પ્રતિક્ષા - 4 Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - 4

ઉર્વીલ પોતે પણ હજી માની નહોતો શકતો કે કોઈ અજાણી સ્ત્રીના ઘરમાં આમજ બેફામ તે આવી ગયો હતો. અને વરસાદ ના રોકાય ત્યાં સુધી ત્યાંજ રોકાવાની ચોખવટ પણ તેણે કરી નાખી હતી. ખબર નહિ ક્યાં આકર્ષણના જોરે તેનામાં આટલી હિંમત આવી હતી.

ઉર્વીલના આવા વર્તનથી રેવાના ચહરા પર આશ્ચર્યમિશિત હાસ્ય વારે વારે આવી જતું હતું જે ઉર્વીલ ને છેક હ્રદયના ઊંડાણ સુધી ઘાયલ કરી જતું. રસોડામાં આમ થી તેમ આંટા મારતો ઉર્વીલ ફરી એક મોકાની શોધમાં હતો પોતાની માફી મેળવવા માટે ત્યાંજ પ્લેટફોર્મ પર ડુંગળી સમારી રહેલી રેવાની આંગળીમાં ચીરો પડતાં તેના મુખમાંથી ઊંહકારો નીકળી ગયો અને ઉર્વીલે એક પણ ક્ષણ ગુમાવ્યા વિના તેની આંગળી સીધી પોતાના હાથમાં લઈ ચૂમી લીધી.
બે ક્ષણ તો રેવા પણ કઈ સમજી નહીં પણ પરિસ્થિતી સમજતાજ તેણે જ્ટ્કા થી પોતાનો હાથ છોડાવ્યો ને આગ જરતી નજરે ઉર્વીલ સામે જોઈ રહી.
“સોરી રેવા તમને વાગ્યું હતું એટ્લે મારાથી જોવાયું નહીં. આઈ એમ રિયલી સોરી.” ઉર્વીલ તેની નજીક જતાં બોલ્યો.
“ઉર્વીલ તમને તમારી હદમાં રહેતા કેમ નથી આવડતું?” રેવાથી તરત જ બોલાઈ ગયું પણ ઉર્વીલ આવા શબ્દો સાંભળવા તૈયાર નહોતો. તે બસ હતપ્રભ થઈ રેવાને જોઈ રહ્યો.
“શું સમજો છો તમે તમારી જાતને? કોણ છો તમે? બારમાં ડ્રિંક કરતી છોકરી સાથે વાત કરવામાં શરમ અનુભવો છો પણ અત્યારે એ જ છોકરીના ઘરમાં એની આંગળી ચૂમતા તમને કઇં નથી થતું? આ ડ્યુઅલ પર્સનાલિટી તમારે જેની સામે રાખવી હોય રાખજો, પણ હું તમારા જેવા લોકોને બહુ સારી રીતે ઓળખું છું. ડ્રિંક કરતી એકલી રહેતી છોકરીને તો આવેલેબલ જ સમજો છો ને તમે?!!!” રેવા ગુસ્સામાં એકીસાથે બોલી રહી હતી ત્યાંજ ઉર્વીલે તેને હાથ ઊંચો કરી રોકી.
“બોલી લીધું?” થોડું અટકી ઉર્વીલે રેવા સામે જોયું. રેવાનો કઇં પ્રતીભાવ ના આવતા તેની ચિબુક પકડી તેની આંખમાં આંખ પરોવી.
“હું પ્રેમ કરું છું તને... તને પહેલીવાર જોઈને જ પાગલ થઈ ગયો હતો. ખબર નહિ એ મિટિંગની કલાકોમાં તારી સાથે જીવવાના કેટલાય વિચારો મારી સામે આવીને ચાલ્યા ગયા હશે. તે મિટિંગથી હોટલ સુધીના રસ્તામાં મને ફ્ક્ત તું જ દેખાઈ હતી એટ્લે જ્યારે મે બારમાં તને જોઈ ત્યારે મને તું મારી કલ્પનાજ લાગી. અને જ્યારે ખબર પડી કે હકીકતમાં તું જ મારી સામે હતી તો મારુ આ મગજ તને એ રૂપમાં સ્વીકારવા તૈયાર ના થયું. અને તે જરા સ્વીકારે તે પહેલા તો તું જઈ ચૂકી હતી...
તું મારો પ્રેમ છે રેવા. હું સમજાવી શકું તેનાથી ક્યાય વધારે ચાહું છું તને. તું કોણ છે એ સમજ્યા વિના તને પ્રેમ કરવા લાગ્યો છું હું. હું કઈ રીતે તારા વિષે કાઇજ ખોટું ધારી શકું?” ઉર્વીલ રેવાના મનોભાવ કળવાના આશય થી આટલું બોલી અટક્યો.

