પ્રતિક્ષા - ૧૦ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - ૧૦

“હેલો ઉર્વીલ...” સુકા રણમાંથી આવતો હોય તેવો એક સાવ ખાલી શૂન્યમાં પડઘાતો અવાજ સાંભળી ઉર્વીલની જુકેલી નજરો ઉપર ઉઠી.
સાવ નિસ્તેજ એવા શૂન્ય ભાવ, ઘણું બધું એકસાથે કહી જાતું સ્મિત અને ઉર્વીલ જેવી જ ભાવવાહી બદામી આંખો જોઈ ઉર્વીલ ક્ષણભર સ્થિર થઇ ગયો. ઉર્વાને શું પ્રતિક્રિયા આપવી તે હજી તે સમજી જ નહોતો શકતો. જે પિતૃત્વની પળ માટે તેણે આજીવન વલખા માર્યા હતા તે આજે તેની સામે હતી. તેની દીકરી, રેવા અને ઉર્વીલની ઉર્વા તેની સામે હતી પણ તેની પાસે કહેવા માટે શબ્દો જ નહોતા અત્યારે.
તે બસ જોઈ રહ્યો ઉર્વાને...
“ઉર્વીલ અંદર આવશો કે અહીં જ વાત કરશો બધી??” હસીને ઉર્વાએ કહ્યું અને ઉર્વીલ ચુપચાપ હકારમાં માથું હલાવી ઘરમાં દાખલ થયો. તે જોઈ શક્યો કે ઘરમાં ખરેખર વધુ બદલાવ આવ્યો નહોતો. એ જ વ્હાઈટ એન્ડ બ્રાઉન ફર્નિચર, એ જ ડીઝાઇન અને એ જ રંગ... હા, હવે બધી જ દીવાલો ઘણાબધા ફોટોઝથી શુશોભિત હતી. ઉર્વીલ તે ફોટોઝમાં રેવાનો ચેહરો શોધે તે પહેલા જ ઉર્વાના અવાજે તેનું ધ્યાન ભંગ કર્યું
“કંઈ વધારે બદલ્યું નથી અહિયાં, તમે જેમ છોડીને ગયા હતા તેવું જ છે...”
“હા, બિલકુલ એવું જ છે. ૨૦ વરસ પછી પણ કંઇજ નથી બદલ્યું... જેવું રેવાને ગમું હતું એવું જ... પરફેક્ટ” સોફા, ડાઈનીંગ ટેબલ અને કિચન તરફ અછળતી નજર કરતા ઉર્વીલ બોલી રહ્યો. તે આ ઘરના કણેકણમાં રેવાને અનુભવી રહ્યો હતો. અજાણતા જ તેનો દમ ઘૂંટાઈ રહ્યો હતો.
“પાણી...” ટેબલ પરથી પાણીનો ગ્લાસ ધરતા માર્મિક સ્મિત વેરતા ઉર્વા કહ્યું
“બેટા...” પાણીનો ઘૂંટ ભરતા જ ઉર્વીલના અવાજમાં ભીનાશ ઉતરી આવી પણ ઉર્વાએ તેની વાત વચ્ચેથી જ કાપી નાખી
“નો ફોર્માલીટીઝ ઉર્વીલ, પ્લીઝ”
“ઉર્વા, મને ખબર છે તારી પાસે નફરત કરવાના હજારો કારણ છે મને. પણ સાચે આજે તને જોઇને પૂરી દુનિયા મળી ગઈ છે મને બેટા...”
“જેમ રેવાને મળીને મળી ગઈ હતી એમ?”ઉર્વાએ આગઝરતી નજર ઉર્વીલ તરફ નાખી અને ઉર્વીલ નીચું જોઈ ગયો.
