Pratiksha - 52 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૫૨

“હેલ્લો, ઉર્વા રેવા દીક્ષિત બોલું છું.” પોતાનો સ્વર મક્કમ કરતા ઉર્વા બોલી
“અરે ઉર્વા કેમ છે, હું વિચારતો જ હતો તને ફોન કરવાનું આજે...” સામે છેડેથી અવાજ આવ્યો.
“અચ્છા, બોલોને શું કામ પડ્યું મારું?” સહેજ અચંબામાં ઉર્વાએ પૂછ્યું.
“પરમદિવસે અમદાવાદમાં જ લગ્ન કરું છું. તું હાજરી આપી શકીશ તો મને બહુ જ ખુશી થશે.”
“ઓહ માય ગોડ! આ તો બહુ જ ખુશીની વાત છે. હું ખરેખર બહુ ખુશ છું તમારા માટે રઘુભાઈ... હું પૂરી કોશિશ કરીશ આવવાની.” ઉર્વા પોતે શોક હતી પણ પોતાના અવાજમાં જરાપણ અણસાર લાવ્યા વિના તે બોલી રહી.
“થેંક્યું ઉર્વા... અરે તે કંઇક કામ માટે ફોન કર્યો હશે ને!” રઘુએ વાત બદલતા કહ્યું.
“હા, મારે તમને મળવું હતું... પણ તમે તો લગ્નના કામમાં વ્યસ્ત હશો તો હવે થોડા સમય પછી જ રાખીએ...” ઉર્વા પરિસ્થિતિનો તાગ લેતા બોલી.
“ઉર્વા મારી ઝીંદગીનો કોઇપણ પ્રસંગ તારાથી ઉપર ના હોઈ શકે. તું એ સ્ત્રીની દીકરી છે જેને મેં પ્રેમ કર્યો છે.” રઘુ સહેજ ગળગળો થતા કહી રહ્યો.
“ઓહ...” ઉર્વા થોડીવાર કંઈજ ના બોલી શકી, થોડીવાર ફોન પર બન્ને તરફ શાંતિ છવાયા પછી તે બોલી, “તો કાલે બપોરે પ્રહલાદ નગર ફાવશે? રેવાનો ફ્લેટ છે ત્યાં... લંચ સાથે લઈએ આપણે, અને મને તમારી ફીયાન્સેને મળવું પણ જરૂર ગમશે, જો તમે એમને લઇ આવો તો...” ઉર્વા વિવેક કરતા પૂછી રહી. તે જાણતી હતી કે તેને લાંબી વાત કરવી છે, તે વાતમાં સેન્સીટીવ ઇન્ફર્મેશન પણ હોઈ શકે, તેથી જ તેણે મળવા માટે રેવાનો ફ્લેટ પસંદ કર્યો. અને રઘુના લગ્ન થવાના હોય ત્યારે તેની વાગ્દત્તાને સાથે લાવવા ના કહેવું એ તેને યોગ્ય ના લાગ્યું એટલે સામેથી જ તેણે રઘુ અને બંદિશને આમંત્રણ આપી દીધું.
“ઓકે... બંદિશને પણ તને મળવું બહુ ગમશે. કાલે મળીએ!” રઘુએ પણ થોડું વિચારી જવાબ આપી દીધો અને ફોન મૂકી દીધો.

ફોન મુકીને ઉર્વાએ તરત જ રચિતને ફોન કર્યો,
“ક્યા પહોંચ્યો?” સામે ફોન ઉપડતા જ ઉર્વા પૂછી રહી.
“હજુ અડધો કલાક પહેલા તો નીકળ્યો છું. છ એક કલાક મીનીમમ પકડ...” રચિત કહી રહ્યો.
“બને એટલો ફટાફટ આવ, તું આવ એટલે તરત આપણે અમદાવાદ નીકળવાનું છે.”
“ઓકે, તું હું ને મનસ્વી?” રચિત પૂછી રહ્યો.
“ના... ખાલી તું ને હું. કાલે બપોરનું લંચ રઘુભાઈ સાથે છે.” ઉર્વાએ બોમ્બ ફોડી દીધો.
“ઉર્વા... કંઇક કરતા પહેલા ઇન્ફોર્મ તો કર... ઓહ ગોડ...” રચિત પેનિક થતા બોલ્યો.
“સારું ચાલ હું બને એટલું જલ્દી આવુંછું.” રચિતે વળતી જ પળે પોતાના મગજ પરનો કન્ટ્રોલ પાછો મેળવ્યો ને ફોન કાપી નાંખ્યો

