આત્માની અંતિમ ઇચ્છા
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૭
લોકેશને પહેલાં તો એમ લાગ્યું કે લસિકાને તરતા આવડતું હશે. અને તે તરત જ પાણીમાં તરતી દેખાશે. તળાવની પાળ પરથી અચાનક લપસીને પાણીમાં પડેલી લસિકાનું માથું પાણીની ઉપર જ ના આવ્યું. લોકેશને થયું કે જો તેને બચાવવામાં નહીં આવે તો તરત જ જીવ ગુમાવશે. લોકેશે વધારે વિચાર કર્યા વગર પાણીમાં છલાંગ મારી. તેને તરતા આવડતું હતું. નાનપણમાં જ તેને મિત્રોના સહકારથી પાણીમાં તરવાની તાલીમ બાળરમતો રમતાં-રમતાં મળી ગઇ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં તળાવ-નદી અને કૂવા જેવી ઊંડા પાણીવાળી જગ્યાઓ હોય ત્યાં બાળકોને તરવાની તાલીમ મળી જ જાય છે. લસિકા એક છોકરી હોવાને કારણે આ તાલીમ મેળવી શકી ના હોય એવું બની શકે. તે ભલે તરવાનું જાણતી ના હોય પણ પ્રયત્ન તો કરી જ શકે છે. લોકેશે જોયું કે લસિકા પાણીમાં નીચે ડૂબી રહી હતી. રાતનો સમય હતો. અંધારું વધી રહ્યું હતું. પણ લસિકાના હાથ હવે હલવા લાગ્યા હોવાથી લોકેશને અંદાજ આવી ગયો. તેણે પાણીમાં કૂદકો મારવામાં મોડું કર્યું ન હતું. તે ઝડપથી લસિકા પાસે પહોંચી ગયો. લસિકા હોશ ગુમાવવાની તૈયારીમાં હતી.
લોકેશે તેને પકડી લીધી. તે મહેનત કરીને પાણીની ઉપર તો આવી ગયો. તરત કિનારો મળે એમ ન હતો. ચારે તરફ ઊંચી પાળ બાંધવામાં આવી હતી. અને બે દિશામાં પગથિયા રાખવામાં આવ્યા હતા. લોકેશે નજીકમાં દેખાતા પગથિયા તરફ આગળ વધવા માંડ્યું. લસિકા હવે સ્વસ્થ બની રહી હતી. લોકેશે તેને બચાવી લીધી છે એનો ખ્યાલ આવ્યા પછી તેના જીવમાં જીવ આવી રહ્યો હતો. લોકેશ તેને એક હાથથી છાતી સરસી ભીંસીને તરતાં-તરતાં આગળ વધી રહ્યો હતો. તેના મનમાં અને દિલમાં લસિકાના નાજુક અંગોનો ભીનો સ્પર્શ અત્યારે કોઇ હલચલ મચાવતો ન હતો. તે વહેલી તકે પગથિયા પાસે પહોંચવા સંઘર્ષ કરી રહ્યો હતો. તેનું મજબૂત શરીર લસિકાને ખેંચીને કિનારા સુધી લાવવામાં સફળ થયું. તેણે લસિકાને મુશ્કેલીથી પહેલા પગથિયા પર બેસાડી અને પછી પોતે બહાર આવ્યો.
લસિકાને હજુ જાણે વિશ્વાસ જ આવતો ન હતો કે તે બચી ગઇ છે. લોકેશ તરત જ લસિકાને બંને હાથમાં ઊંચકીને પગથિયા ચઢી બહાર આવ્યો. આસપાસમાં કોઇ ન હતું. બંને એકલા જ હતા. લોકેશે તેને પગથિયા પર બેસાડી પૂછ્યું:"કોઇ તકલીફ તો નથી ને?" લસિકા કંઇ બોલી જ ના શકી. લોકેશે તેને સૂવડાવી દીધી અને કોઇ શરમ રાખ્યા વગર તેના પેટ અને છાતી પર દબાણ આપી મોંમાંથી પાણી બહાર કઢાવ્યું. લસિકાને હવે એકદમ રાહત થઇ ગઇ. તે બોલી:"હું હવે ઠીક છું. આભાર તમારો!" અને પછી તે નવોઢાની જેમ શરમાઇ ગઇ. તેની આંખો શરમથી સંપૂર્ણ ઝૂકી ગઇ હતી. તેને પાણીમાં શરીરના દરેક અંગ પર થયેલો લોકેશનો સ્પર્શ હવે યાદ આવી ગયો અને મનમાં રોમાંચની એક લહેર ફરી વળી. તેણે થોડી ક્ષણો પછી ઊંચું જોયું તો સામે લોકેશ ન હતો. તે ગભરાઇ ગઇ. આટલી વારમાં લોકેશ ક્યાં ગાયબ થઇ ગયો?