”ઓકે મારે થોડી વસ્તુ ક્લીયર કરવાની જરૂર છે. એક, મને બેટા નહિ કહેવાનું. બીજું તમે ખાલી બાયોલોજીકલ ફાધર છો તો આ ફાધર ડોટર મોમેન્ટ ના નાટક નહિ કરો. ત્રણ મારી જવાબદારી બને છે તમને તમારી વસ્તુઓ આપવી અને મારો હક બને છે તમારી પાસેથી સાચું જાણવું એટલે જ બોલાવ્યા છે તમને સો કોઈ બોન્ડીંગની આશા નહિ રાખતા. ઓકે?” બહુ ધીમેથી પણ મક્કમ સ્વરે ઉર્વા બોલી અને ઉર્વીલની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી
“તું બિલકુલ રેવા જેવી છો. પાકી શબ્દોની ખેલાડી...”
“રેવા યાદ છે તમને?” ઉર્વા હસી
“મારી આંખોમાં જોઇને કહે કે રેવાને હું એક ક્ષણ માટે પણ ભૂલ્યો હોઈશ??” ઉર્વીલે ઉર્વાની આંખોમાં આંખ પરોવતા પૂછ્યું અને ઉર્વા હસી પડી
“તમે ૨૦ વરસ તેના વિના જીવી લીધું છે ઉર્વીલ... આ બધાનો ખરેખર કોઈ અર્થ જ નથી. એનીવે બીઝનેસ પર આવીએ? ટેબલ પર પડેલી ફાઈલ હાથમાં લેતા ઉર્વાએ ચેર પર બેઠક લીધી
“હમ્મ બોલો...” ઉર્વીલે પણ સામે બેસતા કહ્યું
“રેવાએ અમદાવાદમાં એક ફ્લેટ લીધો હતો તેના વીલ પ્રમાણે તે હવે તમારા નામે છે. તો એનો દસ્તાવેજ કરવા ખાસ બોલાવ્યા છે તમને.” બહુ ઠંડા કલેજે ઉર્વાએ કહ્યું
“રેવાએ અમદાવાદમાં ફ્લેટ લીધો હતો!! મને ખબર પણ નથી!” ઉર્વીલ હજી શોક હતો
“સીધી વાત છે. તમે મુંબઈ આવ્યા નહી તો રેવાને તો તમારા દર્શન કરવા આવવું પડે ને... તમે આગળ વધી ગયા હતા. તે તો ત્યાં જ ઉભી હતી....” ઉર્વા કટાક્ષમાં બોલી
ઉર્વીલ કંઇજ જવાબ ના આપી શક્યો. તે ફક્ત નીચું જોઈ ગયો
“તે સિવાય તેની થોડીક ઈચ્છાઓ હતી... તેની કાર તમે લઇ જશો તો તેને ગમશે. તે સિવાય તેણે અમુક લેટર્સ લખ્યા છે તમને, એક લેપટોપ છે તમારા માટે અને થોડી ડાયરીઓ છે... આ બધું રેવાની ડેથ પછી તમને આપવાનું છે.” ઉર્વા પાસે પડેલી ચેકલીસ્ટમાં નજર કરતા બોલી અને પછી ધીમેથી ઉમેર્યું
“તમારે લઇ જવું છે કે અહીં જ છોડી જવું છે રેવાની જેમ?”
ઉર્વીલને આ શબ્દો શુલની જેમ ખૂંચી ગયા પણ તે સામે કોઈજ જવાબ આપવા સક્ષમ નહોતો. તેણે હકારમાં ફક્ત માથું હલાવ્યું. અને ઉર્વા ત્યાંથી ઉભી થઇ અંદરના રૂમ તરફ ચાલી ગઈ.

