પ્રતિક્ષા - ૯ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - ૯

“રઘુ ભાઈની ગાડી સાથે અથડાઇ છે તેનું નુકસાન કેટલું હોય એ ખબર છે તને?” તે ગુંડા જેવો માણસ ફરી ઊંચા અવાજે બોલ્યો અને રેવા શું જવાબ આપવો ને ઉર્વીલને કેમ ઘરે પહોંચાડવો તે વિચારતી ઊભી રહી. તેને કઈંજ સમજાઈ રહ્યું નહોતું કે ઉર્વીલ તેની પાસે પડેલા વ્હીસ્કી ફ્લાસ્કમાંથી ઘૂંટ ભરતા ફરી નશામાં જ કારની બહાર ઉતર્યો અને પોતાની લાલઘુમ આંખો ચોળતા ચોળતા બોલી રહ્યો.
“ગાડી જ અથડાઇ છે ને. એમાં આટલી રાડો શાની નાખો છો?”
રેવા સમજતી હતી કે તકલીફ વધશે. આ સામે ઉભેલા માણસો કોઈ ગેંગના ગુંડાઓ જ લાગતાં હતા... આજુબાજુ ભીડ પણ જામવાં લાગી હતી અને રેવા વધુ તમાશો નહોતી ઇચ્છતી
તેણે ઉર્વીલનું બાવડું પકડી તેને પાસે બોલાવવાની કોશિશ કરી પણ તેણે જ્ટ્કાથી હાથ છોડાવી લીધો.
“ચાલો તમારી ગાડી શાંતિથી પાછળ લો...” લથડાતા પગે તૂટક સ્વરે બોલતો ઉર્વીલ પેલા ગુંડા જેવા માણસ સામે જોઈને બોલ્યો
“ઉર્વીલ હું હેન્ડલ કરું છું. પ્લીજ તું અંદર બેસી જા.” વાત વણસી ના જાય તેની ગભરાહટમાં રેવા સ્હેજ જોરથી બોલી પડી.
“તું મને ના શિખવાડ” ઉર્વીલ રોડ વચ્ચે બરાડી રહ્યો રેવા પર અને બીજી જ ક્ષણે સીધો જ તે માણસ પાસે ઘસી ગયો
“કીધું ને તને ગાડી પાછળ લે. સમજાતું નથી?”
“બે તું મને ઓર્ડર આપે છે? તને ખબર છે હું કોણ છું?” તે ગુંડા જેવો માણસ નવાઈથી જોઈ રહ્યો
“તું જે હોય એ. ગાડી પાછળ લે.” ઉર્વીલ હજી સમજી નહોતો શકતો કે શું થઈ રહ્યું છે
“નહીં લઉં જા... હવે તો બવાલ મોટી થશે બેટા” પેલો માણસ પણ હવે લડવાના મૂડમાં આવી ગયો.
કોણજાણે ઉર્વીલને શું સુજયું કે તેણે સીધી જ તે માણસને જાપટ મારવાની કોશિશ કરી કે તે માણસે તેનો હાથ ખેચી દૂર ફગાવી દીધો. દારૂનો નશો ને ઉપરથી ગુંડાનો ધક્કો લાગતાં ઉર્વીલ પોતાને સંભાળી ના શક્યો ને જમીન પર પડ્યો... તે હજી કઈ સમજે તે પહેલા જ તેના કાનમાં ગોળીનો અવાજ ગુંજ્યો. અને બીજી જ ક્ષણે રેવાએ તેને પકડી કારની ફ્રન્ટ સીટ પર બેસાડયો. તે પૂરેપૂરો ભાનમાં નહોતો પણ તે એટલું તો જોઈ શક્યો કે રેવા ના હાથ અને પગમાંથી લોહી વહી રહ્યું હતું.

