Pratiksha - 51 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૫૧

મનસ્વીના સમાચાર સાંભળી ત્યાં ઉપસ્થિત દરેક લોકોના ચેહરા પર રોનક છવાઈ ગઈ હતી. બધા વારાફરતી અંદર રૂમમાંજઈ મનસ્વીને મળી રહ્યા હતા બસ એક ઉર્વા સાવ શાંત મૂંઝાયેલી અને ગભરાયેલી એક ખૂણામાં બેઠી હતી. મનસ્વીનું પૂરું ફેમિલી આ સમાચારથી એટલું બધું ખુશ હતું કે તે કોઈનું ધ્યાન ઉર્વા તરફ હજુ સુધી ગયું જ નહોતું. વિચારોના દરિયામાંથી તે બહાર આવવાની જેમ જેમ કોશિશ કરી રહી હતી તેમ ને તેમ તે વધુ ને વધુ ઊંડાણમાં જઈ રહી હતી.

ત્યાંજ તેનો ફોન રણક્યો અને તે નામ વાંચી બધાથી દુર દોડી ગઈ.

“હેલ્લો...” ઉર્વાથી હજુ સુધી સરખીરીતે બોલાતું નહોતું. તે હજુ આઘાતમાં જ હતી.
“ઓ મેડમ... રઘુભાઈને ફોન કર્યો કે નહિ! તું મને પાંચ કલાક પહેલા જાણીને કહેવાની હતી. હજુ સુધી તે કંઈ કીધું નથી! કહે તું મને એટલે ખબર પડે...” સામેના છેડેથી રચિત એકધારું બોલી રહ્યો હતો.
“પ્લીઝ આવી જા મને લેવા...” ઉર્વા રચિતનું બોલેલું કંઈજ સાંભળ્યું ના હોય તેમ બોલી રહી.
“હેય, વ્હોટ હેપન્ડ? અરે યાર તું ઠીક છે?” રચિત હવે ઉર્વાનો ટોન પારખીને બોલ્યો.
“રચિત આઈ વોન્ટ તું ક્લોઝ ધીઝ ઓલ. તું સાચો હતો યાર, આ બદલો કેટલા લોકોને બરબાદ કરી શકે છે મને અંદાજો નહોતો. મારે કોઈનું કંઈજ નથી કરવું. ઉર્વિલ, મનસ્વી, મયુરી... આઈ વોન્ટ ટુ ફરગેટ ઓલ... હું જે શોધવા નીકળી હતી એનો કોઈ મતલબ જ નથી રહેતો હવે... તું પ્લીઝ મને આવીને લઇ જઈશ?” ઉર્વાના અવાજમાં કશુંક હારી જવાની લાગણીઓ સાફ પડઘાતી હતી.
“એય ઉર્વા? હું અત્યારે જ નીકળી જઈશ તને લેવા માટે. પણ મને એટલું તો કહે કે શું થયું છે?” રચિત પ્રેમથી પૂછી રહ્યો.
“મનસ્વી પ્રેગનેન્ટ છે...!” ઉર્વા આંખો મીંચીને પોતાની અશ્રુધારાને વહી જવા દેતા બોલી રહી.
“વ્હોટ??” હવે શોક થવાનો વારો રચિતનો હતો. ક્ષણભર તો તે પણ કંઈજ બોલી ના શક્યો.
“ઉર્વા હું ઓફિસથી લીવ લઈને નીકળું છું. કાલે જ તને લઇ જાઉં છું. ઓકે?” થોડા મૌન પછી રચિત બોલી રહ્યો.
“ઉર્વા...” ઉર્વાનો કોઈ જ જવાબ ના આવતા રચિતે ફરી કહ્યું.
“હમ્મ્મ!”
“નો મેટર વ્હોટ, આઈ એમ વિથ યુ... હું તને ક્યારેય એકલી નહિ મુકું. હું બને એટલો જલ્દી આવું છું ઓકે?” રચિત સધિયારો આપતા કહી રહ્યો.
“ઓકે... રચિત?”
“હા, બોલ!”
“કંઈ નહિ! જલ્દી આવ...” ઉર્વાની આંખો હજુ પણ વહી જ રહી હતી. તેણે ફોન કાપી નાંખ્યો. ફોનની સ્ક્રીનમાં પોતાનો આંસુથી ખરડાયેલો ચેહરો જોઈ તેણે પોતાના દુપટ્ટાથી તરત જ ચેહરો લુછી નાંખ્યો અને મનસ્વીના રૂમ તરફ જવા લાગી.

