આત્માની અંતિમ ઇચ્છા - ૪ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

આત્માની અંતિમ ઇચ્છા - ૪

આત્માની અંતિમ ઇચ્છા

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૪

લોકેશને લાગ્યું કે તે કોઇ ભયાવહ સપનું તો જોઇ રહ્યો નથી ને? જેને મૃત હાલતમાં જોઇ હતી એ લસિકા જ કાવેરીના સપનામાં આવી રહી હશે? તેણે શા માટે કાવેરીને અહીં સુધી બોલાવી છે? લોકેશને થયું કે પોતે લસિકાનો ચહેરો જોવામાં કોઇ ભૂલ કરી નથી. શું એ ભૂત-પ્રેત સ્વરૂપમાં છે? કે પછી ખરેખર જીવે છે? તેણે કાવેરીને એકલી જ બોલાવી હતી. મતલબ કે કોઇ રહસ્ય છે. લોકેશ કાર ચાલુ રાખી એસીમાં બેઠો હતો. તેના ચહેરા પર ડર સાથે પરસેવો વહી રહ્યો હતો. તે અસ્વસ્થ બની ગયો. તેણે જોયું કે કાવેરી નજીક આવી અને એ સ્ત્રી મકાનમાં પાછી જતી રહી. લોકેશે ઝડપથી ચહેરા પરનો પરસેવો લૂછ્યો અને મનથી સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કાવેરીના ચહેરા પર અપાર ખુશી હતી. તેણે લોકેશની બાજુની સીટનો દરવાજો ખોલ્યો અને અંદર બેસી ગયા પછી લોકેશના ગાલ પર ચુંબન આપ્યું. બીજી કોઇ સ્થિતિમાં લોકેશે કાવેરીને તેનાથી વધારે પ્રેમાળ પ્રતિભાવ આપ્યો હોત. આવા એકાંતમાં તેણે પણ કાવેરીને ચૂમી લીધી હોત. પણ લસિકાનો ચહેરો જોયા પછી તેને ભૂતકાળ સતાવવા લાગ્યો હતો. કાવેરીએ આનંદપૂર્વક કહ્યું:"લોકેશ, આપણો ધક્કો સફળ થયો. એ સ્ત્રી આપણું ભલું ચાહે છે...."

લોકેશને મનમાં ડર વધી ગયો કે જો એ લસિકા હતી તો તેણે ભૂતકાળની વાત કહી દીધી હશે? લસિકા મર્યા પછી પણ તેનો પીછો કરી રહી છે? તે એના મોતનો બદલો તો લેવા માગતી નથી ને? કાવેરીને હેરાન તો નહીં કરે ને? લોકેશના મનમાં પ્રશ્નો ઘૂમી રહ્યા હતા ત્યારે કાવેરી પોતાની સીટ પર આરામથી બેસીને સામે નજર નાખી સપનું જોતી હોય એમ બોલી રહી હતી:"લોકેશ, આપણું માતા-પિતા બનવાનું સપનું હવે સાકાર થશે..."

લોકેશે જવાબ આપવાને બદલે એક નજર એ મકાન તરફ નાખી અને કારમાં ફટાફટ ગિયર પાડી આગળ વધારી. તે આ વિસ્તારમાંથી ઊડીને બહાર નીકળી જવા માગતો હોય એમ ચલાવતો હતો. જંગલ જેવા વિસ્તારમાંથી બહાર આવ્યા પછી તેણે રાહતના શ્વાસ લીધા. કાવેરી તો પોતાની ધૂનમાં જ બેઠી હતી. લોકેશ હમણાં તેની એ સ્ત્રી સાથેની મુલાકાત વિશે બહુ જાણવા માગતો ન હતો. તેણે કહ્યું:"કાવેરી, તારું કામ પતી ગયું છે તો આપણે હવે પેલી ટેકરી પાસે જઇને બેસીએ."

"હા, ચાલો, આવ્યા છીએ તો આંટો મારતા જઇએ. લોકેશ, એ સ્ત્રી આપણા માટે મોરાઇ મા બનીને આવી હોય એવું લાગે છે..." કાવેરી એ સ્ત્રીના વખાણ કરી રહી હતી.

લોકેશે કોઇ જવાબ ના આપ્યો. કાર ચલાવવામાં મશગૂલ હોય એવો દેખાવ કર્યો. થોડીવારમાં ટેકરી પાસે પહોંચીને લોકેશે કાર બંધ કરી. નજીકમાં જ તળાવ હતું. તેની પાળ પર પહોંચીને ઠંડી હવામાં લોકેશને લાગ્યું કે તે હવે શ્વાસ બરાબર લઇ શકે છે.

