પ્રતિક્ષા - ૫૩ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - ૫૩

ડોરબેલનો અવાજ સાંભળી ઉર્વા તરત જ દરવાજો ખોલવા દોડી ગઈ. જેવું તેણે ધાર્યું હતું રઘુ તેની વાગ્દત્તાને લઇ સમયસર પહોંચી ગયો હતો.
“આવો આવો... ફ્લેટ શોધવામાં કોઈ તકલીફ ના પડી ને!” ઉર્વા આવકારતા પૂછી રહી.
“ના... ના... બિલકુલ નહિ. અચ્છા આ બંદિશ છે. મારી થવા વાળી વાઈફ...!” રઘુ ફ્લેટમાં અંદર આવતા બંદિશની ઓળખાણ કરાવી રહ્યો. ઉર્વા જોઈ રહી બંદિશને... પીળા બુટ્ટાવાળી કેસરી રંગની ગુજરાતી ઢબે પહેરેલી સાડી તેના ભરાવદાર શરીર પર જચી રહી હતી. તે ૩૫-૪૦ ની વયે પહોંચેલી કોઈ ગૃહિણી જેવી દેખાતી હતી. તેનો વર્ણ હલકો શ્યામ હતો પણ તેના નેણ નક્શ તીખા હતા. એકબાજુ વ્યસ્થિત ગુંથેલા કેશ તેની લાંબી ડોક પર રમી રહ્યા હતા. તે બેશક નમણી હતી. તેનો પહેરવેશ અને દેખાવ સન્નારી જેવો લાગતો હતો પણ તેની બોડીલેન્ગ્વેજ સહેજ અલગ લાગતી હતી. ઉર્વાએ કોશિશ કરી કે તે બંદિશને જજ ના કરે પણ અજાણતા જ તેના મસ્તિષ્કે બંદીશને જજ કરી લીધી.

રઘુ જોઈ રહ્યો આ ફ્લેટને. અદ્દલ રેવાના ફ્લેટ જેવો જ ફ્લેટ અને દીવાલો પર સુશોભિત રેવા અને ઉર્વાની તસ્વીરો જોઈ તે સહેજ ગળગળો થઇ ગયો. બંદિશનું ધ્યાન પણ તે તસ્વીરો તરફ ગયું. તે અસહજ થઇ રહી હતી પણ તે પોતાના ચેહરા પર તે વસ્તુ કળાવા દેવા નહોતી માંગતી. આ ફ્લેટના ઉંબરે પગ મુક્યો ત્યારથી તે અકળાતી હતી.


“ચાલો જમી જ લઈએ આપણે પહેલા, પછી આરામથી બેસીને વાતો કરીશું...” ઉર્વા ટેબલ તરફ જતા બોલી.
“હા... ભૂખ તો મને પણ લાગી છે બહુ. જમી જ લઈએ.” રઘુ પણ બંદિશના ખભે હાથ મૂકી ટેબલ તરફ જઈ રહ્યો.
ટેબલ પર આવી ઉર્વા પ્રેમથી થાળી પીરસવા લાગી. સફેદ ઢોકળા, મગની છુટ્ટી દાળ, પૂરણપોળી, અળવીના પાનના પાત્રા, કઢી, ભાત, કચુંબર ને દુધીનો હલવો જોઈ રઘુ આશ્ચર્ય ચકિત થઇ ગયો.
“આ બધું! આટલું બધું તે બનાવ્યું!!” રઘુથી બોલાઈ ગયું.
“હા! એમાં શું?” ઉર્વા હસીને બોલી રહી ને પછી ઉમેર્યું, “રચિતે પણ મદદ કરી હતી થોડી...”

એમજ જમવાનું પીરસાતું રહ્યું અને આડી અવળી વાતો ચાલતી રહી. રઘુ પોતે જેને પ્રેમ કરતો હતો તેની દીકરીને ત્યાં પોતાની થવા વાળી પત્નીને લઈને જમવા આવ્યો હતો. આ ઓલરેડી એક ઓકવર્ડ પરિસ્થિતિ હતી પણ તેનો ભાર આ ટેબલ પર ના વર્તાઈ તેનો ખ્યાલ આ ચારેય લોકો રાખી રહ્યા હતા.

