પ્રતિક્ષા - ૬ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - ૬

મનસ્વીએ થોડા કલાકો પહેલા જ પહેરાવેલી સગાઈની વીંટી જોઈ ઉર્વીલનું મન ચકરાવે ચડ્યું હતું. તે કોઈપણ રીતે આ સગાઈથી છૂટવા માંગતો હતો. સગાઈની વિધિથી લઈને મનસ્વીના ઘરેથી બહાર નીકળવા સુધી ઉર્વીલના ગળામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહોતો. તેણે મનસ્વી તરફ નજર સુધ્ધાં કરી નહોતી. મનસ્વી અને મયુરીબહેન બધુ જ સમજવા છ્તા અજાણ બનવાનો ઢોંગ કરી રહ્યા
ઉર્વીલને રેવા સાથે વાત કરવી હતી પણ તે કોઈ રીતે શક્ય થઈ શકે તેમ નહોતું.
તેણે કાંડા ઘડિયાળમાં જોયું તો સાંજના સાત વાગી રહ્યા હતા. કોઈ જ શક્યતા નહોતી કે રેવા આ સમયે મુંબઈની ઓફિસે હોય. અને જો તે ઓફિસે હોય તો પણ તેને ફોન કરવો કઈ રીતે... ટેલિફોન બૂથ પર જઈ વાત કરવા માટે કારણ પણ શું આપવું મમ્મી પપ્પાને...
અને તેના ઘરનો નંબર તો ઉર્વીલ પાસે હતો જ નહીં. મમ્મી કે પપ્પાને કઈંજ કહી શકાય તેવું નહોતું. ટેક્સીમાં ડ્રાઈવર ડ્રાઈવ કરી રહ્યો હતો પણ ઉર્વીલનો જીવ ક્યાંય શાંત રહેતો નહોતો.

“મમ્મી મારે આજે રાત્રે જ મુંબઈ નીકળવું પડશે...” ઉર્વીલે ઉતાવળે મયૂરીબહેનને કહી દીધું.
“કેમ અચાનક? મુંબઈ શું દાટ્યું છે?” મયુરીબહેનની આંખો પહોળી થઈ ગઈ.
“અરે આ અચાનક છોકરી જોવાનું ને સગાઈનું થયું એમાં બધુ કહેવાનું જ રહી ગયું તમને... હું જે પ્રોજેકટ પર કામ કરું છું તેની કાલે બપોરે મિટિંગ છે... હું તો રોકાઈ જવાનો હતો પણ તમારો ફોન આવ્યો તો આવી ગયો...” ઉર્વીલે જેમ મનમાં આવ્યું તેમ જૂઠાણું ચલાવ્યું.
“ક્યારે પાછો આવીશ?” મયૂરીબહેનને ઘણુંજ કહી આવવાની ઈચ્છા થઈ હતી. ઉર્વીલ પોતાની પસંદને જ મળવા જાય છે તેવું તે સંપૂર્ણપણે સમજી ચૂક્યા હતા પણ જાણીજોઈને તે વાત ટાળી ઉર્વીલને મુંબઈ જવા દેવા સહમત થઈ ગયા.
“બે દિવસમાં...” ઉર્વીલ પોતાને બાજેલો ડૂમો કોઈ ઓળખી ના શકે તે રીતે બોલ્યો અને પછી ઘડિયાળમાં જોતાં ઉમેર્યું,
“આજે 12 વાગે નિકળીશ તો સવારે વહેલો પહોંચી જઈશ...”
“ભલે જઈ આવ, કામ પહેલા...” વાતાવરણ હળવું કરવા આછા સ્મિત સાથે ઉર્વીલના પપ્પા બોલ્યા...

*

25 ફેબ્રુઆરી ને 23 ફેબ્રુઆરી, આમ તો ફ્ક્ત એક જ દિવસનું અંતર અને તો ય જાણે સદીઓ વીતી ગઈ હતી ઉર્વીલ માટે...
રેવાના ફ્લેટની લિફ્ટમાં પગ મુક્તાજ તેને પોતાના પગમાં ના સમજાય તેવું વજન વર્તાયુ. તે મનોમન શબ્દો શોધી રહ્યો હતો રેવાને કહેવા માટે...
ક્યાં મોઢે તે રેવાને કહેશે કે તેની સગાઈ થઈ ગઈ... તેના લગ્ન થવાના છે...
ડોરબેલ વગાડી રહેલા ઉર્વીલને એક અશ્રુબિંદુ તેના આંખના ખૂણાથી ગાલ સુધી રેલાયું અને તે તેને લૂછે તે પહેલા જ રેવાએ દરવાજો ખોલી નાખ્યો...
કદાચ ઉર્વીલના મનનું તોફાન રેવાના ચેહરાની જ પ્રતિક્ષામાં હતું. તેની નજર જેવી રેવા સાથે મળી તેના સંયમનો બાંધ તૂટી રહ્યો. તે ત્યાં લોબીમાંજ રેવાને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
રેવા બસ તેના માથાના વાળમાં ધીમેથી હાથ ફેરવતી રહી અને બહુ શાંતિથી તેને અંદર લઈ ગઈ...

