આત્માની અંતિમ ઇચ્છા
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૩
સપનામાં આવતી મહિલાના મકાનના પારણામાં ઝૂલતી બાળકીનો ચહેરો પોતાના જેવો જોઇને કાવેરી રોમાંચિત અને ઉત્સાહિત થઇ ગઇ હતી. મોરાઇ માએ વર્ષો પછી એની ઇચ્છા જાણી છે. મને પુત્રી થવાની છે એવા સપના એ જોવા લાગી. આજે તે ફરી લોકેશના ઊઠવાની રાહ જોવા માગતી ન હતી. તે આ ઘડીએ જ લોકેશને ખુશખબર આપવા માગતી હતી. તેણે લોકેશને હચમચાવી નાખ્યો. લોકેશ આંખ ચોળતો બોલ્યો:"કાવેરી, શું વાત છે? આટલી વહેલી સવારે મને ઊઠવા ધક્કો કેમ મારી રહી છે?"
"અરે ધક્કો તો મારા સપનાને એવો લાગ્યો કે મોરાઇ માએ મને મારી થનારી બાળકીની સૂરત બતાવી દીધી. મારું સપનું આજે ઘણું આગળ વધ્યું અને એ અજાણી સ્ત્રીના ઘરમાં મને લઇ ગયું..." કાવેરી અતિ ઉત્સાહમાં બોલી રહી હતી.
તેને અટકાવીને લોકેશ બોલ્યો:"એક મિનિટ..એક મિનિટ, ઊભી રહે. તું સપના જુએ છે કે કોઇ વાર્તા વાંચી રહી છે? રોજ એક નવી વાત નવા પ્રકરણની જેમ સામે આવે છે. નક્કી તારી કોઇ વાર્તાની ચોપડીનું સપનામાં ફિલ્માંકન થઇ રહ્યું છે...!"
લોકેશ તેની વાત સાંભળવાના મૂડમાં ન હતો. પણ કાવેરી એને છોડે એમ ન હતી. તેણે સપનામાં દેખાયેલું બધું જ કહી સંભળાવ્યું. એ સાંભળીને લોકેશ વિચારમાં પડી ગયો. સપનામાં આ કોઇ પરી તો નથી. અને તેના ઘરમાં ઝૂલતા પારણામાં કાવેરીના જેવા જ ચહેરાવાળી બાળકી દેખાય એ વિચિત્ર છે. હજુ અમને બાળક થવાની કોઇ શક્યતા દેખાતી નથી ત્યારે આ સપનાનો શું અર્થ હોય શકે?
લોકેશને વિચારતો જોઇ કાવેરી ઝટપટ ચા બનાવીને લાવી. ચાની સોડમથી લોકેશનું મન પ્રફુલ્લિત થઇ ગયું. તે બોલ્યો:"બે મિનિટ બેસ. હું બ્રશ કરીને આવું..."
લોકેશની વાતથી કાવેરી રાજી રાજી થઇ ગઇ. તેને થયું કે નક્કી એને વાતમાં રસ પડ્યો છે. પોતે કેટલાય સમયથી સંતાનની ઇચ્છા કરી રહી છે અને રહેતું જ નથી. આ સપનું એવો ઇશારો કરી રહ્યું છે કે હું મા બનીશ અને મને મારા જેવી બાળકી આવશે! કેટલું સરસ સપનું છે!
સપનાના સપનામાં ખોવાયેલી કાવેરીને ખ્યાલ પણ ના રહ્યો કે લોકેશ ક્યારે આવીને તેની બાજુમાં બેસી ગયો અને ચાની ચૂસકીઓ લગાવવા લાગ્યો. અચાનક તેના તરફ ધ્યાન ગયું એટલે કાવેરી બોલી:"હં..તો તમે શું કહો છો?"
"મારે શું કહેવાનું? હું તારી સાથે સપનામાં ક્યાં હતો? તને જ બધી ખબર છે..."
"હું પણ ક્યાં હતી સપનામાં? મને તો એ સ્ત્રી બોલાવી રહી છે. અને જુઓ, એણે આપણા માટે બાળકી બતાવી છે. હવે તો આપણે ત્યાં એક ચક્કર મારી આવીએ. સપનું સાચું પડે તો કેટલું સારું?"