*

એ જ ૧૨ બાય ૧૨ની અસ્તવ્યસ્ત ઓફીસમાં રઘુ ટેબલ પર પગ ચડાવી ખુરશી પર આંખો મીંચીને બેઠો હતો. તેના મસ્તિષ્ક પર થોડી થોડી વારે દેખાઈ આવતી રેખાઓ તેના ગહન વિચારોની ચાડી ખાઈ રહી હતી. પણ ત્યાંજ કોઈકના પગરવથી તેની આંખો ખુલી ગઈ...
તેની આંખો ખોલતા જ કેશુ અને બીજા બે ટપોરી જેવા કદાવર લોકો તેની સામે ટેબલ પાસે ઉભા રહી ગયા.
“એ મુંબઈ આવી ગયો છે સાહેબ” કેશુએ સીધો વાતનો દોર સાધ્યો
“હા, રઘુભાઈ અત્યારે બાન્દ્રા વાળા ફલેટે જ છે એ... કયો તો ત્યાંથી જ સીધો ઉપડાવી લઈએ” બીજા ટપોરીએ કહ્યું
એક મિનીટ રઘુ જોઈ રહ્યો તે બન્નેની સામે. અને પછી કંઇક વિચારી નકારમાં માથું હલાવતા બોલ્યો
“નજર રાખો ક્યાં જાય છે ને શું કરે છે... અત્યારે ઉપાડવાનો થતો નથી એને.”
કેશુને કંઈ વધારે સમજાયું નહી
“ભાઈ પણ એ અહિયાં જ છે તો ઉપડાવી લો ને તમારું ય કામ પતે ને...” કેશુ અસમંજસમાં બોલ્યો પણ રઘુનો ચેહરો લાલ થઇ ગઈ
“તને કીધું એમાં ખબર નહિ પડતી છોકરા? નજર રાખ એના ઉપર” ગુસ્સામાં કેશુને કહી બીજા છોકરા પર નજર નાખતા ઉમેર્યું “ગુડ્ડુ, એને આપણે અમદાવાદથી ઉપાડીશું... ને ત્યાંજ ગેમ ઓવર.” ત્યાં ઉભેલા કોઈ છોકરાને કંઇજ સમજાતું નહોતું પણ રઘુભાઈને વધારે ગુસ્સે કરવા સારા નહિ એમ વિચારી ત્રણેય ચુપચાપ નીકળી ગયા

*

“પપ્પા કલાક ઉપર થઇ ગયું છે. હું જાઉં છું હવે...” કહાન તેના સોફા પર મોજા પહેરતા મોટા અવાજે બોલતો હતો.
“તને જવાની ક્યાં ના પાડું છું હું? બસ એનો ફોન આવે પછી જા” રસોડામાંથી જ બહાર સંભળાઈ તેમ દેવ બોલ્યો
“આટલો ટાઈમ તો રાહ જોઈ હવે બહુ થયું” કહાન સીધો રસોડામાં ગયો
“કહાન, થોડીક વાર વધારે... લે ભજીયા ખા.” ભજીયાની પ્લેટ ધરતા દેવે હળવા સ્વરે કીધું
“હું અહિયાં ચિંતામાં અડધો થાઉં છું એની અને ઓલી ત્યાં આરામથી બેઠી વાતો કરતી હશે. બાપ દીકરી મિલન ચાલતું હશે ત્યાં....” કહાનને હજી ગુસ્સો આવી રહ્યો હતો
“જો પેલા તો ત્યાં કોઈ બાપ દીકરી મિલન નહિ ચાલતું હોય અને બીજું નહિ એ શાંતિથી બેઠી હોય નહિ એણે ઉર્વીલને શાંતિથી બેસવા દીધો હશે...” દેવ ભજીયા ખાતા ખાતા શાંત સ્વરે બોલી રહ્યો હતો
“તમને આટલો બધો ભરોસો છે એના પર? તમને નથી ખબર એ કેટલી ઈમોશનલ છે!!” કહાન ધીમે ધીમે શાંત પડી રહ્યો હતો
“ઈમોશનલ છે એટલે જ આટલો ભરોસો છે. એને પોતાના જવાબ લેતા આવડે છે. એને રેવાના જવાબ પણ લેતા આવડે છે. એને વર્ષો રાહ જોઈ છે આ દિવસ માટે કહાન... ક્યાંક એવું ના થાય કે તારા ગુસ્સાની આગ સામે આટલા વર્ષોથી જે એના મનમાં ઘુંટાઈ રહ્યું છે એ બહાર જ નાં આવે...”

*

(ક્રમશઃ)