***

મનસ્વીના ઘરે તો કોઈ ઉત્સવ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. મનસ્વીને ઘરે લાવ્યા ત્યારથી જ તેના કઝીન્સ તેને ઘેરીને તેની આસપાસ ગોઠવાઈ ગયા હતા. મનસ્વીના મમ્મીએ બે વખત કહ્યું કે મયુરીબેન અને ઉર્વિલકુમારને ફોન કરીએ પણ મનસ્વીએ બન્નેવાર સાફ ના પાડી દીધી હતી. મનસ્વીને હજુ સુધી સમજાઈ નહોતું રહ્યું કે તે કઈરીતે પ્રતિક્રિયા આપે આ બધામાં. તે ખુશ હતી. અત્યારે જે માતૃત્વની ક્ષણ તે જીવી રહી હતી તેની પ્રતિક્ષા તેણે પોતાના યૌવનના પ્રાંગણથી કરી હતી. પણ તેની અંદર કંઇક ખૂટી રહ્યું હતું. તે ઉર્વિલ કે તેના ઘરના કોઇપણ સભ્યને કોઈ જાણકારી આપતા પહેલા પોતાના મનનું સમાધાન ઈચ્છતી હતી.

તે વિચારી જ રહી હતી કે તેની નજર દુર એકલા ખૂણામાં બેઠેલી ઉર્વા પર પડી. તેને જોતા જ તેણે બુમ પાડીને કહ્યું,
“ઉર્વા મને જરા ઉપરના રૂમમાં લઇ જઈશ?”
“હા ચાલોને...” ઉર્વા તરત જ ઉભી થઇ મનસ્વીનીપાસે આવી ગઈ.
“દીદી હું આવુંને...” મનસ્વીની કઝીન તરત જ ઉર્વાને આવતી જોઈ બોલી પડી.
“ના... ઉર્વા લઇ જાય છે.” મનસ્વી બોલી અને ઉર્વા તેને લઇ ઉપરના તરફ ચાલવા લાગી.