જમીને બંદિશ, રઘુ સોફા પર ગોઠવાયા, ઉર્વા અને રચિત બીનબેગ પર બેઠા. બધાના મનમાં એક જ પ્રશ્ન ધોળાઈ રહ્યો હતો કે મુદ્દાની વાત શરુ કોણ કરશે...

“ઉર્વા તારે કંઇક કામ હતું...” રઘુએ વાત શરુ કરી.
“હા! તમે મને છેલ્લે મળ્યા હતા ત્યારે કીધું હતું કે જયારે મારે કંઈપણ જરૂર હશે હું તમને કહીશ! અને તમે મને એના માટે બનતી મદદ કરશો, રાઈટ?” ઉર્વા કન્ફર્મ કરતા બોલી.
“હા, ચોક્કસ! તું રેવાની દીકરી છે ઉર્વા. તારા માટે કંઈપણ! બોલ હું શું કરી શકું?” રઘુ તેને ભરોસો અપાવતા બોલી રહ્યો. તેના વાક્યથી બંદિશના ચેહરાની રેખાઓ ફરી ગઈ તે રચિતે નોંધ્યું.
“ઓકે. મારે સત્ય જોઈએ છે!” ઉર્વા મક્કમતાથી બોલી.
“શેનું?”
“બે જવાબ જોઈએ છે. પહેલું, સ્વાતિએ પોતાનું ઘર શું કામ છોડ્યું તું? એ શું કામ કહાન દોઢ વરસનો હતો ત્યારે એને અને દેવને મુકીને રેવા સાથે રહેવા ગઈ હતી? અને બીજું, સ્વાતિનું એકસીડન્ટ તમે કરાવ્યું હતું? સોરી! એનું ખૂન તમે કર્યું હતું?” ઉર્વા તેની આંખમાં સીધું જોઇને બોલી રહી. રઘુ તેના પર વીજળી પડી હોય તેમ દિગ્મૂઢ થઇ બેસી રહ્યો.
“ઉર્વા... સ્વાતિએ ઘર છોડ્યું એ તો એનો ને એના પતિનો અંગત મેટર હતો, એ મને નહિ ખબર... ને એનું ખૂન... એના વિષે તો અખબારો કેટલું લખી ચુક્યા તા એ તને ખબર જ છે...” રઘુનું આટલું બોલતા તો ગળું સુકાવા લાગ્યું.
“તમારે નથી કહેવું તો આ વાત પડતી મુકીએ! મારે સત્ય જોઈતું હતું જે તમે નથી આપ્યું.” જરાપણ ઉદ્વેગ લાવ્યા વિના ઉર્વા બોલી.
“ઉર્વા... એમ વાત નથી. વાત બહુ અલગ છે! પ્લીઝ હું એમ... શું કહું બેટા તને...” રઘુ અસમંજસમાં બોલી રહ્યો.
ઉર્વા ફક્ત કડવું હસી રહી પ્રત્યુત્તરમાં.
“કેમ હસે છે?” રઘુથી પૂછાઈ ગયું.
“તમને ખબર છે આ બધું ચાલુ કઈ રીતે થયું? રેવાની ડેથને પણ અમે એક્સીડન્ટ જ માન્યું હતું શરૂઆતમાં. અમને એવું જ હતું કે ઉર્વિલને જોઇને રેવા પાછી આવતી હતી એટલે એનું ધ્યાન કાર ચલાવવાને બદલે એની મનોહર યાદોમાં વધારે હશે એટલે એ બીજી ગાડીની અડફેટે ચડી ગઈ હશે. રેવાને વાંરવાર કાર અથડાવવાની આદત હતી જ. પણ, દેવઅંકલને એવું લાગ્યું કે પોસ્ટમોટમ જરૂરી છે. તેમણે સ્પેશ્યલ અરજી આપીને ખાનગીમાં પોસ્ટમોટમ કરાવ્યું ત્યારે બહાર આવ્યું કે રેવાને ગળું દબાવીને મારવામાં આવી છે. અમે પોલીસ પાસે જઈ શકતા હતા પણ હું કે કહાન એ નહોતા ઈચ્છતા. અહીંનું તંત્ર કેટલું સ્લો છે એ અમને બન્નેને ખબર જ હતી... પોલીસ તપાસ એકસીડન્ટ કેસ કરીને થોડા જ સમયમાં બંધ થઇ ગઈ હતી.
એ દરમ્યાન જ ઉર્વિલને બોલાવીને રેવાની બધી વસ્તુઓ આપવાનું નક્કી થયું. આમ તો રેવાની બધી વસ્તુઓ પેક જ હતી પણ કંઈ ભૂલે ચુકેય રહી ના જાય એટલે અમે ઘરના ખૂણેખૂણા થી બધી વસ્તુઓ ભેગી કરી. જેમાં અમને દેવ અને કહાનના ફોટોઝ મળ્યા... થોડાંક સ્વાતિને લખાયેલા ધમકીભર્યા લેટર્સ પણ મળ્યા જેના વિષે મને, દેવને, કહાનને કે રેવાને કંઈજ જાણ નહોતી. એટલું તો ક્લીયર થઇ રહ્યું હતું અમને કે સ્વાતિ મોમે પોતાની મહત્વકાંક્ષાઓ માટે નહિ પણ કોઈકના દબાણમાં આવીને ઘર છોડ્યું હતું.
વાત ઓલરેડી ગૂંચવાયેલી હતી એટલે ફાઈનલી પહેલી વખત અમે રેવાનો ભૂતકાળ ખોલ્યો...
રેવાની ડાયરીમાં ત્યારે નામ આવ્યું કુમુદ... ઉર્વિલ માટેના પાગલપનની કિંમત સ્વાતિના લોહીથી ચૂકવાઈ છે એવું પણ રેવાએ લખ્યું હતું, દેવઅંકલને રેવાએ વાત કરી હતી કે તેને લાગે છે કે સ્વાતિની મૃત્યુ એકસીડન્ટ નહોતું તે તમારે લીધે જ થયું હતું પણ દેવઅંકલને એ વાત ગળે નહોતી ઉતરતી. તેમને તો હંમેશા એમજ લાગ્યું કે સ્વાતિની મહત્વકાંક્ષાઓએ જ તેનો જીવ લીધો હતો. ૧૬ વરસ તે એમજ માનીને સ્વાતિમોમને નફરત કરીને જીવ્યા હતા...