લોકેશ પાળ પર મૂકેલી પોતાની અને લસિકાની બેગ લેવા ગયો હતો. તેણે આવીને પોતાની બેગમાંથી નેપ્કિન કાઢીને આપતાં કહ્યું:"આનાથી લૂછી લે..."
"મારી પાસે...." લસિકા પોતાનો રૂમાલ કાઢવા બેગ તરફ વળી. તેને ખ્યાલ આવ્યો કે તેનો નાનો રૂમાલ તો આંસુ લૂછી શકે એટલો મોટો પણ નથી. તેણે તરત જ લોકેશના હાથમાંથી નેપ્કિન લઇ શરીર લૂછવા માંડ્યું. તેને રાહત થઇ. તેણે નેપ્કિન પોતાની બેગમાં મૂકતાં કહ્યું:"હું કાલે આપી દઇશ. તમારો ખૂબ ખૂબ આભાર! મારો જીવ તમારા કારણે જ બચ્યો...."
"એમાં આભાર શાનો? મારી ફરજ હતી." જેવા શબ્દો બોલવાનું લોકેશને જરૂરી ના લાગ્યું. તે બોલ્યો:"લસિકા, તું પણ મારો જીવ બચાવી શકે છે!"
"શું કહો છો?" લસિકાએ આશ્ચર્યથી પૂછ્યું.
"જુઓ, આજે પાળ પર બેઠા ત્યારે જ હું મારા પ્રેમનો એકરાર કરવાનો હતો...."
"હું પણ!"
"અનાયાસ આ દુર્ઘટના બની ગઇ. મારું સદભાગ્ય કે તને બચાવી શક્યો. મારો જીવ તારામાં જ હતો. હું ઘણા દિવસોથી મનોમન તને ચાહવા લાગ્યો હતો. પણ કહેવાની હિંમત ન હતી. આજે એકલા છીએ ત્યારે મારી લાગણી વ્યક્ત કરતાં મને રોકી શકતો નથી....મારી સાથે લગ્ન કરીને મારો જીવ બચાવી લે..."
"લોકેશ, હું પણ તમને પસંદ કરવા લાગી હતી પણ મારા પ્રત્યેની તમારી લાગણી જોયા પછી તમને ચાહવા લાગી છું...તમે બહુ જલદી આગળ વધવાની વાત કરી! ઓહ! બહુ મોડું થઇ ગયું....." કહી લસિકા ઊઠી અને કપડાં સરખા કરી બેગ હાથમાં લઇ ચાલતાં બોલી:"ચાલો જલદી, મારે ઘરે પહોંચવું પડશે. મમ્મી-પપ્પા રાહ જોતા ઊંચા-નીચા થતા હશે. હું એકની એક અને વળી યુવાન છોકરી છું!"
"હા, તારે ઘરે પહોંચવું જ જોઇએ."
બંને અલક-મલકની વાતો સાથે એકબીજાની વાત કરતાં સગવારા ગામના મુખ્ય બસ સ્ટેન્ડ સુધી આવી પહોંચ્યા. એકબીજાથી છૂટા પડવા જાણે દિલ માનતું ન હતું. લસિકાને ઘરે જલદી પહોંચવાની ઉતાવળ ના હોત તો લોકેશ હજુ તેની સાથે બેસી રહ્યો હોત.
લસિકા ગયા પછી પણ તેની યાદ પીછો છોડતી ન હતી. તે બીજી બસ મળ્યા પછી ઘરે પહોંચ્યો. આજે તેને રસોઇ બનાવવાનું મન જ ના થયું. લસિકાને મળીને, સ્પર્શીને જાણે ભૂખ જ શમી ગઇ હતી. તેણે ઘરમાં સૂકો નાસ્તો હતો એ ચા સાથે ખાઇ લીધો. અને મીઠા સપનામાં સરી ગયો. અચાનક પવનના સૂસવાટાથી બારી ખખડી. તેને થયું કે કોઇ આવ્યું છે. અચાનક દરવાજો ખખડતો હોવાનો ભ્રમ થયો. તેણે ઊઠીને દરવાજો ખોલ્યો તો સામે લસિકા હતી. તે લસિકાને જોઇ ખુશ થઇ ગયો. અને લસિકાને બાથમાં લેવા આગળ વધ્યો. જેવી લસિકાને બાથમાં લીધી કે બંને હાથ સામસામે અથડાયા અને તે પથારીમાં જ બેઠો થઇ ગયો. લસિકા સપનામાં તેને સતાવી રહી છે! એમ બબડી તે સૂઇ ગયો.
આજે સવારથી જ તેનામાં ઉત્સાહ હતો. આજે સંજોગો જુદા હતા. એકતરફી પ્રેમમાં ન હતો. લસિકા પણ તેને ચાહતી હતી. તે દરરોજ લસિકાને એક જ રાહની મુસાફર તરીકે જોતો અને મળતો હતો. આજે એક પ્રેમી તરીકે-જીવન સફરની સહયાત્રી તરીકે મળવાનો હતો. તેના તનમનમાં લસિકાને મળવાનો અને તેની સાથે પ્રેમભરી વાતો કરવાનો ઉમળકો વધી રહ્યો હતો. તે પરવારીને બસ સ્ટેન્ડ પર પહોંચી ગયો. બસને આવવાની દસ મિનિટની વાર હતી.
લોકેશને લાગ્યું કે આજે જાણે એક-એક મિનિટ એક-એક યુગની જેમ વીતી રહી છે. મનમાં લસિકાના નામની જ માળા જપી રહ્યો હતો. આસપાસમાં કોણ ઊભું છે એનો તેનો ખ્યાલ જ ન હતો. તેને હવે કોઇની હાજરી અસર કરતી ન હતી. લસિકાને મળવા દિલ ઉતાવળું બન્યું હતું. એસટી બસ આવી એટલે તે ઝડપથી પાછળની સીટ પર જઇને બેસી ગયો અને લસિકા માટે જગ્યા રોકવા પોતાની બેગ મૂકી દીધી. એક ભાઇએ તેને બેગ હટાવવા કહ્યું ત્યારે તેણે આગળ તરફની એક બેઠક તરફ ઇશારો કર્યો. આજે તેને લસિકા સાથે બેસવાનો રોમાંચ મળવાનો હતો. લોકેશને આજે લાગ્યું કે ડ્રાઇવર ધીમી ગતિએ એસટી બસ ચલાવી રહ્યો છે. બે ગામ વચ્ચેનું અંતર જાણે કપાતું ન હતું. જેવું સગવારા ગામ નજીક આવ્યું કે તેની નજર દૂરથી દેખાતા બસ સ્ટેન્ડ પર લસિકાને શોધવા લાગી. બસ સ્ટેન્ડ પર એસટી બસ ઊભી રહી. આઠ-દસ સ્ત્રી-પુરુષો અંદર આવ્યા. લોકેશે બધી મહિલાના ચહેરા ધારી-ધારીને જોયા. એમાં કોઇ લસિકા ન હતી. લોકેશને નવાઇ લાગી. આજે મળવાનો વાયદો હતો. અને એ તો રોજ નોકરીએ આવે જ છે. તેણે કંડકટરને સહેજ સંકોચ સાથે કહ્યું:"એક મિનિટ, એક મેડમ આવવાના છે..."
કંડકટરે બસ સ્ટેન્ડ તરફ જોઇ કહ્યું:"ભાઇ, અહીં તો કોઇ નથી..." અને બેલ મારી બસને ઉપાડવાનો સંદેશ આપ્યો. બસ ઉપડી ગઇ. લોકેશ બસની પાછળની કાચની બારી તરફ ડોક વાળી ગામ તરફ જોતો જ રહ્યો. લસિકા દેખાઇ જ નહીં.
લોકેશે પહેલા દિવસે એમ વિચારી મન મનાવ્યું કે કદાચ પાણીમાં પલળવાથી લસિકાને શરદી-તાવ જેવું હશે. તેણે આજે આવવાનું ટાળ્યું હશે. પણ એક પછી એક દિવસ વીતવા લાગ્યા અને લસિકા આવતી જ ન હતી. શું તેને કોઇ ગંભીર બીમારી હશે? તેણે એસટી બસ બદલી નાખી છે? તેણે નોકરી છોડી દીધી હશે? શું તે બીજા કોઇને ચાહતી હશે? મેં જીવ બચાવ્યો એટલે ના પાડી શકી ન હતી? તેણે પ્રેમનું નાટક કર્યું ? જાતજાતની કલ્પનાઓ અને શંકા સાથે લોકેશે લસિકાની રાહમાં આંખો બિછાવી એક અઠવાડિયું પૂરું કર્યું. હવે તેનાથી રહેવાયું નહીં. લોકેશ પાસે ગામનું અને તેનું નામ જ હતું. તે ક્યાં રહે છે એની કોઇ માહિતી ન હતી.
આજે તેણે નક્કી કર્યું કે સગવારા ગામમાં ઊતરી જઇ લસિકાના ઘરે જશે. અને તેના વિશે માહિતી મેળવશે. સવારે તે પોતે રોજ જતો હતો એ બસને બદલે વહેલી બસ પકડી અને સગવારા ગામ પહોંચી ગયો. બસ સ્ટેન્ડ નજીકની એક કરિયાણાની દુકાનમાં તેણે લસિકા વિશે માહિતી પૂછી. દુકાનદારને આ નામની કોઇ છોકરી વિશે માહિતી ન હતી. લોકેશને તેની વિચિત્ર નજર ના ગમી. લોકેશ સગવારા ગામ તરફ વળ્યો. બે-ત્રણ જણને રસ્તામાં પૂછ્યું પણ કોઇને લસિકા વિશે જાણકારી ન હતી. તે કંઇક વિચારીને સગવારા બસ સ્ટેન્ડ પર પાછો ફર્યો. દરરોજ જે બસમાં પોતાને લસિકા મળતી હતી તેના આવવાની રાહ જોવા લાગ્યો. એસટી બસ આવવાનો સમય થયો ત્યાં સુધીમાં પાચ-છ જણ બસમાં બેસવા આવી ગયા હતા. તેમાં એક મહિલા હતી. લોકેશે થોડા સંકોચ સાથે પૂછ્યું:"બહેન, આ બસમાં રોજ લસિકા નામની યુવતી આવતી હતી એને ઓળખો છો?"
મહિલાએ લોકેશ તરફ નવાઇથી જોયું. એણે લોકેશને અનેક વખત બસમાં જોયો હતો. તે આ રીતે સવાલ કરશે એવી કલ્પના નહીં હોય. તે કંઇ બોલવા જાય એ પહેલાં બસ આવી ગઇ. લોકેશને ઇશારાથી બસમાં આવવાનું કહીં બસનો દાદર ચઢી ગઇ. લોકેશ તેની પાછળ બસમાં ચઢ્યો. તેને થયું કે આ મહિલા મદદ કરશે. પેલી મહિલાએ એક ખાલી જગ્યાએ બેઠક લીધી ત્યાં બાજુમાં જઇ લોકેશ ઊભો રહ્યો. પેલી મહિલા બોલી:"લસિકાને ભૂલી જાવ..." એક આંચકા સાથે બસ ચાલી અને એ મહિલાની વાત સાંભળી લોકેશને શરીર સાથે દિલમાં પણ આંચકો લાગ્યો.
"કેમ શું થયું?" લોકેશે સહેજ ઝૂકીને તેમને પૂછ્યું.
પેલી મહિલાએ આજુબાજુ જોઇ ધીમા સ્વરમાં કહ્યું:"ગઇ..."
લોકેશને બીજો આંચકો લાગ્યો.
*વધુ હવે પછીના પ્રકરણમાં*