“મનસ્વી... મેની મેની મેની કોન્ગ્રેચ્યુંલેશન.” રુમમાં આવતા જ મનસ્વીનો હાથ પકડી ઉર્વા કહી રહી.
“થેંક્યું સો મચ ઉર્વા” મનસ્વી પોતાના પલંગ પર બેસતા બોલી.ઉર્વા પણ તેની બાજુમાં જ બેસી ગઈ.
“જે સમયની આટલા વર્ષોથી રાહ જોઈ તી તમે, એ આવી ગઈ ત્યારે તમારા ચેહરા પર આટલી બધી ફિકાશ કેમ?” ઉર્વા મનસ્વીનો ચેહરો ધ્યાનથી જોતા બોલી.
“ઉર્વિલ... ઉર્વિલના દિલ કે ઝીંદગીમાં મારું સ્થાન જ નથી. આટલા દિવસ થઇ ગયા એમનો ફોન પણ નથી આવ્યો. આ આવનારી ઝીંદગીને ઉર્વિલ પર થોપવી કે નહિ એ જ વિચારીને જરા...” મનસ્વી ઉર્વાથી નજરો ફેરવી ગઈ.
“મનસ્વી ઉર્વિલ તો પહેલેથી આવા જ હતાને! તમને ખબર અત્યારે પડી છે બાકી ઉર્વિલમાં તો કોઈ જ બદલાવ નથી આવ્યો... બરાબર ને?” ઉર્વા પૂછી રહી.
“હા... પણ...”
“મનસ્વી કોઈજ અપેક્ષા વગર તમે ૨૪ વર્ષ કાઢ્યા છે તમારી ઝીંદગીના એની સાથે, શું થોડા વધારે નહિ કાઢી શકો?” ઉર્વા તેનો હાથ દબાવતા બોલી.
“ઉર્વા... આ તું કહે છે? તું જ તો કહેતી હતી કે જ્યાં કદર ના હોય ત્યાં ના રહેવાય...” મનસ્વીને આંચકો લાગ્યો.
“હા, મેં કીધું હતું. અને હું આજે પણ એ જ માનું છું. પણ, આ જે આવનારી ઝીંદગી છે ને... એને પણ હું મારા જેવી કે કહાન જેવી ઝીંદગી મળે, એવું નથી ઈચ્છતી... અને રેવાની ઝીંદગી તમે જીવો એવું તો હું બિલકુલ નથી ઈચ્છતી...” ઉર્વાએ હાથની પકડ મજબુત કરી.
“એટલે?”
“મનસ્વી મારી ઝીંદગીમાં મને કોઈ સ્ત્રીનો પ્રેમ મળ્યો જ નથી. હું ક્યારેય રેવાને મોમ કહેતા શીખી જ નથી. બોલતા શીખી ત્યારથી સ્વાતિ મોમને જ સ્વાતિ મોમ કહેતી હતી હું. હું ૪ વરસની હતી જયારે એમની ડેથ થઇ હતી અને રેવા... એણે તો પોતાની એક એક શ્વાસ જાણે મારા ડેડના નામે જ કરી દીધી તી. તે...” ઉર્વા આટલું બોલી અટકી, ઉર્વિલનું નામ પોતાના વાક્યોમાં ન આવે તેની ખાસ તકેદારી રાખવાનું પોતાને યાદ કરાવતા તે આગળ બોલી, “તે મારા ડેડની પ્રતિક્ષામાં એટલી વ્યસ્ત હતી કે મને વ્હાલ કરવાનું પણ તેને યાદ નથી આવ્યું. હું આખી ઝીંદગી તરસી છું મારા પેરેન્ટ્સ માટે. માં અને બાપ બન્ને માટે. શું તમારે પણ એવું જ કરવું છે?”
મનસ્વી બસ ઉર્વા સામે જોઈ રહી. થોડું વિચારી સહેજ અસમંજસમાં તે બોલી,
“હું ઉર્વિલની યાદમાં નહિ રહું. હું આ જે આવશે એને એકલી જ દુનિયાની બધી ખુશીઓ આપીશ ઉર્વા...”
“કહેવું બહુ સહેલું હોય છે, કરવું નહિ. રેવા મારા ડેડથી પોતાની મરજીથી અલગ નહોતી થઇ પણ સ્વાતિ મોમ, એ તો પોતાની મરજીથી જ અલગ થયા હતા અને તો ય ક્યારેય તેમણે દેવ અંકલને પ્રેમ કરવાનું કે તે બન્ને ફરીથી એકદિવસ સાથે હશે તેના વિચાર કરવાનું બંધ નહોતું કર્યું... અને આ તો તમારી વાત થઇ. આ જે આવનારું બાળક છે એનું કન્સેન્ટ લીધું છે તમે કે એને ખાલી માં ચાલશે? એના ડેડ એને ક્યારેય નહિ મળે એ ચાલશે? કઈ ભૂલની સજા આપો છો એને?” ઉર્વાનો હાથ હજુ મનસ્વીના હાથ પર જ હતો. મનસ્વી સામે કંઈજ જવાબ નહોતી આપી રહી.
“મનસ્વી, સ્વાતિ મોમ અને રેવા પછી મારી સૌથી નજીકની સ્ત્રી તમે છો, હું તમને પણ એ જ હાલમાં નથી જોવા માંગતી જે હાલમાં મેં ક્યારેક રેવાને જોઈ છે... હં!” ઉર્વા આગળ બોલી રહી.
“ઓકે... તું સાચું કહે છે... પણ મને થોડો ટાઈમ જોઈએ છે. હું મેન્ટલી પૂરી રીતે ઠીક થઇ જાઉં પછી જ હું ઉર્વિલને અને મારા સાસરે આ ન્યુઝ આપીશ.” મનસ્વી તેના પલંગની પાછળની દીવાલનો ટેકો લેતા બોલી.
“હા એ તો બિલકુલ બરાબર છે પણ તમારા ઘરેથી ન્યુઝ ત્યાં પહોંચતા કઈ રીતે રોકશો?” ઉર્વા પોતાની ચિંતા વ્યક્ત કરતા બોલી.
“કહી દઈશ કે મારે જાતે જ મળીને ન્યુઝ આપવા છે બધાને. ત્યાં સુધી કોઈ કંઈ નહિ વાત બહાર પાડતા.” મનસ્વી હસીને બોલી અને ઉર્વા પણ હસી પડી.
“થેંક્યું સો મચ ઉર્વા...” મનસ્વી તેની સામે ફરતા બોલી
“શાના માટે?”
“બસ એમજ...” મનસ્વી ફરી હસી રહી.
ઉર્વા આગળ હજુ બોલવા જ જતી હતી કે મનસ્વીની કઝીન્સ બારણે ટકોરા મારવા લાગી. દરવાજો ખોલતા જ તે બધી છોકરીઓ રૂમની અંદર આવી ગઈ અને ઉર્વા મનસ્વી સામે આંખેથી ઈશારો કરી બહાર નીકળી ગઈ.