હોય ના હોય પણ મારું મન એમ કહે છે કે છેલ્લે તમારી સલાહ માનીને જ એણે ઘર છોડ્યું હતું ને રેવા સાથે રહેવા આવી હતી. મારા જન્મ પછી થોડાક સમયમાં સ્વાતિએ જીદ કરીને દેવને અને કહાનને સામેનો ફ્લેટ ખાલી કરી બીજે ફ્લેટ લઇ રહેવા પર મજબુર કર્યા હતા. સ્વાતિ તમારી દોસ્ત બની ગઈ હતી. તે તમારી અંગત મદદનીશમાંથી એક હતી. તો, પછી એવું શું થયું કે તમે એમની જાન લઇ લીધી! ડાયરીઓની દરેક વાત સાફ કરે છે કે સ્વાતિનું ખૂન થયું હતું. રેવા આખી ઝીંદગી અપરાધભાવ સાથે જીવી છે. દેવને પણ જ્યારથી ખબર પડી કે કોઈક બીજા કારણોસર સ્વાતિ એમનાથી અલગ થઇ હતી, ત્યારથી દેવ પણ પસ્તાવાની આગમાં સળગી રહ્યા છે. પણ, ખરેખર ત્યારે શું થયું હતું એ અમને કોઈને નથી સમજાઈ રહ્યું. સ્વાતિ અને રેવાની ડેથ તદ્દન એકસમાન રીતે થઇ છે. મતલબ કંઇક તો ગોટાળો છે જ એ અમે બધા શ્યોર હતા. તમે જ સ્વાતિને મારી હોય અને તમે જ રેવાનું પણ ખૂન કર્યું હોય એ મારા માટે માનવું શક્ય નહોતું. હજુ પણ શક્ય નથી.
આ જ બધું જાણવા રચિતે તમારી ગેંગમાંથી ગુડ્ડુને ફોડ્યો. ઉર્વિલની વાત હાથે કરીને તમારા સુધી પહોંચાડી. આ જ પ્લાનની અંતર્ગત હું તમને મળી હેવમોરમાં... અત્યાર સુધી અમે બધા જ પુરાવા ભેગા કરી રહ્યા હતા. હવે અમે તમારા મોઢેથી સાંભળવા માંગીએ છીએ કે ખરેખર ત્યારે શું થયું હતું? દેવે પણ આ ૧૬ વર્ષ એની પત્નીને નફરત કરીને વિતાવ્યા છે. હવે, ફક્ત સત્ય જ છે જે તેના મનનું સમાધાન કરી શકશે, અને મને... મને રેવાના કાતિલ સુધી પહોંચાડી શકશે...” ઉર્વા પોતાની પૂરી વાત કહી રહી.

