આત્માની અંતિમ ઇચ્છા - ૮ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્માની અંતિમ ઇચ્છા - ૮

આત્માની અંતિમ ઇચ્છા

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૮

લોકેશ લસિકા વિશે જાણવા અત્યંત આતુર હતો. લસિકાના ગામની મહિલાને તેણે પૂછ્યું ત્યારે તેણે મોં પર કોઇ ભાવ વગર એક જ શબ્દ 'ગઇ..' કહ્યો અને લોકેશ પર જાણે વીજળી પડી. લસિકા એટલી માંદી હતી કે જીવી ના શકી? લસિકાની ખબર કાઢવા જવામાં તેણે મોડું કેમ કર્યું? લસિકાને કઇ બીમારી થઇ ગઇ હશે? કે તે અગાઉથી જ કોઇ બીમારીથી પીડાતી હતી? મેં એને પાણીમાં ડૂબતા બચાવી પણ એ બીજા કારણથી બચી નહીં શકી હોય? જેવા અનેક અમંગળ વિચારો તેના મગજમાં મધમાખીના ટોળાની જેમ ધસી આવ્યા. પછી લોકેશને થયું કે તે કંઇ જાણ્યા વગર આવા અમંગળ વિચારો શા માટે કરે છે? અને તેને લસિકા સાથે કેટલો સંબંધ હતો? હજુ તો એક વખતની તો ઓળખાણ હતી અને ફક્ત સાથે મળ્યા હતા. લોકેશને થયું કે તેનો લસિકા સાથેનો પ્રેમ સાચો હતો. એ આમ તેને છોડીને જઇ ના શકે. તેણે સ્વસ્થ થઇને પેલી મહિલાને પૂછ્યું:"ગઇ? ક્યાં ગઇ?"

પેલી મહિલા પહેલાં તો કંઇ બોલી જ નહીં. લોકેશનું મન અમંગળ વિચારો તરફ ફરી જવા માગતું હતું. તેણે મનને માંડ માંડ રોક્યું. આ મહિલા રહસ્ય કેમ વધારી રહી છે? લોકેશ તેના બોલવાની રાહ જોઇને એક મિનિટ ઊભો રહ્યો. તેના મનમાં વિચારોની ઉથલપાથલ મચી હતી. તેણે ફરી પૂછ્યું:"બેન, કંઇક તો કહો. લસિકાને શું થયું?"

અચાનક પેલી મહિલા ઊભી થઇ ગઇ. કદાચ તેનું ઊતરવાનું બસસ્ટેન્ડ આવી ગયું હતું. લોકેશ તેને આજીજી કરવા લાગ્યો:"બેન, તમે જવાબ ના આપ્યો..."

"મારે ઉતરવું પડશે..." કહી એ બસના પગથિયા ઉતરવા લાગી.

લોકેશે એક જ ક્ષણમાં નિર્ણય લઇ લીધો અને એની પાછળ ઉતરી ગયો. પેલી મહિલાએ ઉતરીને તેની સામે આશ્ચર્યથી જોયું. તેને જાણે લોકેશ પર દયા આવી ગઇ. એ બોલી:"ચાલો, પેલા ઝાડ નીચે વાત કરીએ..."

લોકેશને આશા બંધાઇ. તે મહિલાની પાછળ દોરાયો.

મોટા ઘટાદાર ઝાડ પાસે પહોંચી એ મહિલા બોલી:"લસિકા હવે તમને મળવાની નથી પછી શા માટે એના વિશે પૂછપરછ કરો છો?"

"એના વિશે કંઇક તો કહો. અઠવાડિયા પહેલાં એ મને મળી હતી. મેં એનો જીવ બચાવ્યો હતો. મારો જીવ એનામાં છે!" લોકેશથી બોલાઇ ગયું.

"હું બધું જાણું છું...મારું નામ રેખા છે." મહિલાએ પોતાનું નામ કહી દીધું.

લોકેશે વિચાર્યું કે તે આ નામની કોઇ મહિલાને ઓળખતો નથી કે કોઇ પાસે તેનું નામ સાંભળ્યું નથી.

"હું લસિકાની ખાસ બહેનપણી હતી...અં.. છું..." રેખાએ થોડા નિરાશાના ભાવ સાથે કહ્યું.

"તમને ખબર છે તો પછી મને કહોને..." લોકેશ લસિકા વિશે જાણવા ઉતાવળો થયો હતો પણ રેખા રહસ્ય ખોલવામાં જાણે ભાવ ખાઇ રહી હતી.

"જુઓ, હું એક વચન તોડીને તમને આ વાત કરી રહી છું. તમે કોઇને કહેતા નહીં..." રેખાએ આસપાસમાં કોઇ તેમને જોતું નથી એની ખાતરી કરી દુપટ્ટો દાંત નીચે દબાવી પોતાનો અડધો ચહેરો છુપાવતા કહ્યું.

"હું તમને વચન આપું છું..." લોકેશે ગળા પર હાથની ચપટી મૂકી કહ્યું.