***

ઉર્વિલને સવારની ચાથી લઈને રાતે ઓઢવાના બ્લેન્કેટ સુધીની તકલીફ પડી રહી હતી. ૨૪ વર્ષમાં ઘરમાં કઈ વસ્તુ ક્યા રહેછે તેની નોંધ લેવાની તેણે તસ્દી સુદ્ધા નહોતી લીધી. અને હવે બધું જ કામ જાતે કરવું તેને અઘરું લાગી રહ્યું હતું. તે રોજ હેરાન થતો હતો. આ ઘરની એકલતા તેને કોરી ખાતી હતી પણ તેના માટે તે કંઈજ કરી શકતો નહોતો. તેનો ઈગો તેને મનસ્વીને એક ફોન કરતા પણ રોકી રહ્યો હતો. શરૂઆતમાં તો તે સાહિલ સાથે વાત કરી હ્રદય હળવું કરી લેતો પણ હવે તો તે પણ બંધ હતું. તેનું પોતાનું આ ઘર તેણે લીધું ત્યારથી તેણે ક્યારેય મનસ્વી વગર આ ઘર જોયું જ નહોતું. તેને કલ્પના પણ નહોતી કે મનસ્વી વિનાનું તેનું જ ઘર કેટલું ભેંકાર હોય છે!

જેમ જેમ દિવસો પસાર થતા હતા આ ઘરમાં એકલું રહેવું તેના માટે અસહ્ય થઇ રહ્યું હતું. પાંચ રાત ખુલ્લી આંખે જાગીને વિતાવ્યા પછી તે નિર્ણય પર આવ્યો હતો કે આ ઘરે નથી રહેવું. તે પોતાનો જરૂરી સામાન લઈને રેવાના ફ્લેટ પર જ રહેવા ચાલ્યો ગયો હતો. તેને એવું લાગતું હતું કે આ ફ્લેટમાં આવ્યા પછી તે કંઇક સુકુન અનુભવી શકશે. પણ, તેની આ ધારણા પણ ખોટી પડી. આ જ ફ્લેટમાં તેને વારંવાર રેવાના હોવાનો આભાસ થયે રાખતો. ક્યારેક તે તેની સાથે વાતો કરતી, તો ક્યારેક ચુપકેથી એના વાળમાં હાથ ફેરવતી. ક્યારેક તેને મનસ્વી પડઘાતી તો ક્યારેક ઉર્વા દેખાતી હતી. આ બધા જ એહસાસો ઉર્વીલને ના ઊંઘવા દેતા, ના જાગવા દેતાં.
દીવાલ પર લાગેલા દરેક ફોટા તેને કંઇક કહી રહ્યા હોય તેવું તેને લાગતું.
રચિત રેવાની ડાયરીઓ ફક્ત સ્કેન કરીને લઇ ગયો હતો એટલે રૂમમાં પડેલી બધી જ ડાયરીઓ તે કલાકો સુધી વાંચે રાખતો હતો. પોતાના જ કર્મોના અપરાધભાવ નીચે દબાયે જતો હતો. પોતાને, પોતાના ભૂતકાળને અને પોતાના અસ્તિત્વને જ ભુલાવી દેવા મથી રહ્યો હતો.