રેવા કદાચ શબ્દો શોધી રહી હતી ઉર્વીલ ને જવાબ આપવાના. આવી રીતે અચાનક કરેલું ઉર્વીલનું ક્ન્ફેશન રેવાની સમજ બહાર હતું. તે પ્રયાસ કરતી રહી ઉર્વીલની આંખોમાં થોડુક પણ કપટ શોધવાની પણ સત્ય અને પ્રેમ સિવાય તે કઇં શોધી જ ના શકી.
“ઉર્વીલ તમે કઈંજ નથી જાણતા મારા વિષે. મારી દુનિયા, મારા સપના, મારી જિંદગી બહુ જ અલગ છે તમારાથી... એવું ના બને કે આ ક્ષણનો પ્રેમ તમારા માટે જિંદગીભર નો અફસોસ બનીને આવે...” પોતાની આંખમાં ઘસી આવેલા આંસુને આંખમાં જ રાખવાની કોશિશ સાથે રેવા બોલી.
“રેવા, પ્રેમનો પુરાવો એટ્લે ગમતી વ્યક્તિ સાથે જીવેલી દરેક ક્ષણનો, તેના વિષયે લેવાયેલા દરેક નિર્ણયનો, કોઈપણ સંજોગોમાં, તેને ખોયા પછી પણ જીવનની અંતિમ ક્ષણ સુધી અફસોસ ના થાય તે જ. તું મને પ્રેમ કરે કે ના કરે અત્યારે આ ક્ષણે હું તને પ્રેમ કરું છું. અને મારાથી શક્ય હશે ત્યાં સુધી કરતો રહીશ. તું હા કહીશ તો તારી સાથે જીવીને કરીશ અને ના કહીશ તો આ સાથે ગાળેલી થોડી ક્ષણોને યાદ કરીને કરીશ પણ પ્રેમ તો તનેજ કરીશ.” ઉર્વીલ રેવાને કહી રહ્યો. અને શબ્દો વાટે રેવાના હ્રદયની બધી જ દીવાલો તોડી તે રેવાની અંદર સુધી ઉતરી ગયો.
રેવા પાસે હવે કહેવા કે સાંભળવા માટે કઈંજ નહોતું. તે સંપૂર્ણપણે સમજી ચૂકી હતી કે તેની લાઈફના પુરુષની તલાશ ઉર્વીલ સુધી આવીને પૂરી થઈ હતી.
ઉર્વીલ ને રેવા વચ્ચે રહેલું બે આંગળનું અંતર પણ રેવાએ ભૂસી નાખ્યું ને ઉર્વીલ ના હોઠ પર હોઠ મૂકી દીધા. જાણે તે ઉર્વીલની અંદર ઓગળી જવા જ મથતી હોય તેટલા જુનુનથી તે ઉર્વીલને પ્રગાઢ ચુંબન કરતી રહી ને ઉર્વીલ પીગળી રહ્યો.

“રેવા છું કદાચ ઉર્વીલ સુધી પહોંચવા માટે જ બની હોઈશ...” ઉર્વીલથી અલગ થતાં સ્હેજ શરમાતા રેવા બોલી.
“આઈ લવ યુ સો મચ રેવા” હજી આ સમગ્ર પરિસ્થિતી નું પૃથ્થકરણ કરતાં અસમંજસમાં ઉર્વીલ બોલ્યો