થોડી જ વારમાં રેવાના ફ્લેટના પાર્કિંગમાં ગાડી પહોંચી અને રેવાનો પાડોશી ત્યાંથી પોતાની પાર્ક કરેલી કાર કાઢતો દેખાયો
“દેવ...” રેવાએ બૂમ પાડી તેને બોલાવ્યો
“રેવા આ બધુ શું થઈ ગયું?? આ શું છે?” ઉર્વીલના કાનોમાં બસ દેવનો ડરી ગયેલો અવાજ જ સંભળાતો હતો
“એ છોડ, ઉર્વીલને અમદાવાદ પહોંચવાનું છે. એને મૂકી આવે છે એરપોર્ટ પર?” રેવા દર્દથી કણસતા બોલતી હતી
“રેવા, તું...”
“પ્લીજ પહેલા ઉર્વીલને મૂકી આવ. આપણે પછી વાત કરીએ.” રેવાનું આટલું કહેતા જ દેવ કઇં ના કહી શક્યો. તેણે ઉર્વીલને ગાડીમાંથી ઉતાર્યો અને એક જ ક્ષણ પૂરતી ઉર્વીલની નજર લિફ્ટ તરફ જઈ રહેલી રેવા પર પડી અને તે હચમચી ગયો. તેનું શરીર લોહીથી ખરડાયેલું હતું. તે મહામહેનતે પોતાની જાતને લગભગ ઢસડીને લિફ્ટ તરફ જઈ રહી હતી. ઉર્વીલ ના નસીબમાં કદાચ આનાથી વધારે જોવાનું લખ્યું જ નહોતું... તે બેભાન થઈ ગયો.

આંખ ખૂલી ત્યારે મરીન લાઇન્સ પાસે પાર્ક કરેલી કારમાં દેવની બાજુમાં બેઠો હતો તે
“શું થયું હતું મને?” દેવને જોતાં જ તે પૂછી બેઠો
“ડ્રગ્સ ઓવરડોજ...” શક્ય તેટલી શાંતિ રાખતા દેવ બોલ્યો
“હું ડ્રગ્સ નથી લેતો.” ઉર્વીલ અસમંજસમાં ચિડાતો બોલ્યો
“વેલ, તમારા શરીરમાં જે આજે સવારથી દારૂ ગયો છે. એ ખાલી દારૂ નહોતો... તમારા વ્હીસ્કી ફ્લાસ્કમાં ભેળસેળ હતી કદાચ. એટ્લે જ કારમાં બેઠા પછી શું થયું તમને કઈંજ ખબર નથી??” દેવ હજી તદ્દન શાંત હતો
“મને કઇં નથી સમજાતું. શું થઈ રહ્યું છે?” ઉર્વીલ પોતાનું માથું પકડતા બોલ્યો
દેવ કઇં જવાબ આપે તે પહેલા જ તેમની કાર સામે એક સેંટ્રો આવીને ઊભી રહી અને તેમાંથી બે કદાવર માણસો બહાર નીકળી ઉર્વીલ પાસે આવી પહોંચ્યા
“ઉર્વીલ ને તું?” એક માણસે પૂછ્યું
“હા, તમે? શું કામ છે?” ઉર્વીલ સહેજ ડરતા બોલ્યો
“આજે બેટા તું છેલ્લી વાર બોમ્બેમાં પગ મૂકે છે. આવતીકાલથી ભૂલથી ય બોમ્બેમાં દેખાઈ ગયો ને તો જીવતો નહીં રહે તું... સમજાઈ ગયું?” સલૂકાઇથી ધમકી આપતા બીજો માણસ બોલી રહ્યો
એક ક્ષણતો ઉર્વીલને થયું કે સામે જવાબ આપી દે પણ રેવાનું લોહીથી ખરડાયેલું શરીર અને આજે જે કઈ થયું તેના પસ્તાવાને કારણે તેના ગળામાંથી એક શબ્દ પણ ના નીકળી શક્યો. તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે બોમ્બે નહીં આવે...
ઉર્વીલના હકારમાં માથું હલાવતા જ તે બંને ત્યાંથી નીકળી ગયા.