કાવેરી ખુશ થઇ બોલવા લાગી:"લોકેશ, એ સ્ત્રીની વાત સાચી પડશે તો હું મા બનીશ!"

"એણે તને શું કહ્યું? કોણ હતી એ સ્ત્રી? અને તારા સપનામાં કેવી રીતે આવી શકી?" લોકેશના મનમાંથી પ્રશ્નો ધાણીની જેમ ફૂટી રહ્યા હતા.

કાવેરીએ તળાવના શાંત પાણી તરફ નજર નાખી અને પછી એક નાનકડો પથ્થર તેમાં ફેંક્યો. પાણીમાં સર્જાયેલા વમળ એક મનોરમ્ય દ્રશ્ય ઊભું કરતા હતા. પણ લોકેશના મનમાં એનાથી વધારે વમળ સર્જાઇ રહ્યા હતા. કાવેરી જાણે તેની ધીરજની પરીક્ષા લઇ રહી હતી.

કાવેરી બોલી:"લોકેશ, એ સ્ત્રી મને દરવાજા પાસે લેવા આવી. સપનામાં દેખાતી હતી એવી જ હતી. મને અંદર લઇ ગઇ. મકાન બહુ જૂનું હતું. ખાસ સાફસફાઇ પણ થતી હોય એવું લાગ્યું નહીં. એક ખાટલા પર મને બેસવા કહ્યું અને તે દૂર એક લાકડાની જૂની ખુરશી પર બેસી ગઇ. તેના ચહેરા પર અપાર ખુશી અને શાંતિ હતી. તેણે થોડીવાર મારી સામે જ જોયા કર્યું. જાણે કોઇ ત્રાટક કરતી હોય એવું લાગ્યું. હું થોડી ગભરાઇ. તે બોલી:"બહેન, ગભરાઇશ નહીં. હું જાણું છું કે તું મોરાઇ માની ભક્ત છે. તારા પર મોરાઇ માનો હાથ છે. મોરાઇ માએ જ મને તારા ભલા માટે કહ્યું છે એમ માની લે. એમના આશીર્વાદ તને મળવાના છે. તારી બાળકની ઇચ્છા પૂરી થવાની છે...."

"પણ એણે એનું નામ ના કહ્યું? શું એ ખરેખર મોરાઇ મા હતી?" લોકેશના મનમાં એ સ્ત્રી વિશે જાણવાની ઉત્કંઠા એટલી હતી કે કાવેરીને રોકીને પહેલાં એ વાતનો ખુલાસો કરવા પ્રશ્ન કર્યો.

કાવેરીએ તેની વાત પર ધ્યાન જ આપ્યું ના હોય એમ આગળ બોલી:"...એ સ્ત્રી મારી નજીક આવી અને મને ખાટલા પર આડી પડવા કહ્યું. મેં એના કહ્યા મુજબ જ ખાટલા પર લંબાવી દીધું. મને થયું કે એ મારા પર કોઇ વિધિ કરવા માગે છે. તેણે મારી કમર પર ખોસેલો સાડીનો પાલવ હટાવ્યો અને સાડી સહેજ નીચી કરી. અને પહેલાં એના પેટ પર હાથ ફેરવી મારા ડૂંટીની આસપાસના ભાગ પર પોતાનો નાજુક હાથ ફેરવવા લાગી. પછી આંખો બંધ કરી કંઇક બોલવા લાગી. મને થયું કે મારા પેટમાં કંઇક સળવળવા લાગ્યું છે. પેટમાં કોઇ હલચલ થઇ અને પછી શમી ગઇ. તેણે પેટ ઉપર હાથ દબાવી કહ્યું કે માતાજી તારી બધી ઇચ્છા પૂરી કરશે. થોડી ક્ષણ મને પેટમાં દુ:ખાવો થયો ને પછી શમી ગયો.

એણે મને ઊભી કરી. મેં એને પૂછી જ નાખ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે મારે સંતાન જોઇએ છે, અને તમે કેવી રીતે મારા સપનામાં આવી રહ્યા હતા?

તે થોડી ક્ષણો માટે મૌન થઇ ગઇ. સહેજ ચાલીને ખુરશી પર બેસી આંખો મીંચી રાખીને કોઇ શ્લોક બોલવા લાગી. મને એના શબ્દો સંભળાતા હતા પણ કોઇ અર્થ નીકળે એવા ન હતા. તેણે આંખો ખોલીને કહ્યું કે તું તારા પતિ સાથે આવી છે. તે બહાર બેસીને તારી રાહ જૂએ છે. તું અંદર એકલી આવી એ સારું કર્યું. મારી પાસે યોગ અને ધ્યાનની સાથે કેટલીક અલૌકિક શક્તિઓ છે. જે આપણા ઋષિમુનિઓ પાસે હતી. એ માટે બહુ તપસ્યા કરવી પડે છે. હું મોરાઇ માની ભક્ત છું. હું ધ્યાન ધરતી હતી ત્યારે મોરાઇ માએ મને આદેશ કર્યો કે કાવેરી નામની એક સ્ત્રી છે એની સંતાનની ઇચ્છા પૂરી કરજે. મેં ધ્યાન લગાવીને તારું ઘર શોધી કાઢ્યું. અને સપનામાં નહીં પણ તારા મનોજગતમાં આવતી રહી. જેથી તને આ મકાનનો રસ્તો મળી શકે. જો બીજા કોઇને આ માર્ગ બતાવતી નહીં. અને કોઇને મારા વિશે કંઇ પણ જણાવતી નહીં. નહીંતર તું માતા બની શકશે નહીં. માતાજીનો આદેશ થાય એને જ હું મળું છું. હવે વધારે કોઇ પ્રશ્ન કર્યા વગર તું અહીંથી પ્રસ્થાન કરી જા. માતાજી બધું સારું જ કરશે. હવે પાછી અહીં ના આવતી. મારું સ્થાન બદલાતું રહે છે...

અજાણી સ્ત્રી સાથેની મુલાકાતની વાત કરીને કાવેરી અટકી.

પેલી સ્ત્રીએ કાવેરીને પ્રશ્નો કરવાની ના પાડી હતી. પણ લોકેશના મનમાં અનેક પ્રશ્નો ઊભા થઇ રહ્યા હતા. કાવેરી પાસે તેનો કોઇ જવાબ મળે એમ ન હતો. છતાં એ સ્ત્રીનું નામ પૂછ્યા વગર રહી શક્યો નહીં. કાવેરી એનો પ્રશ્ન સાંભળીને હસી. પછી બોલી:"લોકેશ, એણે પોતાના વિશે કંઇપણ કહેવાની ના પાડી. એના ચહેરા પર ગજબની આભા હતી. મને તો કોઇ પવિત્ર વિચારોવાળી સ્ત્રી લાગી. તે સારા કાર્યો કરી રહી છે. અને આપણે એના નામ કે સરનામા સાથે શું લેવાદેવા. આપણો ધક્કો સફળ રહ્યો ને? આપણું કંઇ બૂરું થયું નથી ને?"

લોકેશને થયું કે કાવેરીનો અહીં સુધીનો ધક્કો સફળ રહ્યો હશે કે નહીં એની ખબર નથી પણ પૂર્વ પ્રેમિકા લસિકાને નદીમાં લાગેલો એ ધક્કો પોતે ભૂલી શકશે નહીં. જો આ સ્ત્રી જીવિત લસિકા કે પછી મૃત લસિકાનું પ્રેત હોય તો એ પોતાની સાથે બદલો લેવાને બદલે સારું કેમ ઇચ્છી રહી છે? પોતે લસિકાને ભૂલીને કે તરછોડીને કાવેરી સાથે નવી જિંદગી શરૂ કરી એ વાતનું તેના મનમાં કોઇ વેર નહીં હોય? શું આ બધું કરવા પાછળ એની કોઇ ચાલ છે?

*વધુ હવે પછીના પ્રકરણમાં*

વાચકમિત્રો, માતૃભારતી લોંગ સ્ટોરી સ્પર્ધામાં મારી પહેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' વિજેતા બની ચૂકી છે. એના પાંચ પ્રકરણ આપને દરેક શબ્દે શબ્દે જકડી રાખશે.

આપના પ્રેમને કારણે જ મને માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો હતો. જુલાઇ-૨૦૨૦ માં મારી ઇબુક્સના ૪૬૫૦૦૦ ડાઉનલોડ આપનો મારા લેખનમાં વિશ્વાસ બતાવે છે.

જુલાઇ-૨૦૨૦ માં જેના પહેલા પ્રકરણને ૧૭૦૦૦ વાચકો ડાઉનલોડ કરી ચૂક્યા છે એ માતૃભારતી પરની મારી સૌથી વધુ વંચાયેલી નવલકથા "રેડલાઇટ બંગલો" આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની આ વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી નવલકથા 'લાઇમ લાઇટ' ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. એક અતિશય સેક્સી અને ગ્લેમરસ યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. જેને ૧૦૦૦૦ રેટિંગ મળી ચૂક્યા છે.

***