***

ઉર્વા મનસ્વીના રૂમથી બહાર નીકળી અગાશી પર આવી ગઈ. તેને લાગતું હતું કે ખુલ્લી હવામાં તેની અંદરનો ઉકળાટ શમી જશે, પણ એવું ના થયું. ૪૦ મિનીટ સતત અગાશી પર ચાલ્યા પછી પણ તેનું મગજ કેમેય કરીને શાંત નહોતું પડી રહ્યું, બહુ વિચારીને તેના મગજમાં એક નામ ઝબકયું અને તેણે ફોન કર્યો,

“મારા બધા પ્રોમિસ, બધા પ્લાનિંગ, મારા કહાનને કહેલા શબ્દો કે હું ઉર્વિલને મરવા નહિ દઉં, પણ હું એને જીવવા પણ નહિ દઉં... બધું જ મિથ્યા થઇ ગયું. બધું જ ખોટું સાબિત થઇ ગયું... કહાનનું જવું પણ વ્યર્થ થઇ ગયું દેવ અંકલ” ઉર્વા ફોન પર સીધું જ બોલી પડી.
“થઇ રચિત જોડે વાત મારે... કંઈ જ ખોટું નથી કર્યું તે દીકરા. તું કંઈ ખોટું કરી શકે જ નહિ.” દેવ તેને આશ્વાસન આપતા બોલ્યો.
“પણ મારી રેવા સાથે જે થયું એ? કહાનનો બદલો? ઉર્વિલને આમ એમનામ જવા દેવાનું? હું ઉર્વિલની ઝીંદગીમાં એનું કર્મ બનીને આવી તી ને.... આમ જ એને છોડી દેવાનો? એના હેપીલી એવર આફ્ટર સાથે?” ઉર્વા પોતાનો મુંઝારો વ્યક્ત કરી રહી.
“એક ગુનેગારની સજા ૨ નિર્દોષને મળે એ તું પણ નથી ઈચ્છતી. તું નિર્ણય લઇ ચુકી છો. તારા નિર્ણયને ખાલી જસ્ટીફાય કરવા માટે તે મને ફોન કર્યો છે ખાલી. તારે ખાલી મારા મોઢેથી સાંભળવું છે કે તે જે કર્યું એ બરાબર છે.” દેવ સ્મિત સાથે કહી રહ્યો.
“અને ઉર્વિલનું શું? મૂકી દેવાનો એને? કહાનને શું જવાબ દઈશ હું?” ઉર્વા હજુ સચોટ નિર્ણય પર નહોતી આવી.
“તું જે જીવી એ જ આવનારું બાળક પણ જીવે એવું તું ઈચ્છતી હોય તો બેશક તારે ઉર્વીલનું જે કરવું હોય તે કર... કહાન સામે પણ આ જ પ્રશ્ન મુકવાનો છે. પછી નિર્ણય એનો... તું જ કહે હવે!” દેવ ગભીરતાથી સમજાવી રહ્યો. ઉર્વા સામે કંઈ જવાબ ના આપી શકી.
“ઉર્વા, મેં મારી સ્વાતિ ખોઈ છે અને છતાં એ બાળક, જેની સાથે મારે કંઈજ લાગતું વળગતું નથી ખાલી એના માટે હું ઉર્વિલ નામનું ચેપ્ટર મારી લાઈફની બુકમાંથી ફાડી નાંખવા તૈયાર છું... રચિત થોડીવારમાં આમેય નીકળે જ છે તને લેવા... મુંબઈ આવી જા બેટા, બધું મુકીને આવી જા.” દેવ પ્રેમથી સમજાવી રહ્યો.
“હું મુંબઈ આવું છું. બસ એક કામ છે એ પતાવીને સીધી મુંબઈ જ આવું છું.”

દેવનો ફોન કટ કરી એક ઊંડો શ્વાસ લઇ ઉર્વાએ ફોન જોડ્યો,
“હેલ્લો, ઉર્વા રેવા દીક્ષિત બોલું છું.” પોતાનો સ્વર મક્કમ કરતા ઉર્વા બોલી
“અરે ઉર્વા કેમ છે, હું વિચારતો જ હતો તને ફોન કરવાનું આજે...” સામે છેડેથી અવાજ આવ્યો.
“અચ્છા, બોલોને શું કામ પડ્યું મારું?” સહેજ અચંબામાં ઉર્વાએ પૂછ્યું.
“પરમદિવસે અમદાવાદમાં જ લગ્ન કરું છું. તું હાજરી આપી શકીશ તો મને બહુ જ ખુશી થશે.”

***

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED