પિયર Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિયર

આજે એક વર્ષ પુરું થઈ ગયું માયા ને એના પિયર ગયે, લગ્ન બાદ એને સૌથી લાંબો ગાળો હતો આ, આમ તો મહિને એકાદ વખત તો આંટો દઈ જ આવતી પિયરે અને હાજરી પુરાવી આવતી એના અસ્તિત્વની, પિયરની દરેક અટારીએ, દરેક દીવાલે, દરેક વ્યક્તિના મનમાં કરંડિયે! પિયર પ્રત્યેની એની આત્મીયતા પહેલેથી વધારે હતી. સાસરે આવ્યા બાદ એને પિયરની માયા છૂટતી નહોતી, ઉપરથી જેમ જેમ એ દૂર થતી હતી એમ એમ એની ભાવના ત્યાં મક્કમ થતી હતી.
પણ ગયા વર્ષથી એને ત્યાં જવાનો મેળ જ સાધતો, દિવાળીએ સાસરે જ રહેવાનો એનો આગ્રહ, ત્યાર બાદ દિયરના લગ્ન અને પછી કોરોના મહામારી - લોકડાઉન એમ કરતાં કરતાં વર્ષ પૂરું થઈ ગયું. પિયરની યાદ હવે એને રોજ j આવવા માંડી, એને વિતાવેલા પળેપળ હવે એને વધારે સતાવવા માંડ્યા, ઘણી વાર થતું કે જઈ આવું પણ ત્યાં જઈને ફસાઈ જાય અને ક્યાંક કોરોંટાઈન કરી દે તો ઘરના બધા સભ્યોને પણ હેરાન થવાનું થાય, અને ના કરે નારાયણ જો વાઇરસ ક્યાંક ચોંટી જાય તો પિયરમાં બદનામ થવાનો વારો અલગથી!
માયા આવી કંઇક વિડંબના હેઠળ રચાતી હતી એમાં પાછી પિયરથી જુદા રહેવાનું દુઃખ કેમેય ભૂલાય? જ્યાં બચપણ વિતાવેલું એ કેમ કરી ભૂલાય? જ્યાં પાપા જોડે પગલીઓ ભરતાં શીખ્યું હતું એ પગલીઓ હવે સુની પડી ગઈ હતી, મમ્મીનાં મીઠાં મારની મીઠાશ ક્યાંક ફિકી પડી ગઈ હતી, બહેન જોડે રમેલા ઘરઘટ્ટા અને રમતો હવે જીવનમાં ખરેખર જીવે છે પણ એમાં એની હાજરી નથી, ભાઈ જોડે જીભાજોડી કરવાની હરીફાઈમાં જીતીને જંગ જીતવા ની ખુશી કેમેય ભૂલાય? બહેનપણીઓ સાથે અલ્લડતાથી પાણીપુરી ખાવાની મજા હવે ક્યાં અહી મળે છે? પિયુ જોડે જ છે છતાં એની જોડે ક્યાં એ મધુરી વાતો થાય છે જે ફોનમાં આખી રાત રાત કરી હતી, ભણવાના બહાને ચોપડી લઈને બેસી રહેવાનો ડોળ હવે ક્યાંક હાસી કરે છે! કોઈ પણ કસર નહોતી અહી છતાં પિયરમાં વિતાવેલી હરેક પલ આજે મધુરી લાગે છે!
પિયર સાથે નાતો દરેક સ્ત્રીને ગહેરો હોય છે ભલે એ ઘરડી કેમ ના થઈ જાય, પિયરની વાત આવતાની સાથે એના મુખ પર આવતી હસી એટલી નિખાલસ હોય છે એ જોવાની તક અનોખી હોય છે, કહેવાય છે કે પિયરના ગામનું કૂતરું પણ વહાલું લાગે છે. માયાના લગ્ન કર્યે આજે સાતેક વર્ષ થઈ ગયા હતા, એના સાસરિયે કોઈ જ વાતની ખોટ નહોતી, અહી પણ એ એના રાજમાં જ રાચતી હતી, એને ઈશ્વરની કૃપાથી સંતાન પણ સારા હતા, પતિ તરફથી મળતો પ્રેમ પણ અપરંપાર હતો, પ્રેમ સાથે માન પણ એટલું મળતું હતું, સન્માન કરનાર દરેક એની આસપાસ હતા, છતાંય આજે એને કંઇક ખૂટતું લાગતું હતું, એ હતું એનું પિયર!
પિયરનો પ્યાર એના જીવ ને અધૂરો કરતો હતો, એની વેદના વધારતો હતો, એની આંખ હવે પિયરના વિરહમાં ઝૂરતી હતી, એની ત્યાં જઈને આરામ કરવાની મહેચ્છા અધૂરી રહી જતી લગતી હતી, જવાબદારી નિભાવવામાં એ એની જાત પ્રત્યે હવે બેદરકાર થઈ ગઈ છે એવું લાગવા માંડ્યું હતું અને એ બધી કસર એ માત્ર પિયર જઈને જ પૂરી કરી શકશે એ પોતે જાણતી હતી, એના દિલમાં રહેલા બધા અરમાનો જે અહી પૂરા નહોતા થતા એ મમ્મી આગળ જ પૂરા થશે એની એને ખબર હતી, પિયરની વિરહ હવે અપાર હતો એના મનમાં! ક્યારે જશે એને ક્યારે એના અરમાનો પૂરા થશે એની એને બેચેની હતી, ક્યારે બધી પરિસ્થિતી અનુકૂળ થશે એને ક્યારે એ પિયર જશે?