"ઠીક છે. આ શનિવારે સાંજે હું ઓફિસની કાર લેતો આવીશ. રવિવારે સવારે ચા-નાસ્તો કરીને આપણે જઇ આવીશું. પણ તેં સપનામાં જે કંઇ જોયું છે એ બધું એક કાગળ પર લખી રાખજે. જે સ્થળ જોયા છે એના નામ લખજે. આપણી પાસે કોઇ સરનામું નથી. જો ખરેખર માતાજી તને ત્યાં બોલાવતા હશે તો પહોંચી જઇશું..." કહી ચા પૂરી કરી લોકેશે મગ મૂક્યો.
કાવેરી ખુશખુશાલ થઇ લોકેશને ભેટી પડી. લોકેશ પણ તેને જોરથી ભેટયો. અને બોલ્યો:"જો અત્યારે મારે કંપની પર જવાનું છે. મારું મન ભટકાવતી નહીં!"
કાવેરી શરમાઇને ઊભી થઇ રસોડા તરફ ભાગી.
લોકેશ કામે ગયો એટલે કાવેરીએ માને ફોન લગાવીને આજે આવેલા સપનાની વાત કરી. દીનાબેન તો હરખ વ્યક્ત કરવા લાગ્યા.
"મા! તું તો મને બાળકી અવતરી હોય એમ હરખપદૂડી થઇ ગઇ છે. ડોકટરોની દવા કંઇ પરિણામ લાવી રહી નથી પણ મને શ્રધ્ધા છે કે મોરાઇ મા મને સંતાન આપશે. બોલ! અદ્દલ મારા જેવી જ બાળકી એ પારણામાં ઝૂલતી હતી. શું એ ખરેખર ત્યાં હશે? મને બાળકી લેવા બોલાવી હશે?"
"બેટા, એવું જ હોય એવા મારા આશિર્વાદ છે...મોરાઇ મા સૌનું ભલું કરે છે."
મા સાથે વાત કરીને કાવેરીને થયું કે તેના જીવનમાં રવિવારે પરિવર્તન આવશે.
લોકેશ સાંજે આવ્યો ત્યારે કાવેરીએ ફરી પૂછી લીધું:"રવિવારનું નક્કી છે ને?"
લોકેશ હસીને બોલ્યો:"હા, પરમ દિવસની સવાર સુધી તું કેટલી વખત પૂછીશ? મોરાઇ મા મને આના સવાલોથી બચાવજો...!"
"ચાલો હવે મજાક ના કરો. તમે જવા માટે તૈયાર થયા એ માટે મેં મોરાઇ માનો આભાર માન્યો છે..."
લોકેશ જોઇ રહ્યો કે તેણે રવિવારે તેના સપનાના મકાન પાસે જવાની હા પાડ્યા પછી કાવેરીનો આનંદ મનમાં સમાતો નથી. પોતે તેની આ લાગણીઓને કારણે જ હા પાડી હતી. આટલા બધા ડોકટરો અને ભૂવા-બાવાના બારણે ચક્કર કાપ્યા પછી એક વધુ જગ્યાએ જવામાં કોઇ વાંધો ન હતો. ક્યારેક અંતરની વાત સાચી પડતી હોય છે. લોકેશ આ બહાને ફરવા પણ માગતો હતો. ઘણા સમયથી ક્યાંય ફરવા જઇ શકાયું ન હતું. કાવેરીની સંતાનની ચિંતા ઓછી થાય અને કોઇ પરિણામ મળે તો તો સારું જ છે.
રવિવાર આવી ગયો. લોકેશને એમ હતું કે કાવેરી રવિવારે વહેલી ઊઠી જશે. પણ એ નિયત સમય પર ઊઠયા પછી ઉતાવળ કરવા લાગી. એ જોઇ લોકેશ કહે:"કેમ આજે વધારે ઊંઘ કાઢી કે શું? કે પછી આજે સપનામાં કંઇ બીજું જોયું?"
"હું સપનાની જ રાહ જોતી ઊંઘતી હતી. કદાચ કોઇ નવો આદેશ એ સ્ત્રી કરે તો? પણ સારું છે કે આજે સપનું આવ્યું જ નહીં. ચાલો હવે થોડીવારમાં નીકળીએ. મેં એક કાગળ પર રસ્તાની વિગતો લખી લીધી છે..."
લોકેશે કાવેરી પાસેથી કાગળ લઇ તેમાં લખેલા સ્થળના નામ વાંચ્યા અને મોબાઇલમાં ગૂગલ મેપ ચાલુ કર્યો. એમાં નામ એ લખ્યા તો બધા જ એમાં દેખાયા. લોકેશે જોયું તો બે કલાકનો રસ્તો હતો. આ બધા સ્થળના સાચા નામ કાવેરીના સપનામાં કેવી રીતે આવ્યા એનું લોકેશને આશ્ચર્ય શમતું ન હતું. કાવેરી પર આ કોઇ અલૌકિક શક્તિનો પ્રભાવ છે કે શું? કાવેરી કોઇ અદભૂત શક્તિ ધરાવતી સ્ત્રી છે કે શું? અમે ક્યારેય ત્યાં ગયા નથી એ સ્થળ એને દેખાય અને ગૂગલના નકશામાં પણ એ દેખાય છે એનો મતલબ સપનું સાચું હોય શકે? તો પછી એ મહિલા ખરેખર કોણ હશે જે તેને બોલાવી રહી છે? અને ત્યાં જ કેમ બોલાવે છે? શું મોરાઇ માનો આ કોઇ ચમત્કાર છે? કે પછી કોઇ ભૂત-પ્રેત કે આત્માની ચાલ છે?
લોકેશના મનમાં અનેક વિચારો આંટાફેરા કરવા લાગ્યા. તેણે મનને વિચારોથી ખંખેરી નાખ્યું. પણ શંકા-કુશંકા સાથે તે હવે કાવેરીએ સપનામાં જોયેલી જગ્યાએ જવા વધારે ઉત્સુક થયો હતો.
લોકેશ અને કાવેરી કારમાં બેસી નીકળી પડ્યા.
લોકેશે કાવેરીએ લખી રાખેલો રસ્તો ગૂગલ મેપમાં નાખ્યા પછી કાવેરીને કંઇ પૂછવાની જરૂર લાગતી ન હતી. છતાં ઘણી જગ્યાએ કાવેરી કહેતી હતી કે આ એ જ રસ્તો છે. અહીં જ એ મહિલાને ઉડતી જોઇ હતી. શહેરથી દૂર એક પર્વત તરફ જતા આ રસ્તા પર બહુ ઓછા વાહનોની અવરજવર હતી. પર્વત નજીક જંગલો જ હતા. રહેણાંક વસ્તી બહુ ન હતી. જેમ આગળ વધતા હતા એમ અવરજવર એકદમ ઓછી થઇ રહી હતી. લોકેશના દિલમાં થોડો ગભરાટ થઇ રહ્યો હતો. જ્યારે કાવેરીના દિલમાં અપાર ખુશી ફેલાઇ રહી હતી.
લોકેશ કારનું એસી વધારવા લાગ્યો. તેને પરસેવો વળી રહ્યો હતો. એમની કાર સ્ત્રીએ બતાવેલા મકાનની નજીક પહોંચી રહી હતી. એક જગ્યાએ બંને સહેજ ગૂંચવાયા. ત્યાં એક વૃધ્ધ માણસ રસ્તામાં ઢોર ચરાવવા લઇ જતો દેખાયો. લોકેશે કાચ ખોલી એ માણસને પૂછ્યું:"ઓ ભાઇ! આ રસ્તો જંગલ પાસેના મકાન તરફ જ જાય છે ને?"
પેલો ગામડિયો વૃધ્ધ નવાઇથી બંનેને જોઇ રહ્યો. લોકેશને લાગ્યું કે તે ઓછું સાંભળે છે. એટલે ફરી મોટેથી પૂછ્યું:"મોટાભાઇ, આ રસ્તો મેદાન પછી જંગલ પાસેના જૂના મકાન પાસે જ જાય છે ને?"
"ભાઇ, શું કામ ત્યાં જવું છે ત્યાં?" વૃધ્ધે સામો પ્રશ્ન કર્યો.
"એક બેનને મળવું છે..." લોકેશે નવાઇથી પૂછ્યું.
"અહીં આગળ તો કોઇ રહેતું નથી..." વૃધ્ધના સ્વરમાં આત્મવિશ્વાસ હતો.
"એક મકાન છે ને ત્યાં?" લોકેશ પોતે જાણકાર હોય એમ બોલ્યો.
"હા, પણ એ તો વર્ષોથી ખાલી પડયું છે. ત્યાં તમને કોઇ નહીં મળે. અમે એ તરફ જતા જ નથી...." વૃધ્ધ જાણે ચેતવણી આપતો હોય એમ બોલ્યો.
"ઠીક છે ભાઇ." કહી લોકેશે તેની વાતને ટાળતો હોય એમ કારનો કાળો કાચ બંધ કર્યો. વૃધ્ધની વાત સાંભલી કાવેરી વિચારમાં પડી ગઇ. હવે તેના મનમાં સહેજ ડર ઊભો થયો પણ તે સપનાને યાદ કરી ફરી ઉત્સાહમાં આવીને બોલી:"આ લોકોને ખબર જ નહીં હોય. એ સ્ત્રી એકલી રહેતી હશે...હવે થોડા આગળ જઇએ...."
ખુલ્લા મેદાન જેવી જગ્યા પૂરી થઇ કે તરત જંગલનો વિસ્તાર શરૂ થતો હોય એમ દેખાયું. ત્યાં કારને અટકાવી બંને ચારે તરફ જોવા લાગ્યા. કાવેરીની નજર એક જૂના મકાન પર પડી અને તેણે ખુશ થઇ કહ્યું:"એ રહ્યું ઘર! ચાલો ત્યાં લઇ લો...સપનામાં આવું જ ઘર હતું!"
લોકેશે જોઇ લીધું કે આગળ કાર વાળવાની જગ્યા છે કે નહીં. વૃક્ષો વચ્ચે એક રસ્તો એ જૂના મકાન તરફ જતો હતો. તેના દરવાજાની આસપાસ થોડી જગ્યા હતી. લોકેશે ત્યાં પહોંચીને કારને વાળીને કારની ડ્રાઇવરની બાજુની સીટનો દરવાજો મકાનના દરવાજા તરફ રહે એ રીતે દૂર ઊભી રાખીને કહ્યું:"કાવેરી, આપણે સાવધાનીથી મકાનમાં જઇએ...."
"ના...તમારે આવવાનું નથી..." એકદમ આદેશ કરતી હોય એમ કાવેરી બોલી.
"કેમ એકલી? હું તને આવી જગ્યાએ એકલી જવા નહીં દઉં..." લોકેશે નવાઇથી પૂછ્યું.
"લોકેશ, એ સ્ત્રીએ મને સપનામાં મકાનમાં એકલા આવવા કહ્યું હતું. મેં તમને એ વાત કરી નથી. તમે અહીં આવવાની ના પાડી દેશો એવા ડરથી મેં તમને કહ્યું ન હતું. પણ તમે ચિંતા ના કરો...."
"કાવેરી, આ જગ્યા અજાણી છે....એ સ્ત્રી અજાણી છે..."
"એ તમારા માટે. હું તો આ જગ્યા અને એ સ્ત્રી બંનેને જોઇ ચૂકી છું. તમને અહીં સુધી લઇ આવી ને? મને મોરાઇ મા પર વિશ્વાસ છે. એ મારું અહિત થવા દેશે નહીં...તમે મારી રાહ જુઓ..."
કાવેરીએ કારનો દરવાજો ખોલ્યો અને ઉતર્યા પછી બંધ કર્યો. લોકેશ તેને જતી જોઇ રહ્યો.