***

પોતાના બધા જ ફોન પતાવી ઉર્વા મનસ્વીના રૂમમાં આવી ત્યારે મનસ્વીની બધી કઝીન્સ જઈ ચુકી હતી.
“અં... મનસ્વી, રચિતના એક ફ્રેન્ડના લગ્ન છે અમદાવાદમાં... મને સાથે આવવાનું કહે છે. તમે કહો તું હું જાઉં...” ઉર્વાએ બધું પ્લાનિંગ તો કરી નાંખ્યું પણ તેને ખબર નહોતી કે મનસ્વીને તેનું આમ એકલું જવું ગમશે કે નહિ એટલે તેણે આવી રીતે પૂછીને જ વાતની શરૂઆત કરી.
“અરે! જવું જ જોઈએ તારે. લોકોને મળીશ તો તને પણ સારું લાગશે. પણ, તારું રહેવાનું ત્યાં...!” મનસ્વી પોતાની ચિંતા વ્યક્ત કરતા બોલી.
“અરે રચિત છે ને સાથે! પ્લસ ઉતારાની પણ વ્યવસ્થા છે જ બધી...!” ઉર્વા જુઠું ચલાવી રહી.
“તો તો કોઈ વાંધો જ નથી. ક્યારે આવે છે રચિત?” મનસ્વી સ્વીકૃતિ આપતા કહી રહી.
“બસ એ મુંબઈથી નીકળી ગયો છે, થોડા કલાકોમાં આવી જશે.”
“અચ્છા સારું! અરે, હા મેં જો તારા માટે જ આ ચોલી બનાવ્યા તા, કોઈ આવો પ્રસંગ આવે ને તું પહેરી શકે એટલે...” મનસ્વી ઉભી થઇ પોતાની બેગમાંથી ચણીયાચોલી કાઢતા બોલી ને પછી થોડા સંકોચ સાથે ઉમેર્યું, “તું પહેરીશ?”
“અફકોર્સ પહેરીશ મનસ્વી.” ઉર્વાની આંખોમાં મનસ્વીનું આ નિસ્વાર્થપણું જોઈ એક પળ માટે ઝળઝળિયાં આવી ગયા. કોઈ બિલકુલ અજાણી છોકરી માટે પણ આ સ્ત્રી કેટલું વિચારી શકે છે... તેના મનમાં બસ આ વાત આવીને રહી ગઈ.
“અચ્છા ઉર્વા, એક કામ કરીશ મારું?” મનસ્વી ધીમેથી સંકોચ કરતા બોલી.
“બોલો ને મનસ્વી...”
“તું અમદાવાદ જાય છે તો ઘરે જઈશ? હું એક લેટર લખું છું, એ ઉર્વિલને આપીશ? આઈ મીન જો તું કમ્ફર્ટેબલ હોય તો જ હો...!” મનસ્વી ધીરેથી વાત કહી રહી.
“હું ડેફીનેટલી ઉર્વિલને લેટર આપવા જઈશ. એનીથિંગ ફોર યુ મનસ્વી...” ઉર્વા બોલી રહી. પોતાના જ મનમાં છેલ્લું વાક્ય ફરી ફરીને વાગોળી રહી.

રચિત મોડી સાંજે ચુડા પહોંચ્યો અને અડધી જ કલાકમાં થોડી ઔપચારિક વાતો કરી ઉર્વાને લઈને નીકળી ગયો. આખા રસ્તે તે ઉર્વાની મનોવ્યથા સાંભળી રહ્યો, તેને મહામહેનતે શાંત પાડી રહ્યો