અનાયાસજ તેની નજર બારીની બહાર ગઈ. વરસાદ રહી ગયો હતો ને તડકો પણ નીકળી ચૂક્યો હતો. રેવા એ ઉપમા બનાવવા માટે ગેસ પર શેકવા મૂકેલો રવો એક્દમ બળી ચૂક્યો હતો.
“ચાલો નીકળવું જોઈશે મારે હવે...” હસીને ઉર્વીલ બોલ્યો.
“હું નાસ્તો તો બનાવી દઉં.”રેવા પ્લેટફોર્મ તરફ વળતાં બોલી.
“માંડ વરસાદ રહ્યો છે. અત્યારે નહિ જાઉં તો કદાચ ક્યારેય નહિ જઈ શકું...” રેવાનો હાથ પકડી પોતાની નજીક ખેંચતા ઉર્વીલ બોલ્યો અને રેવાની આંખો ફરી શરમથી જુકી ગઈ.
ધીમેથી તેને આલિંગન આપી તેના કાનમાં ધીમેથી આઈ લવ યુ બોલી ઉર્વીલ ફ્લેટની બહાર નીકળી ગયો.

ટેક્સીથી ફટાફટ હોટલ પહોચી તે તેનો સામાન પેક કરી રહ્યો હતો ત્યાં જ તેના રૂમનો ફોન રણકી ઉઠ્યો.
“હેલો...”
“સર, તમારા ઘરેથી ફોન છે.” મીઠડાં અવાજમાં રિસેપ્શનિસ્ટે કહ્યું ને બીજી જ પળે ઉર્વીલની મમ્મી મયૂરીબેનનો અવાજ ફોન પર સંભળાયો.
“બેટા ક્યારે આવેછે તું અંહિયા? તું તો કાલે જ નીકળી જવાનો હતો ને!!”
“હા મમ્મી અંહિયા વરસાદ હતો એટ્લે... હમણાં નિકળું જ છું થોડીક વારમાં હું અંહીથી.”
“હા ભલે અને તું અમદાવાદ નહીં સીધો ચુડા ની બસ લેજે...”
“ચુડા કેમ?” ઉર્વીલ કઇં સમજ્યો નહોતો
“આપણાં મહેતા ભાઈ નહિ? એમની બહેનની દીકરી મનસ્વી બહુ જ ડાહી ને ગુણવાન છોકરી છે. મને તો ઘણા સમયથી મગજમાં હતી જ... અને મહેતાભાઈ એ સામે થી કહેવડાવ્યું છે. તું એક વખત જોઈલે એટ્લે આપણે નક્કી કરી નાખીએ...” મયૂરીબેન હરખાઈને બોલ્યા. પણ ઉર્વીલ ના પગ તળેથી જાણે જમીન ખેંચાઇ ગઈ.
તે જાણતો હતો કે મમ્મીને ફોન પર કઈંજ સમજાવવાનો કોઈ અર્થ નથી. અને તેના મમ્મીના મનમાં કુલવધૂનું જે સપનું છે તેમાં રેવાને બંધ બેસાડવી સહેલી નહિ પડે. ઉર્વીલે ફક્ત હા કહીને ફોન કાપી નાખ્યો. એસી રૂમમાં તે પરસેવે રેબજેબ થઈ ગયો. હજી થોડી કલાકો પહેલા માણેલી રેવા સાથેની ક્ષણો તેને આગ સમાન લાગવા લાગી. તેનો દમ ઘૂટવા લાગ્યો. તેને જોરથી રાડો પાડવાની ઈચ્છા થઈ આવી પણ તેના ગળામાંથી એક શબ્દ પણ ના નીકળી શક્યો.
તેના પપ્પાના અતિ રૂઢિચુસ્ત અને તેની મમ્મીના અતિશય જિદ્દી સ્વભાવથી તે વાકેફ હતો. ઉર્વીલ પછી એના હજી 2 નાના ભાઈ અને એક નાની બહેન હતી. તે કોઈપણ પગલું ભરે તેની અસર ખૂબ જ ખરાબ આવી શકે તે તે બહુ સારી રીતે જાણતો હતો.

થોડીક્ષણો નું મનોમંથન કરી કઇંક નક્કી કરી ઉર્વીલ ટેક્સી કરી બસસ્ટેન્ડ પહોંચી ત્યાં ઊભેલી ચુડાની બસ માં બેસી ગયો.

*
(ક્રમશઃ)