“રેવા... મારી સ..ગાઇ થ..ઇ ગઈ... હું તારી સાથે નહીં જીવી શકું... મારે કોઈ બી...જા સાથે લગ્ન કરવા પડશે રે...વા... હું તને બહુ પ્રેમ કરું છું... હું તારા સિ...વાય કોઈનો નહીં થઈ શકું... આઈ લવ યુ... આઈ લવ યુ રેવા...” ઉર્વીલ હજી સોફા પર બેસીને રેવાને વળગીને તૂટક અવાજે બોલી રહ્યો હતો.
રેવાના ચેહરા પર જાણે કોઈ ભાવ જ નહોતા... તે બસ ઉર્વીલને શાંત કરવા માંગતી હતી અને ઉર્વીલના રડવાની તીવ્રતા વધતી જ જતી હતી... તે રડતાં રડતાં સતત આઈ લવ યુ રેવા બોલી રહ્યો હતો...
થોડીક્ષણો બાદ પણ ઉર્વીલનું રડવાનું શાંત ના થતાં રેવાએ તેની ગરદન પાછળ હાથ લઈ જઈ તેને ખેંચી પ્રગાઢ ચુંબનમાં આવરી લીધો.
ઉર્વીલ તૈયાર નહોતો આ અચાનક થયેલા ચુંબન માટે. તેણે રેવાને પોતાનાથી અળગી કરવાની કોશિશ કરી પણ રેવા તેને છોડવા તૈયાર નહોતી. અંતે ઉર્વીલ પણ તેનાથી દૂર થવાની કોશિશ છોડી લાગણીઓના વહેણમાં વહેતો રહ્યો...
તે સમજવાની અને વિચારવાની ક્ષમતા ખોઈ ચૂક્યો હતો. તેની જિંદગીની સર્વશ્રેષ્ઠ સ્ત્રી તેની સામે હતી તે બસ તે જ જોઈ શક્યો અને તેના હાથ અનાયાસે જ રેવાની ગરદનથી લઈ તેના વળાંકો પર ફરવા લાગ્યા... તે ઓગળી રહ્યો હતો રેવામાં અને રેવા પોતાનું નામ સાર્થક કરી રહી હતી ભળીને ઉર્વીલમાં...

ઉર્વીલ બેફિકર થઈને ત્યાંજ સોફા પર સૂઈ ગયો હતો ને રેવા તેના ચેહરાને પ્રેમથી તાકી રહી હતી. બે ક્ષણ પૂરતું જ ફ્ક્ત રેવાનું મન વલોવાયુ ઉર્વીલના હાથમાં પહેરેલી વીંટી જોઈ પણ પછી વળતી જ પળે તે બધાજ વિચારો ખંખેરી સોફા પરથી પોતાના કપડાં સમેટી ઉર્વીલના કપાળને ચૂમી પોતાના બેડરૂમમાં ચાલી ગઈ

તાજી નાહીને નીકળેલી સદ્યસ્નાતા રેવાને ચા લઈને આવતા જોઈ ઉર્વીલની આંખો સ્થિર થઈ ગઈ... સફેદ પાયજામા પર ચિકન બુટ્ટી વાળો સફેદ કુર્તો ને આછો દુધિયા દુપટ્ટો... તેની મેકઅપ વગરની ડાઘ વગરની ત્વચા ને તાજા ધોયેલાં છુટ્ટા વાળ... ઉર્વીલનું ધ્યાન તરત જ રેવાની ગરદન પર ગયું જ્યાં ભૂરું નિશાન પડી ગયું હતું... તે જોઈને જ તેને થોડી ક્ષણો પહેલાની વાત યાદ આવી ગઈ અને તેના ગાલ લાલ થઈ ગયા.
રેવા તેની બાજુમાં જ સોફા પર બેઠી પણ તેને શબ્દ નહોતા મળતા કઈંજ કહેવા માટે...