લોકેશે કાચ સહેજ નીચો ઉતાર્યો. કોઇ અવાજ આવે તો સાંભળી શકાય એ માટે. કાવેરીએ મકાનના દરવાજા પાસે જઇ આમતેમ જોયું. કોઇ દેખાયું નહીં. કાવેરીએ બૂમ પાડી પણ કોઇ પ્રતિસાદ આવ્યો નહીં. લોકેશ ધ્યાનથી એની તરફ જોઇ રહ્યો હતો. તે આંખનું મટકું પણ મારતો ન હતો. તેના દિલની ધડકન સામાન્ય રહી ન હતી. કાવેરીએ જાતે જ લોખંડનો દરવાજો ખોલ્યો. અને અંદર જવા લાગી. તે થોડી જ વારમાં અંદર જતી રહી. લોકેશનું દિલ વધારે ધડકવા લાગ્યું. તે પહેલી વખત મોરાઇ માનું સ્મરણ કરવા લાગ્યો. અને કાવેરી હેમખેમ પાછી આવે એ માટે પ્રાર્થના કરવા લાગ્યો.
ત્યાં તેણે જોયું કે ધીમેથી પવનની એક ડમરી ઊઠી અને આખા વાતાવરણમાં ધૂળની રજકણો એવી ઊડી કે સામેનું મકાન દેખાતું બંધ થઇ ગયું. તે ચોંકી ગયો. થોડી વાર માટે તેણે કારનો કાચ બંધ કરી દીધો. જંગલમાં પવનના સૂસવાટા સાથે ઝાડની ડાળીઓના અવાજ આવવા લાગ્યા. પવન એટલો હતો કે તેને લાગ્યું કે કાર હાલી રહી છે. લગભગ દસ મિનિટ પછી ધૂળની ડમરી શાંત થઇ ગઇ. તેણે તરત કારનો કાચ સહેજ નીચો ઉતાર્યો. હવે મકાન ફરી દેખાતું હતું. તેની નજર સતત મકાનના દરવાજા તરફ હતી. તેણે જોયું કે કાવેરી હવે બહાર નીકળી રહી છે. તેનાથી પાંચ કદમ પાછળ એક સ્ત્રીની આકૃતિ દેખાઇ. તે આંખો ઝીણી કરીને જોવા લાગ્યો. દૂરથી તેનો ચહેરો દેખાતો ન હતો. કોણ હશે એ સ્ત્રી? પેલો વૃધ્ધ તો ના પાડતો હતો કે કોઇ રહેતું નથી. ક્યાંથી પ્રગટ થઇ હશે આ સ્ત્રી? કે ખરેખર અહીં જ રહેતી હશે?
કાવેરી આગળ જોતાં પાછી વળીને એ સ્ત્રીને કંઇક કહેતી હતી. લોકેશે કાન સરવા કર્યા પણ કંઇ સંભળાતું ન હતું. તેને થયું કે પોતે બહાર નીકળીને પેલી સ્ત્રીને નજીકથી જોવા જાય. પણ પછી કાવેરીની ચેતવણી યાદ આવતાં બેસી રહ્યો. પેલી સ્ત્રી લોખંડના મુખ્ય દરવાજા સુધી આવી અને કાવેરી બહાર નીકળી એટલે તેણે દરવાજાને કડી મારી. લોકેશે જોયું તો એ સ્ત્રીનો ચહેરો હવે સ્પષ્ટ દેખાતો હતો અને એવું લાગ્યું કે કાળા કાચના સહેજ ખૂલેલા ભાગમાંથી તે જાણે લોકેશને જોઇ રહી હતી? લોકેશ તેનો ચહેરો જોઇને છળી ઊઠયો હતો. આ કેવી રીતે બની શકે? તેણે ડરીને કાળો કાચ સંપૂર્ણ બંધ કરી દીધો. અને કેટલીય વખત આંખો ચોળી. તેને થયું કે લસિકા અહીં ક્યાંથી? અને કેવી રીતે? શા માટે? એને મરી ગયાને તો ત્રણ વર્ષ થઇ ગયા છે....!
*વધુ હવે પછીના પ્રકરણમાં*