રઘુ આખી વાત સાંભળીને સ્તબ્ધ રહી ગયો.
“જેણે સ્વાતિનું ખૂન કર્યું એણે જ રેવાને મારી હોય એ અશક્ય છે! તાઈ ક્યાં છે એ વર્ષોથી કોઈને નથી ખબર!” રઘુ સાવ ધીમેથી બોલી રહ્યો. તે હજુ આઘાતમાં જ હતો.
“મને પ્લીઝ પહેલેથી માંડીને બધી વાત કહો રઘુભાઈ. આઈ નીડ ટુ નો ધીઝ પ્લીઝ...” ઉર્વા વિનંતીના સ્વરમાં બોલી.
રઘુભાઈ એકવખત ઉર્વા સામે અને એકવખત બંદિશ સામે જોઈ રહ્યો.
“ઠીક છે હું સાવ શરૂઆતથી તને બધું જ કહું છું...
હું બહુ નાનો હતો ત્યારે મારી બહેન કુમુદ વૈશ્યાઓના પાંજરામાંથી ભાગીને જતી હતી ત્યારે માં એ તેની સાથે મને મોકલી દીધો હતો. નેલ્સન મેકવાન ત્યારે મુંબઈની બદનામ ગલીઓનો કિંગ કહેવાતો. તાઈએ તેને જાળમાં ફસાવેલો હતો. કુમુદની પહેલેથી જ નજર નેલ્સનના સામ્રાજ્ય પર હતી. તે સાવ ધીમી ગતિએ નેલ્સન માટે જાળ ગુંથી રહી હતી. તે નેલ્સનની રખેલમાંથી તેની પ્રેમિકા અને પાર્ટનર બની હતી. મને બધા જ નેલ્સનના કામ શીખવાડી રહી હતી. થોડા વર્ષો પછી લાગ જોઇને તેણે નેલ્સનને ઝેર આપીને મારી નાંખ્યો અને મને તેની જગ્યાએ બેસાડી દીધો. હું એમ કહી શકું કે આખું સામ્રાજ્ય મારી તાઈએ જીત્યું અને મારા નામે કરી દીધું. નેલ્સન સાઉથ મુંબઈ પર જ ધાક જમાવી શક્યો હતો. જયારે તાઈની બુદ્ધિએ થોડાંક જ વર્ષોમાં પુરા મુંબઈમાં મારું નેટવર્ક ગોઠવી આપ્યું તું. અલબત્ત નેલ્સન સાથે શું થયું એ ખરેખર અંદરના ૫ વ્યક્તિઓ સિવાય કોઈ જાણતું નહોતું. અને કોઈ ક્યારેય ના જાણે તેની ખાસ તકેદારી રાખવામાં પણ આવતી હતી. બહુ આસાનીથી સત્તા આવી હતી મારી પાસે એટલે એને ક્યાં ને કેમ વાપરવી એની ગતાગમ મને ક્યારેય નહોતી પડતી. મોટેભાગે તાઈ કહેતી હું એમજ કરતો.
એનો બોલ બને ત્યાં સુધી હું ના ઉત્થાપતો.
તાઈએ કીધું હતું મુંબઈ પર રાજ કરવું હોય તો પહેલા ધાક બેસાડવી પડશે, નેલ્સનને બદલે મારું નામ લોકોના મોઢે ચડાવવું પડશે. મારા છોકરાઓ ત્યારે એ જ કામ કરી રહ્યા હતા. અને એવા જ એક સમયે રેવાની કાર મારા માણસો સાથે અથડાઈ અને મોટી બબાલ થઇ. એ દિવસે ખબર નહિ કેવું ચોઘડિયું હશે કે મારે જ રેવાને ધમકાવવા પોતે આવવું પડ્યું ને હું દિલ હારી ગયો. દિલ જ શું કામ મારી બુદ્ધિ, મારી શક્તિ ને મારી મહેચ્છાઓ બધું જ હારી ગયો એની પાસે.