“આઈ એમ સોરી... આ બધુ અચાનક જ...” ઉર્વીલ સહેજ માથું ખંજવાળતા બોલ્યો. પ્રત્યુત્તરમાં રેવા ખડખડાટ હસી પડી. ઉર્વીલ હજી અસમંજસ અને ક્ષોભ અનુભવી રહ્યો હતો...
“મને નહોતી ખબર તું વર્જીન છે...” ચા નો કપ આપતા હસવાનું દબાવી રેવા બોલી
“તને મજાક સુજે છે??” ચા નો કપ નીચે મુક્તા ઉર્વીલ અકળાઇને બોલ્યો.
“ના ઉર્વીલ, હું તો બસ તને શાંત કરતી હતી... ચાલ બોલ હવે શું થયું?” ઉર્વીલની નજીક સરકતા રેવા બોલી
“મારી સગાઈ થઈ ગઈ છે રેવા...” ઉર્વીલ તેની આંખમાં આંખ નાખતા બોલ્યો. રેવા તે આંખો સહી ના શકી. તે ત્યાંથી ઉઠી ચેહરો ફેરવી ઊભી રહી ગઈ.
“શું ફરક પડે ઉર્વીલ? આજે નહીં તો કાલે આ થવાનું જ હતું ને...” પોતાની મનની લાગણીઓ બહાર ન આવે તેની સાવધાની રાખતા રેવા બોલી રહી.
ઉર્વીલે તરત જ તેનું બાવડું મજબૂતીથી ખેચી પોતાના પગ પર બેસાડી તેની આંખોમાં આંખો પરોવતા કહ્યું
“હું ચાહું છું તને રેવા... તું મારી જિંદગીની પહેલી સ્ત્રી છે અને તું જ છેલ્લી બને એ હું ઈચ્છું છું. આજ સુધી કોઈ છોકરીને કિસ તો દૂર અડી પણ નથી મે. તું જ પહેલી છો અને તું જ છેલ્લી હોવી જોઈએ...”
સહેજ અટકી તેણે પોતાનો હાથ રેવાના ગાલ પર ફેરવતા કહ્યું
“મારી સાથે લગ્ન કરીશ?? હું ઘર છોડવા તૈયાર છું મારુ... જો રેવા ઉર્વીલની થવા તૈયાર હોય તો...”
રેવા એક ક્ષણ બસ જોઈ રહી તેને...
તેના ચેહરા પર સહેજ કડવાશ છવાઈ ગઈ
“ઘર એટ્લે શું એ ખબર પણ છે તને?? અને ઘર છોડવાનો મતલબ સમજે પણ છે તું?? આજે તારા બે દિવસના પ્રેમ માટે તું તારા 23 વરસની જિંદગી કુરબાન કરવા તૈયાર થઈ ગયો??? માં, બાપ, ભાઈ, બહેન... બધુ જ કુરબાન કરે છે... એ પણ મારા માટે?? તું પાગલ છે કે???” રેવા હજી આશ્ચર્યમાં હતી
ઉર્વીલને હવે પોતાની ભૂલ સમજાઈ રહી હતી...

“રેવા, મારી મમ્મી તારા ને મારા માટે ક્યારેય નહીં માને અને તારા વિના હું જીવી શકું તે હવે શક્ય નથી. તું જ કહે શું કરીએ.” થોડી ક્ષણોના મનોમંથન પછી ઉર્વીલ પૂછી રહ્યો.
“મને આવતીકાલની નથી ખબર ઉર્વીલ, મને તો બે જ વસ્તુ ખબર છે આજે અને હમણાં... આજે આ મિનિટે, આ ક્ષણે તું મારો છે... ફક્ત મારો... આવતીકાલનું આવતીકાલે જોઈશું. આજે તો હું તને પ્રેમ કરી લઉં...” રેવાએ તેના ગાલને ચૂમતા કહ્યું.
“અને આવતીકાલે જે સ્ત્રી મારી જિંદગીમાં આવશે તેનું શું?” રેવાને અળગી કરતાં અકળાઇને ઉર્વીલે કહ્યું.
“જે પણ સ્ત્રી તારી જિંદગીમાં આવશે તે તો કિસ્મત હશે તારી, સારી હશે તો શ્વાસ ચાલે ત્યાં સુધી સાથ આપશે... પણ હું, હું તો તારા અસ્તિત્વનો ભાગ છું. શ્વાસ ખતમ થયા પછી પણ મને તારાથી અલગ નહીં કરી શકે તું... ક્યારેય જોયું છે તે રેવાના ઉર્વીલમાં ભળ્યા પછી તેનાથી અલગ થતાં...?”

*

(ક્રમશઃ)