“દેવ, મને એરપોર્ટ મૂકી જશો?” ભારે અવાજે ઉર્વીલ બોલ્યો
“ઉર્વીલ, રેવા અને તમારા માટે શું સાચું ને શું ખોટું એ મને નથી ખબર. પણ એટલું કહી શકીશ કે તમારી સાથે રહીને રોજ મરવું એને ચાલશે... પણ તમારા વગર રહીને જીવવું નહીં. એટ્લે જે કઇં નિર્ણય લો એ સમજી વિચારીને લેજો” દેવ સમજાવતા બોલ્યો
“એની સાથે હું જીવી શકતો નથી. એને શાંતિથી જીવવા દેતો નથી. જે મને પ્રેમ કરે છે એને ઠુકરાવું છું અને જેને હું પ્રેમ કરું છું એને જ ઠોકર મારુ છું. દેવ હું નથી સમજાવી શકતો મારી હાલત તમને...” ઉર્વીલ રડમસ થતાં બોલ્યો
“મારાથી વધારે કોને ખબર હશે આ? એની વે હું એક ડોક્ટર છું. એટ્લે જ કહું છું વિચારી લો.”
“વિચારી લીધું. અને આ ત્રણ વર્ષ પહેલા વિચારવાનું હતું. રેવાને મે આ ત્રણ વર્ષમાં ક્યાયની નથી રાખી. એના સપના, એની દુનિયા, એનું કરિયર, એના શોખ, એનું પેશન અને એના પ્રેમ દરેકમાં મે સમાધાન માગ્યા છે તેની પાસે... કારણકે હું જ નહોતો સ્વીકારી શકતો કે કોઈ મને બધી રીતે સ્વીકારે છે... રેવાની પળેપળની પ્રતિક્ષાનો અંત મે આ ત્રણ વર્ષમાં મોટા ભાગે નિષ્ઠુરતાથી જ લાવ્યો છે... હું તરસાવતો રહ્યો છું એને મારા માટે કારણકે ભારોભાર ડર છે મારી અંદર... દેવ હું એની સાથે રહીને એને અધૂરી રાખું છું. એના કરતાં એને મારા વિના જ તરફડવા દેવું સારું રહેશે. રેવા ઉર્વીલ વિના જ બરાબર છે. અને આમેય એ એ રેવા છે જે ઉર્વીલ વિના પણ સંપૂર્ણ છે.” ઉર્વીલ માંડ બોલી શક્યો.
“ઉર્વીલને મળ્યા પછી રેવાનું પોતાનું અસ્તિત્વ ના હોય ઉર્વીલ...” દેવે છેલ્લો પ્રયાસ કરી જોયો
“આઈ ટ્રસ્ટ હર, પ્લીજ ટેક મી તું એરપોર્ટ” આટલું કહી ઉર્વીલ રડી પડ્યો અને દેવ ચૂપચાપ તેને એરપોર્ટ મૂકી આવ્યો.

*

20 વરસ વીતી ગયા પણ ઉર્વીલે મુંબઈ તરફ ફરીને પણ ના જોયું. પણ હવે રેવાના પાર્કિંગથી લિફ્ટ તરફ જતાં તેની આત્મા જ તેને પૂછી રહી હતી કે કેમ પોતાની જાત સાથે જ આટલો નિષ્ઠુર થઈ શક્યો એ? કઈ રીતે રેવાને ફ્ક્ત યાદ બનાવીને જીવી શક્યો એ??

જે લોબીમાં કઈ કેટલીય વાર રેવાને ઊંચકીને વ્હાલ કર્યું હતું તે લોબીમાં ઊભા રહી રેવાના ફ્લેટની ડોરબેલ અડતા જ ઉર્વીલ ધ્રુજી ગયો. તેની આંખમાંથી આંસુ ટપકી ગયું ને દરવાજો ખૂલ્યો
“હેલો ઉર્વીલ...”

(ક્રમશઃ)