***

રેવાના અમદાવાદ વાળા ફલેટનો દરવાજો ખોલી ઉર્વા અને રચિત જેવા અંદર આવ્યા કે બન્ને શોક થઇ ગયા. રેવાની ડાયરીઓના ઢગલા વચ્ચે ઉર્વિલ જમીન પર જ આડો સુઈ રહ્યો હતો. તેની ઘણા દિવસોની વધી ગયેલી દાઢી, નિસ્તેજ ચેહરો અને સાવ નંખાઈ ગયેલી દેહ દશા જોઈ ઉર્વા તેની પરિસ્થિતિનો તાગ મેળવી રહી. રચિત પણ ઉર્વિલની નજીક જ આવવા જતો હતો કે તેનો પગ સોફા સાથે અથડાયો અને તે ઝબકીને સફાળો બેઠો થયો.
“હં... રેવા...!” ઉઠતા વેત ઉર્વિલના મોઢામાંથી નીકળ્યું.
“નહિ... ઉર્વા. ઉર્વા રેવા દીક્ષિત.” ઉર્વા સોફા પર પગ લંબાવતા પોતાના મન અને લાગણીઓને પરાણે કંટ્રોલ કરતા કટાક્ષમાં બોલી.
“તું... તું ક્યારે આવી? મનસ્વી ક્યાં છે?” ઉર્વિલ હજુ સુધી પુરેપુરો જાગ્યો નહોતો.
“લાઈક યુ કેર... આટલા દિવસમાં એક ફોન કરવાની ફુરસદ તો મળી નથી તમને...! ઓહ સોરી, આટલા વર્ષમાં રેવાને ફોન કરવાની પણ ક્યા ફુરસદ મળી હતી તમને...!” ઉર્વા કડવું હસતા બોલી.
“ઉર્વા સીધો જવાબ પણ આપી શકાય...” ઉર્વિલ થોડા કંટાળા સાથે બોલ્યો.
“યા... જેમ તમે રેવાને બધા જ જવાબ આપ્યા હતા એમ કે મનસ્વીને બધું જ તમે કહેતા હતા એમ?” ઉર્વાએ બીજું વ્યંગબાણ માર્યું.
“યુ નો વોટ ઉર્વા... હું થાકી ગયો છું તારા બ્લેમ્સથી... મનસ્વી ઘર મુકીને ગઈ તો હવે એ આવે પાછી. કારણકે મેં નહોતું કીધું કે તું ઘર મુકીને જા. ને રહી વાત રેવાની, તો હું મેરીડ હતો! એ વસ્તુ રેવાને સમજવાની હતી કે એક પરિણીત પુરુષના ભરોસે ના બેસી રહેવાય. એ કોમન સેન્સ હોય. જે એનામાં નહોતી, તો હું શું કરું? મેં ક્યારેય એને લગ્ન કરવાના કે સાથે જીવવા મરવાના વાયદા નહોતા આપ્યા. મેં એને નહોતું કીધું કે મારી રાહ જોઇને બેઠી રહે. હું મારા પેરેન્ટ્સ સામે બોલી શકું એવું નહોતું. તો ખાલી ખોટું બધું મારા પર ઢોળવાનું બંધ કરો તો સારી વાત છે! ને બીજી વાત તારી, તો રેવાએ મને કીધું જ નહોતું કે તારું કોઈ અસ્તિત્વ છે! મેં બાપ તરીકે ફરજ નથી નિભાવી તો એ પણ તારો ને રેવાનો વાંક છે! હું ભગવાન નહોતો કંઈ. અને તારા અહીં આવ્યા પછી પણ બહુ કાકલુદી કરી લીધી મેં... પણ તારે કંઈજ સમજવું નથી, તો હું શું કરું?” ઉર્વિલ એકીશ્વાસે પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢી રહ્યો.
ઉર્વા અવાચક થઈને બસ જોઈ રહી ઉર્વિલ સામે. નિરાશા અને ગુસ્સાની મિશ્રિત લાગણી તેની અંદર વલોવાઈ રહી હતી પણ તે કેમેય કરીને બહાર નહોતી આવી રહી. તે ઉર્વિલના આવા વર્તનની અપેક્ષા જરાપણ નહોતી રાખી રહી. જે માણસ આટલું થયા પછી, આટલી ઝીંદગીઓ બરબાદ કર્યા પછી પણ આટલું બેફામ વર્તન કરી શકેછે, શું એના ભરોસે મનસ્વી અને આવનરું બાળક મૂકી શકાય? ઉર્વા પોતાની જ જાતને પ્રશ્ન કરી રહી.

