માસ્ક મોઢા પર વાંટોલયેલું હતું જે એના મુખમાં ભાવોને ક્યાંક સંતળવાનો પ્રયાસ કરતું હતું.
ઓફીસમાં પ્રવેશ્યો, જોયું તો પ્યુંન ટેમ્પરેચર ચેક કરતો હતો, આગળ સેનેટાઈજર ની કીટ મૂકી હતી, જોઈને હાશકારો લાગ્યો કે અહીં સેફ્ટી છે અને બીજો હાશકારો ઓળખીતો ચહેરો જોઈને! અંદર જઈને જોયું તો છૂટાછવાયા બેઠેલા કલીગ હતા, જે પોતાના ધુુલ ખાતાં પીસી ને ફરી સેટ કરતાં હતાં બહુ દિવસે! નવી વહુને જેમ નિહાળતા હોય એમ મિતેષ બધું જોતો હતો, ઘણા ચહેરાઓ હજીય દેખાતા નહોતા, એમના વિશે પુછવાની હિંમત નહોતી એનામાં, કંપનીએ પચાસ ટકા સ્ટાફને છૂટો કરી દીધી હતો એવી વાત મળી હતી. હવે એમાં કોણ કોણ હતું એ ખબર નહોતી એટલે પૂછવું અજુકતું હતું.
કેબિનમાં સાહેબ આવી ગયા હતા એને જોયું, બધા બહુ દિવસે મળ્યા એટલે દૂરથી હાલચાલ પૂછી રહ્યા હતા, સોશ્યલ ડિસ્ટન્સ સૌ જાળવતા હતા એ જાણીને સૌમાં કામ કરવાની ઉમળકો હતો, પણ મનમાં અજીબ શી ઉથલપાથલ હતી, એક ભીતિ હતી કે ક્યાંક એનો નંબર ના આવી જાય રેસેશન માં ! પણ મનમાં કામ કરવાની ધગસ એને એના અસ્તિત્વ માટે એક આશા આપી રહી હતી, એની ટીમમાં દરેક મેમ્બર હાજર હતા એ જાણીને એને ખુશી હતી!
કામ ચાલુ કર્યું, થોડી વાર થઈને ઇન્ટરકોમ પર એક શો એક નંબર રણક્યો, એને મનમાં ફાળ પડી કે શું કામ હશે સાહેબને?
" હેલો,ગુડ મોર્નિંગ સર!"
" વેરી ગુડ મોર્નિંગ, મિતેષ કેબિનમાં આવજે ને જરા!"
" હા સર, આવું!" - ડાયલ નીચે મૂકતાંની સાથે જ એ ઊભો થઈને કેબિન તરફ ધસી ગયો.
" મે આઈ કમ ઈન?"
" યસ."- એ ગયો અને ઊભો રહ્યો.
" બેસ, કામ હતું તારું."
" હા સર, બોલો શું કરવાનું છે?"
" તને ખબર જ હસે કે કંપનીએ અડધા સ્ટાફને છૂટા કર્યા છે, મને બહુ ખેદ છે એ બાબત થી, હજીય કંપનીની એ પરિસ્થિતિ નથી કે હજી બીજા અફોર્ટ કરી શકીએ છીએ!"- એટલું સાહેબ એ કીધું એના પરથી મિતેષ સમજી ગયો કે શું થવાનું છે, હજીય કોઈને ન ઈચ્છતા હોવ છતાંય છૂટા કરવા પડશે કંપનીએ. હવે એમાં એનું નામ છે કે નહિ એ બાબત પર શંકા હતી.
" હા સર." એ એટલું જ બોલી શક્યો.
" હવે તારી ટીમમાં પાંચ સભ્યો છે એમાંથી તું પસંદ કર તારે કઈ બે વ્યક્તિ જોઈએ છે?"
" પણ સર, એ હું કઈ રીતે ?"
" હા મને ખબર છે આ મારો નિર્ણય છે, પણ મને તારા પર ભરોસો છે, તું બધા જોડે કામ કરે છે તો તારું કામ કરવા માટે તું જ નક્કી કરે!"