"લસિકા તળાવમાં પડી ગઇ હતી અને તમે એને બચાવી હતી એ બધી વાત એણે મને અને એના મમ્મી-પપ્પાને કરી હતી. સાથે સાથે તમારા બંને વચ્ચે પાંગરેલા પ્રેમનો ઉલ્લેખ કરી તેણે લગ્ન માટે પણ વાત કરી દીધી હતી. તેને એમ હતું કે તમે એનો જીવ બચાવ્યો છે એ વાતથી જ ખુશ થઇને પપ્પા લગ્ન કરવા હા પાડી દેશે. પણ બન્યું ઉલ્ટું. એ લોકો રાજપૂત છે. એના લગ્ન બાળપણમાં જ કરી દેવામાં આવ્યા હતા. લસિકાને છોકરો કોણ છે એની પણ ખબર ન હતી. તેના પિતાને ખ્યાલ આવી ગયો કે એક જ મુલાકાતમાં જો છોકરી લગ્નની વાત કરતી હોય તો એમની નાતમાં નીચાજોણું થશે. એ વધારે પડતા સામાજિક છે. તેમણે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દીધો. મોબાઇલ ફોન લઇને બંધ કરી દીધો. હું પણ તેને એક જ વખત મળી શકી. તેના પપ્પાએ મને ચેતવણી આપી હતી કે લસિકાના પ્રેમ પ્રકરણ વિશે કોઇને ખબર પડવી ના જોઇએ. નહીંતર તેના નક્કી કરેલા બાળ લગ્ન બગડશે. લસિકા સાથે એ કોઇ ઓળખીતાને મળવા દેતા ન હતા. તેમને હતું કે તમે ગમે ત્યારે અહીં આવી પહોંચશો. એમણે ત્રણ જ દિવસમાં મકાન વેચી નાખ્યું અને ક્યાંક જતા રહ્યા. આખું ગામ ઊંઘતું હતું ત્યારે એ નીકળી ગયા. કોઇને ખબર નથી કે એ લોકો ક્યાં ગયા. લસિકા ગઇ એ પછી હું એકલી પડી ગઇ છું. એણે મને તમારા વિશે વાત કરી હતી.."

"ઓહ! લસિકા મજબૂર થઇને ગઇ છે..." કહી લોકેશ કંઇક વિચારવા લાગ્યો.

પેલી મહિલાએ ઘડિયાળમાં જોઇ કહ્યું:"ભાઇ, મારો નોકરીનો સમય થઇ ગયો છે. હવે તમે મને મળતા નહીં. અમારા ગામના લોકો નાના મનના છે. ગમે તેના માટે ગમે તે ધારી લે છે..."

"બેન, તમારો આભાર! હજુ એક નાની મદદ કરતા જાવ તો તમારું અહેસાન નહીં ભૂલું..." લોકેશે બે હાથ જોડી વિનંતી કરી.

"બોલો..." રેખાએ ફરી આસપાસમાં જોતાં કહ્યું.

"લસિકાનો કે એના પરિવારના કોઇ સભ્યનો ફોન નંબર આપી શકો?" લોકેશે લસિકા સુધી પહોંચવા માટે વિચાર રજૂ કર્યો છે એ રેખા સમજી ગઇ. તે બોલી:"તમે ફોન કરશો તો એમને મારા પર જ શંકા જશે. હું કેવી રીતે આપી શકું?"

"તમે ચિંતા ના કરો. તમારું નામ નહીં આવે અને ફોન હું પણ કરવાનો નથી..." લોકેશે વિશ્વાસ અપાવ્યો.

"જુઓ, લસિકાનો નંબર તો હવે કોઇ કામનો નથી. મેં લગાવ્યો હતો. એને બંધ કરાવી દીધો લાગે છે. લાગતો જ નથી. એના પપ્પાનો એક નંબર છે. લસિકાએ મને ઇમરજન્સીમાં ઉપયોગ કરવા આપ્યો હતો. તમે સાચવીને ઉપયોગ કરજો. એ લોકો રાજપૂત છે. એમની તલવાર ગમે ત્યારે વીંઝાઇ શકે છે. મને તમારા માટે માન છે. લસિકાનો તમે જીવ બચાવ્યો હતો. એટલે આપું છું...." કહી રેખાએ લોકેશને લસિકાના પિતા હિમ્મતસિંહનો મોબાઇલ નંબર લખાવ્યો અને ફરી તાકીદ કરી.

લોકેશે રેખાનો આભાર માન્યો અને તેનાથી છૂટો પડ્યો.

લોકેશને સમજાતું ન હતું કે તેના જીવનમાં એક જ અઠવાડિયામાં કેવી ઘટનાઓ બની ગઇ. જીવનમાં પહેલી વખત જેને દિલ દીધું એને સમય છીનવી રહ્યો છે. લોકેશ એક અઠવાડિયા સુધી વિચારતો રહ્યો કે લસિકાનો સંપર્ક કરવા શું કરવું જોઇએ. લસિકાએ તેના દિલમાં ઘર બનાવી દીધું હતું. તેને રાત-દિવસ લસિકાના જ વિચાર આવતા હતા. ઘણી વખત થતું કે લસિકા વગર જીવી શકશે નહીં. લસિકા વગર જિંદગી અધુરી લાગતી હતી. કોઇપણ રીતે લસિકાને મળવું તો છે. તેની માનસિક સ્થિતિને સાથે કામ કરતાં અરૂણાબેન સમજી ગયા. તેમનો યુવાન પુત્ર હતો એટલે તે લોકેશને પુત્રવત જ સમજતા હતા. એક દિવસ અરૂણાબેને તેને પૂછી લીધું કે એવી કઇ સમસ્યા છે જે તને કોરી રહી છે. લોકેશે કંઇ છુપાવ્યા વગર લસિકા સાથેની પહેલીથી લઇ છેલ્લી મુલાકાતની વાત દિલ ખોલીને કહી દીધી. ઘણા સમયથી તે હૈયું ખાલી કરવા સ્થાન જ શોધતો હતો. અરૂણાબેનને લોકેશની દયા આવી. તેમણે કહ્યું:"એ ફોન નંબર મને આપ. હું એના પપ્પાને ફોન કરીને શહેરનું નામ જાણી લઉં.."

"તમે એમને ઓળખતા નથી અને ફોન કરીને પૂછશો તો કોઇ જવાબ મળવાનો નથી.." લોકેશને અરૂણાબેનની વાત બરાબર ના લાગી.

"તને મારામાં વિશ્વાસ છે ને?"

"આંટી... તમે એના પિતાને ઓળખતા નથી. એ રાજપૂત છે. મારી સાથે તમારા પર જોખમ ઊભું થશે..."

"જો બેટા, પ્રેમને પામવો હોય તો થોડું જોખમ ઉઠાવવું પડે. અમારા જમાનામાં અમે ભાગીને જ લગ્ન કર્યા હતા. હવે તો આવા સંપર્કના ઘણા સાધનો છે..."

લોકેશે ચિંતા સાથે અરૂણાબેનને ફોન નંબર આપ્યો. એટલે તે બોલ્યા:"હું કોઇ આઇડિયા વિચારીને ફોન કરીશ...."

બીજા દિવસે અરૂણાબેન કહે:"લોકેશ, લસિકાનો પરિવાર ભાવનગરમાં છે. મારા દીકરાએ ઓનલાઇન નામ અને નંબર નાખી શહેર શોધી કાઢ્યું. હિમ્મતસિંહનું બિઝનેસ સેંટરનું સરનામું મળી ગયું છે. નામ પરથી જ બધું મળી ગયું."

લોકેશ ખુશ થઇ ગયો. બે દિવસ પછી લોકેશે કંપનીના કામથી ભાવનગર જવાનું ગોઠવી દીધું.

લોકેશે ભાવનગર જઇને હિમ્મતસિંહની ઓફિસ શોધી કાઢી. તેણે એમના પર નજર રાખવાનું શરૂ કર્યું. રાત્રે એમનો પીછો કરી ઘરનું સરનામું શોધી કાઢ્યું. બીજા દિવસે સવારથી જ એમના ઘરથી દૂર ઊભા રહી લસિકાનો સંપર્ક કરવા તક શોધવા લાગ્યો. સવારે સવા નવ વાગે હિમ્મતસિંહ ઓફિસ જવા નીકળી ગયા. લોકેશ બે કલાકથી રાહ જોતો હતો ત્યાં લસિકા ઘર બહાર નીકળતી દેખાઇ. લોકેશનું મન આનંદથી ઝૂમી ઉઠ્યું. લસિકા હાથમાં પર્સ ઝુલાવતી નીકળી અને બહાર મુખ્ય રોડ પર આવી રીક્ષાની રાહ જોવા લાગી. લોકેશ તરત જ દોડી ગયો અને તેની સામે જઇ બોલ્યો:"લસિકા, કેમ છે તું?"

લસિકા તેની સામે નવાઇથી જોવા લાગી અને બોલી:"ઓ મિસ્ટર, કોણ છો તમે? અને આમ રસ્તામાં એકલી ઊભેલી છોકરી સાથે વાત કરવાની હિમ્મત કેવી રીતે કરો છો? તમને ખબર નથી અમે રાજપૂત છે? જીવ વહાલો હોય તો ભાગ અહીંથી..."

લોકેશ તો લસિકાનો સખત અવાજ સાંભળી ચોંકી ગયો. એ પોતાને ઓળખતી પણ ન હોવાની વાત કરી રહી છે. પોતે સાત જનમ સુધી પ્રેમ નિભાવવાના સપના જોઇ રહ્યો છે અને તે ભૂલી ગઇ છે?

*વધુ હવે પછીના પ્રકરણમાં*