વૈશ્યાઓના કોઠામાં મોટો થયો તો હું, સ્ત્રીઓ કોઈ મોટી વાત નહોતી મારા માટે... પણ, રેવા અદ્ભુત હતી, બેજોડ હતી. ઝીંદગીમાં પહેલીવાર મને મારા કામ માટે વિચારવું પડ્યું હતું... ઓહ ઈશ્વર... હું આજે ય કહી નથી શકતો કે તે દિવસે મારા અરીસાથી મને કેટલી વિચિત્ર લાગણી થઇ હતી!” રઘુ આટલું બોલી અટક્યો. તેના શબ્દોમાં તેના ભૂતકાળનો થાક વર્તાતો હતો. તેનો રંજ છલકાતો હતો.
ઉર્વા તરત જ ઉભી થઇ પાણી લઇ આવી. બંદિશનું આ બધું સાંભળીને મોઢું પડી ગયું હતું પણ તે પરાણે સ્વસ્થતા જાળવીને બેઠી હતી તે રચિતની નજરથી જરાય છુપું નહોતું.
“રઘુભાઈ... આઈ એમ હેપી કે તમે તમારો ભૂતકાળ આખો અમારી સામે ખોલી રહ્યા છો પણ સ્વાતિ સાથે શું થયું? એને કેમ ઘર મુક્યું? અને પછી થોડાંક જ વર્ષોમાં તેની ડેથ... કેમ?” રઘુને પાણી પીતો જોઈ ઉર્વા અત્યાર સુધી મનમાં રાખેલો પ્રશ્ન પૂછી બેઠી.
“એ જ વાત પર આવતો હતો. મારે કોઇપણ ભોગે રેવાની નજીક રહેવું હતું. અને રેવાની તદ્દન નજીકની વ્યક્તિઓમાં સ્વાતિ પણ આવતી હતી. સ્વાતિ ક્રાઈમ રિપોર્ટર હતી. તે મને જોઇને તરત જ ઓળખી ગઈ હતી. તે મારી સાથે સ્ટોરી કરવા માંગતી હતી પણ તાઈની સખત મનાઈ હતી અત્યારે કોઇપણ મીડિયાના વ્યક્તિ સાથે વાત કરવાની. હું એને પોતાની સ્ટોરીઝ તો નહોતો આપી શકતો પણ રેવાથી મળવાનું થતું રહે એટલે તેને બીજી નાનીમોટી ગેંગની સ્ટોરીઝ આપતો રહેતો. તેને સ્ટીંગ ઓપરેશન કરવામાં પણ મદદ કરતો. સ્વાતિને પ્રસિદ્ધિ મળી રહી હતી, પ્રમોશન મળવા જઈ રહ્યું હતું એટલે તે દીવડાની બીજી બાજુ જોઈ જ નહોતી શકતી.
તેના કોન્ટેક્ટ વધી રહ્યા હતા. અને એ કોન્ટેક્ટમાંથી જ તેના હાથે નેલ્સનની સ્ટોરી ચડી. તે એની જડ સુધી જવા માંગતી હતી. તેને ખબર હતી કે આ સ્ટોરી પુરા મુંબઈમાં સનસની મચાવશે. અને એ જ સ્ટોરીની લ્હાયમાં તે મારી જાણ બહાર કુમુદની અડફેટે ચડી ગઈ

***

(ક્રમશઃ)