મિતેષ ના મનમાં એની આખી ટીમ સામે આવીને ઊભી રહી ગઈ, કોને રાખવા એ બાબતે એનું મનોમંથન વહોલવા માંડ્યું.જેની જોડે આખો વખત વિતાવે એ જ વ્યક્તિઓની હવે પસંદગી કઈ રીતે કરશે? પ્રેક્ટીકલી વિચારે તો જે સારું પરફોર્મન્સ આપે એ જ અહી ટકશે, પણ લાગણીઓમાં લેવા જાય તો બહુ તર્ક સામે હતા! કામ તો સૌ સરખું કરતાં હતાં, કોઈ પ્રત્યે પૂર્વગ્રહ નહોતો, દરેક એના દિલથી કરીબ હતા માટે એને નિર્ણય લેવો બહુ અઘરો હતો, હવે કરે તો શું કરે? એક બાજુ સાહેબનો ભરોષો અને બીજી બાજુ ટીમ પ્રત્યે એની નિષ્ઠા.આવા સમયે એ કોઈની રોજી પર લાત મારવા માંગતો નહોતો, પણ હવે કંપનીની પરિસ્થિતિ એવી નહોતી કે બધાને રાખી શકે, અવઢવમાં મૂકેલા દરેક પાસા એના માટે કઠિન હતા.
એના મનસ્થલ માં ચારેય સહકર્મચારીઓ તારી આવી, એક બાજુ એનું અસ્તિત્વ ટકી રહ્યું એનો સંતોષ હતો અને બીજી બાજુ એની ટીમ તૂટી જશે એનું દુઃખ. એક પરિવાર ની જેમ જોડાયેલી ટીમ આજે આ સંજોગોમાં વિખેરાઈ જશે એ બાબતનું દુઃખ.હવે એ લાગણીઓમાં ડૂબવા માંડ્યો, કેમ કે કામ પ્રત્યે એને કોઈ શિકાયત નહોતી.
નરેશ જે એના દિલથી એકદમ કરીબ હતો, બે બાળકોનો પિતા અને નાનકડા ભાડાના મકાનમાં રહેતો હોઇ એનું નામ લઈ લે તો બાળકોના નિસાસા એને લાગી જાય. એના બાળકો રઝળી પડે. એનો કોઈ સહારો નહોતો એક માત્ર આ કંપની માંથી મળતી બાર પંદર હજાર રૂપરડીમાં એનું ઘર ચાલે, એમાં ચારેક હજાર ઘરના ભાડામાં જતું રહે એને જે વધે એમાં બધું મેનેજ કરવાનું, જો આવક બંધ થઈ જશે તો એના પર શું વીતશે?
ભક્તિ જે એની ટીમની એક વિધવા સ્ત્રી, જે એના માતાપિતાનો સહારો બનીને જીવન વિતાવતી હતી,આવા સમયે એ આ બન્ને નું નામ આપી દે તો એ ક્યાં જાય? હમણાં તાત્કાલિક કોણ એમને રોજી આપે? એને એમની દુનિયા અટકી પડે! અજાણતા આ નિર્ણયથી ક્યાંક ભવિષ્યમાં એ હેરાન ના થઈ જાય!
બીજા રહ્યા આસ્થા અને કલગી જે કોલેજમાં ભણતી હતી અને જોબ પણ કરતી જેના લીધે એમના કોલેજના મોજશોખ પૂરા કરી શકે, એમના માટે આજે જોબ બહુ પ્રયોરિટી ના ગણી શકાય, મોજશોખ તો પછી પણ પૂરા થઈ શકશે પણ ઘર ચલાવવામાં થતી વિડંબના કરતાં તો ઓછી હોય છે. એમના સહારા માટે ઘર પરિવારમાં બેકઅપ હતા જે એમની જરૂરિયાત પૂરી કરી શકે!
" શું વિચારે છે મિતેષ?"
" સર, તમે પૂછી જ એવું લીધું તો!
" હા ભલે, તું વિચાર અને કહે મને!
"નરેશ અને ભક્તિ!" એ આત્મવિશ્વાસ સાથે બોલ્યો.
" પાક્કું?"
" હા મને નરેશ અને ભક્તિ જોઈએ છે મારી ટીમ માં"- એની સાથે વાતમાં વિશ્વાસ હતો એને કરેલા નિર્ણયમાં! સંવેદના હતી, સહાનુભૂતિ હતી.