“ઉર્વિલ, આઈ થીંક તમારે જવું જોઈએ!” રચિત ઉર્વાના ખભા પર સોફાની પાછળથી હાથ રાખતા બોલ્યો ને પછી ઉમેર્યું,
“ખોટું ના લગાડતાં પણ હું ને ઉર્વા જસ્ટ ટ્રાવેલિંગ કરીને આવ્યા છીએ. ને બહુ થાક્યા છીએ. પ્લીઝ...”
ઉર્વાનો ચેહરો જોઈ ઉર્વિલને લાગ્યું કે પોતે કંઇક વધારે જ બોલી ગયો છે પણ અત્યારે એકપણ વાત પાછી વાળી શકાય એવી શક્યતા નહોતી. તે ચુપચાપ ઉભો થઇ ચાલવા લાગ્યો.
“ઉર્વિલ...” ઉર્વા અચાનક જ બોલી ને ઉર્વિલના પગ થંભી ગયા.
“હું બહુ જલ્દી મુંબઈ પાછી જાઉં છું. કાલે હું બીઝી છું ને પરમદિવસે મારે એક લગ્નમાં જવાનું છે, તો તમને અનુકુળ હોય તો એ પછીના દિવસે મળીએ આપણે, ઓકે?” ઉર્વા પોતાની બધીજ લાગણીઓને કાબુમાં રાખી ફક્ત મનસ્વીનો વિચાર કરતા બોલી રહી. ઉર્વિલ ફક્ત ડોકું હલાવી રહ્યો.
“ને ઉર્વિલ... રેવા અમદાવાદ તમને જોવા આવી હતી છેલ્લે. તમને જોઇને પાછી મુંબઈ આવી રહી હતી ત્યારે હાઈવે પર તેનું એકસીડન્ટ થયું તું. જો એ તમારા પ્રેમમાં પાગલ થઈને દર દોઢ બે મહીને તમને જોવા ના નીકળી પડતી હોત ને... તો આજે એ જીવતી હોત. ફક્ત તમારી જાણકારી માટે કહું છું.” ઉર્વા આટલું કહી નીચું જોઈ ગઈ. ઉર્વિલને પોતાના દરેક શબ્દ પર હવે પસ્તાવો થવા લાગ્યો. તેણે પાછળ ફરી ઉર્વાને કંઇક કહેવાની કોશિશ કરી પણ શબ્દોએ તેને સાથ જ ના આપ્યો.
તે ભારે મનથી જ રેવાના ફ્લેટથી નીકળી ગયો.

***

ઉર્વિલના ગયા પછી ઉર્વા ફ્લેટના એક રૂમમાં જઈ પોતાને બંધ કરી રહી. રચિત પણ તેને સમય આપવા માંગતો હતો એટલે તે પણ તેને ડીસ્ટર્બ કર્યા વિના, બીજા રૂમમાં જઈ સુઈ ગયો.

સવારે જયારે તે ઉઠ્યો ઉર્વા કિચનમાં જાતજાતની વાનગીઓ બનાવી રહી હતી.
“આ શું માંડ્યું છે? આટલું બધું શું બનાવે છે?” રચિત આશ્ચર્યમાં પડતા બોલ્યો.
“રઘુભાઈ એમની ફિયાન્સ સાથે આવેછે, લંચ માટે. તો મહેમાનનવાઝી તો બરાબર થવી જોઈએ ને...” ઉર્વા હસીને બોલી.
“તે ક્યારેય એક્ટિંગ વિષે વિચાર્યું છે? રચિત પણ કિચનના કામમાં તેની મદદ કરતા બોલ્યો
“કેમ?” ઉર્વા તેની સામે જોઈ પૂછી રહી.
“ગજબ એક્ટ્રેસ છે તું... આટલું બધું ચાલે છે મગજમાં પણ ચેહરા પર એક રેખા સુધી નથી બદલવા દીધી તે...” રચિત તેની નજીક સરકતા બોલ્યો ને ઉર્વા તરત જ દુર જવા લાગી પણ રચિતે તેનો હાથ પકડી તેને ખેંચી લીધી ને આશ્લેષમાં જકડી લીધી.
થોડીક્ષણો બિલકુલ ચુપચાપ પસાર થઇ રહી. ઉર્વા પણ તેને વધુ સખતાઈથી જકડી રહી હતી તે અંદરથી તૂટી રહી હતી. રચિત પોતાના ટીશર્ટ પરની ભીનાશને અનુભવી રહ્યો.
“આંખના જ આંસુ લુછજે હા ટીશર્ટમાં...” થોડીવાર પછી રચિત હસીને બોલ્યો ને ઉર્વા પણ તેનાથી દુર થતા હસી પડી.
“રચિત...”
“ઉર્વા...” રચિત ઉર્વાના ચાળા પાડી રહ્યો.
“યુ આર ધ બેસ્ટ...” ઉર્વા રચિતના ગળામાં હાથ પરોવતાં બોલી.
“નો, યુ આર ધ બેસ્ટ...! ચલ હવે જલ્દી હાથ ચલાવ...” રચિત ઉર્વાના હાથ ગળામાંથી કાઢતા કહી રહ્યો ને બીજા કામમાં લાગી ગયો.

બધી જ રસોઈ પતાવી ઉર્વા ટેબલ સજાવી જ રહી હતી કે દરવાજાની ડોરબેલ રણકી. એક ઊંડો શ્વાસ લઇ તે દરવાજો ખોલવા દોડી ગઈ.

***

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED