આત્માની અંતિમ ઇચ્છા - ૧૩ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્માની અંતિમ ઇચ્છા - ૧૩

આત્માની અંતિમ ઇચ્છા

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૩

કાવેરીને સમજાવવા માટે તેની માતાને કહેવા ગયેલા લોકેશને નિરાશા મળી. કાવેરીની મા દીનાબેન પણ સંતાનની પધરામણીને મોરાઇ માના આશીર્વાદ માની રહી હતી. સામાન્ય સંજોગોમાં આમ બન્યું હોત તો લોકેશને ચિંતા ન હતી. આ તો ડોક્ટરોએ ના પાડ્યા પછી લસિકાને કારણે કાવેરી મા બનવા જઇ રહી હતી તેનો ભય હતો. કાવેરીને ખબર નથી કે લસિકા બદલો લેવા કેવા કેવા કાવતરા કરી રહી છે. લસિકાએ કાવેરી સામે પોતાને તેની હિતેચ્છુ સાબિત કરી છે અને પાછળથી તેની દુશ્મન તરીકે કામ કરી રહી છે. દીનાબેનને મળીને નીકળ્યા પછી લોકેશના મનમાં સતત એવા વિચાર આવી રહ્યા હતા કે લસિકાના કોપમાંથી કાવેરીને તે કેવી રીતે બચાવી શકશે? દીનાબેનની જેમ તે પણ સંતાનને જન્મ આપવાની જીદ છોડશે નહીં. તેને લસિકા વિશે વાત થઇ શકે એમ નથી. પોતે ધર્મસંકટમાં મૂકાઇ ગયો છે. કાવેરીને ડોકટરની ચેતવણી વિશે વાત કરવાનો સમય પાકી ગયો છે. લોકેશને હતું કે કાવેરીને ગર્ભ રહેવાનો નથી એટલે હમણાં તેમની ચેતવણી વિશે વાત કરવાની જરૂર ન હતી. હવે બીજો કોઇ ઉપાય રહ્યો નથી.

લોકેશ ઘરે પહોંચ્યો ત્યારે કાવેરી કોઇ મોટો જંગ જીતી હોય એટલી ખુશ હતી. તે લોકેશને વળગીને ઝૂમવા લાગી. લોકેશે પાસે ચહેરા પર બનાવટી ખુશી લાવી તેના આનંદને જાળવી રાખવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. તેને અંદરથી કાવેરીની ચિંતા કોરી ખાતી હતી.

"લોકેશ, ગજબ થઇ ગયો નહીં! હું મા બનવા જઇ રહી છું. આ ખુશીમાં હું પાગલ થઇ જઇશ એવું લાગે છે. મારું સપનું તમે પૂરું કર્યું! અને મોરાઇ મા જ નહીં એ મહિલાને પણ હું નમન કરું છું જેણે આપણા જીવનમાં આ અવસર આપ્યો છે. તમે થોડો આરામ કરી લો પછી આપણે હોસ્પિટલે જઇ આવીએ. આમ તો ઘરનો ટેસ્ટ સાચો જ પડે છે. છતાં ખાતરી કરાવીને રીપોર્ટ લઇ લેવો સારું નહીં?"

"હા-હા, કોઇ વખત આવા ટેસ્ટ ખોટા પણ સાબિત થતા હોય છે..." બોલીને લોકેશ મનોમન આ ટેસ્ટ ખોટો હોય એવું ઇચ્છવા લાગ્યો. તેને થયું કે કાવેરી મા બને તે ખુશીની જ વાત છે. પોતે પિતા બનવાની પણ એટલી જ ખુશી થાય. પણ લસિકા બદલો લેવા આ ચાલ ચાલી હોવાથી આવનારા સંતાન સાથે તે કાવેરીના જીવને જોખમમાં મૂકવા માગતો ન હતો. તેને થયું કે જો કાવેરીએ ગર્ભ ધારણ કર્યો હશે તો ડૉકટર જ તેની શારીરિક સ્થિતિ જોઇને કેવું જોખમ છે એની વાત કરશે તો પોતાને કંઇ બોલવાની કે સમજાવવાની જરૂર જ નહીં રહે.

લોકેશ બેડરૂમમાં જઇ આંખો મીંચી થોડીવાર પડી રહ્યો. તેની આંખમાંથી ઊંઘ ઊડી ગઇ હતી. આગામી સમયમાં લસિકા કયો રંગ બતાવશે તેનો ભય બંધ આંખોમાં તેને ડરાવી રહ્યો હતો. લસિકા જાણે તેની સામે વેરભર્યું હસીને તેના જીવનમાં હાહાકાર મચાવવાની ખુશી મનાવી રહી હોય એવું લાગી રહ્યું હતું. એક સમય પર તેની કાતિલ સુંદરતાએ તેનું મન મોહી લીધું હતું. આજે એ સુંદર ચહેરો તેને કોઇ કાતિલનો લાગી રહ્યો હતો. લોકેશ થોડી જ વારમાં ઊઠી ગયો. તેને હવે ડૉક્ટરને મળવાની તાલાવેલી વધી ગઇ હતી.

લોકેશને જલદી ઊઠી ગયેલો જોઇ કાવેરીએ નવાઇથી પૂછ્યું:"લોકેશ, શું વાત છે? તને પણ એટલી ખુશી છે કે ઊંઘ ઊડી ગઇ છે? બોલ તેં સપનામાં શું જોયું? આપણાને છોકરો આવશે કે છોકરી?"

લોકેશને સમજાતું ન હતું કે તે શું જવાબ આપે? તેની ઊંઘ લસિકાને કારણે ઊડી ગઇ છે અને તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય એવું બની શકે છે એની ચિંતા દિલ અને દિમાગને વલોવી રહી છે. લોકેશે સહજ થતા કહ્યું:"છોકરો આવે કે છોકરી. તારી સંતાનની ઇચ્છા પૂરી થવાની છે એ મોટી વાત છે. મને થાક નથી લાગ્યો એટલે ઊંઘ આવતી ન હતી. ચાલ આપણે ડૉકટર પાસે જઇ આવીએ..."

"અરે હા! માનો ફોન હતો. તે કહેતી હતી કે તમે થોડીવાર માટે આવ્યા હતા. મા મજામાં છે ને?" એકદમ યાદ આવતા કાવેરી બોલી.

"હા, એ રસ્તેથી જતો હતો એટલે થયું કે મળતો જાઉં...કેમ કંઇ કહેતા હતા સાસુમા?!" લોકેશ દિલમાં ડર સાથે પૂછી રહ્યો.

"હા...." કાવેરી પોતાનું કામ કરતા બોલી.

"શું?" લોકેશનો જીવ એ સાંભળવા તાળવે ચોંટી ગયો.

"....એ ફરિયાદ કરતા હતા...." કાવેરીના શબ્દોથી લોકેશને થયું કે તેમણે નક્કી પોતે કહેલી બધી વાત કરી દીધી હશે.

"...કહેતા હતા કે તું કેમ ના આવી? મેં કીધું કે એમને ઓફિસનું કામ હતું એટલે એકલા જ નીકળ્યા હતા. અને ત્યાં આવવાનું કોઇ આયોજન ન હતું. એટલે એમણે કહ્યું કે જમાઇરાજ આવ્યા એ ગમ્યું. હવે તારી તબિયત સાચવજે અને છેલ્લા મહિનામાં હું આવી જઇશ. તારી ખાસ સંભાળ રાખીશ..."

"હા, એ વાત મને કરી હતી...." લોકેશને હાશ થઇ. પોતે કહેલી વાતને તેમણે ખાનગી રાખી એ સારું થયું.

"તમે બહાર બેસો, હું તૈયાર થઇને આવી..." કહી કાવેરી બાથરૂમમાં ગઇ.

લોકેશ કારની ચાવીના કિચેનને હાથની આંગળીમાં ઝુલાવતો ફરી વિચારના ચકડોળમાં બેસી ગયો. લસિકાથી પીછો કેવી રીતે છોડાવવો? લસિકા મા બનવાની હતી અને એની એ ઇચ્છા પૂરી ના થઇ એમાં મારો કે કાવેરીનો શું વાંક? એના જીવનની રેખા નાની હશે એટલે તે ડૂબીને મરી ગઇ. જો એનું જીવન લાંબું લખાયું હોત તો હું નદીમાં પડવાનું વિચારી શકયો હોત. અને એના પિતાના માણસોએ એને પાણીમાં શોધી કાઢી હોત ને? એ ના મળી એમાં એ પણ શું કરે? લસિકા માટે મને અનહદ પ્રેમ હતો પણ ભાગ્યમાં આ બધું લખાયું હોય તો એને કોણ મિથ્યા કરી શકે? કાવેરીની જેમ મારા સપનામાં લસિકા આવે તો હું એને વિનંતી કરીશ કે મને માફ કરીને મારી કાવેરીને બચાવી લે. ભલે અમને સંતાન ના થાય. એ એમ પણ કહી શકે કે કાવેરીની આટલી ચિંતા છે તો મારી કેમ ન હતી? ઓહ... શું કરું?

"ચાલો...ચાલો....." કાવેરીએ બે વખત કહ્યું ત્યારે તે તંદ્રામાંથી બહાર આવ્યો.

મેટરનીટી હોસ્પિટલ પર પહોંચીને લોકેશે નામ લખાવ્યું અને તેમના વારાની રાહ જોવા લાગ્યો. લોકેશે અગાઉના ડોક્ટરના કેટલાક રીપોર્ટસ સાથે લીધા હતા જેનાથી કાવેરી અજાણ હતી. એમાં બહુ સ્પષ્ટ લખ્યું હતું કે હાલમાં કાવેરી માતૃત્વ ધારણ કરવા સક્ષમ નથી. તેણે જોયું કે કાવેરીના ચહેરા પર નૂર વધી ગયું હતું. તેના ચહેરા પર માતૃત્વ અત્યારથી જ છલકી રહ્યું હતું. જ્યારે તેને ખબર પડશે કે મા બનવાનું તેના માટે અને આવનારા સંતાન માટે કેટલું જોખમી છે ત્યારે મોટો આઘાત લાગશે. અને ડૉકટરનું તો કાવેરીએ માનવું જ પડશે. જે વાત પોતે છુપાવી રાખી હતી એ આજે હકીકત બનીને એની સામે આવશે. તેણે કાવેરીના ભલા માટે જ આ વાત છુપાવી હતી.

થોડીવારમાં નર્સ બહાર આવી અને નામ બોલી બંનેને ડૉકટરની કેબિનમાં જવા ઇશારો કર્યો. કાવેરીએ પોતાની શારીરિક સ્થિતિની વાત કરી અને આનંદના ઉદગાર સાથે પ્રેગનન્સી કિટનું પરિણામ કહ્યું. ડોકટરે નર્સને બોલાવી સેમ્પલ લેવા કહ્યું. કાવેરી નર્સ સાથે ગઇ એટલે લોકેશે તેની અગાઉની ફાઇલ કાઢી ડોકટરને વાંચવા આપી. ફાઇલના રીપોર્ટ એક પછી એક વાંચતા ડોકટરના ચહેરાના ભાવ કેવા બદલાય છે એના પર લોકેશની નજર હતી. ડૉકટર રીપોર્ટસ વાંચતી વખતે મનોમન કંઇક વિચારતાં ચહેરો ઉપર-નીચે કરી રહ્યા હતા. ડોકટરે બધા જ રીપોર્ટસનો અભ્યાસ કરી લીધો અન એચશ્મા ઉતારી લોકેશને કંઇક કહેવા જતા હતા ત્યાં કાવેરી આવી ગઇ. ડૉક્ટરે ફરી ચશ્મા પહેરી લીધા અને તેની તરફ ફરીને બોલ્યા:"બેન, તમે આ તરફ આવી જાવ. ચેકઅપ કરી લઇએ. પછી આગળ વિચારીએ.."

લોકેશને થયું કે ડોકટર કાવેરીને તપાસીને રીપોર્ટસ વિશે ખાતરી કરી લેવા માગે છે.

ડોકટરે કાવેરીનો ચેકઅપ કર્યા પછી એક કાગળ પર કંઇક લખીને બંનેના ચહેરાને જોઇ રહ્યા. જાણે કંઇક મહત્વનું કહેવા જઇ રહ્યા છે ત્યારે બંને એ વાત સાંભળવા તૈયાર છે કે નહીં એનો કયાસ કાઢી રહ્યા હતા. પછી કાવેરી તરફ જોઇને બોલ્યા. "જુઓ, બેન તમારી પહેલી ડિલિવરી છે. અને મેં તમારા આગળના રીપોર્ટસ જોયા છે. લાંબા સમય પછી તમને ગર્ભ રહ્યો છે. મારી સલાહ છે કે..." અને એ સહેજ અટકી ગયા. લોકેશને થયું કે ડૉકટર કાવેરીને લાગનારા આંચકાને કેવી રીતે હળવો બનાવવો એ માટે શબ્દો શોધી રહ્યા છે. કાવેરી પણ ડૉક્ટરનો અભિપ્રાય જાણવા ઉત્સુક બની ગઇ.

*વધુ હવે પછીના પ્રકરણમાં*

મિત્રો, ઓગષ્ટ-૨૦૨૦ સુધીમાં ૫.૧૫ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' પણ વાંચવાનું ચૂકશો નહીં. અને સૌથી વધુ વંચાયેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. અને એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની 'લાઇમલાઇટ' તમને સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે.